યુપી : જે યુવતીની હત્યામાં એક નિર્દોષને સાત વર્ષ જેલમાં વિતાવવાંપડ્યાં, એ યુવતી જ જીવિત નીકળી
ઉત્તર પ્રદેશ પોલીસની તપાસમાં એક ભૂલને લીધે સાત વર્ષથી જેલમાં બંધ વિષ્ણુ નામની એક નિર્દોષ વ્યક્તિના કેસમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિદેશકને તપાસનો નિર્દેશ કર્યો છે.
આ મામલે એનએચઆરસીમાં સુપ્રીમ કોર્ટના વકીલ અને માનવાધિકાર કાર્યકર રાધાકાંત ત્રિપાઠીએ અરજી દાખલ કરી હતી. આ કેસની શરૂઆત વર્ષ 2015માં એ વખતે થઈ જ્યારે 17 વર્ષની એક યુવતી ગાયબ થઈ ગઈ.
યુવતીના પિતાએ એફઆઈઆર નોંધાવી. 17 ફેબ્રુઆરી, 2015ના રોજ અલીગઢ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 363 (અપહરણ) અને 366 (લગ્નની લાલચ આપીને અપહરણ કરવું) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો.
એ બાદ 24 માર્ચ, 2015ના રોજ એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો. ગુમ થયેલી યુવતીના પરિવારજનોએ મૃતદેહની ઓળખ પોતાની પુત્રી તરીકે કરી.પરિવારજનોએ વિષ્ણુ પર છોકરીના અપહરણનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે છેલ્લી વખત યુવતી વિષ્ણુ સાથે જ જોવા મળી હતી.
આ કેસમાં પોલીસે હાથરસનારહેવાસી વિષ્ણુની ધરપકડ કરી હતી.
પોલીસે આઈપીસીની ધારા 302 અંતર્ગત કેસ નોંધ્યો હતો અને વિષ્ણુ પર પુરાવા નષ્ટ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. બાદમાં જાણવા મળ્યું કે લાપતા થયેલી યુવતી જીવિત છે. આ જ યુવતીની હત્યાના આરોપમાં વિષ્ણુની ધરપકડ કરવામાં આવી હતી.
ઍડ્વોકેટ રાધાકાંત ત્રિપાઠીએ બીબીસીને જણાવ્યું હતું કે આ મામલે એક નિદોર્ષ વ્યક્તિને જીવનનાં મહત્ત્વનાં સાત વર્ષો વગર કોઈ વાંકગુનાએ જેલમાં વિતાવવાં પડ્યાં. એમના જીવનનાં સાત વર્ષો કોણ પરત આપશે? આ માટે એમને યોગ્ય વળતર ચૂકવવું જોઈએ.
માનવાધિકાર આયોગે આ મામલે યુપી પોલીસના ડીજીપીને ચાર સપ્તાહની અંદર રિપોર્ટ દાખલ કરવા પણ કહ્યું છે.
ઍડ્વોકેટ રાધાકાંત ત્રિપાઠીએ આરોપ લગાવ્યો છે કે વિષ્ણુ જે યુવતીની હત્યાના આરોપમાં બંધ છે, એના વિશે જાણવા મળ્યું કે એ જીવિત છે અને હાથરસમાં પોતાના પતિ સાથે રહે છે. એને બે બાળકો પણ છે.
વિષ્ણુના પરિવારે આ મુદ્દાને ઉઠાવ્યો અને એમની મુક્તિ માટે માગ કરી. પોલીસે આ માલમે ફરીથી તપાસ શરૂ કરી છે. ઍડ્વોકેટ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર આ માલમે યુવતીની અટકાયત કરાઈ છે.