અમદાવાદના પાલડી વિસ્તારમાંથી પોતાની માગોને લઈને જૈન
સમુદાયના લોકોએ રેલી કાઢી હતી, સાથે જ વડોદરા, રાજકોટ, વલસાડ જેવાં અન્ય શહેરોમાં પણ રેલી કાઢવામાં
આવી છે.
ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ અનુસાર, આ રેલી અમદાવાદના
પાલડી વિસ્તારમાંથી શરૂ થઈ હતી અને કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ થઈ હતી.
જૈન સમુદાય દ્વારા ઝારખડમાં સમેત શિખરજીને પર્યટન સ્થળ બનાવવાનો વિરોધ થઈ રહ્યો છે, સાથે જ તેઓ ગુજરાતના પાલીતાણામાં શેત્રુંજય તીર્થ અંગેના પ્રશ્નો પણ
ઉઠાવી રહ્યા છે.
આ બંને સ્થળ જૈન સમુદાય માટે પવિત્રસ્થળ છે.
સમસ્ત રાજનગર શ્રી જૈન મહાસંઘ અમદાવાદ સમિતિના સભ્ય જૈનમ
દેવરાએ જણાવ્યું હતું કે, “25 નવેમ્બર 2022ના રોજ કેટલાક અસામાજિક
તત્ત્વોએ જૈનો માટે પવિત્રસ્થળ એવા શેત્રુંજય ટેકરીની નજીક આવેલા રોહિશાલા ગામમાં
એક પવિત્ર મંદિરમાં મૂકવામાં આવેલા આદિનાથ દાદાના 'પગના નિશાન'ને નુકસાન પહોંચાડ્યું હતું."
"તેથી જૈન
સમુદાયના વિવિધ જૂથોએ 27, 29 અને 30 નવેમ્બરના રોજ ફરિયાદો નોંધાવી હતી.”
જૈન સમુદાયના સભ્યોએ પાલીતાણા ખાતે ગેરકાયદેસર ખનનનો પણ
વિરોધ કર્યો છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, “ઝારખંડના તીર્થસ્થળ સમેત
શિખરને પ્રવાસનસ્થળ તરીકે વિકસાવવાની યોજના પડતી મૂકવાની પણ માગ છે. અમદાવાદના
નિવાસી અધિક કલેકટરને આ માગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી.”
જૈન વિરોધને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)નું પણ સમર્થન
મળ્યું છે.
VHPના રાષ્ટ્રીય
પ્રવક્તા વિનોદ બંસલે જણાવ્યું હતું કે, “પર્યટન સ્થળ તરીકે સ્થળના
વિકાસના નામે કોઈપણ તીર્થસ્થળ તેમજ સમુદાયની આસ્થા અને વિશ્વાસને ઠેસ પહોંચાડી
શકાય નહીં. કોઈપણ વિકાસ સ્થળની ઓળખ રાખીને થવો જોઈએ. પવિત્ર સ્થળોના વિકાસ માટે એક
અલગ મંત્રાલય બનાવવું જોઈએ.”
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પાલિતાણાના
પ્રશ્નને પણ રાજ્ય સરકારે ગંભીરતાથી લેવો જોઈએ અને આવા સ્થળોએ અસામાજિક પ્રવૃતિ
સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.