ઈઝરાયેલના પીએમએ હાઈફા પૉર્ટ પ્રોજેક્ટને અદાણી ગ્રૂપને સોંપ્યો
અદાણી પૉર્ટ્સ ઍન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન અને ઈઝરાયેલના ગાદોટ ગ્રૂપના એક કન્સોર્ટિયમે ગયા વર્ષે જુલાઈમાં હાઈફા પૉર્ટના ખાનગીકરણ માટે 1.18 અબજ ડૉલરનું ટેન્ડર જીત્યું હતું.
લાઇવ કવરેજ
બજેટ વિશેની આ રસપ્રદ વાતો તમે જાણો છો?
ઈઝરાયેલના પીએમએ હાઈફા પૉર્ટ પ્રોજેક્ટને અદાણી ગ્રૂપને સોંપ્યો

ઇમેજ સ્રોત, DEBBIE HILL/POOL/EPA-EFE/REX/Shutterstock
ઈઝરાયેલના વડા પ્રધાન બેન્ઝામીન નેતન્યાહુએ અદાણી જૂથ સાથે કરવામાં આવેલા હાઈફા પૉર્ટ કરારને 'સીમાચિહ્નરૂપ' ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ પૉર્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ભારત અને ઈઝરાયેલ વચ્ચે ઘણી રીતે કનેક્ટિવિટી વધારશે.
શિપિંગ કન્ટેનર્સ અને ક્રૂઝ શિપોની દ્રષ્ટિએ હાઇફા બંદર ઇઝરાયેલનું બીજું સૌથી મોટું બંદર છે.
અદાણી જૂથના ચૅરમૅન ગૌતમ અદાણી સાથે પૉર્ટ બુક પર હસ્તાક્ષર કર્યા બાદ બેન્જામીન નેતન્યાહુએ જણાવ્યું હતું કે, "મને લાગે છે કે આ કરાર સીમાચિહ્નરૂપ છે."
તેમણે કહ્યું, "સો કરતાં વધુ વર્ષ પહેલાં અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બહાદુર ભારતીય સૈનિકોએ જ હાઈફા શહેરને આઝાદ કરવામાં મદદ કરી હતી. અને આજે તેઓ ખૂબ જ મજબૂત ભારતીય રોકાણકાર છે જે હાઈફા બંદરને એક નવા સ્વરૂપમાં બનાવવામાં મદદ કરી રહ્યા છે."
પીએમ નેતન્યાહુએ કહ્યું કે આ વિસ્તાર પ્રવેશ અને નિકાસનું કેન્દ્ર બની જશે. આના કારણે હવે સામાન અરબી દ્વીપકલ્પનું ચક્કર લગાવ્યા વિના અને ત્રણ 'ચોક પોઈન્ટ'માંથી પસાર થયા વિના સીધા ભૂમધ્ય સમુદ્ર અને યુરોપમાં પહોંચી શકાશે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
અદાણી પૉર્ટ્સ ઍન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન અને ઈઝરાયેલના ગાદોટ ગ્રૂપના એક કન્સોર્ટિયમે ગયા વર્ષે જુલાઈમાં હાઈફા પૉર્ટના ખાનગીકરણ માટે 1.18 અબજ ડૉલરનું ટેન્ડર જીત્યું હતું.
આ વર્ષે 11 જાન્યુઆરીના રોજ સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, ત્યારબાદ પૉર્ટનું વિકાસ કાર્ય શરૂ થઈ ગયું છે.
ભારતીય ભાગીદાર અદાણી પૉર્ટ્સ આ કન્સોર્ટિયમમાં 70% હિસ્સો ધરાવે છે જ્યારે ઇઝરાયેલની કંપની ગાદોટ ગ્રૂપ 30% ધરાવે છે.
ગૌતમ અદાણીની કંપની ભારતમાં 13 સી ટર્મિનલને નિયંત્રિત કરે છે અને ભારતનો 24 ટકા દરિયાઈ વેપાર આ બંદરો દ્વારા થાય છે.
હાઈફા પૉર્ટના અધિગ્રહણ દ્વારા ઈઝરાયેલમાં અદાણીની એન્ટ્રીને 'વ્યૂહાત્મક ખરીદી' તરીકે ઓળખવામાં આવી રહી છે.
ઈઝરાયેલમાં કોઈપણ ક્ષેત્રમાં આ કદાચ સૌથી મોટું વિદેશી રોકાણ છે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદના બજેટ સત્રમાં આર્થિક સર્વેક્ષણ 2022-23 રજૂ કર્યું

ઇમેજ સ્રોત, Getty Images
સંસદમાં કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ સત્રની શરૂઆત સાથે જ સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2022-23 રજૂ કર્યું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સંસદને સંબોધન બાદ આર્થિક સર્વેક્ષણ એટલે કે ઇકોનોમિક સર્વે 2022ની રિપોર્ટને રજૂ કરાયો.
આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ 2023-24માં ભારતનો જીડીપી 6.0 ટકાથી 6.8 ટકા જેટલો રહેવાનું અનુમાન કરાયું છે. આ છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ધીમો ગ્રોથ હશે.
સર્વેક્ષણમાં કહેવાયું છે કે કોરોના મહામારીમાં ભાંગી પડેલી દેશની અર્થવ્યવસ્થા હવે સુધરી રહી છે. કોવિડ મહામારીમાં જે આર્થિક ગતિવિધીઓ ધીમી થઈ ગઈ હતી તેમાં હવે ગતિ આવી છે.
આર્થિક સર્વે અમૃત કાળની થીમ પર આધારીત છે.
સર્વેમાં કહેવાયું છે કે સપ્લાય ચેનમાં સુધારો થવાને કારણે મજબૂત ઘરેલુ માગથી વિકાસને વેગ મળશે. સર્વેમાં એમ પણ કહેવાયું છે કે આવતા નાણાકીય વર્ષમાં રિટેલ મોંધવારી દર 6 ટકા રહેવાની આશા છે.
સર્વેમાં કહેવાયું છે કે કૉર્પોરેટ અને કંપનીઓની બેલેન્સશીટમાં મજબૂતીના સંકેત મળ્યા છે. સાથે સ્ટીલ પ્રોડક્શનમાં ભારત વૈશ્વિક તાકત બન્યું છે.
સર્વેમાં એમ પણ કહેવાયું છે કે દેશમાં વિદેશી મુદ્રાનો પર્યાપ્ત ભંડાર છે. જેને કારણે વર્તમાન ખાધની ભરપાઈ કરી શકાશે. જોકે વર્તમાન ખાધ વધશે તો રૂપિયા પર દબાણ વધી શકે છે.
સાથે જ ચિંતા વ્યક્ત કરાઈ છે કે રિઝર્વ બૅન્ક પાસે રૂપિયાનું અવમૂલ્યન રોકવા માટે વિદેશી મુદ્રા ભંડારમાં હસ્તક્ષેપ પણ કરવો પડી શકે.
મોંધવારીના મુદ્દે કહેવાયું છે કે આવનારા દિવસોમાં મોંધવારીને કાબૂમાં રાખવાનો મોટો પડકાર રહેશે. સાથે એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળામાં માલ અને સેવાઓની નિકાસ 16 ટકા વધી છે.
સર્વેમાં વર્ષ દરમિયાન કેપિટલ એક્પેન્ડિચરના લક્ષ્યાંકને સફળતા પૂર્વક હાંસલ કરાશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના: ઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલ કોર્ટમાં હાજર

ઇમેજ સ્રોત, OREVA.COM
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર, ઓરેવા ગ્રૂપના માલિક અને મોરબીમાં પુલ દુર્ઘટનામાં આરોપી જયસુખ પટેલ મોરબીની ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થયા છે.
ઉલ્લેખનીય છે કે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા 135 લોકોનાં મોત થયાં હતાં, જેના લગભગ ત્રણ મહિના બાદ ઓરેવા ગ્રૂપના પ્રમોટર અને અજંતા મૅન્યુફૅક્ચરિંગ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલનું ચાર્જશીટમાં મુખ્ય આરોપી તરીકે નામ સામેલ કરવામાં આવ્યું હતું.
આ ઘટના બાદ જયસુખ પટેલ ગાયબ હતા અને તેમની ધરપકડ માટે વૉરંટ બહાર પાડવામાં કરવામાં આવ્યું હતું. ધરપકડના ડરથી તેમણે 16 જાન્યુઆરીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.
1,262 પાનાંની ચાર્જશીટમાં જયસુખ પટેલનું મુખ્ય આરોપી અને 'ભાગેડુ' તરીકે નામ આપવામાં આવ્યું હતું.
અજંતા બ્રાન્ડ હેઠળ ઘડિયાળના ઉત્પાદન માટે જાણીતી કંપની ઓરેવા ગ્રૂપને મચ્છુ નદી પરના 100 વર્ષ જૂના સસ્પેન્શન બ્રિજના નવીનીકરણ, સંચાલન અને જાળવણીનો કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. બ્રિજ ફરીથી ખુલ્લો મૂકાયો, એના ચાર દિવસ પછી 30 ઑક્ટોબરે તૂટી પડ્યો હતો.
પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 304 (હત્યા), 308 (હત્યાનો પ્રયાસ) અને 114 હેઠળ "જવાબદાર એજન્સીઓ" વિરુદ્ધ FIR નોંધી હતી. ઑક્ટોબર 2022માં કોઈના વિશેષ નામનો ઉલ્લેખ કર્યા વિના ફરિયાદ નોંધાઈ હતી, તેમાં એવું પણ નોંધાયું હતું કે "અન્ય જવાબદાર લોકોનાં નામ તપાસ દરમિયાન બહાર આવી શકે છે."
ત્યારબાદ, એએમપીએલના મૅનેજર દીપક પારેખ અને દિનેશભાઈ દવે, બે ટિકિટ બુકિંગ ક્લાર્ક, બ્રિજ પર હાજર ત્રણ સિક્યૉરિટી ગાર્ડ અને ગયા વર્ષે માર્ચ અને ઑક્ટોબર વચ્ચે બ્રિજનું સમારકામ અને જાળવણી કરતા બે ખાનગી કૉન્ટ્રેક્ટર સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પારેખ અને દવે અનુક્રમે મોરબી અને સામખિયાળી મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટનો હવાલો સંભાળતા હતા.
પાકિસ્તાનના પેશાવરમાં મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા વધીને 92 થઈ

ઇમેજ સ્રોત, EPA
પાકિસ્તાનના પેશાવરની પોલીસ લાઈનની મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં મરનારની સંખ્યા 92 થઈ ગઈ છે અને મસ્જિદની ઇમારતને પણ નુકસાન થયું છે.
માર્યા ગયેલા લોકોમાં વધુ પડતા પોલીસ કર્મચારી અથવા અધિકારી હતા, જે મસ્જિદમાં બપોરની નમાજ પઢી રહ્યા હતા.
પેશાવરના લેડી રીડિંગ હૉસ્પિટલના પ્રવક્તા મોહમ્મદ આસિમે પુષ્ટિ કરી છે કે, ‘મસ્જિદ બ્લાસ્ટમાં મરનારની સંખ્યા વધીને હવે 92 થઈ ગઈ છે.’
પ્રવક્તા અનુસાર, હાલ હૉસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્તોની સંખ્યા 57 છે, જેમની સારવાર ચાલી રહી છે. કુલ 157 ઈજાગ્રસ્તને લેડી રીડિંગ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા છે, જેમાંથી વધુ પડતા લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
રેસ્ક્યૂ 1122 પેશાવર અનુસાર, આતંકવાદના નિશાના પર બનેલી મસ્જિદની ઇમારતમાં કોઈ ફસાયું નથી.
બચાવ સંગઠનના અધિકારીઓનું કહેવું છે કે, વિસ્ફોટ બાદ શરૂ થયેલા અભિયાનમાં ઇમારતમાંથી કુલ 24 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે નવ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું છે કે, “ઉગ્રવાદી પાકિસ્તાનની રક્ષા કરી રહેલા લોકોને નિશાનો બનાવીને ભય અને આતંકનું વાતાવરણ ઊભું કરવાનું વિચારી રહ્યા છે.”
શરૂઆતમાં પાકિસ્તાન તાલિબાનના એક કમાન્ડરે આ બ્લાસ્ટને અંજામ આપવાનો દાવો કર્યો હતો, પરંતુ બાદમાં સંગઠને ઇનકાર કરી દીધો હતો.
આસારામના વકીલે બિલકીસ બાનો કેસના દોષિતોની સજામાફીનો દાખલો આપી રાહતની વિનંતી કરી

ઇમેજ સ્રોત, Getty Images
આસારામના દુષ્કર્મના બીજા કેસમાં પણ દોષિત જાહેર થયા હતા અને તેમની સજાનું એલાન બપોરે સાડા ત્રણ વાગ્યે થવાનું છે.
ગાંધીનગરની સેસન્સ કોર્ટ આસારામને સજા સંભળાવશે. ગઇકાલે કોર્ટે આસારામને દોષિત જાહેર કર્યા હતા અને તેમની સાથેના અન્ય 6 અભિયુક્તોને નિર્દોષ છોડ્યા હતા.
સવારે આ મામલે બંને પક્ષોના વકીલોએ પોતાની દલીલો કરી હતી.
આ કેસના સ્પેશિયલ પબ્લિક પ્રૉસિક્યૂટર આર. સી. કોડેકરે સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું હતું કે તેમણે કોર્ટ સમક્ષ આસારામને સખતમાં સખત સજા આપવાની વિનંતી કરી છે.
કોડેકરે કહ્યું કે, “બનાવની ગંભીરતાને જોતા આસારામને મહત્તમ સજા થવી જોઈએ.” કોડેકરે વધુમાં જણાવ્યું હતું કે અભિયુક્તને મદદ કરતા સંજોગો ઓછા છે. તેમની ઉંમર માત્ર તેમને મદદ કરી શકે છે. પણ કોડેકરે વાતચીતમાં કહ્યું કે તેમણે કોર્ટ સમક્ષ દલીલ કરી છે કે જે પ્રકારે આસારામે દુષ્કૃત્ય કર્યું છે તેને જોતા કોર્ટે તેમના પર કોઈ દયા દાખવવી ન જોઈએ અને તેમને જનમટીપની સજા આપવી જોઈએ.
બીજી તરફ બચાવ પક્ષના વકીલ ચન્દ્રશેખર ગુપ્તાએ બિલકીસ બાનોના કેસમાં દોષિતોને સજા માફીનો કિસ્સો ટાંકીને તેમની માફક આસારામને રેમિશન અંતર્ગત સજામાંથી રાહત આપવાની વિનંતી કરી છે.
નવ વર્ષની બાળકીની હત્યા બાદ તેના મૃતદેહ સાથે દુષ્કર્મ કરનારાને ફાંસીની સજા

વલસાડ જિલ્લાની વાપી કોર્ટે નવ વર્ષીય બાળકી સાથે બળાત્કાર અને હત્યા નિપજવવાના એક કેસમાં એક આરોપીને ફાંસીની સજા ફટકારી છે.
2020ના ફેબ્રુઆરીમાં વાપી ટાઉન વિસ્તારમાં ધોરણ 4માં અભ્યાસ કરતી એક બાળકી પર દુષ્કર્મ કરવાના ગુનામાં અભિયુક્ત રાજેશ ગુપ્તાને દોષિત ઠેરવીને મૃત્યદંડ આપવામાં આવ્યો છે.
મૃત્યુદંડ આપવાની સાથે કોર્ટે ભોગ બનનારા બાળકીનાં માતા-પિતાને વળતર પેટે 17 લાખ રૂપિયા આપવા માટે વલસાડના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ પણ કરી છે.
શું હતી ઘટના
વલસાડ જિલ્લાના વાપી શહેરમાં 7 ફેબ્રુઆરી, 2020ના દિવસે એક ધોરણ 4માં અભ્યાસ કરતી બાળકીનો મૃતદેહ તેના ઘરમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ બાળકી નવ વર્ષની હતી.
આ હત્યાના મામલે વાપી પોલીસે રાજેશ ગુપ્તા નામના અભિયુક્તની ધરપકડ કરી હતી. અભિયુક્ત રાજેશ ગુપ્તા મૃતક બાળકી જ્યાં રહેતી હતી તે જ ચાલીમાં જ રહેતો હતો.
વાપી પોલીસના જણાવ્યા પ્રમાણે, “આરોપી એ પણ જાણતો હતો કે દિવસ દરમિયાન બાળકીનાં માતા-પિતા અને તેનો ભાઈ આખો દિવસ નોકરી ધંધાર્થે ઘરની બહાર હોય છે અને તે આ સમયે એકલી હોય છે.”
પોલીસ વધુમાં જણાવે છે કે, “એક દિવસે આરોપી બપોરે બાળકીના ઘરમાં ગયો અને ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકીએ બૂમાબૂમ કરતા આરોપીએ નવ વર્ષીય માસૂમ બાળકીનું મોઢું દબાવી ગળે ટૂંપો આપી તેની હત્યા કરી નાખી.”
ચોંકાવનારી વાત પોલીસે એ જણાવી કે, “આરોપી રાજેશે બાળકીની હત્યા કર્યા બાદ પણબાળકીના મૃતદેહ સાથે પણ દુષ્કર્મ કર્યું હતું. જોકે ત્યારબાદ રાજેશે બાળકીએ આપઘાત કર્યો છે તેવો ક્રાઇમ સીન ઊભો કરવા બાળકીના મૃતદેહને ગળે ફાંસો આપી ઘરના પંખા સાથે લટકાવી હતી.”
આ જઘન્ય અપરાધના મામલે વાપીમાં ઝડપી કાર્યવાહી કરવામાં આવી. વાપી કોર્ટમાં પોકસો ઍક્ટ હેઠળના સ્પેશિયલ જજ કે. જે. મોદીએ નવ વર્ષની બાળકીના બળાત્કાર અને હત્યાના મામલે રાજેશ ગુપ્તાને દોષિત જાહેર કરીને તેને ફાંસીની સજા ફટકારી છે.
બાળકીની એકલતાનો લાભ લઇ પહેલાં બળાત્કાર કરવાનો પ્રયાસ અને ત્યારબાદ હત્યા અને પછી તેના પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ તેને રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી લટકાવી દેવાનો અપરાધ કરનાર દોષિત રાજેશ ગુપ્તાને ફાંસી આપવાનો કેસ રેરેસ્ટ ઑફ રેર કૅટેગરીમાં ગણવાયો છે.
આવા સંજોગોમાં આરોપીને ફાંસી સિવાય અન્ય કોઈ સજા કરી શકાય જ નહિ, તેવી દલીલો ગ્રાહ્ય રાખી આઇ.પી.સીની કલમ 302નાં ગુનામાં દેહાંત દંડ તથા પોક્સો ઍક્ટની કલમ 6માં દેહાંત દંડની સજાનો હુકમ કર્યો છે.
વધુમાં આ ગુનામાં ભોગ બનનારના માતા-પિતાને 17 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
ગૌતમ અદાણી દુનિયાના સૌથી અમીર દસ લોકોની યાદીમાંથી બહાર

ઇમેજ સ્રોત, Reuters
અદાણી ગ્રૂપના સંસ્થાપક ગૌતમ અદાણી મંગળવારે દુનિયાના દસ સૌથી વધુ અમીર લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે.
અમેરિકી ફૉરેન્સિક ફાઇનાન્સિયલ કંપની હિંડનબર્ગ તરફથી અદાણી ગ્રૂપ પર નાણાકીય અનિયમિતતા સાથે જોડાયેલા ગંભીર આરોપ લગાવ્યા બાદ અદાણી ગ્રૂપના શૅરોમાં ઘટાડો નોંધાયો છે.

ઇમેજ સ્રોત, Bloomberg
છેલ્લા ત્રણ બિઝનેઝ ડેઝમાં અદાણી ગ્રૂપની માર્કેટ પૂંજીમાં કૂલ 5.6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ગૌતમ અદાણીની ખાનગી સંપત્તિ પર પણ તેની અસર થઈ છે.
છેલ્લા કેટલાક દિવસોમાં દુનિયાના પાંચ સૌથી અમીર લોકોની યાદીમાંથી બહાર થયા બાદ હવે દસ સૌથી અમીર લોકોની યાદીમાંથી બહાર છે.
આર્થિક જગત સાથે જોડાયેલા સમાચાર આપતા ગ્રૂપ બ્લૂમબર્ગે તાજેતરની યાદીમાં ગૌતમ અદાણી 11મા સ્થાન પર પહોંચી ગયા છે. આ યાદી આજે એટલે કે 31 જાન્યુઆરી એ જ અપડેટ કરવામાં આવી છે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
જોકે, ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં તેઓ હજુ પણ આઠમાં ક્રમે છે.
મંગળવારે શૅર માર્કેટના શરૂઆતના કારોબારમાં અદાણી એન્ટરપ્રાઇઝના શૅરમાં બે ટકાનો વધારો જોવા મળ્યો છે.
આજે અદાણી એન્ટરપ્રાઇઝના 20 હજાર કરોડના એએફપીઓનો અંતિમ દિવસ પણ છે.
દરેકની નજર એ વાત પર અટકેલી છે કે શૉર્ટ સેલિંગ રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ કંપની તેના એએફપીઓ માટે રોકાણકારોનો વિશ્વાસ જીતી શકે છે કે નહીં.
24 જાન્યુઆરીએ આ રિપોર્ટના જાહેર થયા બાદ અદાણી ગ્રૂપની લિસ્ટ થયેલી કંપનીઓને 65 અરબ ડૉલરનું નુકસાન થયું છે. અદાણી ગ્રૂપે આ રિપોર્ટને પાયાવિહોણો ગણાવ્યો છે.
સમાચાર એજન્સી રૉયટર્સના અહેવાલ અનુસાર, એએફપીઓની સફળતા જ બતાવશે કે અદાણી ગ્રૂપ હિંડનબર્ગ રિપોર્ટના ઝટકાથી બચી શકશે કે નહીં.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, 'દેશનો આત્મવિશ્વાસ ટોચ પર, વિશ્વને સમાધાન આપી રહ્યું છે ભારત'

ઇમેજ સ્રોત, SANSAD TV
આજે ભારતનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે સંસદના બજેટ સત્ર પહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સંબોધન આપ્યું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સંબોધન આપતાં જણાવ્યું હતું કે, "આજે ભારતનો આત્મવિશ્વાસ ચરમસીમા પર છે અને દુનિયા તેને અલગ દ્રષ્ટિકોણથી જોઈ રહી છે. ભારત વિશ્વને સમાધાન પ્રદાન કરી રહ્યું છે."
"એવું ભારત હોવું જોઈએ કે જેમાં ગરીબી ન હોય, જેનો મધ્યમ વર્ગ પણ સમૃદ્ધ હોય, એવું ભારત જેમાં યુવાનો અને મહિલાઓ સમાજ અને દેશને રસ્તો બતાવવા અગ્રેસર હોય, એવું ભારત હોય કે જેની યુવા પેઢી બે હોય."
તેઓએ વધુમાં કહ્યું હતું કે, "2047 સુધીમાં આપણે એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે, જે ભૂતકાળના ગૌરવ સાથે જોડાયેલું હોય અને જેમાં આધુનિકતાના તમામ સુવર્ણ પ્રકરણો હોય. આપણે એવા ભારતનું નિર્માણ કરવું પડશે જે 'આત્મનિર્ભર' હોય અને તેની માનવતાવાદી ફરજો પૂરી કરવા સક્ષમ હોય."

ઇમેજ સ્રોત, ANI
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, "મારી સરકારના પ્રયાસોનું પરિણામ છે કે મોટાભાગની સુવિધાઓ કાં તો 100 ટકા લોકો સુધી પહોંચી છે અથવા તો પહોંચવાની જ છે. આપણે જોયું છે કે કોરોનાના સમયગાળા દરમિયાન સમગ્ર વિશ્વમાં ગરીબો માટે જીવવું કેટલું મુશ્કેલ હતું, પરંતુ ભારત તે દેશોમાંનો એક છે, જેણે ગરીબોનો જીવ બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા છે અને દેશમાં કોઈ ગરીબ ભૂખ્યો નથી રહ્યો."
"સરકારે PM ગરીબ કલ્યાણ યોજનાને આગળ પણ ચલાવવાનો નિર્ણય લીધો છે. આ એક સંવેદનશીલ અને ગરીબ હિતકારી સરકારની ઓળખ છે. સરકાર ગરીબોને મફત અનાજ આપી રહી છે. આજે આ પગલાની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે."
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, "આપણા દેશોમાં ઘણાં વિભાગો અને ક્ષેત્રો છે, જેમના સર્વાંગી વિકાસની કલ્પના તેમની અપેક્ષાઓ અને જરૂરિયાતો પર ધ્યાન આપીને જ કરી શકાય છે."
"અમારી સરકાર આવાં વિભાગો અને ક્ષેત્રોને પ્રાથમિકતા આપીને કામ કરી રહી છે. મારી સરકારે સદીઓથી વંચિત એવાં દરેક વર્ગ માટે કામ કર્યું છે. ગરીબ, દલિત અને પીડિત લોકો માટે કામ કર્યું છે, જેથી તેઓ સપના જોઈ શકે."
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, "આઝાદીના આ અમૃતકાળમાં દેશના અમૃત ઇતિહાસનું ગૌરવ સામેલ છે. આ આપણા સામે યુગ-નિર્માણનો અવસર છે, આપણે તેના માટે વધારેથી વધારે કામ કરવાના રહેશે."
"મારી સરકારને જ્યારે પ્રથમવાર લોકોએ અવસર આપ્યો છે તો તેની શરૂઆત અમે ‘સૌના સાથ અને સૌના વિકાસ’ સાથે કરી હતી. વિકાસના પથ પર ચાલતા કેટલાક મહિનોમાં 9 વર્ષ પૂર્ણ થઈ જશે."
તેઓએ વધુમાં કહ્યું હતું કે, "દુનિયાની મેન્યુફૅક્ચરિંગ કંપનીઓ પણ ભારતમાં આવી છે, 55થી વધુ નેશનલ હાઈવે બનાવવામાં આવ્યા છે."
વડા પ્રધાન મોદીએ બજેટ સત્ર શરૂ થતા પહેલાં કહ્યું, 'સમગ્ર વિશ્વ ભારતના બજેટ તરફ મીટ માંડી બેઠું છે'

ઇમેજ સ્રોત, ANI
આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આજે રાષ્ટ્રપતિ મુર્મૂ બંને સદનોની સંયુક્ત બેઠકમાં તેમનું પ્રથમ ભાષણ આપશે. ત્યારબાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બપોરે એક વાગ્યે આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે.
એએનઆઈ અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, “આજથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આર્થિક જગતમાં ઓળખ ધરાવતા લોકોનો અવાજ આશાનું કિરણ લાવી રહ્યો છે."
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, "આજે ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ પ્રથમ વખત સંયુક્ત સદનને સંબોધિત કરવા જઈ રહ્યા છે. તેમનું સંબોધન ભારતના બંધારણ, સંસદીય પ્રણાલીનું ગૌરવ છે અને આજે મહિલાઓનું સન્માન કરવાની તક પણ છે. ભારતના બજેટ પર સમગ્ર દુનિયાની નજર રહે છે."
પીએમ મોદીએ કહ્યું છે કે તેઓ આશા રાખે છે કે ભારતીય સંસદની પરંપરા અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું સંબોધન ઉમંગ, ઊર્જા અને ઉત્સાહથી ભરેલું રહે.
આ સાથે તેમણે કહ્યું કે, “આપણા દેશના નાણામંત્રી પણ એક મહિલા છે, તેઓ આવતીકાલે વધુ એક બજેટ લઈને દેશની સામે આવી રહ્યાં છે. આજની વૈશ્વિક પરિસ્થિતિમાં માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું ધ્યાન ભારતના બજેટ તરફ છે. વિશ્વની અસ્થિર આર્થિક પરિસ્થિતિમાં ભારતનું બજેટ ભારતના સામાન્ય માણસની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે."
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
અદાણી ગ્રૂપે ત્રણ દિવસમાં 5.6 લાખ કરોડ ગુમાવ્યા, શું તેને બચાવવા આવ્યું અબુ ધાબી

ઇમેજ સ્રોત, Getty Images
અદાણી ગ્રૂપને હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યા બાદથી અત્યાર સુધી કુલ 5.6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, છેલ્લા ત્રણ બિઝનેસ ડેઝ એટલે કે 25, 27 અને 30 જાન્યુઆરીએ અદાણી ગ્રૂપની માર્કેટ પૂંજીમાં 29 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેની કિંમત ભારતીય ચલણમાં લગભગ 5.6 લાખ કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે.
અદાણી ગ્રૂપે રવિવારે સાંજે અમેરિકી ફૉરેન્સિક ફાઇનાન્સિયલ કંપની હિંડનબર્ગના રિપોર્ટનો 413 પાનાંનો લાંબો જવાબ આપ્યો હતો.
અદાણી ગ્રૂપે તેના જવાબમાં આ રિપોર્ટને ‘ભારત પર હુમલો’ ગણાવ્યો હતો, પરંતુ આ પછી પણ સોમવારે બજાર બંધ થવા સુધી અદાણી ગ્રૂપની મોટાભાગની કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
અહેવાલ અનુસાર, અદાણી ગ્રૂપની માર્કેટ પૂંજીમાં સોમવારે 1.4 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો.
આ રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રૂપના સંસ્થાપક ગૌતમ અદાણીના નેટવર્થમાં પણ ઘટાડો નોંધાયો છે.
જેના કારણે તેઓ દુનિયાના પાંચ સૌથી અમીર લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે.

ઇમેજ સ્રોત, Reuters
ફોર્બ્સની રીયલ ટીમ બિલિયોનેર લિસ્ટ અનુસાર, ગૌતમ અદાણી હાલમાં 88.2 અરબ ડૉલરની સંપત્તિ સાથે દુનિયાના આઠમા સૌથી અમીર માણસ છે.
જોકે, આ સમગ્ર ઍપિસોડમાં અદાણી ગ્રૂપ માટે અબુધાબીથી રાહતના સમાચાર આવ્યા છે.
અબુ ધાબીના શાહી પરિવાર સાથે જોડાયેલી ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપનીએ અદાણી ગ્રૂપના એફપીઓમાં 3,260 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે.
અગ્રેજી અખબાર ધ ટેલીગ્રાફના અહેવાલ અનુસાર, અદાણી ગ્રૂપે ફૉલો ઑન પબ્લિક ઑફર દ્વારા 4.55 કરોડ શૅર માર્કેટમાં ફ્લોટ કર્યા હતા, જેમાંથી અબુ ધાબીએ 16 ટકા શૅર ખરીદવાની જાહેરાત કરી છે.
અદાણી ગ્રૂપના આ એફપીઓને ખરીદવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી છે, પરંતુ સોમવારના દિવસનું માર્કેટ પૂર્ણ થવા સુધી તેના માત્ર ત્રણ ટકા શૅર ખરીદવામાં આવ્યા હતા.
જોકે, હિન્દુ બિઝનેસ લાઈને તેના તાજેતરના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, મંગળવારે અદાણી ગ્રૂપના એફપીઓમાં દુબઈ અને ભારત સ્થિત કેટલીક ફેમિલી ઑફિસોમાંથી 9000 કરોડ રૂપિયાનું રોકાણ કરી શકાશે.
ફેમિલી ઑફિસ સાથેનો આશય એ ફર્મો સાથે છે, જે ઘણા અમીર લોકોને તેમની સંપત્તિ સંભાળવામાં મદદ કરે છે.
અખબારને સૂત્રોએ જણાવ્યું હતું કે, આવી ઘણી ફેમિલી ઑફિસે અદાણી ગ્રૂપમાં તેમની રસ દાખવ્યો છે, જેની ઔપચારિક જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે.
આ રોકાણ અબુ ધાબી તરફથી 3200 કરોડ રૂપિયાના રોકાણ ઉપરાંત એન્કર રોકાણકારો તરફથી છ હજાર કરોડથી વધુનું હશે.
આજથી સંસદનું બજેટ સત્ર શરૂ

ઇમેજ સ્રોત, Getty Images
બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે.આ સત્ર બે ભાગમાં યોજવામાં આવશે.પહેલો ભાગ 13 ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે બીજો ભાગ 13 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલશે.
આ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સંબોધનથી થશે.કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે જ ચાલુ વર્ષની આર્થિક સમીક્ષા રજૂ કરશે.
બજેટ સત્રના બીજા દિવસે (બુધવારે) લોકસભામાં નાણાકીય વર્ષ 2023-24 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે.બાદમાં રાજ્યસભામાં બજેટ રજૂ કરવામાં આવશે.
2 ફેબ્રુઆરીથી બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થશે.ત્યારપછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી બંને ગૃહમાં જવાબ આપશે.
પાકિસ્તાન: પેશાવર હુમલામાં ઓછામાં ઓછા 59 લોકોનાં મોત, હાઈ સિક્યૉરિટી વિસ્તારમાં થયો બ્લાસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદમાં નમાજ પઢી રહેલા પોલીસકર્મીઓને નિશાન બનાવી આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 59 લોકો માર્યા ગયા છે.
આ મસ્જિદ પોલીસ હેડક્વાર્ટર વિસ્તારમાં હતી, જ્યાં શહેરની કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે આ ઘટના બાદ કહ્યું હતું કે, "આતંકવાદીઓ પાકિસ્તાનની રક્ષા કરનારાઓને નિશાન બનાવીને ભય પેદા કરવા માગે છે."
શરૂઆતમાંએક પાકિસ્તાની તાલિબાન કમાન્ડરે આ ઘટનાની જવાબદારી લીધી હતી, પરંતુ થોડા સમય પછી સંગઠને હુમલા પાછળ સામેલ હોવાનો ઇનકાર કર્યો હતો.
ઉગ્રવાદી જૂથે નવેમ્બરમાં પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ સમાપ્ત કર્યો હતો અને ત્યારથી હિંસા વધી રહી છે.
ડિસેમ્બરમાં પેશાવરમાં પોલીસ સ્ટેશન પર હુમલો થયો હતો.
હૉસ્પિટલના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 59 લોકોનાં મોત અને 157 લોકો આ ઘટનામાં ઘાયલ થયાની પુષ્ટિ થઈ છે.

ઇમેજ સ્રોત, Getty Images
પેશાવરના પોલીસ પ્રમુખ મોહમ્મદ એજાઝ ખાને સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, “ઘટના સમયે વિસ્તારમાં 300થી 400 પોલીસકર્મીઓ હાજર હતા.”
“મસ્જિદનો વિસ્તાર શહેરના સૌથી વધુ નિયંત્રિત વિસ્તારોમાંનો એક છે, જ્યાં પોલીસ હેડક્વાર્ટર, ગુપ્તચર વિભાગ અને આતંકવાદ વિરોધી બ્યુરોની ઑફિસ છે.”
શરીફે કહ્યું હતું કે, “હુમલા પાછળ જે લોકો છે તેમને 'ઈસ્લામ સાથે કોઈ લેવાદેવા નથી’.”
તેમણે કહ્યું હતું કે, "આતંકવાદના ખતરા સામે સમગ્ર દેશ એકજૂટ છે."
આ બ્લાસ્ટ બપોરે 13:30 (સ્થાનિક સમય મુજબ)ની નમાજ રમિયાન થયો હતો.
આસારામને દુષ્કર્મના બીજા કેસમાં દોષીત સાબિત થતા આજે સજા સંભળાવાશે

ઇમેજ સ્રોત, GETTY IMAGES
દુષ્કર્મ કેસમાં આજીવન જેલની સજા કાપી રહેલા સંત આસારામ બાપુને ગાંધીનગરની એક સેશન્સ કોર્ટે મહિલા શિષ્યા સાથે દુષ્કર્મના મામલામાં દોષીત ઠેરવ્યા છે.
30 જાન્યુઆરી 2023 સોમવારના રોજ ગાંધીનગર સેસન્શ કોર્ટના એડિશનલ સેશન્સ જજ ડીકે સોનીએ આસારામને આ કેસમાં દોષી માન્યા છે. તેમને સજાનું એલાન 31 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે.
આ કેસમાં આસારામ સિવાયના અન્ય છ આરોપીઓ જેમાં આસારામના પત્ની, તેમના દીકરી અને આશ્રમની સેવિકાઓનો સમાવેશ થાય છે, તેમને કોર્ટે શંકાનો લાભ આપીને નિર્દોષ મુક્ત કર્યા છે.
આ કેસ વિશે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર આરસી કોડેકરે સમાચાર સંસ્થા પીટીઆઈને જણાવ્યું હતું કે, “કોર્ટે ફરિયાદ પક્ષના આરોપો માનીને આસારામને આઈપીસી (ઇન્ડિયન પીનલ કોડ)ની કલમો 376 (બળાત્કાર), 377 (અકુદરતી શારીરિક સંબંધ), અને ગેરકાયદેસર ગોંધી રાખવા જેવા ગુનાઓની અન્ય કલમો હેઠળ દોષી માન્યા છે.”
નમસ્કાર!બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
30 જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.
