You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

'શહેરી વિસ્તારોના મતદારો વોટિંગ કરે, શહેરોમાં મતદાન ટકાવારી ઓછી હોય છે' - મુખ્ય ચૂંટણી અધિકારી

ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 93 બઠકો પર બીજા તબક્કામાં મતદાન થશે.

લાઇવ કવરેજ

  1. ઈરાનમાં મોરાલિટી પોલીસને ભંગ કરવાનો મોટો નિર્ણય

    ઈરાનના પ્રૉસિક્યૂટર જનરલે એક ધાર્મિક સમ્મેલનમાં જણાવ્યું છે કે દેશની ધાર્મિક પોલીસ એટલેકે મોરાલિટી પોલીસને ભંગ કરી દેવામાં આવી છે.

    જોકે, પ્રૉસિક્યૂટર જનરલ મોહમ્મદ જફર મૉન્તાજેરીના નિવેદનની ઈરાનની કાયદાના અમલીકરણ કરનારી સંસ્થાએ પુષ્ટિ નથી કરી.

    તાજેતરમાં જ 22 વર્ષીય મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયા બાદ ઈરાનમાં તેના વિરુદ્ધ સરકાર-વિરોધી પ્રદર્શન ચાલી રહ્યાં છે.

    આ વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધી 300થી વધુ લોકો મૃત્યુ પામ્યાં છે.

    મહસા અમીનીને તહેરાનની મોરાલિટી પોલીસે કથિત રીતે 'યોગ્ય રીતે હિજાબ' ન પહેરવાના આરોપમાં અટકમાં લેવામાં આવ્યાં હતાં અને ત્યારબાદ તેમનું મૃત્યું થઈ ગયું.

    ઈરાનના સખત નિયમો અનુસાર, મહિલાઓ માટે હિજાબ અથવા હેડસ્કાર્ફ પહેરવું અનિવાર્ય છે.

    જોકે બીબીસીની પર્શિયન (ફારસી) સેવાના પત્રકાર સિયાવાશ અર્દલાને કહ્યું કે મોરાલિટી પોલીસને ભંગ કરવાનો અર્થ એ નથી કે હવે હિજાબનો કાયદો બદલાઈ જશે.

    તેમણે આ પગલાને ખૂબ મોડું કર્યા બાદ લેવાયેલો નાનો નિર્ણય ગણાવ્યો.

    મોરાલિટી પોલીસ શું છે?

    વર્ષ 1979ની ક્રાંતિ બાદ ઈરાનમાં સામાજિક મુદ્દા ઉકેલવા માટે મોરાલિટી પોલીસ ઘણા સ્વરૂપે હાજર રહી છે.

    તેમના અધિકારક્ષેત્રમાં મહિલાઓના હિજાબથી લઈને પુરુષો અને મહિલાના એકબીજા સાથે હળવા-મળવાનો મુદ્દો પણ શામેલ રહ્યો છે.

    જોકે, મહસાના મોત માટે જવાબદાર ગણાવવામાં આવી રહેલી સરકારી એજન્સી 'ગશ્ત-એ-ઇરશાદ' જ એ મોરાલિટી પોલીસ છે, જેનું કામ ઈરાનમાં સાર્વજનિક સ્તરે ઇસ્લામી આચાર સંહિતાને લાગુ કરવાનું છે.

    'ગશ્ત-એ-ઇરશાદ'ની રચના વર્ષ 2006માં થઈ હતી. એ ન્યાયપાલિકા અને ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ્સ સાથે સંકળાયેલા પૅરામિલિટરી ફોર્સ 'બાસિજ' સાથે મળીને કામ કરે છે.

  2. 'શહેરી વિસ્તારોના મતદારો વોટિંગ કરે, શહેરોમાં મતદાન ટકાવારી ઓછી' - મુખ્ય ચૂંટણી અધિકારી

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બર યોજાશે.

    સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ ગુજરાતનાં મુખ્ય ચૂંટણી અધિકારી પી પ્રભાતે શહેરી વિસ્તારોમાં લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી કારણ કે શહેરી વિસ્તારોમાં મતદાન ટકાવારી ઓછી છે.

    તેમણે કહ્યું, "ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં કુલ 833 ઉમેદવારો છે, 61 રાજકીય પક્ષો, 26,409 મતદાનમથક, એક લાખથી વધારે ચૂંટણી કર્મીઓ છે."

    પાંચમી ડિસેમ્બરના ગુજરાત વિધાનસભાની 93 બેઠકો પર મતદાન યોજાશે. બીજા તબક્કા માટેના ચૂંટણીપ્રચારનાં પડઘમ શાંત થઈ ગયાં છે.

  3. ઉમર ખાલિદને દિલ્હી રમખાણોના કેસમાં નિર્દોષ જાહેર કરાયા, પરંતુ હજુ જેલમાં કેમ રહેશે?

    દિલ્હીની કડકડડુમા કોર્ટે ફેબ્રુઆરી 2020માં થયેલાં દિલ્હીનાં રમખાણોના એક કેસમાં ઉમર ખાલિદ અને ખાલિદ સૈફીને નિર્દોષ જાહેર કર્યા છે.

    ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં સીએએ અને એનઆરસીના વિરોધમાં થઈ રહેલા આંદોલન દરમિયાન રમખાણો ફાટી નીકળ્યાં હતાં.

    તે દરમિયાન દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં કોમી રમખાણો થયાં હતાં, જેમાં 53 લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં 40 મુસલમાન અને 13 હિન્દુ હતા.

    કોર્ટે જણાવ્યા અનુસાર, રમખાણોમાં તેમની સંડોવણી માટે બન્ને વિરુદ્ધ કોઈ પ્રત્યક્ષ પુરાવા મળ્યા ન હતા, તેથી આ કેસમાં બન્નેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

    જોકે ઉમર ખાલિદ અને ખાલિદ સૈફી હજુ પણ યુએપીએ હેઠળ જેલમાં બંધ છે અને કોર્ટના આ નિર્ણય છતાં તેઓ હજુ જેલમાં જ રહેશે.

    બન્નેની યુએપીએ એટલે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમની કલમો અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી.

  4. ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચારના પડઘમ શાંત, પાંચ ડિસેમ્બરે મતદાન

    ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકોની ચૂંટણીના બીજા તબક્કા માટે ચૂંટણીપ્રચારના પડઘમ શાંત પડી ગયા છે.

    બીજા તબક્કાનું મતદાન હવે પાંચમી ડિસેમ્બરે થશે.

    જોકે રાજકીય પક્ષોના નેતાઓ હવે ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે.

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે.

    પ્રથમ તબક્કામાં પહેલી ડિસેમ્બરના 89 બેઠકો પર મતદાન 63 ટકાથી વધારે મતદાન થયું હતું.

    ગુજરાતમાં સરકાર બનાવવા માટે વિધાનસભાની 182 બેઠકોમાંથી 92 બેઠકો જીતવી જરૂરી છે. ગત 27 વર્ષથી ગુજરાતમાં ભાજપ સત્તામાં છે.

    આ વખતે ભાજપ, કૉંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમે પણ ઝંપલાવ્યું છે.

  5. સુપ્રીમ કોર્ટમાં ગોધરાકાંડના કેટલાક દોષિતોની જામીન અરજીનો રાજ્ય સરકારે વિરોધ કર્યો

    ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં 2002ના ગોધરાકાંડના કેસના કેટલાક દોષિતોની જામીન અરજીઓનો વિરોધ કર્યો છે. ગુજરાત સરકારનું કહેવું છે કે "તેઓ માત્ર પથ્થરમારો કરનારાઓ નહોતા અને તેમના કૃત્યને કારણે લોકોને સળગતા કોચમાંથી બહાર નીકળવામાં અડચણોનો સામનો કરવો પડ્યો હતો."

    27 ફેબ્રુઆરી 2002ના દિવસે ગોધરામાં સાબરમતી ઍક્સપ્રેસના એસ-6 કોચમાં લાગેલી આગમાં 59 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

    સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર આ મામલો શુક્રવારે મુખ્ય ન્યાયાધીશ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બૅન્ચ સમક્ષ રજૂ કરાયો હતો.

    સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને દરેક દોષિતની ભૂમિકા સ્પષ્ટ કરવા અંગે પૂછતાં નોંધ્યું હતું કે "જેઓ પથ્થરમારો કરવાના દોષી છે તેમના જામીન પર વિચાર કરી શકાય કારણ કે તેમણે જેલમાં 17-18 વર્ષ વિતાવી દીધાં છે."

    સૉલિસિટર જનરલ તુષાર મેહતા રાજ્ય સરકાર તરફથી કોર્ટમાં રજૂ થયા હતા, તેમણે કહ્યું હતું કે "દોષિતોએ ટ્રેન પર પથ્થર વરસાવ્યા જેને કારણે લોકો સળગતા કોચમાંથી બચીને ભાગી ન શક્યા."

    તેમણે બૅન્ચને કહ્યું,"આ માત્ર પથ્થરમારાનો કેસ નથી,".

    મેહતાએ બૅન્ચે કહ્યું કે "દોષિતોએ ગુજરાત હાઈકોર્ટના 2017 ઑક્ટોબરના એક નિર્ણય જેમાં કોર્ટે તેમને દોષી ઠેરવતા ચુકાદાને બરકરાર રાખ્યો હતો, તેની સામે જે અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે તેને સુનાવણી માટે લિસ્ટ કરી શકાય."

    તેમણે બૅન્ચને કહ્યું કે "તેઓ દોષિતોની વ્યક્તિગત ભૂમિકાને તપાસશે અને બૅન્ચને જાણ કરશે."

    હવે આ મામલે 15 ડિસેમ્બરના આગળ સુનાવણી થશે.

    ઑક્ટોબર 2017ના ચુકાદામાં, હાઈકોર્ટે ગોધરાકાંડમાં 11 દોષિતોની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી નાખી હતી.

    હાઈકોર્ટે આ કેસમાં 20 અન્ય દોષિતોને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને બહાલ રાખી હતી.

    11 નવેમ્બરના સુપ્રીમ કોર્ટે એક દોષિતને આપવામાં આવેલા વચગાળા જામીનની મુદ્દત 31 માર્ચ, 2023 સુધી લંબાવી હતી.

    કોર્ટે નોંધ્યું હતું કે 13મી મેના, ઉચ્ચતમ અદાલતે તેમને છ મહિના માટે વચગાળાના જામીન એ આધારે આપ્યા હતા કે તેમનાં પત્નીને આખરી સ્ટેજનું કૅન્સર છે અને તેમનાં પુત્રી વિકલાંગ છે.

    નવેમ્બર 11ના ઑર્ડરમાં બૅન્ચે કહ્યું હતું કે "આ પરિસ્થિતિને જોતાં જે હજુ લંબાઈ રહી છે, અમે એ જ શરતો સાથે વચગાળાના જામીન 31 માર્ચ, 2023 સુધી લંબાવીએ છીએ. "

  6. કૉંગ્રેસે અમિત શાહના ચૂંટણીસભા છોડી જવા મુદ્દે ઉઠાવ્યા સવાલ

    ગુજરાતમાં 1 ડિસેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું.

    આ મામલે ગુજરાત કૉંગ્રેસે પત્રકારપરિષદ યોજી અને સારું પરિણામ મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

    સાથે જ વડોદરા ખાતે અમિત શાહે રોડ શો છોડી જતા રહેવા મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા હતા.

    નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ શુક્રવારે વડોદરાનો રોડ શો અધવચ્ચે જ છોડીને જતા રહેતા, આ બાબત ચર્ચાનો વિષય બની હતી.

    ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પ્રથમ તબક્કાના મતદાન બાદ મળી રહેલ પ્રતિક્રિયાઓ અંગે વાત કરતાં પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે, “ગુજરાતમાં 89 બેઠકો પર યોજાયેલ મતદાન બાદ કૉંગ્રેસને ખૂબ સારી પ્રતિક્રિયાઓ મળી રહી છે. કૉંગ્રેસને આ પૈકી ઓછામાં ઓછી 65 બેઠકો પર બહુમતી હાંસલ થઈ શકે છે. અમારા ઉમેદવારો ખૂબ ઉત્સાહમાં છે. કૉંગ્રેસે આ ચૂંટણી ખૂબ જ મજબૂતીથી લડી છે. આવનારા તબક્કામાં થનાર મતદાનમાં પણ કૉંગ્રેસને વધુમાં વધુ બેઠકો મળશે અને અમે સરકાર બનાવશું.”

    આ સિવાય કૉંગ્રેસના નેતા પવન ખેડાએ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરવાની સાથે અમિત શાહે અધવચ્ચે રોડ શો છોડીને જવું પડ્યું તે વાત અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

    તેમણે કહ્યું હતું કે, “પત્રકારો તરીકે તમે લોકોએ ગઈ કાલે અમિત શાહે રોડ શો અધવચ્ચે છોડીને કેમ જવું પડ્યું એ અંગે પ્રશ્ન ન કર્યો. એ પ્રશ્નના જવાબમાં બધું છુપાયેલું છે. આઠ તારીખે શું થવાનું છે તેની ખબર કાલની આ વાત પરથી જ પડી જાય છે.”

    નોંધનીય છે કે સ્થાનિક મીડિયા અહેવાલો પ્રમાણે અમિત શાહ રોડ શોમાં મોડા પહોંચ્યા હતા, તેમજ તેમણે અમદાવાદમાં એક મિટિંગમાં હાજરી આપવા માટે મોડું થઈ રહ્યું હોઈ રોડ શો જલદી છોડીને જવું પડ્યું હતું.

    અમદાવાદમાં રોડ શો બાદ ચૂંટણીસભા સંબોધતાં શુક્રવારે વડા પ્રધાન મોદીએ કૉંગ્રેસ સામે શાબ્દિક પ્રહાર કર્યા હતા, “કૉંગ્રેસ ફરી વખત ઈવીએમમાં ગરબડના દાવા કરવા માંડી છે, આ એ વાતનો પુરાવો છે કે તેમણે હાર સ્વીકારી લીધી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન બાદ જેવી રીતે કૉંગ્રેસ ઈવીએમ પર દોષનો ટોપલો ઢોળવાનું શરૂ કર્યું છે, તે એ વાતનો પુરાવો છે કે કૉંગ્રેસે ભાજપને જીતેલો પક્ષ સ્વીકારી લીધો છે.”

  7. ગુજરાત વિધાનસભા ચૂંટણી : પરેશ રાવલે બંગાળીઓ વિશેના નિવેદન સામે બંગાળમાં પોલીસ ફરિયાદ

    ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના ભૂતપૂર્વ સંસદસભ્ય અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી પક્ષના પ્રચારમાં આપેલા નિવેદનના કારણે વિવાદ થયો છે. એનડીટીવીના અહેવાલ અનુસાર અભિનેતાએ પોતાના ભાષણમાં ‘બંગાળીઓ’ સામે કરેલા વિવાદિત નિવેદનને કારણે તેમની સામે પશ્ચિમ બંગાળમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા, માર્ક્સવાદી (સીપીઆઈ-એમ)ના ભૂતપૂર્વ સંસદસભ્ય મોહમ્મદ સલિમે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

    વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન પરેશ રાવલે ગૅસ સિલિન્ડરના વધી ગયેલી કિંમતો વિશે કહ્યુંહતું કે, ગૅસનો સિલિન્ડર મોંઘો છે, તે સસ્તો થશે. લોકોને રોજગારી પણ મળી જશે, પરંતુ જ્યારે રોહિંગ્યા મુસ્લિમ અને બાંગ્લાદેશી તમારી આસપાસ રહેવા લાગશે. જેવું દિલ્હીમાં થઈ રહ્યું છે. ત્યારે તમે ગૅસ સિલિન્ડરનું શું કરશો? બંગાળીઓ માટે માછલી પકવશો?

    સલિમે કોલકાતાના તાલતાલા પોલીસ સ્ટેશનમાં આપેલી લેખિત ફરિયાદને એફઆઈઆર તરીકે ગણીને પરેશ રાવલ સામે પગલાં લેવાની માંગણી કરી છે. તેમના જણાવ્યા અનુસાર રાવલની ટિપ્પણીથી બંગાળીઓની છબી ખરાબ ચિત્રિત થઈ શકે છે.

    પોલીસને લખેલા પોતાના પત્રમાં સલિમે જણાવ્યું છે કે, “બંગાળીઓ મોટી સંખ્યામાં પશ્ચિમ બંગાળની બહાર રહે છે. મને આશંકા છે કે પરેશ રાવલે કરેલી આ દ્વેષપૂર્ણ ટિપ્પણીથી ઘણાને (બંગાળીઓને) નિશાન બનાવવામાં આવી શકે છે.”

    પરેશ રાવલના આ નિવેદન બાદ બંગાળી સમુદાય અને સોશિયલ મીડિયા પર વિવાદ થઈ ગયો હતો. આ વિવાદને ટાળવા માટે તેમણે ટ્વિટર પર માફી માંગી હતી. તેમણે પોતાના નિવેદન વિશે સ્પષ્ટતા કરતા ટ્વીટમાં જણાવ્યું હતું કે, “અહીં માછલી મુદ્દો છે જ નહીં, કારણકે ગુજરાતીઓ માછલી રાંધે પણ છે અને ખાય પણ છે. પરંતુ હું સ્પષ્ટતા કરવા માગું છું કે બંગાળીથી મારો મતલબ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યા હતો. છતાં જો મેં તમારી ભાવનાઓને અને સંવેદનાઓને ઠેસ પહોંચાડી છે, તો હું માફી માગું છું.”

  8. ભારત-બાંગ્લાદેશ સિરીઝમાંથી મોહમ્મદ શમી બહાર, ઉમરાન મલિક ટીમમાં શામેલ

    ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી વનડે સિરીઝ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમના ખેલાડીઓમાં બૉલર મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં નથી આવ્યો.

    તેમના સ્થાને ઉમરાન મલિકને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

    ભારતીય ટીમના ઝડપી બૉલર મોહમ્મદ શમીને ખભા પર થયેલી ઈજાને કારણે સિરીઝમાંથી બહાર રાખવામાં આવ્યા છે.

    બીસીસીઆઈએ જણાવ્યું હતું કે, મોહમ્મદ શમીને ઑસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપ બાદ પ્રૅક્ટિસ શરૂ કર્યા બાદ ખભા પર ઈજા થઈ હતી. તેમને એનસીએમાં જાણ કરવાનું કહેવામાં આવ્યું છે અને તેઓ ત્રણ મૅચોવાળી આગામી ભારત-બાંગ્લાદેશ સિરીઝનો ભાગ નહીં હોય.

    વનડે સિરીઝ પહેલાં ભારતીય ટીમ બાંગ્લાદેશ પહોંચી ગઈ છે.

    ભારતીય ટીમમાં શામેલ થયેલા ખેલાડીઓ - રોહિત શર્મા (કૅપ્ટન), કે એલ રાહુલ (વાઇસ-કૅપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ ઐય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટ કીપર), ઈશાન કિશન (વિકેટ કીપર), શહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાઝ, દીપક ચહર, કુલદીપ સેન.

  9. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પદ્મ ભૂષણ મળ્યો ત્યારે શું કહ્યું?

    અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીતસિંહ સંધુએ શુક્રવારે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને ભારત સરકાર તરફથી મળેલું પદ્મ ભૂષણ સન્માન સુપ્રત કર્યું.

    ભારત સરકાર તરફથી મળેલું આ સન્માન સ્વીકાર્યા બાદ સુંદર પિચાઈએ એક બ્લોગ લખ્યો જેમાં તેમણે લખ્યું કે, ભારત તેમનો એક ભાગ છે, જે હંમેશાં તેમની સાથે રહે છે.

    તેમણે કહ્યું, “હું જ્યાં પણ જાઉં છું, મારી અંદર વસેલા ભારતને સાથે લઈ જાઉં છું. આ ખૂબસરત સમ્માનને સિવાય, જેને હું કોઈ સ્થાને સુરક્ષિત રાખીશ.”

    તેમના બ્લોગમાં સુંદર પિચાઈએ લખ્યું કે, આ સન્માન માટે તેઓ ભારત સરકાર અને અહીંના લોકોના આભારી છે.

    તેમણે લખ્યું, “મારું ઘડતર કરનારા દેશ તરફથી આ સન્માન મળવું અવિશ્વનીય છે.”

    પિચાઈએ ટેકનૉલૉજી અને ભારતના ડિજિટલ ભવિષ્ય વિશે પણ વાત કરી અને લખ્યું, “ટેકનૉલૉજીમાં થઈ રહેલા નિરંતર બદલાવો વચ્ચે છેલ્લાં કેટલાંક વર્ષોમાં વારંવાર ભારત આવવું મારા માટે સુખદ રહ્યું છે.”

  10. ગુજરાતમાં બીજા તબક્કાન મતદાન માટે પ્રચારપડઘમ શાંત પડશે, કોણ ક્યાં કરશે પ્રચાર?, બીજા તબક્કાની 93 બેઠકો પર 833 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવાના છે.

    1 ડિસેમ્બરના રોજ 19 જિલ્લાની 89 વિધાનસભા બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. રવિવારે 5 ડિસેમ્બરના રોજ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન યોજાવાનું છે.

    નોંધનીય છે કે શનિવારે સાંજે પાંચ વાગ્યાથી રાજકીય પક્ષો માટે આ બેઠકો પર પ્રચારપડઘમ શાંત થઈ જશે. આ બેઠકો પર 833 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવાના છે.

    પાછલા ઘણા દિવસોથી ચૂંટણીપ્રચારમાં લાગેલા રાજકીય પક્ષો પણ આ તકને ધ્યાને રાખીને છેલ્લા દિવસે પૂરું જોર લગાવી શકે છે.

    નોંધનીય છે કે વડા પ્રધાન મોદીએ શુક્રવારે જ પોતાના તરફથી ચૂંટણીપ્રચાર ખતમ જાહેર કર્યો હતો.

    એક રાષ્ટ્રીય મીડિયા સંસ્થાના અહેવાલ અનુસાર ભાજપ તરફથી મુખ્ય મંત્રી ભૂપેન્દ્રપટેલ ઘાટલોડિયામાં રોડ શો યોજશે. જ્યારે સમગ્ર દિવસ દરમિયાન ભાજપ તરફથી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઈરાની, હર્ષ સંઘવી, પરષોત્તમ રૂપાલા, અભિનેતા મનોજ જોશી અને ફિરોઝ ઈરાની પ્રચાર કરશે.

    નોંધનીય છે કે યોગી આદિત્યનાથ ધોળકા, ખેડા અને ખંભાતમાં સભા સંબોધશે. બીજી તરફ સ્મૃતિ ઈરાની મેઘરજ અને સિદ્ધ પુરમાં રોડ શો કરશે.

    પરષોત્તમ રૂપાલ ધાનેરા, ક્વાંટ, બોરસદમાં સભા યોજશે તો હર્ષ સંઘવી કલોલમાં રોડ શો કરશે. આ સાથે અભિનેતા મનોજ જોશી અને ફિરોઝ ઈરાની અનુક્રમે નિકોલ અને સાબરકાંઠામાં રોડ શો યોજશે.

    બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન ગરબાડા, ઝાલોદ, દાહોદ અને ફતેપુરા ખાતે રોડ શોમાં ભાગ લેશે.

    તેમજ આમ આદમી પાર્ટીના ગુજરાતના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ઈસુદાન ગઢવી સિદ્ધપુર, કાંકરેજ, ધાનેરા અને વાવ ખાતે રોડ શોમાં ભાગ લેશે.

    આ ઉપરાંત સુરતની વરાછા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથિરિયા વિસનગર, ઊંઝા, પાટણ અને ચાણસ્મા ખાતે રોડ શોમાં ભાગ લેશે.

    જ્યારે કૉંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલ પ્રચારમાં જોડાશે.

  11. યુક્રેનમાં શાંતિ માટે પુતિન વાતચીત માટે તૈયાર, પરંતુ શું શરત મૂકી, રશિયાએ સપ્ટેમ્બરના અંત ભાગમાં યુક્રેનના ચાર વિસ્તારોને ગેરકાયદસેર રીતે સમાવી લીધા હતા. તે પૈકી કોઈ પણ વિસ્તારમાં પહેલાં તેનું નિયંત્રણ નહોતું.

    પાછલા ઘણા દિવસોથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.

    પહેલાં ગમે તે ભોગે ‘રશિયન હિતોનું રક્ષણ કરવાનું’ નિવેદન આપી યુક્રેન યુદ્ધ ‘લાંબુ ચાલવાના સંકેત’ આપી ચૂકેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને હવે યુક્રેનમાં શાંતિ સ્થાપવા વાતચીત માટે તૈયારી વ્યક્ત કરી છે.

    પરંતુ સાથે જ એક શરત પણ મૂકવામાં આવી છે.

    રશિયાએ સપ્ટેમ્બરના અંત ભાગમાં યુક્રેનના ચાર વિસ્તારોને ગેરકાયદસેર રીતે સમાવી લીધા હતા. તે પૈકી કોઈ પણ વિસ્તારમાં પહેલાં તેનું નિયંત્રણ નહોતું.

    રશિયાએ કહ્યું છે કે તેઓ વાતચીત માટે તૈયાર છે, પરંતુ આ હેતુ માટે પશ્ચિમી દેશોની યુક્રેનમાંથી પરત ફરવાની માગ નહીં સ્વીકારાય.

    રશિયાનું આ નિવેદન અમેરિકન રાષ્ટ્રપતિના એ સંકેત બાદ આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ વ્લાદિમીર પુતિનને મળવા માટે તૈયાર છે.

    નોંધનીય છે કે યુદ્ધ શરૂ થયાના નવ માસ બાદ રશિયાએ પોતાના કબજામાંથી અડધા વિસ્તારોને મુક્ત કરાવી લેવાયા છે.

  12. નમસ્કાર! બીબીસી ન્યૂઝ ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે.

    અહીં તમને ગુજરાત ચૂંટણી સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસ દરમિયાનની તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતી સાથે.

    2 ડિસેમ્બરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.