ઈરાનમાં મોરાલિટી પોલીસને ભંગ કરવાનો મોટો નિર્ણય

ઇમેજ સ્રોત, AFP
ઈરાનના પ્રૉસિક્યૂટર જનરલે એક ધાર્મિક સમ્મેલનમાં જણાવ્યું છે કે દેશની ધાર્મિક પોલીસ એટલેકે મોરાલિટી પોલીસને ભંગ કરી દેવામાં આવી છે.
જોકે, પ્રૉસિક્યૂટર જનરલ મોહમ્મદ જફર મૉન્તાજેરીના નિવેદનની ઈરાનની કાયદાના અમલીકરણ કરનારી સંસ્થાએ પુષ્ટિ નથી કરી.
તાજેતરમાં જ 22 વર્ષીય મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયા બાદ ઈરાનમાં તેના વિરુદ્ધ સરકાર-વિરોધી પ્રદર્શન ચાલી રહ્યાં છે.
આ વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધી 300થી વધુ લોકો મૃત્યુ પામ્યાં છે.
મહસા અમીનીને તહેરાનની મોરાલિટી પોલીસે કથિત રીતે 'યોગ્ય રીતે હિજાબ' ન પહેરવાના આરોપમાં અટકમાં લેવામાં આવ્યાં હતાં અને ત્યારબાદ તેમનું મૃત્યું થઈ ગયું.
ઈરાનના સખત નિયમો અનુસાર, મહિલાઓ માટે હિજાબ અથવા હેડસ્કાર્ફ પહેરવું અનિવાર્ય છે.
જોકે બીબીસીની પર્શિયન (ફારસી) સેવાના પત્રકાર સિયાવાશ અર્દલાને કહ્યું કે મોરાલિટી પોલીસને ભંગ કરવાનો અર્થ એ નથી કે હવે હિજાબનો કાયદો બદલાઈ જશે.
તેમણે આ પગલાને ખૂબ મોડું કર્યા બાદ લેવાયેલો નાનો નિર્ણય ગણાવ્યો.

ઇમેજ સ્રોત, AFP
મોરાલિટી પોલીસ શું છે?
વર્ષ 1979ની ક્રાંતિ બાદ ઈરાનમાં સામાજિક મુદ્દા ઉકેલવા માટે મોરાલિટી પોલીસ ઘણા સ્વરૂપે હાજર રહી છે.
તેમના અધિકારક્ષેત્રમાં મહિલાઓના હિજાબથી લઈને પુરુષો અને મહિલાના એકબીજા સાથે હળવા-મળવાનો મુદ્દો પણ શામેલ રહ્યો છે.
જોકે, મહસાના મોત માટે જવાબદાર ગણાવવામાં આવી રહેલી સરકારી એજન્સી 'ગશ્ત-એ-ઇરશાદ' જ એ મોરાલિટી પોલીસ છે, જેનું કામ ઈરાનમાં સાર્વજનિક સ્તરે ઇસ્લામી આચાર સંહિતાને લાગુ કરવાનું છે.
'ગશ્ત-એ-ઇરશાદ'ની રચના વર્ષ 2006માં થઈ હતી. એ ન્યાયપાલિકા અને ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ્સ સાથે સંકળાયેલા પૅરામિલિટરી ફોર્સ 'બાસિજ' સાથે મળીને કામ કરે છે.









