“ભારત જોડો યાત્રા” અંતર્ગત ફેબ્રુઆરીમાં કૉંગ્રેસ ગુજરાતમાં “હાથ સે હાથ જોડો” પદયાત્રા કાઢશે

ઇમેજ સ્રોત, @BHARATJODO
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિની અખબારી યાદી અનુસાર, કૉંગ્રેસ દ્વારા રાજ્યભરમાં “હાથ સે હાથ જોડો” અભિયાન સાથે પદયાત્રાનું આગામી ફેબ્રુઆરીમાં આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં કૉંગ્રેસ કાર્યાલય ખાતે આયોજીત પ્રદેશના હોદ્દેદારોની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
“ભારત જોડો યાત્રા” અંતર્ગત આગામી ફેબ્રુઆરી 2023થી સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક ગ્રામ પંચાયત અને મતદાન મથકના વિસ્તારને આવરી લે તે રીતે “હાથ સે હાથ જોડો” અભિયાન સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, “રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જોડો યાત્રાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ યાત્રા 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને 12 રાજ્યોમાંથી પસાર થશે, જેના અંતર્ગત “હાથ સે હાથ જોડો” પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.”
ગુજરાત કૉંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, “150 દિવસની ‘ભારત જોડો યાત્રા’ લગભગ 3,500 કિલોમીટરનીનું અંતર કાપશે. રોજના 25 કિલોમિટર ચાલતી આ યાત્રાએ આજે 104 દિવસ પુરા કર્યા છે.”
“આ યાત્રા રાષ્ટ્રને વિભાજિત કરી રહેલા આર્થિક, સામાજિક અને રાજકીય મુદ્દાઓ સામે અવાજ ઉઠાવી રહી છે અને કૉંગ્રેસના નેતાઓની સાથે લાખો લોકો આંદોલનમાં જોડાયા છે.”













