પીએમ મોદીએ કહ્યું 'કૉંગ્રેસને સરદાર પટેલ જ નહીં, ભારતની એકતા સાથે પણ સમસ્યા'

આણંદના સોજિત્રામાં પીએમ મોદીએ કૉંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા. અહીં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન થશે.

લાઇવ કવરેજ

  1. ઓરીનાં લક્ષણો શું છે, જાણો ઓરી વિશેના દસ સવાલોના જવાબ

  2. બિલકીસ બાનોએ કહ્યું 'હું ફરીથી લડીશ'

    બિલકીસ બાનો

    ઇમેજ સ્રોત, Getty Images

    બિલકીસ બાનોએ 2002નાં રમખાણો વખતના બળાત્કાર અને હત્યાના કેસમાં પહેલી ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં ફેરવિચારણા માટે અરજી કરી છે.

    આ અંગે બિલકીસ બાનોએ એક નિવેદનમાં કહ્યું છે કે "ફરી ઊભા થઈને ન્યાય માટે દરવાજા ખખડાવવું મારા માટે સહેલું નહોતું. મારો આખો પરિવાર અને મારી જિંદગી બરબાદ કરનારા પુરુષોને છોડી મૂકવામાં આવ્યા પછી લાંબા સમય સુધી હું જડ જેવી થઈ ગઈ હતી. મને ખૂબ આઘાત લાગ્યો હતો અને મારાં બાળકો, પુત્રીઓ માટે ભયને કારણે અને આશા ગુમાવી દેવાને કારણે હું આઘાતથી નિશ્ચેષ્ટ થઈ ગઈ હતી."

    "પરંતુ મારી ચૂપકીદીમાં અન્ય અવાજોએ સાથ આપ્યો, દેશના વિભિન્ન ભાગોમાંથી આવતા અવાજે મને આ અકલ્પનીય નિરાશામાં આશા બંધાવી અને મને દર્દમાં ઓછી એકલતા અનુભવાઈ. આ સમર્થન મારે માટે કેટલો મહત્ત્વનો છે, હું શબ્દોમાં નથી વર્ણવી શકતી. તેનાથી કેવી રીતે માનવતામાં મારો વિશ્વાસ ફરી જાગ્યો, મને ફરી હિંમત મળી અને મને ફરી ન્યાયમાં ભરોસો મુકવામાં મદદ મળી."

    "એટલે હું ઊભી થઈને ફરીથી લડીશ, ખોટું થયું તેની સામે અને જે યોગ્ય છે તેની માટે."

    બિલકીસબાનો સામૂહિક બળાત્કાર કેસમાં 11 દોષિતોને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા, આ નિર્ણયની સામે બિલકીસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

  3. પીએમ મોદીનો આક્ષેપ - 'કૉંગ્રેસને સરદાર પટેલ જ નહીં, ભારતની એકતા સાથે પણ સમસ્યા'

    મોદી

    ઇમેજ સ્રોત, @BJP4Gujarat

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કૉંગ્રેસ પર સરદાર વલ્લભભાઈ પટેલનો અસ્વીકાર કરવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે આઝાદી પહેલા અંગ્રેજો સાથે કામ કર્યા બાદ તેણે 'ગુલામ માનસિકતા' અપનાવી લીધી હતી.

    વડા પ્રધાન મોદીએ આણંદ જિલ્લાના સોજીત્રા શહેરમાં એક પ્રચાર રેલીમાં બોલતા આ આક્ષેપ કર્યો હતો.

    ગુજરાતના આણંદ જિલ્લામાં સોજિત્રામાં ચૂંટણી કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા. સોજિત્રામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજ તબક્કામાં મતદાન થવાનું છે.

    વડા પ્રધાને વધુમાં કહ્યું હતું કે “કૉંગ્રેસને માત્ર સરદાર પટેલ સાથે જ નહીં, પરંતુ ભારતની એકતા સાથે પણ સમસ્યા છે, કારણ કે તેમની રાજનીતિ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ પર આધારિત છે જ્યારે પટેલ બધાને એક કરવામાં માનતા હતા. આ તફાવતને કારણે કૉંગ્રેસે ક્યારેય સરદાર પટેલને પોતાના ગણ્યા નહોતા.”

    મોદીએ કહ્યું, ''કૉંગ્રેસના લોકોએ અંગ્રેજો સાથે ઘણાં વર્ષો સુધી (આઝાદી પહેલાં) કામ કર્યું હતું. પરિણામે, પાર્ટીએ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અને ગુલામ માનસિકતા જેવી તમામ ખરાબ ટેવોને ગ્રહણ કરી લીધી."

    વિરોધ પક્ષના નેતાઓ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી, પટેલની પ્રતિમા અને સ્મારકની મુલાકાત લેવાનું ટાળે છે, એમ તેમણે આક્ષેપ કર્યો હતો.

  4. ખડગેનો દાવો: ગુજરાતની ચૂંટણીમાં કૉંગ્રેસને બહુમતી મળશે

    ખડગે

    ઇમેજ સ્રોત, Gujarat Congress/Twitter

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના એક દિવસ બાદ શુક્રવારે દાવો કર્યો હતો કે પાર્ટીને બહુમતી મળશે.

    તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, "ગુજરાતની ચૂંટણીમાં અમને બહુમતી મળશે."

    કૉંગ્રેસ ઍન્ટી ઇન્કમ્બન્સી સહિત બેરોજગારી અને મોંઘવારી જેવાં પરિબળોને લઈને ગુજરાતમાં સત્તા મેળવવાની આશા રાખી રહી છે. ગુરુવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 63.14 ટકા મતદાન નોંધાયું હતું.

    બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની સાથે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

  5. અદાણી સમૂહના પોર્ટની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દામાં કેરળ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો

    ગૌતમ અદાણી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ગૌતમ અદાણી

    અદાણી ગ્રૂપ દ્વારા વિઝહિન્જમ સમુદ્ર પોર્ટ માટે સેન્ટ્રલ ફોર્સની માગ કરવાના મામલામાં કેરળ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે.

    બીબીસી હિંદીના સહયોગી પત્રકાર ઇમરાન કુરૈશીએ જણાવ્યું કે કોર્ટે સેન્ટ્રલ ફોર્સ મોકલવાથી જોડાયેલો કોઈ પણ નિર્ણય આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું કે આ નિર્ણય કેન્દ્ર સરકાર કરી શકે છે.

    જસ્ટિસ અનુ શિવરમન અદાણી વિઝહિન્જમ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડની કેરળ સરકારની વિરુદ્ધ અરજી પર સુનાવણી કરી રહ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે કેરળ સરકાર પોર્ટના નિર્માણ દરમિયાન પર્યાપ્ત સુરક્ષા નથી પૂરી પાડી રહી.

    આ અરજી 16 ઑગસ્ટના વિરોધપ્રદર્શન પછી કરવામાં આવી જ્યારે 16 ઑગસ્ટના લૅટિન કેથલિક ચર્ચના નેતૃત્વમાં થયેલાં પ્રદર્શન દરમિયાન પ્રોજેક્ટમાં એન્ટ્રી રોકી દેવામાં આવી હતી. પ્રદર્શનકારીઓની કેટલીક માગો હતી જેમાં પર્યાવરણનો મુદ્દો સૌથી પ્રમુખ હતો.

    કેરળ સરકારે કહ્યું કે તેમને સેન્ટ્રલ ફોર્સથી કોઈ આપત્તિ નથી પરંતુ કાયદોવ્યવસ્થા રાજ્યની જવાબદારી છે. રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું કે ગોળી ચલાવ્યા સિવાય તેમણે હિંસા રોકવા માટે બધાં પગલાં લીધાં છે.

  6. કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ભાજપ પર પ્રહાર, કહ્યું – ‘ભાજપે ગરીબોનું જીવન મુશ્કેલ બનાવ્યું’

    મલ્લિકાર્જુન ખડગે

    ઇમેજ સ્રોત, Gujarat Congress/Twitter

    ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે જાહેર સભા સંબોધી હતી.

    તેમણે ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું હતું કે, “જ્યારે કૉંગ્રેસ ગુજરાતમાં સત્તામાં હતી ત્યારે ગુજરાતનું જાહેર દેવું દસ હજાર કરોડ રૂપિયા હતું. અને આજે તે વધીને સાડા ચાર લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.”

    તેમણે પોતાની વાત આગળ વધારતાં કહ્યું હતું કે, “કૉંગ્રેસે ગુજરાતના વિકાસમાં જંગી ફાળો આપ્યો છે, અને ભાજપ અમને પૂછે છે કે અમે શું કામ કર્યું.”

    ખડગેએ ગુજરાતના મુદ્દા ઉઠાવતાં કહ્યું છે કે, “ગુજરાતમાં 28 હજાર શિક્ષકોનાં પદ ખાલી છે, તે ભરાતાં નથી. જો શાળા હોય તો ક્લાસરૂમ નથી. શિક્ષણથી માંડીને દરેક ક્ષેત્રમાં મોંઘવારીએ માઝા મૂકી છે.”

    આ સિવાય સભા સંબોધતાં તેમણે ભાજપના સુશાસન અને ‘જીએસટીના કારણે વધેલ મોંઘવારી સામે’ સવાલ ઉઠાવ્યા હતા.

    તેમણે પોતાના જાહેર સંબોધનમાં આગળ કહ્યું હતું કે, “મોંઘવારીને ખાળવા, ગરીબ કે જેનું મોંઘવારીના કારણે જીવન મુશ્કેલ બન્યું છે તેને બચાવવા અને પરિવર્તન માટે કૉંગ્રેસ જરૂરી છે.”

  7. 'ધ કશ્મીર ફાઇલ્સ'ને પ્રૉપેગૅન્ડા કહેનારા નદાવ લપિડે શું માગી માફી?

    નદાવ લપિડ

    ઇમેજ સ્રોત, PIB

    'ધ કશ્મીર ફાઇલ્સ'ને 'પ્રૉપેગૅન્ડા અને બેઢંગ' ફિલ્મ કહેનારા ઇઝરાયલી ફિલ્મ નિર્માતા અને ગોવામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહના ચીફ જ્યૂરી નદાવ લપિડે માફી માગી છે.

    જોકે, તેમણે ફિલ્મ 'ધ કશ્મીર ફાઇલ્સ'ને લઈને આપેલા નિવેદન પર નહીં, પરંતુ લોકોને દુ:ખ થવા બદલ માફી માગી છે.

    તેમણે કહ્યું છે કે, "તેમનો હેતુ કશ્મીરી પંડિત સમુદાય અને પીડિતોનું અપમાન કરવાનો ન હતો."

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, નદાવ લપિડે એક સમાચાર ચેનલમાં કહ્યું હતું કે, "હું કોઈનું અપમાન કરવા માગતો નથી. પીડિતો અથવા તેમના સંબંધીઓનું અપમાન કરવાનો હેતુ મારો ક્યારેય ન હતો. જો મારા નિવેદનને એ અર્થમાં સમજવામાં આવ્યું છે, તો હું તેના માટે માફી માગું છું."

  8. સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં ‘માસ્ટરમાઇન્ડ’ ગોલ્ડી બરારની અમેરિકામાંથી ધરપકડ: ભગવંત માન

    પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા

    પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બરારની અમેરિકામાંથી ધરપકડ કરવામાં આવી છે.

    પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને પ્રેસ-કૉન્ફરન્સ કરીને આ અંગે માહિતી આપી છે.

    ભગવંત માને અમદાવાદમાં કહ્યું હતું કે, “કૅનેડામાં બેઠેલા ગૅંગસ્ટર ગોલ્ડી બરારની આજે સવારે અમેરિકાથી ધરપકડ કરાઈ છે. કૅલિફૉર્નિયાની પોલીસે અમારો સંપર્ક કર્યો છે. ગોલ્ડી બરારને ભારત લાવવામાં આવશે અને તેને કડક સજા આપવામાં આવશે. તેનાથી ઘણા બધા પરિવારોને ન્યાય મળશે.”

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    આ વર્ષે 29 મેના દિવસે સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી. તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હોવાથીઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું.

    પોલીસે લૉરેન્સ બિશ્નોઈ ગિરોહને આ હુમલા માટે શંકાસ્પદ ગણાવ્યા હતા. બિશ્નોઈ 2015થી જ જેલમાં હતા. લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ સાથે જોડાયેલા ગોલ્ડી બરારે મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધી હતી.

    આ પહેલાં બે કેસમાં ઇન્ટરપોલે ગોલ્ડી બરાર વિરુદ્ધ રેડ કૉર્નર નોટિસ જારી કરી હતી.

    પંજાબ પોલીસે એવો પણ દાવો કર્યો હતો કે આ સિદ્ધુ મૂસેવાલાની હત્યા યૂથ અકાલી દળના નેતા વિકી મિડ્ડુખેરાની 2021માં થયેલી હત્યાનો બદલો લેવા માટે કરી હતી.

    પોલીસના દાવા અનુસાર, સિદ્ધુ મૂસેવાલાના હત્યાનો સમગ્ર પ્લાન ગોલ્ડી બરારે વિદેશમાં બેઠા-બેઠા ઘડ્યો અને લૉરેન્સ બિશ્નોઈ સાથે મળીને તેમના શૂટર્સ દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.

    લૉરેન્સ અને ગોલ્ડી બંને ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી રાજનીતિમાં સક્રિય હતા. અબોહર જિલ્લામાં રહેતા લૉરેન્સ ચંડીગઢની ડીએવી કૉલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા.

  9. ગુજરાત ચૂંટણી : કાંકરેજમાં વડા પ્રધાન મોદીએ કાંકરેજી ગાય અંગે શું કહ્યું?

    નરેન્દ્ર મોદી

    ઇમેજ સ્રોત, @BJP4Gujarat

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બનાસકાંઠાના કાંકેરજમાં ચૂંટણીસભા સંબોધી હતી. ચૂંટણસભામાં તેમણે કૉંગ્રેસ પર પ્રહાર કરતાં સરદાર ડૅમના નિર્માણમાં અવરોધ સર્જવાનો આરોપ લગાવ્યો હતો.

    તેમણે ગુજરાતમાં નર્મદાનું પાણી જ્યાં પણ ના પહોંચ્યું હોય ત્યાં પહોંચાડવાનું વચન આપ્યું હતું.

    ચૂંટણીસભામાં મોદીના ભાષણના મુદ્દા

    • અભાવ વચ્ચે પણ કાંકરેજી ગાય પોતાનો સ્વભાવ ન બદલે
    • ગૌપાલનને પ્રોત્સાહન મળે એ માટે 'રાષ્ટ્રીય ગોકુળ મિશન' બનાવાયું
    • દેશના દૂધ ઉત્પાદનમાં સતત વધારો થયો
    • બનાસ ડેરીની શાખા કાશીમાં નાખી
    • બનાસકાંઠામાં 70 ટકા ખેતી માઇક્રોઇરિગેશનથી થાય છે
    • બનાસકાંઠાના બટાકા-દાડમ આખા હિંદુસ્તાનમાં પ્રખ્યાત થયા
    • કૉંગ્રેસ સરકાર નર્મદાનું પાણી ના લાવી શકી
    • સરદાર સરોવર ડૅમ ના બને એ માટે કૉંગ્રેસે અવરોધો સર્જ્યા
    • સરદાર ડૅમના વિરોધીઓ સાથે કૉંગ્રેસના નેતા પદયાત્રા કરે
    • ગુજરાતમાં સૌને પાણી મળે એ માટે સુજલામ-સુફલામ યોજના બનાવી
  10. ગુજરાત ચૂંટણી : પ્રથમ તબક્કાનું ઓછું મતદાન કોને નુકસાન કરી શકે?

  11. પરેશ રાવલે 'બંગાળીઓ માટે માછલી પકાવવાવાળા' નિવેદન પર માફી માગી

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    અભિનેતા અને ભાજપના નેતા પરેશ રાવલે પોતાના 'બંગાળીઓ માટે માછલી પકાવો' નિવેદન પર માફી માગી છે.

    આ પહેલાં તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. એ વીડિયોમાં તેઓ ગુજરાતીમાં વલસાડની એક સભાને સંબોધી રહ્યા હતા.

    વીડિયોમાં રાવલને એવું કહેતાં સાંભળી શકાય છે, "ગૅસ સિલિન્ડર મોંઘા છે પણ એના ભાવ ઘટશે પણ. લોકોને રાજગાર પણ મળશે. પણ શું દિલ્હીની માફક રોહિંગ્યા સરણાર્થીઓ અને બાંગ્લાદેશીઓ તમારા પાડોશમાં આવીને રહેવા લાગશે તો શું થશે? તમે ગૅસ સિલિન્ડરનું શું કરશો? બંગાળીઓ માટે માછલી પકાવશો?"

    "ગુજરાતના લોકો મોંઘવારી સહન કરી લેશે પણ આ નહીં...જે રીતે એ લોકો ગંદી વાતો કરે છે એ રીતે એમના મોં પર ડાઇપર લગાવવાની જરૂર છે."

    આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો અને કેટલાય લોકોએ અભિનેતાની ટીકા પણ કરી.

    એક યુઝરે લખ્યું કે આ મામલે પરેશ રાવલે સ્પષ્ટતા કરવી જોઈએ.

    આ યુઝરને ટાંકતાં પરેશ રાવલે લખ્યું, "બિલકુલ માછલી કોઈ મુદ્દો નથી કેમ કે ગુજરાતીઓ પણ માછલી રાંધે છે અને ખાય છે. પણ હું સ્પષ્ટતા કરીશ કે બંગાળીઓથી મારો સંદર્ભ ગેરકાયદે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ અંગેનો હતો. એમ છતાં પણ જો મેં તમારી લાગણી દુભાવી હોય તો હું એ બદલ માફી માગું છું."

  12. કૉંગ્રસ અને ભાજપની ચૂંટણીસભાઓ

    કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તથારાજસ્થાનના મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોત આજે અરવલ્લી જિલ્લામાં ચૂંટણીસભા સંબોધશે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર જિલ્લામાં ચૂંટણીસભા સંબોધી રહ્યા છે.

    તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાંકરેજ, પાટણ, સોજિત્રા અને અમદાવાદમાં ચૂંટણીસભાને સંબોધશે.

    નોંધનીય છે કે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને કુલ 62.89 ટકા મતદાન નોંધાયું છે.

    ગુરુવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું. ભારતના ચૂંટણીપંચની વોટર ટર્નઆઉટ ઍપ અનુસાર પ્રથમ તબક્કાની બેઠકો પર કુલ 62.89 ટકા મતદાન થયું છે.

    નોંધનીય છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર ગુરુવારે મતદાન યોજાયું હતું.

  13. જેએનયુ : દીવાલો પર લખાયાં બ્રાહ્મણવિરોધી સૂત્રો, શું છે સમગ્ર મામલો?

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (જેએનયુ)ના કૅમ્પસની દીવાલો પર બ્રાહ્મણવિરોધી સૂત્રો લખાયાં હોવાનો દાવો કરાયો છે. સોશિયલ મીડિયા પર આ અંગેની તસવીરો પણ વાઇરલ થઈ રહી છે.

    સમાચાર સંસ્થા એએનઆઈએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ અનુસાર 'સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ-2'ની ઇમારત પર બ્રાહ્મણ અને વાણિયા સુમદાય વિરુદ્ધ સૂત્રો લખાયાં છે.

    આ મામલે જેએનયુના તંત્ર તરફથી પણ નિવેદન આવ્યું છે.

    સમાચાર એજન્સી એએનઆઈ પર હાજર નિવેદનની કૉપી અનુસાર "વાઇસ ચાન્સેલરે દીવાલો અને ફેકલ્ટીના ઓરડાઓમાં અજાણ્યા લોકો તરફથી સૂત્રો લખવાના આ મામલે સંજ્ઞાન લીધું છે. સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના ડીન અને ફરિયાદ સમિતિને આ મામલે તપાસ કરીને વહેલાસર રિપોર્ટ સોંપવાનું કહેવાયું છે."

    જેએનયુએ વીસી શાંતિશ્રી ડી. પંડિતે વિશ્વવિદ્યાલય પરિસરમાં કોઈ પણ પ્રકારની હિંસા વિરુદ્ધ 'ઝીરો ટૉલરન્સ'ની નીતિ અપનાવવાની વાત પણ કરી છે.

  14. ગુજરાત વિધાનસભા ચૂંટણી : દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં શહેરો કરતાં વધુ મતદાન

    ઓછું મતદાન

    ઇમેજ સ્રોત, Getty Images

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુરુવારે ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં શહેરોની સરખામણીએ વધુ મતદાન જોવા મળ્યું હતું.

    જોકે વર્ષ 2017 અને વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીઓની સરખામણીમાં આ મતદાન સાતથી દસ ટકા સુધી ઓછું હતું.

    દક્ષિણ ગુજરાતની 14 આદિવાસી બેઠકો પર સરેરાશ 69.86 ટકા મતદાન જોવા મળ્યું હતું. જ્યારે વર્ષ 2017માં આ ટકાવારી 77.18 ટકા હતી.

    તેમજ શહેરી વિસ્તારોમાંપણ મતદાનની ટકાવારી ઓચી નોંધાઈ હતી. સુરતમાં 60.71 ટકા મતદાન નોંધાયું હતું જે વર્ષ 2017ની સરખામણીમાં ઓછું છે.

    સેન્ટર ઑફ સોશિયલ સ્ટડીઝ ખાત સમાજશાસ્ત્રનાં સંશોધક કિરણ દેસાઈએ ઓછા મતદાન અંગેનાં કારણો વિશે અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “ભાજપના મતદારોને વિશ્વાસ છે કે પક્ષ જીતવાનો છે, તેથી તેઓ મત આપવા ન ગયા. તેમજ સત્તાવિરોધી મતદાન થયું હોય તેવું પણ નથી.”

    અર્થશાસ્ત્રનાં સંશોધક કિરણ પંડ્યાએ અખબારને જણાવ્યું હતું કે, “મતદાનની ટકાવારીમાં ઘટાડાની અસર કેટલાક વિજેતાઓના જીતના અંતરને અસર કરશે. પાછલી ચૂંટણીઓની સરખામણીએ આ ચૂંટણીમાં ઉત્સાહ જોવા નહોતો મળ્યો.”

  15. ગુજરાત : વંદે ભારત ટ્રેન સાથે ફરી એક વાર ઢોર અથડાતાં અકસ્માત

    વંદે ભારત ટ્રેન

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ગુરુવારે સાંજે ગાંધીનગર-મુંબઈ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ સાથે ઉદવાડા અને વાપી સ્ટેશન વચ્ચે ઢોર અથડાતાં અકસ્માત સર્જાયો હતો.

    એક રેલવે અધિકારી અનુસાર, આ અકસ્માતના કારણે ટ્રેનની ફ્રન્ટ પૅનલને થોડું નુકસાન પણ પહોંચ્યું હતું.

    નોંધનીય છે વંદે ભારત સેમિ-હાઇસ્પીડ ટ્રેન શરૂ થયાના બે માસમાં આ રૂટ પર ચોથી આવી ઘટના સર્જાઈ છે.

    પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે કહ્યું કે સાંજે 6.23 વાગ્યે ઉદવાડા અને વાપી વચ્ચેની લેવલ ક્રોસિંગ નં. 87 પાસે આ ઘટના બની હતી.

    તેમણે કહ્યું કે, “આ ઘટનાના કારણે ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું હતું, તેમજ અન્ય કોઈ ખામી સર્જાઈ નહોતી. નુકસાન રિપૅરિંગ માટે રાત્રે કામ કરાશે.”

  16. બેરોજગારી દર ત્રિમાસિક ગાળાની ટોચે, નવેમ્બરમાં આઠ ટકા નોંધાયો :CMIE

    બેરોજગારી દર

    ઇમેજ સ્રોત, Getty Images

    સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (CMIE)ના ડેટા અનુસાર ભારતનો બેરોજગારી દર ત્રિમાસિક ગાળાની ટોચે પહોંચી ગયો છે, નવેમ્બર માસમાં આ દર આઠ ટકાએ પહોંચી ગયો હતો.

    શહેરી ભારતમાં બેરોજગારીનો દર ગ્રામ્ય વિસ્તાર કરતાં વધુ નોંધાયો હતો. શહેરી વિસ્તારમાં આ દર 8.96 ટકા અને ગ્રામ્ય ભારતમાં 7.55 ટકા નોંધાયો હતો.

    આ વર્ષે ઑક્ટોબર માસમાં શહેરી ભારત માટે આ દર 7.21 ટકા અને જ્યારે ગ્રામ્ય વિસ્તાર માટે 8.04 ટકા રહ્યો હતો.

    નવેમ્બરમાં પણ હરિયાણાનો બેરોજગારી દર 30.6 ટકા સાથે સૌથી વધુ રહેવા પામ્યો હતો, જ્યારે રાજસ્થાનમાં બેરોજગારીનો દર 24.5 ટકા નોંધાયો હતો.

    સામેની બાજુએ છત્તીસગઢમાં સૌથી ઓછો એટલો કે 0.1 ટકા બેરોજગારી દર જોવા મળ્યો હતો.

  17. ગુજરાત વિધાનસભા ચૂંટણી : પ્રથમ તબક્કાની બેઠકો પર 62.89 ટકા મતદાન, બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાવાનું છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના જિલ્લાઓમાં મતદાન યોજાશે.

    ગુજરાત ચૂંટણી

    ઇમેજ સ્રોત, Getty Images

    ગુરુવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું. ભારતના ચૂંટણીપંચની વોટર ટર્નઆઉટ ઍપ અનુસાર પ્રથમ તબક્કાની બેઠકો પર કુલ 62.89 ટકા મતદાન થયું છે.

    નોંધનીય છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર ગુરુવારે મતદાન યોજાયું હતું.

    જો મતદાન ટકાવારીની વાત કરીએ તો સૌથી વધુ મતદાન તાપી જિલ્લામાં (76.91 ટકા) અને સૌથી ઓછું મતદાન બોટાદ જિલ્લામાં (57.58) નોંધાયું હતું.

    આ તબક્કામાં 788 ઉમેદવારો ચૂંટણીમેદાને હતા. નોંધનીય છે કે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાવાનું છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના જિલ્લાઓમાં મતદાન યોજાશે.

    8 ડિસેમ્બરના રોજ ચૂંટણીપરિણામ જાહેર થવાનાં છે.

  18. નમસ્કાર! બીબીસી ન્યૂઝ ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે.

    અહીં તમને ગુજરાત ચૂંટણી સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસ દરમિયાનની તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતી સાથે.

    1 ડિસેમ્બરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.