ગૌતમ અદાણીએ ઉદ્યોગપતિ તરીકેની પોતાની શરૂઆતનું શ્રેય રાજીવ ગાંધીને કેમ આપ્યું?
અદાણી સમૂહના માલિક ગૌતમ અદાણીએ એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ઉદ્યોગપતિ તરીકેની પોતાની સફરના પ્રારંભ માટે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને શ્રેય આપ્યું છે.
ગૌતમ અદાણી અને એમના સમૂહ પર પીએમ મોદી સાથેની નિકટતાનો ફાયદો ઉઠાવવાનો આરોપ લાગતો રહ્યો છે.
આ અંગે વાત કરતાં ગૌતમ અદાણીએ કહ્યું, "પીએમ મોદી અને હું, બન્ને ગુજરાતથી આવીએ છીએ. એ જ કારણ છે કે આ પ્રકારના વેપારિક આરોપો માટે હું એક સરળ શિકાર બની જઉં છું. જોકે, એક ઉદ્યમી તરીકેની હું મારી યાત્રા જોઉં તો હું એને ચાર તબક્કામાં વહેંચી શકું છું. કેટલાય લોકો એ વાતથી આશ્ચર્યચકિત થઈ શકે કે મારી સફર એ વખતમાં શરૂ થઈ હતી જ્યારે રાજીવ ગાંધી વડા પ્રધાન હતા."
"એમણે જ્યારે આયાત-નિકાસનીતિનું ઉદારીકરણ કર્યું તો કેટલીય વસ્તુઓને ઓપન જનરલ લાઇસન્સ લિસ્ટમાં લાવવામાં આવી. આનાથી મને મારું ઍક્સપૉર્ટ હાઉસ શરૂ કરવામાં મદદ મળી. રાજીવ ગાંધી વગર એક ઉદ્યમી તરીકેની મારી યાત્રા શરૂ ના થઈ શકી હોત."
"એ બાદ મને ઉછાળો 1991માં મળ્યો જ્યારે પીએમ નરસિંહ રાવજી અને નાણામંત્રી મનમોહનસિંહની જોડીએ મોટા આર્થિક ફેરફાર કર્યા. બીજા અન્ય ઉદ્યમીઓની માફક મને પણ એ સુધારાઓનો ફાયદો મળ્યો. આ અંગે વધારે બોલવાની જરૂર નથી. આ અંગે ઘણું બધું કહેવાઈ ચૂક્યું અને લખાઈ ચૂક્યું છે."
"મારા માટે ત્રીજો ટર્નિંગ પૉઇન્ટ 1995માં આવ્યો જ્યારે કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્ય મંત્રી હતા. એ વખતે ગુજરાતમાં બધો ઔદ્યોગિક વિકાસ મુંબઈથી દિલ્હી જતા નેશનલ હાઈવે 8ની આસપાસ થયો હતો. આ વિકાસ વાપી, ભરૂચ, અંકલેશ્વર, સિલવાસા, વડોદરા, સૂરત અને અમદાવાદમાં થયો. તેઓ એક દૂરદર્શી હતા અને કાઠાવિસ્તારનો વિકાસ કરવા સમર્પિત હતા.એ કારણે હું મુંદ્રા સુધી પહોંચ્યો અને અમે ત્યાં અમારું પ્રથમ બંદર બનાવી શક્યા. બાકીનું લોકો જેમ કહે છે, ઇતિહાસ છે."
"ચોથો ટર્નિંગ પૉઇન્ટ 2001માં આવ્યો જ્યારે ગુજરાતમાં મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં વિકાસનો દૌર શરૂ તયો. તેમની નીતિઓએ માત્ર ગુજરાતનીઆર્થિક સુરત જ ના બદલી, સામાજિક ફેરાફારો પણ કર્યા. એ સાથે જ તેમના વખતમાં વિકાસથી વંચિત રહી ગયેલા વિસ્તારોમાં પણ વિકાસ પહોંચ્યો. એમાં ઉદ્યોગો અને રોજગારમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો. આજે એમના નેતૃત્વમાં આપણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિકાસ જોઈ શકીએ છીએ અને એક નવું ભારત પોતાની જગ્યાએ બની રહ્યું છે. એ દુર્ભાગ્યપૂર્ણ છે કે મારા વિરુદ્ધ આ પ્રકારની વાર્તાઓ રચવામા આવે છે...જેવું કે મેં જણાવ્યું છે કે આ બધા આરોપ આધાર વગરના છે."

ઇમેજ સ્રોત, VIJAY SONEJI/MINT VIA GETTY IMAGES









