You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નીરવ મોદીને પ્રત્યર્પણ વિરુદ્ધના મામલે બ્રિટિશ કોર્ટે ઝટકો આપ્યો
નીરવ મોદીને પ્રત્યર્પણના એક કેસમાં કોર્ટે ઝટકો આપ્યો છે. યુકેની એક હાઈકોર્ટે પ્રત્યર્પણના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ
લાઇવ કવરેજ
નીરવ મોદીને પ્રત્યર્પણ વિરુદ્ધના મામલે બ્રિટિશ કોર્ટે ઝટકો આપ્યો
નીરવ મોદીને પ્રત્યર્પણના એક કેસમાં કોર્ટે ઝટકો આપ્યો છે. યુકેની એક હાઈકોર્ટે પ્રત્યર્પણના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જવાની પરવાનગી આપી નથી.
યુકેની રૉયલ કોર્ટ ઑફ જસ્ટિસે કહ્યું છે, "અરજકર્તાની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા જવાની પરવાનગી આપવાનો ઇન્કાર કરી દેવાયો છે."
ગત મહિને 51 વર્ષના નીરવ મોદીની માનસિક સ્વાસ્થ્યના આધાર પર કરાયેલી અપીલને ફગાવી દેવાઈ હતી.
છેતરપિંડીના આરોપી નીરવ મોદી પ્રત્યર્પણ વૉરન્ટમાં ધરપકડ કરાયા બાદથી યુકેની એક જેલમાં છે.તેમના પર બે બિલિયન ડૉલરના લોન કૌભાંડનો આરોપ છે.
સાબરમતી એક્સપ્રેસ સળગાવવાના મામલામાં દોષિતને જામીન અપાયા
ગોધરામાં સાબરમતી એક્સ્પ્રેસ ટ્રેન સળગાવવાના કેસમાં જન્મટીપની સજા ભોગવી રહેલા ફારૂકને સુપ્રીમ કોર્ટે આજે જામીન આપી દીધી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફારૂક 17 વર્ષ જેલમાં રહી ચૂક્યો છે અને ટ્રેન સળગાવવાના કેસમાં એની ભૂમિકા પથ્થરમારો કરનારની હતી.
ચીફ જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડની બેન્ચે ગુરુવારે આદેશમાં કહ્યું, "અમે ફારૂકને જામીન આપીશું કેમ કે એ પહેલાંથી જ 17 વર્ષ જેલમાં રહી ચૂક્યો છે." વર્ષ 2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને સળગાવવાના કેસમાં ફારૂકને પથ્થરમારાના આરોપમાં જન્મટીપની સજા ફરમાવાઈ હતી.
ચીફ જસ્ટિસે જામીન આપવાનો નિર્ણય લેતાં કહ્યું, "17 વર્ષ વીતી ગયાં છે. દોષી ગણવાના નિર્ણય વિરુદ્ધની એની અરજી વડી અદાલતમાં પેન્ડિંગ છે." સુપ્રીમ કોર્ટે આ જ મામલે 13 મે, 2002ના રોજ અન્ય એક આરોપી અબ્દુલ રહેમાન ધનતિયા ઉર્ફે કાનકટ્ટુને છ મહિનાના જામીન આપ્યા હતા.
અબ્દુલનાં પત્નીને કૅન્સર હતું અને એમની પુત્રીઓ માનસિક રીતે બીમાર હતી.
11 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે અબ્દુલની જામીન 31 માર્ચ, 2023 સુધી વધારી દીધી હતી. 27 ફેબ્રુઆરી, 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચમાં આગ લાગી હતી, જેમાં 59 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ બાદ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં.
સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ આ મામલે ગુજરાત સરકારનો પક્ષ રાખતા ફારૂકના જામીનનો વિરોધ કર્યો હતો. એમનું કહેવું હતું કે આ મામલે ફારૂક અને બીજા આરોપીઓએ ટ્રેન પર પથ્થર ફેંક્યા હતા. જેમાં સળગતી ટ્રેનમાંથી બહાર નીકળવામાં લોકો સામે અવરોધ ઊભો થયો હતો.
‘...તો આપણે ભાગ્યશાળી હોઈશું’ રઘુરામ રાજને રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’માં આવું કેમ કહ્યું?
બુધવારે રાજસ્થાનમાં કૉંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ માં સામેલ થયેલા રઘુરામ રાજને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથેની વાતચીતમાં આ ભારતના અર્થતંત્ર સંદર્ભે ચર્ચા કરી હતી.
રીઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે, “ભારતીય અર્થવ્યવસ્થા માટે આગામી વર્ષ મુશ્કેલ છે, દેશ માટે 5 ટકાનો વિકાસ દર પણ હાંસલ કરવો ખૂબ મુશ્કેલ હશે અને દુનિયાની અર્થવ્યવસ્થા માટે પણ આવનારું વર્ષ સરળ નહીં હોય.”
રઘુરામ રાજને કહ્યું હતું કે, “જો આપણે આવતા વર્ષે 5 ટકાના દરે વૃદ્ધિ પામી શકીશું તો આપણે ભાગ્યશાળી હોઈશું, તમારે સમજવું પડશે કે વિકાસના આંકડા સાથે સમસ્યા એ છે કે, તેની સરખામણી કોની સાથે કરીને તેને માપી રહ્યા છીએ. જો તમારા છેલ્લા ત્રણ મહિના ઘણા ખરાબ રહ્યા તો દેખીતી રીતે તેની સરખામણીએ નંબર્સ વધુ દેખાશે.”
“આપણે જો 2019 એટલે કે મહામારીના સમય પહેલાની તુલના 2022 સાથે કરીએ તો આપણો વિકાસ દર 2 ટકા રહ્યો છે, જે ઘણો ઓછો છે.”
મંદી પાછળનું કારણ પૂછવા અંગે રાજને કહ્યું હતું કે, “કોવિડ-19 મહામારી ‘સમસ્યાનો ભાગ’ જરૂર હતી, પરંતુ ભારત ‘મહામારી પહેલાં જ ‘ધીમી વૃદ્ધિ’તરફ વધી રહ્યું હતું.”
તેઓએ કહ્યું હતું કે, “ભારત એ સુધારો કરવામાં નિષ્ફળ સાબિત થયું જેનાથી દેશનો વિકાસ દર ઘણો સારો થઈ શક્યો હોત.”
બિહાર: છપરામાં ઝેરી દારુ પીવાથી 30 લોકોનાં મોત
બિહારના છપરામાં ઝેરીલો દારૂ પીવાના કારણે ઘણાં લોકોના મૃત્યુ થયા છે. સારણના ડીએમએ બીબીસીને જણાવ્યું હતું કે, આ મૃત્યુ બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
સારણના એસપી સંતોષ કુમારે બીબીસીને જણાવ્યું હતું કે, “પોલીસ એ વિસ્તારના લોકોને કહી રહી છે કે જો કોઈ વ્યક્તિ અન્ય કોઈ જગ્યાએ સારવાર કરાવી રહ્યા છે તો તેઓ સામે આવે. અત્યાર સુધી દસ મૃતકોના પરીવારે દારૂ પીવાની વાતનો સ્વીકાર કર્યો છે. અમે ટીમ બનાવીને તપાસ કરી રહ્યા છીએ અને લોકોને જાગૃત પણ કરી રહ્યા છીએ. સમગ્ર છપરામાં તપાસ અભિયાન ચલાવી રહ્યા છે, ખાસ કરીને પ્રભાવિત વિસ્તારમાં તપાસ ચાલુ છે.”
આ મૃત્યુ બાદ સ્થાનિક લોકોમાં પણ ખુબ આક્રોશ જોવા મળી રહ્યો છે. બિહારમાં વિપક્ષ પાર્ટીઓ આ મૃત્યુનું કારણ ઝેરીલા દારૂનું સેવન ગણાવી રહી છે. આ મુદ્દો બિહારથી દિલ્હી સુધી ચર્ચાઈ રહ્યો છે.
એનડીટીવીના અહેવાલ અનુસાર, બિહારના છપરામાં કથિત રીતે ઝેરીલો દારુ પીવાથી પીવાથી 14 ડિસેમ્બરે શરૂઆતમાં મૃતકોની સંખ્યા 6 હતી, ત્યારબાદ સાંજ સુધી મૃત્યુ આંક વધીને 24 થઈ ગયો હતો.
ગુરુવારે સવાર સુધી મૃત્યુ પામનારની સંખ્યા 30 થઈ ગઈ છે.
આ મામલો છપરા સારણના ઇસુઆપુર પોલીસસ્ટેશન વિસ્તારનો છે. સારણના ડીએમએ બીબીસીને કહ્યું હતું કે, હજુ પણ ઘણા લોકો હૉસ્પિટલમાં દાખલ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, કેટલાક લોકો સ્થાનિક સ્તરે સારવાર કરાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બિહારમાં દારૂબંધી છે. અહીં દારૂની ખરીદી-વેચાણ અને સેવન ગેરકાનૂની છે.
જયશંકરે કહ્યું, આંતરરાષ્ટ્રીય મંચનો થઈ રહ્યો છે દુરુપયોગ
વિદેશ મંત્રી એસ.જયશંકરે બુધવારે આતંકવાદીઓના સહાનુભૂતિ ધરાવતા ચીન અને પાકિસ્તાન પર પરોક્ષ રીતે પ્રહાર કર્યો હતો.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ખાતે એક બેઠકમાં જયશંકરે કહ્યું હતું કે, “આતંકવાદના ગુનેગારોને ન્યાયી ઠેરવવા અને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય મંચોનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.”
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા પછી, જયશંકરે પાકિસ્તાન પર જોરદાર જવાબ આપ્યો હતો.
જયશંકરે કહ્યું હતું કે, “જે દેશે અલ-કાયદાના આતંકવાદી ઓસામા બિન લાદેનની યજમાની કરી અને પડોશી દેશના સંસદ પર હુમલો કર્યો છે, તેને ઉપદેશ આપવાનો કોઈ અધિકાર નથી.”
જયશંકરે એમ પણ કહ્યું હતું કે, “સંઘર્ષની પરિસ્થિતિના પ્રભાવથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, બહુપક્ષીય મંચનો પહેલાંની જેમ ઉપયોગ ચાલુ રાખી શકાશે નહીં.
જ્યારે આખી દુનિયા આતંકવાદના પડકાર સામે મજબૂતીથી એકસાથે લડી રહ્યું છે, ત્યારે આતંકવાદી ગતિવિધિઓને અંજાંમ આપનારાઓને ન્યાય આપવા માટે આંતરરાષ્ટ્રીય મંચોનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે."
મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદ: અમિત શાહે કહ્યું, રાજ્યોએ સુપ્રીમ કૉર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ
મહારાષ્ટ્ર-કર્ણાટક વિવાદ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બુધવારે બંને રાજ્યોના મુખ્ય મંત્રીઓની મૂલાકાત લીધી હતી.
બેઠક બાદ પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે, “બંને રાજ્યો સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોશે.”
તેમણે કહ્યું, "બંને મુખ્ય મંત્રીઓએ વાત કરી અને એ વાત પર સહમતિ થઈ કે લોકશાહીમાં બંધારણ દ્વારા વિવાદનો ઉકેલ લાવી શકાશે."
તેમણે એમ પણ કહ્યું કે, “જ્યાં સુધી આ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય નહીં આવે, ત્યાં સુધી બંને રાજ્યો એકબીજા પાસે માંગણી નહીં કરે.”
તેઓએ જણાવ્યું હતું કે, “બંને રાજ્યોમાંથી 6 મંત્રીઓ બેસીને મુદ્દાના ઉકેલ માટે ચર્ચા કરશે. અન્ય બીજા નાના મુદ્દાઓ પર પણ મંત્રીઓ વાત કરશે.”
“મુસાફરો, વેપારીઓ અથવા લોકોને કોઈ પણ પ્રકારની મૂશ્કેલી ન પડે, તે માટે એક વરિષ્ઠ આઇપીએસ ઓફિસરના નેતૃત્વમાં એક સમિતિ બનાવવા પર સહમતી બની છે, જે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં મદદ કરશે.”
અમિતશાહે કહ્યું હતું કે, “સમગ્ર મામલામાં ફેક ટ્વીટની ભૂમિકા વધુ રહી છે. ફેક ટ્વીટ નેતાઓના નામથી સર્ક્યુલેટ કરાયું છે.”
“જ્યાં પણ આવા મુદ્દાઓ સામે આવ્યા છે, ત્યાં એફઆઈઆર નોંધવામાં આવશે અને આવું કરનારા લોકોને પર્દાફાશ કરવામાં આવશે.”
તેઓએ વિપક્ષના નેતાઓને અપીલ કરી હતી કે, હવે આ મુદ્દાને રાજકીય રંગ ન આપે.
નમસ્કાર, બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
13 ડિસેમ્બરના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.