You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

US : ગુજરાતી મૂળની વ્યક્તિએ પત્ની,બાળકો સાથે પર્વતશિલા પર ટેસ્લા ચઢાવી, બચાવ બાદ ધરપકડ

અમેરિકામાં ગુજરાતી મૂળની ધર્મેશ એ. પટેલ નામની વ્યક્તિને હત્યા અને બાળશોષણના આરોપમાં જેલમાં મોકલી દેવામાં આવી હોવાનું સમાચાર સંસ્થા પીટીઆઈ જણાવે છે.

લાઇવ કવરેજ

  1. US: ગુજરાતી મૂળના પટેલે પત્ની,બાળકો સાથે પર્વતશિલા પર ટેસ્લા ચઢાવી, બચાવ બાદ ધરપકડ

    અમેરિકામાં ગુજરાતી મૂળની ધર્મેશ એ. પટેલ નામની વ્યક્તિને હત્યા અને બાળશોષણના આરોપમાં જેલમાં મોકલી દેવામાં આવી હોવાનું સમાચાર સંસ્થા પીટીઆઈ જણાવે છે.

    આ પહેલાં ફાયર ફાઇટરોએ હેલિકૉપ્ટરમાંથીઊતરીને પર્વતશિલા પરથી ચાર અને નવ વર્ષનાં બે બાળકો સહિત પુખ્ત વયની બે વ્યક્તિને બચાવ્યાં હતાં.

    પોતાનાં પત્ની અને બે બાળકોને ટેસ્લા કારમાં જાણીજોઈને ખડક પર લઈ જવાનો પટેલ પર આરોપ છે. આ ઘટનામાં પટેલ, એમનાં પત્ની તથા બે બાળકોને બચાવી લેવાયાં બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ધર્મેશ પટેલને હૉસ્પિટલમાંથી જ સીધા સાન મેટિયો જેલમાં મોકલી દેવાયા હોવાનું કૅલિફોર્નિયા હાઈવે પેટ્રોલના એક નિવેદનમાં જાણવા મળ્યું છે. ન્યૂયૉર્ક ટાઇમ્સે આ ઘટનામાં ‘ચમત્કારિક બચાવ’ થયો હોવાનું જણાવ્યું છે. હાઈવે પેટ્રોલના જણાવ્યા અનુસાર ટેસ્લા કાર શિલા પરથી 250થી 300 ફીટ નીચે ઊતરી ગઈ હતી. હાઈવે પેટ્રોલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે, "એકઠા કરાયેલા પુરાવા પરથી તપાસકર્તાઓને લાગે છે કે આ જાણીજોઈને કરાયેલો બનાવ લાગે છે." આ ઘટનાને પગલે પટેલ પર ત્રણ લોકોની હત્યા કરવાનો અને બે બાળકોનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હોવાનું હાઈવે પેટ્રોલના ગોલ્ડન ગેટ ડિવિઝનના પ્રવક્તાએ જણાવ્યું છે.

  2. સુપ્રીમ કોર્ટ 11 દોષિતોની વહેલી મુક્તિ સામેની બિલકીસ બાનોની અરજી અને અન્ય અરજીઓ પર સુનાવણી કરશે

    સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે તે ગુજરાતમાં 2002ના ગોધરા રમખાણો દરમિયાન તેમનાં પર ગેંગરેપ કરનાર અને તેમનાં પરિવારના સાત સભ્યોની હત્યા કરનાર 11 દોષિતોની સજાની માફીને પડકારતી અન્ય અરજીઓની સાથે બિલકીસ બાનોની અરજી પર સુનાવણી કરશે.

    સમાચાર એજન્સી પીટીઆઈના હવાલે ઈન્ડિયનએક્સપ્રેસ લખે છે કે, જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેંચ સીપીઆઈ (એમ)ના નેતા સુભાષિની અલી, પત્રકાર રેવતી લૌલ, લખનૌ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર રૂપ રેખા વર્મા અને તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રા સહિતની દોષિતોની મુક્તિ વિરુદ્ધની અરજીઓની બેચની સુનાવણી કરી રહી હતી.જેમાં જસ્ટિસ બેલા ત્રિવેદીએ નવી અરજીઓ સાંભળવાથી પોતાને દૂર કર્યા હતાં.

    જસ્ટિસ રસ્તોગીએ કહ્યું કે હવે પીડિતાએ દોષિતોને માફીને પડકારવાં કોર્ટનો સંપર્ક કર્યો છે અને તેમની અરજીને મુખ્ય બાબત તરીકે લેવામાં આવશે.

    જસ્ટિસ રસ્તોગીએ સુપ્રીમ કોર્ટમાં બિલકીસ બાનોની અરજીની પણ નોંધ લેતા અરજદારોના વકીલને કહ્યું, "હવે જ્યારે પીડિતા અહીં છે... અમે પીડિતાની બાબતને મુખ્ય બાબત તરીકે લઈશું. બેંચમાં હવે જ્યુટિસ બેલા એમ ત્રિવેદી સભ્ય નથી."

    જસ્ટિસ રસ્તોગીએ આદેશ આપ્યો હતો કે આગામી સુનાવણીની તારીખે બાનોની અરજી સાથે સમાન અરજીઓ ટૅગ કરવામાં આવે.

    જસ્ટિસ ત્રિવેદીએ ડિસેમ્બર 2022માં બાનોની અરજી પર સુનાવણી કરવાથી પોતાને દૂર કર્યા હતા.

  3. શિયાળામાં આરોગ્યપ્રદ ગણાતું કચરિયું બનાવવાનો અનોખો 'જુગાડ'

  4. ઈસુદાન ગઢવીને આપના પ્રદેશ પ્રમુખ બનાવાયા

    ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીમાં મોટા પાયે ફેરફાર થયા છે.

    ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને નેશનલ જૉઇન્ટ સેક્રેટરી અને સહપ્રભારી (મહારાષ્ટ્ર) બનાવાયા છે.

    જ્યારે ઈસુદાન ગઢવીને પ્રદેશ પ્રમુખ બનાવાયા છે. તેમજ અલ્પેશ કથીરિયા, ચૈતર વસાવા, ડૉ. રમેશ પટેલ, જગમાલ વાળા, જેવેલ વસરા અને કૈલાસ ગઢવીને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે.

    2022ની વિધાનસભા ચૂંટણીમાં આપને પાંચ સીટ મળી હતી. આપના દિગ્ગજ નેતાઓ- ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયા હારી ગયા હતા.

    નવા વર્ષમાં આમ આદમી પાર્ટીએ કૉંગ્રેસની જેમ કાર્યકારી અધ્યક્ષ પણ નીમ્યા છે.

  5. અમેરિકાથી દિલ્હી આવતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં દારૂના નશામાં વ્યક્તિની 'શરમજનક હરકત'

    ન્યૂયૉર્કથી દિલ્હી આવી રહેલા ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં દારૂના નશામાં એક વ્યક્તિએ એક વૃદ્ધ મહિલા પર પેશાબ કર્યો હતો. આ મામલે અંદાજે એક મહિનો જૂનો છે, પણ હાલમાં સામે આવ્યો છે.

    ઘણા લોકોએ આ ઘટનાને 'આઘાતમાં નાખનારી અને શરમજનક' ગણાવી છે. નાગરિક વિમાનન મહાનિદેશાલય (ડીજીસીએ)એ પણ આ મામલે રિપોર્ટ માગ્યો છે.

    વૃદ્ધ મહિલા વિમાનના બિઝનેસ ક્લાસમાં હતાં. તો ઘટના સમયે પુરુષ યાત્રી નશામાં હતો.

    ડીજીસીએએ આ મામલે ઍર ઇન્ડિયાને રિપોર્ટ આપવા કહ્યું છે.

    ડીજીસીએએ બુધવારે કહ્યું, "અમે ઍરલાઇન પાસેથી રિપોર્ટ માગી રહ્યા છીએ અને બેદરકારી માટે સંબંધિત વ્યક્તિ સામે કાર્યવાહી કરાશે."

    સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા ઍર ઇન્ડિયાના અધિકારીએ કહ્યું, "ઍર ઇન્ડિયાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે."

    તેમણે કહ્યું, "આ ઘટના 26 નવેમ્બરની છે, જ્યારે ફ્લાઇટ ન્યૂયૉર્કના જૉન એફ કૅનેડી આંતરરાષ્ટ્રીય હવાઈમથકથી દિલ્હી જઈ રહી હતી."

    ઍૅર ઇન્ડિયાએ એક આંતરિક સમિતિ બનાવી હતી, જેણે પુરુષ યાત્રીને 'નો-ફ્લાય લિસ્ટ'માં નાખવાની ભલામણ કરી છે.

  6. સિનેમાઘરમાં બહારથી ખાણીપીણીની વસ્તુઓ લઈ જવા પર સુપ્રીમે શું કહ્યું?

    સિનેમાઘરમાં બહારથી ખાણીપીણીની વસ્તુઓ અંદર લઈ જવા મુદ્દે સુપ્રીમે કોર્ટે મંગળવારે કહ્યું કે સિનેમાઘરને ફિલ્મ જોનારાઓને બહારથી ખાદ્યપદાર્થો અથવા પીણાં લાવવા પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર છે.

    ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને પીએસ નરસિમ્હાની બેન્ચે એમ પણ જણાવ્યું હતું કે હૉલમાં દર્શકોને પીવાનું સ્વચ્છ પાણી મફતમાં આપવું જોઈએ અને માતા-પિતાને તેમની સાથેનાં શિશુઓ માટે ખોરાક લઈ જવાની મંજૂરી આપવી જોઈએ.

    બેન્ચે કહ્યું, "સિનેમાઘરની મિલકત એ હૉલના માલિકની ખાનગી મિલકત છે. માલિક નિયમો અને શરતો નક્કી કરવા માટે હકદાર છે, જ્યાં સુધી આવા નિયમો અને શરતો જાહેર હિત, સલામતી અને કલ્યાણની વિરુદ્ધ ન હોય."

    "માલિક ખોરાક અને પીણાંના વેચાણ માટે શરતો નક્કી કરવા માટે હકદાર છે. ફિલ્મ જોનારા પાસે તે ન ખરીદવાની પણ પસંદગી છે."

    બેન્ચે જુલાઈ 2018ના જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના સિનેમાઘરમાં પોતાનું ભોજન લઈ જવા પરના પ્રતિબંધને હટાવવાના આદેશને પડકારતી અરજીની સુનાવણી કરતી વખતે આ વાત જણાવી હતી.

    સર્વોચ્ચ અદાલતે વધુમાં ઉમેર્યું હતું કે "આવા નિર્દેશો લાદવાથી થિયેટરમાલિકોના કાયદેસરતાના અધિકારોને અસર થશે."

  7. રામમંદિર ટ્રસ્ટના સચિવ અને VHPના ચંપત રાયે રાહુલ ગાંધીનાં વખાણ કરતા શું કહ્યું?

    રામમંદિર ટ્રસ્ટના સચિવ અને વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ ચંપત રાયે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારતજોડો યાત્રાનાં વખાણ કર્યાં છે.

    ચંપત રાયે કહ્યું કે "તેઓ ખરાબ હવામાનમાં ચાલી રહ્યા છે, તેમની સરાહના થવી જોઈએ. મારે કહેવું જોઈએ કે હર કોઈએ દેશની યાત્રા કરવી જોઈએ."

    અગાઉ રામજન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને "દેશને જોડનારા તેમના પ્રયાસો" માટે આશીર્વાદ આપ્યા હતા.

    સત્યેન્દ્ર દાવે તેમના પત્રમાં લખ્યું હતું, "હું આશા રાખું છે અને પ્રાર્થના કરું છું કે તમે જે મિશનમાં લાગ્યા છે, તેમાં તમને સફળતા મળે. હું તમને દીઘાર્યુના આશીર્વાદ પણ આપું છું."

    હવે ચંપત રાયે મંગળવારે કહ્યું, "હું એ નવયુવાનને ધન્યવાદ આપું છું, જે આખા દેશની યાત્રા કરી રહ્યો છે. હું તેનાં વખાણ કરું છું, તેમાં કશું ખોટું નથી."

    રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા હવે ઉત્તરપ્રદેશમાં પ્રવેશી ચૂકી છે. ચંપત રાયે ભારત જોડો યાત્રા સંબંધિત સવાલ પર મીડિયા સાથે વાત કરી હતી.

    તેમણે કહ્યું, "હું આરએસએસનો કાર્યકર છું અને ભારત જોડો યાત્રાનો ક્યારેય વિરોધ નથી કર્યો."

    "દરેકે દેશની યાત્રા કરવી જોઈએ. હું ભગવાન રામને તેમને (રાહુલ ગાંધી) આશીર્વાદ આપવા માટે પ્રાર્થના કરું છું, જેથી દેશમાં એકતા, સદભાવ અને મજબૂતી કાયમ રહે."

  8. ઈરાનનાં શતરંજ ખેલાડીએ હિજાબ પહેર્યાં વિના રમતાં ધમકી મળી

    ઈરાનનાં શતરંજ ખેલાડી સારા ખદીમને હિજાબ પહેર્યાં વિના રમવાથી ધમકીઓ મળી રહી છે.

    સમાચાર એજન્સી રૉયટર્સે સારા ખદીમના નજીકના સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે.

    સારાએ ગત અઠવાડિયે કઝાકિસ્તાનમાં વર્લ્ડ રેપિડ ઍન્ડ બ્લિટ્ઝ ચેસ ચૅમ્પિયનશિપમાં હિજાબ પહેર્યાં વિના ભાગ લીધો હતો. જ્યારે ઈરાનમાં મહિલાઓ માટે હિજાબ પહેરવું અનિવાર્ય છે.

    સૂત્રો અનુસાર, સારાને અનેક ફોન આવ્યા છે, જેમાં તેમને દેશ પાછા ફરવાને લઈને ચેતવણી અપાઈ છે. કેટલાકે કહ્યું કે તેમણે પરત ફરવું જોઈએ અને તેમની 'સમસ્યા નિવારી' દેશે.

    એટલે સુધી કે ઈરાનમાં મોજૂદ સારાનાં માતાપિતા અને સંબંધીઓને પણ ધમકીઓ મળી રહી છે.

    ઈરાનના વિદેશ મંત્રાલયે આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી.

    સારા મંગળવારે સ્પેન પહોંચ્યાં છે. તેમણે આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો.

  9. ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી-20 મૅચમાં ભારતની 2 રને જીત

    ભારતીય ક્રિકેટ ટીમે હાર્દિક પંડ્યાની કૅપ્ટનશિપમાં નવા વર્ષની શરૂઆત જીતથી કરી છે.

    મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મૅચની ટી-20 સિરીઝમાં પહેલી મૅચમાં ભારતની જીત થઈ છે.

    ભારતીય ટીમે હાર્દિક પંડ્યા (29), દીપક હુડા (41 અણનમ) અને અક્ષર પટેલ (31 અણનમ)ની મદદથી શ્રીલંકાને જીત માટે 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

    ભારે રસાકસી બાદ ભારતે 2 રને જીત મેળવી હતી.

    આ સિરીઝની બીજી મૅચ પાંચ જાન્યુઆરી અને ત્રીજી મૅચ સાત જાન્યુઆરીએ રમાશે.

    10 જાન્યુઆરીથી ત્રણ મૅચની વનડે સિરીઝ પણ શરૂ થશે. વનડે ટીમમાં રોહિત શર્મા કૅપ્ટન હશે અને હાર્દિક પંડ્યાને વાઇસ કૅપ્ટન બનાવાયા છે.

  10. નમસ્કાર, બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    3 જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.