You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'રાહુલ ગાંધીને ખરીદી ના શક્યા અંબાણી-અદાણી'

રાહુલ ગાંધીની આગેવાનીમાં 'ભારત જોડો યાત્રા' લગભગ એક સપ્તાહના વિરામ બાદ ફરીથી શરૂ થઈ છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશ જઈ રહેલી યાત્રાના સ્વાગત માટે લોની બૉર્ડર પહોંચ્યાં.

લાઇવ કવરેજ

  1. ખીલ ચહેરા પર કેમ થાય છે અને તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો?

  2. પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'રાહુલ ગાંધીને ખરીદી ના શક્યા અંબાણી-અદાણી'

    કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ મંગળવારે પોતાના ભાઈ અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને 'યોદ્ધા' ગણાવતાં કહ્યું છે કે તેઓ એ સરકારના દબાણથી ડરતા નથી, જે તેમની છબિને ખરાબ કરવા માટે હજારોકરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે.

    રાહુલ ગાંધીની આગેવાનીમાં 'ભારત જોડો યાત્રા' લગભગ એક સપ્તાહના વિરામ બાદ મંગળવારે ફરીથી શરૂ થઈછે. આ દરમિયાન પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશ જઈ રહેલી યાત્રાના સ્વાગત માટે લોની બૉર્ડર પહોંચ્યાં હતાં. સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર તેમણે કહ્યું, "અંબાણી અને અદાણી જેવા ઉદ્યોગપતિઓએ કેટલાય નેતાઓ, પીએસયુ અને મીડિયાને ખરીદીધી લીધાં પણ તેઓ મારા ભાઈને ખરદી ના શક્યા, ખરીદી પણ નહીં શકે."

    તેમણે એવું પણ કહ્યું કે લોકોએ કહે છે કે રાહુલ ગાંધીને ઠંડી નથી લાગતી. એનું કારણ એ છે કે 'એણે સત્યનું કવચ પહેરી રાખ્યું છે.' નોંધનીય છે કે ઠંડીમાં માત્ર ટીશર્ટ પહેંરીને યાત્રા કરનારા રાહુલ ગાંધી કેટલાક દિવસોથી ચર્ચામાં છે.

  3. ઓડિશામાં વધુ એક રશિયન નાગરિકનો મૃતદેહ મળ્યો

    ભારતના દરિયાકાંઠાના રાજ્ય ઓડિશામાં રશિયાના નાગરિકનો મૃતદેહ મળ્યો છે. ગત 15 દિવસમાં રશિયાના આ ત્રીજા નાગરિક છે જેમનું ઓડિશામાં મૃત્યુ થયું છે.

    પોલીસ અનુસાર તેમના મૃત્યુના કારણની જાણકારી હજુ સુધી નથી મળી. આની પહેલાં એક સાંસદ સહિત બે લોકોનાં મૃત્યુ પર પણ 'રહસ્ય ઘેરું' બની રહ્યું છે.

    ઓડિશા પોલીસે જણાવ્યું કે મંગળવારના એક રશિયન વ્યક્તિનો મૃતદેહ મળ્યો જેની ઓળખાણ મિલ્યાકોવ સર્ગેઈના રૂપમાં થઈ છે.

    આ વ્યક્તિનો મૃતદેહ જગતસિંહપુર જિલ્લાના પારાદ્વીપ બંદરમાં એક શિપ પરથી મળ્યો. 51 વર્ષના સર્ગેઈ એમબી અલદનાહ શિપના મુખ્ય એન્જિનિયર હતા.

    આ જહાજ પારાદ્વીપ બંદરથી મુંબઈ થઈને બાંગ્લાદેશના ચિતગોંગ બંદર જઈ રહ્યું હતું.

    સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર, સર્ગેઈ આ શિપમાં તેમના ચેમ્બરમાં સવારે 4:30 વાગ્યે મૃત હાલતમાં મળ્યા હતા. પોલીસે અત્યાર સુધી સર્ગેઈના મૃત્યુનું કારણ જાણવા નથી મળ્યું.

  4. ચીને LACને બદલવાનો એકતરફી પ્રયાસ કર્યો : એસ. જયશંકર

    ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ચીનની આકરી ટીકા કરતાં જણાવ્યું છે કે ચીને લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી- વાસ્તવિક નિયંત્રણ રેખા)નેબદલવાનો એકતરફી પ્રયાસ કર્યો છે.

    ઑસ્ટ્રિયાના ZIB2પોડકાસ્ટને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન એસ. જયશંકરે કહ્યું, "એલએલસીને એકતરફી નહીં બદલવાનો અમારી વચ્ચે કરાર થયેલો હતો, જે તેમણે બદલવાનોએકતરફી પ્રયાસ કર્યો છે."

    નોંધનીય છે કે તાજેતરમાં ગલવાન ખીણ તથા પેગોંગ લેક ભારત અને ચીન વચ્ચેના ઘર્ષણનાં કેન્દ્રો બન્યાં છે. જ્યારે પૂર્વ તવાંગમાં ગત વર્ષના અંતમાં બન્ને દેશોનાં સૈન્યો વચ્ચે ઘર્ષણ થયું હોવાના સમાચાર આવ્યા હતા.

    વિદેશમંત્રીએ ઉમેર્યું, "મને લાગે છે કે અમારા અનુભવોના આધારે અમને ભારે ચિંતા છે. સરહદી વિસ્તારોમાં સૈન્યના જમાવડો ના કરવાનો અમે ચીન સાથે કરાર કર્યો હતો અને એમણે એ કરારનું પાલન કર્યું નથી. એટલે જ હાલમાં અમે તણાવની પરિસ્થિતિમાં છીએ."

    મહત્ત્વપૂર્ણ છે કે અરુણાચલ પ્રદેશના તવાંગમાં બન્ને દેશના સૈનિકો વચ્ચે 2022ની નવ ડિસેમ્બરે અથડામણ થઈ હતી. ભારતીય સૈન્યનું કહેવું હતું કેએ અથડામણમાં બન્ને દેશના કેટલાક સૈનિકો ઘાયલ થયા હતા, પરંતુ તેમાં ચીની સૈનિકોની સંખ્યા વધારે હતી.

    1975 પછી બન્ને દેશના સૈનિકો વચ્ચે 2020માં પૂર્વ લદ્દાખના ગલવાનમાં હિંસક અથડામણ થઈ હતી. તેમાં 20 ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં.

    એ પછી ચીને પૂર્વ લદ્દાખના પેગોંગ ત્સો સરોવરમાં પોતાની પેટ્રોલિંગ બોટની તૈનાતી વધારી દીધી હતી. આ વિસ્તાર લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે આવેલો છે.

    વાસ્તવિક નિયંત્રણ રેખા પર બન્ને દેશો પોતાના સૈનિકોની સંખ્યા વધારી રહ્યા હોવાના સમાચાર આ અગાઉ પણ આવ્યા હતા.

    એ સમયે ભારતે જણાવ્યું હતું કે, અક્સાઈ ચીનસ્થિત ગલવાન ખીણના કિનારે, ચીની સૈન્યના કેટલાક તંબુ જોવા મળ્યા છે. એ પછી ભારતે પણ ત્યાં પોતાના સૈન્યની તૈનાતી વધારી હતી.

    ચીનનો આરોપ હતો કે, ભારત ગલવાન ખીણ પાસે સંરક્ષણ સંબંધી ગેરકાયદે નિર્માણ કરી રહ્યું છે.

  5. જામનગર : PM મોદી અને તેમનાં માતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારની ધરપકડ

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં દિવંગત માતા હીરાબા વિશે જામનગર નજીક આવેલા સિક્કામાં રહેતા એક શખ્સેકથિત અભદ્ર ટિપ્પણી કરી હોવાની ઘટના ઘટી છે. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી છે. આરોપીને બે દિવસના રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યો છે.

    ઘટનાની વિગત એવી છે કે અફઝલ લાખાણી નામના 40 વર્ષીય આરોપીએ સોશિયલ મીડિયા પર વડા પ્રધાનનાં માતા વિરુદ્ધ અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જેની જાણ થતાં એસઓજીએ ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી હતી.

    આરોપી વિરુદ્ધ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવા સહિતની કલમો લગાડવામાં આવી છે.

    આ અંગે જામનગર ગ્રામ્યના ડીવાયએસપી ડી.પી. વાઘેલાએ બીબીસીના સહયોગી દર્શન ઠક્કરને જણાવ્યું હતું, "આરોપી વિરુદ્ધ આઈપીસી અને આઈટી ઍક્ટ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. " આ મામલાની તપાસ એસઓજી પી.આઈ.ને સોંપવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

  6. નકલી બિયારણને કારણે ગુજરાતના ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે?

  7. ગુજરાતના જયદેવ ઉનડકટનો તરખાટ, માત્ર પાંચ રનમાં હેટ્રીક સાથે 5 વિકેટ ખેરવી

    જયદેવ ઉનકટે રણજી ટ્રોફીમાં પોતાની પહેલી ઓવરમાં જ હેટ્રિક લઈને 2023ની શાનદાર શરૂઆત કરી છે.

    સૌરાષ્ટ્રના કૅપ્ટન જયદેવ ઉનડકટે ધ્રુવ શોરે, વૈભવ રાવલ અને યશ ધુલને મૅચના ત્રીજા, ચોથા અને પાંચમા બોલમાં આઉટ કરી દીધા હતા.

    ઉલ્લેખનીય છે કે, દિલ્હીના કૅપ્ટન ધૂલે ટૉસ જીતીને બૅટિંગ કરવાનું પસંદ કર્યું હતું.

    માહિતી પ્રમાણે આ રણજી ટ્રોફીના ઇતિહાસમાં પ્રથમ ઓવરની પ્રથમ હેટ્રિક હતી. અગાઉ નજર કરીએ તો સૌથી પહેલી હેટ્રિક કર્ણાટકના ફાસ્ટ બોલર વિનય કુમારની હતી, જેની હેટ્રિક 2017-18ની ક્વાર્ટર ફાઇનલમાં મુંબઈ સામેની પ્રથમ અને ત્રીજી ઓવરમાં ફેલાયેલી હતી.

    આ મૅચમાં 24 ઓવરમાં 8 વિકેટના નુકસાને 75 રન થયા હતા.

    કોણ છે જયદેવ ઉનડકટ?

    જયદેવ દીપકભાઈ ઉનડકટનો જન્મ 18મી ઑક્ટોબર 1991ના ગુજરાતના પોરબંદર ખાતે થયો હતો.

    ઑલ-રાઉન્ડર જયદેવ જમણા હાથે બૅટિંગ કરે છે અને ડાબા હાથે મીડિયમ પેસ બૉલિંગ કરે છે.

    2010માં ન્યૂઝિલૅન્ડ ખાતે આયોજિત અંડર-19 ટીમનું નેતૃત્વ કર્યું હતું.

    પોરબંદરની દુલિપસિંહ સ્કૂલ વતી જયદેવ પહેલી વખત ક્રિકેટ રમ્યા હતા. જયદેવે કોચ રામભાઈ ઓડેદરાને પ્રભાવિત કર્યા હતા.

    ત્યારબાદ કોલકતા નાઇટ રાઇડર્સ મારફત જયદેવની આઈપીએલમાં ઍન્ટ્રી થઈ, એ સમયે પાકિસ્તાનના ખેલાડીઓ આઈપીએલમાં ભાગ લઈ શકતા હતા.

    વસિમ અક્રમ ટીમના કોચ હતા, તેઓ જયદેવથી ભારે પ્રભાવિત થયા હતા. 2018ની સિઝન માટે જયદેવ 11 કરોડ 50 લાખમાં વેચાયા હતા.

    આઈપીએલમાં જયદેવ રાજસ્થાન રોયલ્સ, રોયલ્સ ચેલેન્જર્સ બૅગ્લોર, રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ, કોલકતા નાઇટ રાઇડર્સ વતી રમી ચૂક્યા છે.

  8. કંઝાવલા કેસ: દિલ્હી પોલીસે કહ્યું, ‘સ્કૂટી પર એકલી ન હતી મૃતક મહિલા’

    દિલ્હી પોલીસે મંગળવારે સવારે કંઝાવલા કેસમાં એક નવી માહિતી આપી છે, જે મુજબ ઘટના સમયે મૃતક મહિલા સ્કૂટી પર એકલી ન હતી.

    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, દિલ્હી પોલીસે જણાવ્યું છે કે, “જ્યારે અમે મૃતક મહિલાના રૂટની તપાસ કરી તો જાણવા મળ્યું કે તે તેની સ્કૂટી પર એકલી ન હતી.”

    ઘટના સમયે તેમની સાથે અન્ય એક મહિલા પણ હાજર હતી, જે ઈજાગ્રસ્ત થયા પછી સ્થળ પરથી ભાગી ગઈ હતી, પરંતુ મૃતક મહિલાનો પગ ગાડીમાં ફસાઈ ગયો હતો, તેથી તે ગાડીમાં ઢસડાતી ગઈ હતી.

    પોલીસે એ પણ જણાવ્યું હતું કે, “મહિલાનું શરીર ‘કેટલાક કિલોમીટર’ સુધી ગાડી સાથે ઢસડાવાના કારણે તેના માથાનો પાછળનો ભાગ અને શરીરનો પાછળનો ભાગ ખરાબ રીતે છોલાઈ ગયો હતો.”

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મામલે દિલ્હી પોલીસ પાસે એક વિસ્તૃત રિપોર્ટ માગ્યો છે.

    ત્યારબાદ દિલ્હી પોલીસે વિશેષ કમિશનર શાલિની સિંહના નેતૃત્વમાં એક તપાસ સમિતિની રચના કરવા અને વહેલી તકે તપાસ રિપોર્ટ તૈયાર કરવા કહ્યું છે.

  9. રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ આજથી ફરી શરૂ, ઉત્તર પ્રદેશ પહોંચશે

    કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વવાળી ‘ભારત જોડો યાત્રા’ આજે મંગળવારે ફરી એકવાર દિલ્હીના કશ્મીરી ગેટથી શરૂ થશે. ત્યારબાદ આ યાત્રા ગાઝિયાબાદ થઈને યૂપીમાં પ્રવેશ કરશે.

    કૉંગ્રેસ પાર્ટી પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીના ભવ્ય સ્વાગત માટે તમામ તૈયારીઓ કરી રહ્યું છે. તેના માટે યૂપીના અલગ-અલગ વિસ્તારમાંથી કૉંગ્રેસ કાર્યકરો મવી કલાનમાં એકઠા થવા લાગ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી સાથે તેમની પાર્ટીના ઉચ્ચ નેતાઓ સહિત 250 મહેમાનોના પહોંચવાની પણ વાત થઈ રહી છે.

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, રાહુલ ગાંધી પશ્ચિમ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી થઈને મવી કલાન ગામમાં પહોંચશે, જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે.

    કૉંગ્રેસ પાર્ટીની જિલ્લા એકમના પ્રમુખ યૂનુસ ચૌધરીએ આ તૈયારીઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, “રાહુલ ગાંધી અને બીજા ઉચ્ચ નેતાઓના રાત્રિ રોકાણ માટે મવી કલાન ગામના હરી કાસલ ફાર્મ પર વ્યવસ્થા કરવામાં આવી છે.”

    તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “ઠંડીને ધ્યાનમાં રાખતા બહારથી આવતા કાર્યકરોના રાત્રિ રોકાણ માટે એક પંડાલમાં ગાદલા અને ધાબળાની વ્યવસ્થા કરવામાં આવી છે.”

    આ યાત્રા બુધવારે સવારે મવી કલાનથી શરૂ થઈને એક સ્થાનિક મંદિરે પહોંચશે, ત્યારબાદ યાત્રા બડૌત પહોંચશે અને રાહુલ ગાંધી બરૌતના છપરૌલી ચુંગી ખાતે એક નુક્કડ સભાને પણ સંબોધશે, ત્યારબાદ આ યાત્રા શામલી જિલ્લામાં પ્રવેશ કરશે.

    દક્ષિણ ભારતના કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા છેલ્લા 108 દિવસમાં તામિલનાડુ, મહારાષ્ટ્ર થઈને 46 જિલ્લાઓ અને નવ રાજ્યોમાંથી પસાર થઈ છે.

  10. કોવિડ-19: ભારતમાં ઑમિક્રોનનો ‘XBB’ વૅરિયન્ટ સૌથી વધુ સક્રિય, INSACOG એ જાહેર કર્યુ બુલેટિન

    કોરોના વાયરસ મહામારીની નવી લહેરની આશંકા વચ્ચે ભારતીય સાર્સ-કોવ-2 જેનોમિક્સ કંસોર્ટિયમ (INSACOG) એ સોમવારે બુલેટિન જાહેર કર્યું છે.

    આ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં કોવિડ-19નો ઑમિક્રોન વૅરિયન્ટ અને તેનું ઉપસ્વરૂપ ‘XBB’ હજુ પણ હાજર છે. કોરોના વાયરસના BA.2.75 અને BA.2.10 વૅરિયન્ટ પણ હાજર છે, પરંતુ તેનો પ્રભાવ ઘણો ઓછો છે.

    INSACOG અનુસાર, ખાસકરીને ઉત્તર-પૂર્વ ભારતમાં BA.2.75 નું ઉપસ્વરૂપ સક્રિય છે. જોકે, હજુ સુધી તેની ગંભીરતા અથવા હૉસ્પિટલમાં દાખલ થવામાં કોઈ વૃદ્ધિ જોવા મળી નથી.

    બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, ઑમિક્રોન અને તેનું ઉપસ્વરૂપ ભારતમાં પ્રભાવીરૂપથી સક્રિય છે. XBB સમગ્ર ભારતમાં ફેલાયેલું સૌથી સક્રિય ઉપસ્વરૂપ છે.

    અગાઉ 5 ડિસેમ્બર 2022ના રોજ જાહેર કરાયેલા બુલેટિનમાં INSACOGએ કહ્યું હતું કે, “દેશમાં સંક્રમણ દર પ્રતિદિન 500થી નીચે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતના ઉત્તરભાગમાં XBB વેરિયન્ટ સક્રિય છે, જ્યારે પૂર્વ ભાગમાં BA.2.75 ઉપસ્વરૂપ હાજર છે. BA.2.10 અને ઑમિક્રોનના અન્ય ઉપસ્વરૂપનો સંક્રમણ દર ગયા અઠવાડિયે ઓછો હતો.”

    સોમવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સાપ્તાહિક સમીક્ષા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, તમામ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ પાંચ ટકાથી નીચે છે. વર્તમાન સંક્રમણનો રાષ્ટ્રીય દર 0.19 ટકા છે, જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 0.14 ટકા છે.

    રવિવારે નવા વર્ષના પ્રથમ દિવસે દેશમાં કોરોનાના નવા કેસો કરતા સંક્રમણમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધુ નોંધાઈ હતી.

    સોમવારે કેન્દ્રીય મંત્રાલયે જણાવ્યું હતું કે, 1લી જાન્યુઆરીએ દેશમાં કોરોનાના 173 નવા કેસો નોંધાયા છે, જ્યારેદરમિયાન 207 દરદી સ્વસ્થ થયા છે. દેશમાં હજુ સુધી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા વધીને 4,46,78,822 થઈ ગઈ છે, સાથે સારવાર લઈ રહેલા દરદીઓની સંખ્યા ઘટીને 2,670 થઈ ગઈ છે.

  11. કંઝાવલા કેસ: ગૃહમંત્રાલયે દિલ્હી પોલીસ પાસે માગ્યો રિપોર્ટ

    ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ પર મંત્રાલયે દિલ્હી પોલીસ પાસેથી કંઝાવલા મામલા અંગે વિસ્તૃત રિપોર્ટ માગ્યો છે.

    સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસે વિશેષ કમિશનર શાલિની સિંહના નેતૃત્વમાં એક તપાસ સમિતિની રચના કરવા અને વહેલી તકે તપાસ રિપોર્ટ તૈયાર કરવા કહ્યું છે. રિપોર્ટ તૈયાર થતાં જ ગૃહ મંત્રાલયને મોકલવામાં આવશે.

    આ પહેલા દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, “રવિવારે (1 જાન્યુઆરી)ના રોજ કાર અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાનું શરીર કાર સાથે લગભગ 10-12 કિલોમીટર સુધી ઢસડાતું રહ્યું હતું.

    દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી (કાયદો અને વ્યવસ્થા) સાગર પ્રીત હુડ્ડાએ સોમવારે મીડિયાને કહ્યું હતું કે, "(પીડિતા) લગભગ 10-12 કિલોમીટર સુધી ઢસડાતી રહી હતી."

    દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના રવિવારે સવારે 2.30 થી 3.30 વચ્ચે બની હતી.

    અગાઉ પોલીસે માહિતી આપી હતી કે, અકસ્માત બાદ મહિલાનું શરીર કારમાં ફસાઈ ગયું હતું અને તે કાર સાથે 'થોડા કિલોમીટર' સુધી ઢસડાતી રહી હતી. જેના કારણે તેના માથાના પાછળના ભાગે અને શરીરના પાછળના ભાગ ખરાબ રીતે છોલાઈ ગયો હતો.

  12. નમસ્કાર, બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    2 જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.