You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

'પઠાન' મધ્ય પ્રદેશમાં રિલીઝ થશે કે કેમ? રાજ્યના ગૃહમંત્રીએ શંકા કેમ વ્યક્ત કરી?

ફિલ્મના એક ગીત સાથે જોડાયેલાં દૃશ્ય અને કપડાં અંગેનો વિવાદ એટલો વકર્યો છે કે મધ્ય પ્રદેશમાં ફિલ્મમાં રજૂ કરાશે કે કેમ એને લઈને આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

લાઇવ કવરેજ

  1. 'પઠાન' મધ્ય પ્રદેશમાં રિલીઝ થશે કે કેમ? રાજ્યના ગૃહમંત્રીએ શંકા કેમ વ્યક્ત કરી?

    શાહરુખ ખાન અને દીપિક પાદુકોણ સ્ટારર ફિલ્મ 'પઠાન' રિલીઝ પહેલાં જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે.

    ફિલ્મના એક ગીત સાથે જોડાયેલાં દૃશ્ય અને કપડાં અંગેનો વિવાદ એટલો વકર્યો છે કે મધ્ય પ્રદેશમાં ફિલ્મમાં રજૂ કરાશે કે કેમ એને લઈને આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

    મધ્ય પ્રદેશના ગૃહમંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાએ જણાવ્યું છે કે 'ગીતમાં દીપિકા પાદુકોણની વેશભૂષા આપત્તિજનક છે અને એનું ફિલ્માંકન દુષિત માનસિકતા સાથે કરવામાં આવ્યું છે.'

    તેમણે એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે 'ગીતનાં દૃશ્યો અને વેશભૂષાને યોગ્ય નહીં કરાય તો ફિલ્મને મધ્ય પ્રદેશમાં રજૂ થવાની પરવાનગી આપવી કે કેમ એ વિચારવું પડશે.'

    નોંધનીય છે કે બુધવારે ટ્વિટર પર#BoycottPathan ટ્રેન્ડ થવા લાગ્યું હતું.દક્ષિણપંથી લોકોએ ફિલ્મના 'બેશર્મ રંગ' ગીત પર વાંધો વ્યક્ત કર્યો હતો.

  2. કથીરિયાએ આપ અને ભાજપની સરખાણી કરતાં શી વાત કરી?

    પાટીદાર ચહેરો અને આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અલ્પેશ કથીરિયાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપને મળેલી પાંચ બેઠકોની વાત કરતાં જણાવ્યું છે કે વિશ્વની સૌથી મોટી પાર્ટી (ભાજપ)નો પ્રારંભ બે બેઠકો પર ચૂંટણી જીતીને થયો હતો જ્યારે ગુજરાતમાં આપની શરૂઆત પાંચ બેઠકો પરથી થઈ છે.

    કથીરિયાએ જણાવ્યું, "દુનિયાની કહેવાતી સૌથી મોટી પાર્ટી (ભાજપ)ની શરૂઆત બે બેઠકો પર ચૂંટણી જીતીને થઈ હતી, જ્યારે આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો જીતી છે. 56 બેઠકો પર એ બીજા નંબરે રહી છે જ્યારે 25થી વધુ બેઠકો પર એ બેથી ત્રણ હજારના તફાવત સાથે ત્રીજા નંબરે રહી છે."

    તેમણે ઉમેર્યું, "જે બેઠક પરથી આખો ભાજપ જન્મ્યો એ બોટાદની બેઠક આમ આદમી પાર્ટીએ જીતી લીધી છે."

    નોંધનીય છે કે અમદાવાદમાં આપની પ્રદેશ સ્તરની સંકલન બેઠક યોજાઈ, જેમાં કથીરિયાએ સંબંધિત વાત કરી હતી. આગામી સમયની રણનીતિ અંગે ચર્ચા કરવા માટે આ બેઠકનું આયોજન કરાયું છે.

    અહીં એ પણ મહત્ત્વપૂર્ણ છે કે પાટીદાર અનામત આંદોલનના નેતા અને ચૂંટણી પહેલાં આપમાં જોડાયેલા અલ્પેશ કથીરિયા સુરતની વરાછા રોડ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા પણ ભાજપના કિશોર કાનાણી સામે એમનો પરાજય થયો હતો.

    કથીરિયાને કુલ 50,372 મત મળ્યા હતા. જ્યારે વિજયી ઉમેદવાર કાનાણીને 67,206 મત મળ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવાર પ્રફુલ તોગડિયાને માત્ર 2,940 મત મળ્યા હતા.

  3. ભારત વિ. બાંગ્લાદેશ ટેસ્ટ મૅચ : ટી બ્રેક સુધી ચાર વિકેટે ભારત 174 રન બનાવી શક્યું, અય્યર અને પૂજારા ક્રીઝ પર, બે મૅચોની આ ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટ બાંગ્લાદેશના ઝહુર અહમદ ચૌધરી સ્ટેડિયમ ખાતે યોજાઈ રહી છે, જેમાં ભારતીય ટીમે ટૉસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

    બાંગ્લાદેશ સામે વનડે સિરીઝ 2-1થી ગુમાવ્યા બાદ ભારત અને બાંગ્લાદેશની ટીમો વચ્ચે ટેસ્ટ સિરીઝ આયોજિત કરાઈ છે.

    બે મૅચોવાળી આ સિરીઝની પ્રથમ ટેસ્ટઝહુર અહમદ ચૌધરી સ્ટેડિયમ ખાતે યોજાઈ રહી છે, જેમાં ભારતીય ટીમે ટૉસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

    ટી બ્રેક સુધી ભારતીય ટીમે 174 રને ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય ટીમ તરફથી અનુક્રમે 41 અને 42 રન બનાવીને શ્રેયસ અય્યર અને ચેતેશ્વર પૂજારા અણનમ હતા. ભારતીય ટીમ તરફથી કપ્તાન કે. એલ. રાહુલ અને શુભમન ગીલની ઑપનિંગ જોડી મોટો સ્કોર ઊભો કરી શકી નહોતી.

    તેમજ બાંગ્લાદેશ સામેની અંતિમ વનડેમાં ઈશાન કિશન સાથે જોડી જમાવી શતક નોંધાવનાર વિરાટ કોહલી આ મૅચમાં માત્ર એક રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

    બાંગ્લાદેશ તરફથી તાજુલ ઇસ્લામે 43 રન આપીને બે વિકેટ લીધી હતી.

  4. દિલ્હીમાં એક કિશોરી પર એસિડ ફેંકવાની ઘટના, એક વ્યક્તિની ધરપકડ

    દિલ્હીમાં શાળામાં ભણતી એક વિદ્યાર્થિની પર એસિડ ફેંકવાની ઘટના સામે આવી છે.

    દિલ્હી પોલીસ અનુસાર આ ઘટના દિલ્હીના દ્વારકા વિસ્તારની છે.

    ઘટના સવારે નવ વાગ્યાની આસપાસ ઘટી જ્યારે એક યુવકે વિદ્યાર્થીની પર એસિડ ફેંક્યો.

    પોલીસે જણાવ્યું કે વિદ્યાર્થીનીને દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી છે.

    દિલ્હી પોલીસે જણાવ્યું કે આ ઘટનાના સમયે વિદ્યાર્થીની સાથે તેમની નાની બહેન પણ હતી.

    વિદ્યાર્થીની આ મામલે તેમના બે જાણકાર લોકો પર શંકા વ્યક્ત કરી છે.

    પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે આ મામલામાં તપાસ ચાલુ છે.

    વિદ્યાર્થીનીના પિતાએ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું કે, મેરી બંને ઢીંગલીઓ સવારે સ્કૂલ જવા નીકળી હતી. કેટલીક વાર પછી મારી નાની પુત્રી ભાગતી આવી અને કહ્યું કે બે છોકરાઓ આવ્યા અને દીદી પર એસિડ ફેંકીને જતા રહ્યા. આ છોકરાઓનું મોઢું ઢાંકેલું હતું.

    તેમણે કહ્યું કે તેમની પુત્રીની હાલત ખરાબ છે અને તેની બંને આંખોમાં એસિડ ઘૂસી ગયું છે.

  5. 'વડા પ્રધાન મોદીએ ઇતિહાસ રચ્યો, ચૂંટણીમાં વિકાસની રાજનીતિનાં ધાર્યા કરતાં સારાં પરિણામ' - ભૂપેન્દ્ર પટેલ

    મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સરદાર ધામમાં આજે સંબોધનમાં કહ્યું કે,"ગુજરાતમાં મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં એક અને નેક થઈને જે કામ કર્યું તે લોકો સુધી પહોંચ્યો એનું પરિણામ આપણને ગુજરાતની જનતાએ આપ્યું. હવે ડબલ જવાબદારી છે, જે વિશ્વાસ આપણી પર મૂક્યો છે એ વિશ્વાસ લાંબા સમય સુધી ટકાવી રાખ્યો છે, એ વિશ્વાસ વધુ મજબૂત કરવાની શરૂઆત છે. નરેન્દ્ર મોદીએ તો રાજકારણમાં નવો ઇતિહાસ શરૂ કર્યો છે કે રાજનીતિમાં વિકાસના રાજકારણથી ચૂંટણી લડાય તેના પરિણામો આપણને મળે છે.

    "વિકાસની આજે સૌથી વધારેમાં વધારે મજબૂતાઈથી પરિણામ આપ્યું હોય તો અમદાવાદ શહેર, કૉર્પોરેશન, ઔડા હોય દરેક ક્ષેત્રે તો વિકાસ છેવાડાના માનવી પહોંચાડવો એક મોટી વાત છે. ગામેગામ, નાનામાં નાના માણસ સુધી પહોંચાડ્યો છે એ વિકાસને સાંચવી રાખવો, રસ્તા આપણે બનાવતા તો હોઈએ પરંતુ દર વખતે જેટલું નવું બનાવતા જઈએ છીએ એટલું આપણે તેને મેનટેઇન કરવાના હોય છે."

    ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, "ભારતીય જનતા પાર્ટીની નેતાઓ પાસેથી ખૂબ શીખવા મળે છે. નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન હંમેશાં હોય છે પરંતુ સાંસદ અમિત શાહ પણ લોકસેવક તરીકેની પોતાની જવાબદારીમાંથી ક્યારેય ચૂક્યા નથી."

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકૉર્ડ 156 બેઠકો જીતી હતી. ભૂપેન્દ્ર પટેલ તથા તેમની સાથે કેબિનેટ મંત્રીઓએ 12મી ડિસેમ્બરે શપથ લીધા હતા.

  6. 'આ મારો આખરી વર્લ્ડકપ છે'- મેસી

    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબૉલર લિયોનેલ મેસીએ કહ્યું કે કતરમાં ચાલી રહેલો ફીફા વર્લ્ડ કપ તેમનો આખરી વર્લ્ડ કપ હશે.

    પ્રથમ સેમિફાઇનલ મૅચમાં આર્જેન્ટિનાએ ક્રોએશિયાને 3-0થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ફાઇનલ રવિવાર 18 ડિસેમ્બરના રમાશે.

    બીજી સેમિફાઇનલ મૅચ મોરક્કો અને વર્તમાન ચૅમ્પિયન ફ્રાન્સ વચ્ચે રમાશે. ક્રોએશિયા વિરુદ્ધ મૅચમાં મેસીએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. તેમણે પેનલ્ટી પર એક ગોલ કર્યો અને અલ્વરેઝના એક ગોલમાં મદદ પણ કરી.

    મૅચ બાદ મેસીએ કહ્યું કે- હું ઘણો ખુશ છું કે હું વર્લ્ડ કપની સફર હું ફાઇનલ મૅચ રમીને પૂરી કરીશ. આ ખરેખર સુખદ છે. આ વિશ્વકપમાં જે કંઈ પણ થયું છે તે ઘણું ભાવનાત્મક છે. આવતા વિશ્વકપમાં હજુ ઘણો સમય બાકી છે. મને નથી લાગતું કે હું આટલું કરી શકીશ. આ રૂપમાં વિશ્વકપની સફર સમાપ્ત કરવું શાનદાર રહેશે.

    35 વર્ષીય મેસીનો આ પાંચમો વિશ્વકપ છે. મેસીની કારકિર્દી શાનદાર રહી છે અને તેમણે દરેક ઉપલબ્ધિ હાંસલ કરી છે. માત્ર તેમના ખાતામાં વિશ્વકપ જ નથી. મેસીને આશા છે કે આ વિશ્વકપમાં આ સપનું પૂરું થશે.

    મેસીએ રેકૉર્ડ સાત વખત દુનિયાના સર્વશ્રેષ્ઠ ફૂટબૉલ ખેલાડીનો ખિતાબ જીત્યો છે. સાથે જ એક વખત તેમણે ફીફાના સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડીનો પુરસ્કાર પણ જીત્યો હતો. તેમણે ચાર વખત ચૅમ્પિયન લીગનો ખિતાબ જીત્યો હતો. ગઈ વખતે કોપા અમેરિકાનો ખિતાબ પણ તેઓ જીત્યા હતા.

  7. 'બિલકીસબાનો કેસમાં 11 દોષિતોને જેલમાંથી મુક્ત કરવાના મામલાની સુનાવણી થશે, વારંવાર ઉલ્લેખ ન કરો'

    સુપ્રીમ કોર્ટે બુધવારના બિલકીસબાનોના વકીલને કેસમાં 2002ના સામૂહિક બળાત્કાર અને હત્યાના કેસમાં 11 દોષિતોને જેલમાંથી સમય પહેલાં મુક્ત કરવા સામે કરાયેલી અરજીને સુનાવણી માટે તાત્કાલિક રીતે લિસ્ટ કરવા માટે વારંવાર વિનંતી કરવાનું ટાળવાનું કહ્યું.

    ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને પીએસ નરસિમ્હાની બૅન્ચ સમક્ષ બિલકીસબાનોનાં વકીલ શોભા ગુપ્તાએ કહ્યું હતું કે મંગળવારના આ કેસને લિસ્ટ કરાયો હતો પરંતુ સુનાવણી નહોતી થઈ.

    બૅન્ચે કહ્યું કે, અરજીને લિસ્ટ કરાશે. વારંવાર એકજ વાત ન કરો. આ અરજીને લિસ્ટ કરાશે.

    જસ્ટિલ બેલા એમ ત્રિવેદીએ બિલકીસબાનો કેસની સુનાવણીમાંથી પોતાને અળગાં કરી લીધાં હતાં.

    જસ્ટિસ અજય રસ્તોગી અને બેલા એમ ત્રિવેદીની બૅન્ચે આ મામલો બીજી બૅન્ચ સમક્ષ રજૂ કરવા કહ્યું હતું.

  8. આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન ભારત જોડો યાત્રામાં સામેલ થયા

    ભારતીય રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન બુધવારના સવારે કૉંગ્રેસની ભારત જોડો યાત્રામાં સામેલ થયા.

    કૉંગ્રેસ પાર્ટી તરફથી પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં રઘુરામ રાજન રાજ્થાનમાં રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં પગપાળા ચાલતા જોઈ શકાય છે.

    આ યાત્રામાં કૉંગ્રેસની સાથે કેટલીક જાણીતી સેલેબ્રિટીઝ જોડાઈ ચૂકી છે. તેમાં અભિનેત્રી અને ફિલ્મ નિર્દેશક પૂજા ભટ્ટ, સામાજિક કાર્યકર મેધા પાટકર, અભિનેત્રી સ્વરા ભાસ્કર અને બૉક્સર વિજેન્દરસિંહ જેવી સેલેબ્રિટીઝ જોડાઈ ચૂકી છે.

    ભારત જોડો યાત્રાનો રાજસ્થાનમાં દસમો દિવસ છે. બુધવારના યાત્રા સવાઈ માધોપુરના ભાડોતીથી શરૂ થઈ અને દૌસા જિલ્લામાં પ્રવેશ કરશે.

    16 ડિસમેબરના દૌસામાં યાત્રાનો સોમો દિવસ હશે. ભારત જોડો યાત્રા કાશ્મીરના શ્રીનગરમાં પૂરી થશે.

    માનવામાં આવી રહ્યું છે કે આ યાત્રા આવતા વર્ષે ગણતંત્ર દિવસ પર કાશ્મીર પહોંચશે.

  9. ભીમા-કોરેગાંવ હિંસા: ફાધર સ્વામીના કૉમ્પ્યુટરમાં હૅકરે 44 ગુનાહિત દસ્તાવેજો મૂક્યા હતા

    ભીમા-કોરેગાંવ હિંસા કેસમાં પકડવામાં આવેલા કાર્યકર્તા ફાધર સ્ટેન સ્વામી સાથે જોડાયેલા કેસમાં એક અમેરિકન ફૉરેન્સિક કંપનીના નવા રિપોર્ટમાં ઘણા ખુલાસા થયા છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, ફાધર સ્ટેન સ્વામીના કૉમ્પ્યુટર પર અનેક ગુનાહિત દસ્તાવેજો હૅકિંગથી મૂકવામાં આવ્યા હતા. ફાધર સ્ટેનની 2020માં કથિત આતંકી જોડાણ માટે ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે તેમનું નિધન થયું હતું.

    અમેરિકન ફોરેન્સિક ફર્મના આ રિપોર્ટ ભીમા-કોરેગાંવ હિંસા કેસની તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના આરોપો પર સવાલ ઉઠાવે છે.

    એનઆઈએ તેની તપાસમાં ફાધર સ્ટેન સ્વામી અને કથિત માઓવાદી નેતાઓ વચ્ચે કથિત ઇલેક્ટ્રોનિક કૉમ્યુનિકેશનના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા.

    ફાધર સ્ટેન સ્વામીના વકીલો દ્વારા રાખવામાં આવેલા બૉસ્ટન સ્થિત એક ફોરેન્સિક સંગઠન આર્સેનલ કન્સલ્ટિંગનું કહેવું છે કે, કથિત માઓવાદી પત્રો સહિત લગભગ 44 દસ્તાવેજો એક અજાણ્યા સાઇબર હૅકરે સ્ટેન સ્વામીના કોમ્પ્યુટરમાં મૂક્યાં હતા. તેણે ઘણા સમયથી સ્ટેન સ્વામીના કોમ્પ્યુટરનું ઍક્સેસ મેળવ્યું હતું.

  10. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દીનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

    ત્યારબાદ આખા નગર પર હૅલિકોપ્ટરથી ગુલાબોથી પુષ્પ વર્ષા કરવામાં આવશે, જેના માટે BAPS દ્વારા 3 હૅલિકોપ્ટર બુક કરવામાં આવ્યાં છે.

    આજે સાંજે 5 વાગ્યાથી મહોત્સવનો પ્રારંભ થશે.

    આજથી અમદાવાદના ઓગણજ ખાતે શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ મહોત્સવ માટે સરદાર પટેલ રિંગ રોડ પાસે 600 એકર જમીન પર વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે.

    આ કાર્યક્રમમાં 80 હજારથી વધુ સ્વયંસેવકો અને સેંકડો સ્વામીઓ મહત્ત્વની ભૂમિકા ભજવશે.

    આ કાર્યક્રમમાં નવા મુખ્ય મંત્રી સહિતના મંત્રીઓ પણ હાજર રહેવાના છે. સાથે 24 દેશના વડાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેથી ઍરપોર્ટ પર મોટી સંખ્યામાં ચાર્ટર્ડ વિમાનોની અવરજવર રહેશે.

    આ કાર્યક્રમ 250થી વધુ ખેડૂતો અને બિલ્ડરોના સમર્થનથી શક્ય બન્યો છે, જેમણે આ કાર્યક્રમ માટે પોતાની જમીન આપી છે.

    દિલ્હીના અક્ષરધામ મંદિરની 67 ફૂટ ઊંચી વિશાળ પ્રતિકૃતિમાં વિવિધ હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે.

  11. એફટીએક્સના સંસ્થાપક બૅન્કમૅન-ફ્રાઇડની જામીન અરજી ફગાવી

    બરબાદ થઈ ચૂકેલી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ એફટીએક્સના સંસ્થાપક સૅમ બૅન્કમૅન-ફ્રાઇડના બહામાસની કોર્ટે જામીન નકારી કાઢ્યા છે.

    અમેરિકી અધિકારીઓએ મંગળવારે બૅન્કમૅન-ફ્રાઇડ પર “અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટી નાણાકીય છેતરપિંડીમાંની એકને અંજામ”આપવાનો આરોપ મૂક્યો હતો.

    અમેરિકાના સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશનના અધ્યક્ષ ગૅરી જેન્સ્લરે કહ્યું હતું કે, “એફટીએક્સના પૂર્વ બોસે ‘છેતરપિંડીના પાયા પર પત્તાનું ઘર’ બનાવ્યું હતું.”

    બૅન્કમૅન-ફ્રાઇડ સંકેત આપ્યા હતા કે, તેઓ અમેરિકાના પ્રત્યાપણ સામે લડશે.

  12. નમસ્કાર બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    13 ડિસેમ્બરના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.