You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

નેપાળ: પુષ્પ કમલ દહલને રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા

નેપાળનાં રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ દેશની પ્રતિનિધિ સભામાં ત્રીજી સૌથી મોટી પાર્ટી સીપીએન-માઓવાદી કેન્દ્રના અધ્યક્ષ પુષ્પ કમલ દહલની વડા પ્રધાન તરીકે નિમણૂક કરી છે.

લાઇવ કવરેજ

  1. નેપાળ: પુષ્પ કમલ દહલની વડા પ્રધાન તરીકે નિયુક્તિ

    નેપાળનાં રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ દેશની પ્રતિનિધિ સભામાં ત્રીજી સૌથી મોટી પાર્ટી સીપીએન-માઓવાદી કેન્દ્રના અધ્યક્ષ પુષ્પ કમલ દહલની વડા પ્રધાન તરીકે નિમણૂક કરી છે.

    રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા રવિવારે સાંજે જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, "રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ નેપાળના બંધારણની કલમ 76 (2) હેઠળ પ્રતિનિધિ સભાના પુષ્પ કમલ દહલ 'પ્રચંડ'ને નેપાળના વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે."

    બંધારણના આ અનુચ્છેદમાં એવી જોગવાઈ છે કે "પ્રતિનિધિ સભાના સભ્ય, જે બે કે તેથી વધુ પક્ષોના સમર્થનની બહુમતી મેળવી શકે" તેની પ્રતિનિધિ સભામાં વડા પ્રધાન તરીકે નિયુક્ત થઈ શકે છે.

    પ્રચંડ રવિવારે રાષ્ટ્રપતિના સત્તાવાર 'શિતલ નિવાસ' પહોંચ્યા અને પોતાનો દાવો રજૂ કર્યો કે 170થી વધુ સાંસદોએ તેમનું વડા પ્રધાનપદ માટે સમર્થન કર્યું છે.

  2. યુએસમાં શિયાળુ તોફાન: અમેરિકનો અને કૅનેડિયનો નાતાલના દિવસે ઘરબંધ અવસ્થામાં

    10 લાખથી વધુ અમેરિકનો અને કૅનેડિયનો વીજળી વિના ક્રિસમસ દિવસનો સામનો કરી રહ્યા છે, કારણ કે એક મહાકાય શિયાળુ વાવાઝોડાએ ઉત્તર અમેરિકાને બાનમાં લીધું છે.

    જ્યારે વાતાવરણીય દબાણ ઘટે છે ત્યારે બૉમ્બ ચક્રવાત બરફ, તીવ્ર પવન અને ઠંડું તાપમાન લાવે છે.

    ક્વિબેકથી ટેક્સાસ સુધી 2,000 માઇલથી વધુ વિસ્તારમાં લગભગ 25 કરોડ લોકો અસરગ્રસ્ત છે અને બર્ફીલા તોફાનમાં ઓછામાં ઓછા 19 મૃત્યુ થયાં છે.

    નાતાલ તહેવારના સમયગાળા દરમિયાન હજારો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

    પશ્ચિમ યુએસ મોન્ટાના રાજ્ય ઠંડીથી સૌથી વધુ અસરગ્રસ્ત છે, જ્યાં તાપમાન -45 ડિગ્રી સેલ્સિયલ સુધી નીચું ગયું છે.

    મિનેસોટા, આયોવા, વિસ્કોન્સિન અને મિશિગનમાં વ્હાઇટ-આઉટની નજીકની સ્થિતિ નોંધવામાં આવી છે.

    ન્યૂયૉર્ક રાજ્યના બફેલો શહેરમાંયુએસ નેશનલ વેધર સર્વિસ (એનડબલ્યુએસ)એ "ઝીરો માઇલ" દૃશ્યતાની જાણ કરી છે.

    પેસિફિક નોર્થવેસ્ટમાં કેટલાક રહેવાસીઓ સિઍટલ અને પોર્ટલૅન્ડની શેરીઓમાં આઇસ-સ્કેટિંગ કરી રહ્યા છે.

    પહાડીઓનું રક્ષણ મળવાને કારણે કેલિફોર્નિયા એ એકમાત્ર એવો પ્રદેશ છે જે મોટા ભાગે ઠુંઠવાતા બચી ગયો છે.

    કૅનેડામાં ઓન્ટારિયો અને ક્વિબેક પ્રાંતો આર્કટિક વિસ્ફોટનો ભોગ બન્યા હતા.

    તોફાન-સંબંધિત સંખ્યાબંધ જાનહાનિઓમાં રોડ ટ્રાફિક અકસ્માતો સામેલ છે, જેમાં ઓહિયોમાં 50-કારના અકસ્માત સહિત ચાર કારચાલકોનાં મોત થયાં છે.

    રાજ્યમાં અલગ-અલગ અકસ્માતમાં અન્ય ચારનાં મોત થયાં છે.

  3. સંધિવા થવાનું કારણ શું છે અને તે સારવારથી મટી શકે કે નહીં?

  4. આધાર કાર્ડધારકોએ અપડેટ કરાવા પડશે દસ્તાવેજ, શું નવી જાહેરાત થઈ?

    ભારતીય વિશિષ્ટ ઓળખ ઑથૉરિટી (યુઆઈડીએઆઈ)એ જેમણે દસ વર્ષ પહેલાં આધાર કાર્ડ બનાવડાવ્યું હોય તેમને પોતાના દસ્તાવેજ અપડેટ કરવા કહ્યું છે.

    જે આધાર કાર્ડધારકોએ પોતાની જાણકારી પાછલાં દસ વર્ષમાં અપડેટ નથી કરાવી તેમને આ પગલું અનુસરવા કહેવાયું છે.

    આધારધારક પોતાની નવી જાણકારી સાથે સંબંધિત દસ્તાવેજ અપલોડ કરીને આધારને અપડેટ કરી શક છે. આ કામ ‘માય આધાર પૉર્ટલ’ પર ઑનલાઇન કે નજીકના આધાર કેન્દ્રમાં જઈને કરી શકાય છે.

    યુઆઈડીએઆઈના નિવેદન અનુસાર, “જે રહેવાસીઓને દસ વર્ષ પહેલાં આધાર કાર્ડ અપાયાં હતાં અને જેમણે આ દરમિયાન પોતાની વિગતો અપડેટ નથી કરાવી. આવા ધારકોને પોતાના દસ્તાવેજ અપડેટ કરાવાની અપીલ કરાય છે.”

    ગત એક દાયકામા લગભગ દરેક જગ્યાએ આધાર કાર્ડનો ઓળખના પ્રમાણપત્ર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે.

    યુઆઈડીએઆઈનું કહેવું છે કે પોતાના દસ્તાવેજ અપડેટ કરાવાથી લોકો માટે આધારનો ઉપયોગ કરવાનું વધુ સરળ બનશે.

  5. ભારતે બાંગ્લાદેશને હરાવીને 2-0થી ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરી

    ભારતે મીરપુરમાં રમાયેલી ટેસ્ટમેચમાં બાંગ્લાદેશને ત્રણ વિકેટે હરાવી દીધું છે અને આ સાથે જ બે ટેસ્ટમેચોની સિરીઝ 2-0થી જીતી લીધી છે.

    એક સમયે લાગી રહ્યું હતું કે આ મૅચ ભારતના હાથમાંથી નીકળી રહી છે અને એ વખતે સાતમા ક્રમે રમવા આવેલા અશ્વીને અણનમ 42 રનની ઇનિંગ રમી.

    આ પહેલાં બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પ્રથમ ઇનિંગમાં 227 રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ।

    એ બાદ ભારતીય ટીમે 314 રન બનાવ્યા હતા અને 87 રનની લીડ મેળવી હતી.

    એ બાદ રમવા ઊતરેલી બાંગ્લાદેશની ટીમ 231 રનમાં સમેટાઈ ગઈ હતી અને એણે ભારતને જીતવા માટે 145 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

    ભારતીય ટીમને જોતાં એવું લાગતું હતું કે આ લક્ષ્ય સરળતાથી હાંસલ કરી લેશે પણ પ્રારંભમાં જ ટીમનો ટૉપ ઑર્ડર નિષ્ફળ સાબિત થયો હતો.

    અક્ષર પટેલ અને શ્રેયસ અય્યરને બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. અક્ષર પટેલે 34 રનની ઇનિંગ રમી હતી જ્યારે શ્રેયસ અય્યરે અણનમ 29 રન બનાવ્યા.

  6. તાલિબાનનું ફરમાન : અફઘાનિસ્તાનમાં છોકરીઓ એનજીઓમાં કામ નહીં કરી શકે

    અફઘાનિસ્તારનમાં છોકરીઓ માટે શિક્ષણના દરવાજા બંધ કર્યા બાદ હવે તાલિબાને બિનસરકારી સંસ્થાઓમાં મહિલાઓના કામ કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે.

    દેશની તાલિબાન સરકારના આ નિર્ણયની સંયુક્ત રાષ્ટ્રે એવું કહીને નિંદા કરી હતી કે આ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.

    જોકે, તાલિબાને આ નિર્ણયને યોગ્ય ઠેરવતા કારણ આપ્યું કે એનજીઓમાં મહિલા સ્ટાફ હિજાબ ન પહેરીને શરિયા કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

    અમુક દિવસ પહેલાં જ અફઘાનિસ્તામાં મહિલાઓના યુનિવર્સિટી શિક્ષણ મેળવવા પર પણ પ્રતિબંધ લાદી દેવાયો હતો.

    અમેરિકન વિદેશમંત્રી એન્ટની બ્લિંકને પણ આ નિર્ણયની ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે, આ નિર્ણય “અફઘાનિસ્તાનના લોકો માટે વિનાશકારી હશે.”

    એનજીઓમાં કામ કરનારાં ઘણાં મહિલાઓ ઘરમાં કમાનારા એકલાં સદસ્ય છે. તે પૈકી કેટલાકે પોતાનાં ડર અને લાચારી વિશે બીબીસીને જણાવ્યું.

    એક મહિલાએ કહ્યું, “જો હું નોકરી નહીં કરું તો મારા પરિવારનું ગુજરાન કોણ ચલાવશે?”

    અન્ય એક મહિલાએ આ સમાચારને “આશ્ચર્યચકિત કરનારા” ગણાવ્યા અને ભારપૂર્વક કહ્યું કે તેમણે તાલિબાનના ડ્રેસ કોડનું પાલન કર્યું હતું.

    વધુ એક મહિલાએ તાલિબાનની “ઇસ્લામિક નૈતિકતા” પર પ્રશ્નો ઉઠાવ્યા. તેમને ચિંતા હતી કે તેઓ હવે પોતાનું ઘર કેવી રીતે ચલાવશે અને બાળકોને શું ખવડાવશે.

  7. ગુજરાતના કચ્છમાં ખાણની સાઇટ પર દીવાલ ધસી પડતાં ત્રણનાં મૃત્યુ

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર શનિવારે ગુજરાતના કચ્છના ખાવડામાં ખાણકામ માટેની સાઇટ પર સાઇડ વૉલ (દીવાલ) ધસી પડતાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

    સ્થાનિક પોલીસને ટાંકીને અખબારે આ જાણકારી આપી છે.

    પોલીસે આપેલ વિગતો અનુસાર શુક્રવારે સાંજ છ-સાત વાગ્યાની આસપાસ આ ઘટના ત્યારે બની હતી જ્યારે ભાઠાની 50 ફૂટ ઊંચી દીવાલ એક જેસીબી અને ટ્રક પર પડી ગઈ હતી.

    પોલીસે આગળ જણાવ્યું હતું કે, “આ ઘટનામાં ત્રણ લોકો દીવાલ નીચે દબાઈ ગયા હતા, શુક્રવારે રાત્રે આઠ વાગ્યે શરૂ કરાયેલ સર્ચ અને રેસ્ક્યુ ઑપરેશન શનિવારે ત્રણ વાગ્યે સમાપ્ત થયું હતું, ઘટનામાં ત્રણેય લોકોનાં મૃત્યુ થયાં હતાં.”

    મૃતકો પૈકી એક જેસીબી ચાલક હતા જ્યારે અન્ય બે દીવાલ પાસે ઊભેલ વાહન ઠીક કરી રહ્યા હતા.

  8. ચીનમાં કોવિડ-19નો આતંક: 'અમે જેમને ઓળખીએ છીએ તે બધા તાવમાં સપડાયા છે'

  9. મોદી સરકાર પર રાહુલ ગાંધીના શાબ્દિક પ્રહાર બાદ ભાજપનો પલટવાર, મંશા પર ઉઠાવ્યા સવાલ

    ‘ભારત જોડો યાત્રા’ સાથે દિલ્હી પહોંચેલા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંદીએ શનિવારે કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા. જે બાદ હવે ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી પર પલટવાર કર્યા છે અને તેમની મંશા પર સવાલ ઉઠાવ્યા છે.

    દિલ્હી પહોંચેલ રાહુલ ગાંધીએ લાલ કિલ્લાથી લોકોને સંબોધિત કરતાં ભાજપ પર હુમલો કર્યો અને કહ્યું, “તેઓ નફરત ફેલાવે છે અને અમે ભારતીયોને ગળે લગાવીએ છીએ.”

    ભાજપના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીના આરોપોનેખારિજ કર્યા છે અને કહ્યું, “તેઓ દેશના ભાગલા પાડનારા લોકો સાથે ચાલી રહ્યા છે.”

    રવિશંકર પ્રસાદે કહ્યું, “રાહુલ ગાંધી પ્રેમ રેલાવાની વાત કરે છે, પરંતુ તેઓ એવા લોકો સાથે જોવા મળે છે, જેઓ દેશના ભાગલા પાડવાની કોશિશ કરે છે.”

    તેમણે કહ્યું, “ભારત જોડો યાત્રા દરમિયાન અલગ અલગ જગ્યાએ તેઓ ટુકડે-ટુકડે ગૅંગ સાથે જોડાયેલા લોકો સાથે નજરે પડ્યા. તેમની સાથે ચાલીને તેઓ કેવી રીતે પ્રેમ રેલાવી શકે?”

    રવિશંકર પ્રસાદે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ દેશની સેના પર ફરીથી સવાલ ઉઠાવ્યા.

    તેમજ ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીએ રાહુલ ગાંધીની ગંભીરતાને લઈને પ્રશ્ન ઉઠાવ્યા છે.

    તેમણે કહ્યું, “ભારત જોડો યાત્રાનું સમર્પણ એ જ વાતથી સમજી શકાય છે કે ચૂંટણી અને સંસદ સત્ર દરમિયાન તેને સ્થગિત ન કરાઈ, પરંતુ હવે જ્યારે ક્રિસમસનો તહેવાર અને નવું વર્ષ આવી રહ્યું છે, ત્યારે લાગી રહ્યું છે કે યાત્રા સ્થગિત થઈ જશે.”

    આ પહેલાં ભાજપના પ્રવક્તા શહજાદ જય હિંદે યાત્રામાં અભિનેતા કમલ હાસનના સામેલ થવાની વાતને લઈને પ્રશ્ન ઉઠાવ્યા હતા.

    તેમણે કહ્યું કે આ યાત્રામાં કમલ હાસનનું સામેલ થવું ‘કોઈ સંજોગ નહીં, પરંતુ એક પ્રયોગ છે.’

  10. નમસ્કાર, બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    24 ડિસેમ્બરના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.