ગુજરાત ચૂંટણી : 89 બેઠકનું મતદાન પૂર્ણ, નર્મદા જિલ્લામાં સૌથી વધુ 73 ટકા

ગુજરાત વિધાનસભાની 182 બેઠક પૈકી 89 બેઠકનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. પાંચમી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન અને આઠ ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવશે.

લાઇવ કવરેજ

  1. વિશ્વ એઇડ્સ દિવસ : એ મહિલા જેમણે ભારતમાં એઇડ્સનો પહેલો કેસ શોધ્યો

  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી : પ્રથમ તબક્કામાં સરેરાશ 60.11 ટકા મતદાન

    ગુજરાત વિધાનસભા ચૂંટણી

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. વિધાનસભાની 182 પૈકી 89 બેઠકો પર સાંજે પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થયું હતું.

    ચૂંટણીપંચની વોટર ટર્નઆઉટ ઍપ્લિકેશન મુજબ, મતદાન પૂર્ણ થયા બાદ તમામ 89 બેઠકો પર સરેરાશ 60.11 ટકા મતદાન નોંધાયું છે.

    સૌથી વધુ 73.02 ટકા મતદાન નર્મદા જિલ્લામાં થયું છે. જ્યારે સૌથી ઓછું 53.83 ટકા મતદાન પોરબંદર જિલ્લામાં નોંધાયું છે.

    પ્રથમ તબક્કાની ચૂંટણી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં યોજાયું હતું. હવે ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાશે. અને આઠ ડિસેમ્બરે ગુજરાત ચૂંટણીનું પરિણામ આવશે.

  3. સુનંદા પુષ્કર કેસ: શશિ થરૂર સામે હાઇકોર્ટ પહોંચી દિલ્હી પોલીસ

    શશિ થરૂર

    ઇમેજ સ્રોત, ANI

    સુનંદા પુષ્કર કેસમાં શશિ થરૂરને મુક્ત કરવાના ટ્રાયલ કોર્ટના નિર્ણય વિરુદ્ધ દિલ્હી પોલીસ હાઈકોર્ટ પહોંચી છે.

    ટ્રાયલ કોર્ટે 18 ઑગસ્ટ 2021ના પોતાના ચુકાદામાં શશિ થરૂરને નિર્દોષ જાહેર કર્યા હતા.

    15 મહિના બાદ દિલ્હી પોલીસે આ મામલે હાઈકોર્ટનાં દ્વારે પહોંચી છે.

    દિલ્હી પોલીસે શશિ થરૂર પર આત્મહત્યાની દુષ્પ્રેરણા અને ક્રૂરતાનો આરોપ લગાવ્યો હતો.

    વર્ષ 2014માં દિલ્હીના એક લક્ઝુરિયસ હોટલમાં સુનંદા પુષ્કર મૃત હાલતમાં મળી આવ્યાં હતાં.

  4. અમદાવાદમાં વડા પ્રધાન મોદીનો 50 કિલોમીટર લાંબો રોડ શો

    ગુજરાત ચૂંટણી

    ઇમેજ સ્રોત, ANI

    બે દિવસના વિરામ બાદ વડા પ્રધાન મોદી આજે ફરી ગુજરાતમાં છે. એક તરફ પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને બીજી તરફ અમદાવાદમાં વડા પ્રધાન મોદીનો રોડ શો શરૂ થયો હતો.

    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર વડા પ્રધાન મોદીનો આ રોડ શો અંદાજે ત્રણ કલાક સુધી ચાલશે અને અમદાવાદ તેમજ ગાંધીનગરની 16 વિધાનસભા બેઠકોને આવરશે.

    ભારતીય જનતા પાર્ટીને ટાંકીને એએનઆઈએ જણાવ્યું કે આ રોડ શો અંદાજે 50 કિલોમીટર લાંબો હશે. જે નરોડા ગામથી શરૂ થઈને ગાંધીનગર દક્ષિણ બેઠક સુધી ચાલશે. આ રોડ શોને રસ્તામાં 35 જગ્યાએ વિરામ આપવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે વડા પ્રધાનનો રોડ શો જે વિસ્તારોમાંથી પસાર થવાનો છે. ત્યાં ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન યોજાશે.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી

    ઇમેજ સ્રોત, ANI

    કઈ-કઈ બેઠકોને આવરી લેવાશે?

    • ઠક્કરબાપાનગર
    • બાપુનગર
    • નિકોલ
    • અમરાઈવાડી
    • મણિનગર
    • દાણીલીમડા
    • જમાલપુર-ખાડિયા
    • એલિસબ્રિજ
    • વેજલપુર
    • ઘાટલોડિયા
    • નારણપુરા
    • સાબરમતી
  5. ગુજરાત ચૂંટણી : મતદાન પૂર્ણ, 89 બેઠકો પર સરેરાશ 59.05 ટકા મતદાન

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થઈ ગયું છે. ચૂંટણીપંચની વોટર ટર્નઆઉટ ઍપ્લિકેશન મુજબ સાંજે પાંચ વાગ્યા સુધીમાં 59.05 ટકા મતદાન નોંધાયું છે.

    આંકડા મુજબ સૌથી વધુ 72.32 ટકા મતદાન તાપી જિલ્લામાં નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું 52.73 ટકા અમરેલીમાં નોંધાયું છે.

    આ ચૂંટણીમાં મતદાનના આંકડાને ગત ચૂંટણીના આંકડા સાથે સરખાવવામાં આવે તો મતદાન ઓછું થયું હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે.

  6. આલિયાબેટમાં કન્ટેનરમાંથી તૈયાર કરાયેલા બૂથમાં થયું મતદાન

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી

    ઇમેજ સ્રોત, @ECISVEEP

    ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં નર્મદા નદી અને સમુદ્રના સંગમસ્થાન પાસે આવેલા આલિયાબેટ પર શિપિંગ કન્ટેનરમાંથી મતદાનમથક બનાવવામાં આવ્યું હતું.

    આલિયાબેટમાં રહેતા 300 જેટલા મતદારો માટે પ્રથમ વખત આ મતદાનમથક ઊભું કરવામાં આવ્યું હતું.

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી

    ઇમેજ સ્રોત, @ECISVEEP

    આ અગાઉ અહીંના લોકોએ મત આપવા માટે 70 કિલોમિટર દૂર જવું પડતું હતું.

    પ્રથમ વખત પોતાના ઘરથી નજીકમાં મતદાનમથક મળ્યું હોવાથી લોકો ઉમળકાભેર મતદાન માટે ગયા હતા.

    બપોરે ત્રણ વાગ્યા સુધીમાં વાગરા બેઠક પર 57.62 ટકા મતદાન નોંધાયું હતું.

  7. ભારતને આધિકારિક રૂપથી જી20 સમૂહની અધ્યક્ષતા મળી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો

    ઇમેજ સ્રોત, GETTY IMAGES

    ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો

    ભારતે જી20 સમૂહની અધ્યક્ષપદ સંભાળ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત ‘એકતાના સાર્વત્રિક ભાવ‘ને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે.

    આ જૂથની અધ્યક્ષતા ગુરુવારે જ આધિકારિક રૂપથી ભારત પાસે આવી છે.

    ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ નવેમ્બરમાં જી20 સમિતના અંતે આધિકારિક રૂપથી અધ્યક્ષતા નરેન્દ્ર મોદીને સોંપી હતી.

    વડા પ્રધાન મોદીએ કહ્યું કે આ ભારતીયો માટે "સન્માનનો વિષય" છે.

    ગુરુવારે ભારતીય અખબારોમાં સંપાદકીય લેખોમાં વડા પ્રધાન મોદીએ લખ્યું કે ભારતનો જી20 અજેન્ડા "સમાવેશી, મહત્ત્વકાંક્ષી, કાર્યલક્ષી અને નિર્ણાયક છે".

    ભારતીય અધ્યક્ષતાની થીમ વસુધૈવ કુટુંબકમ પર આધારિત છે.

    જી20 એવા દેશોનું એક સમૂહ છે જે વૈશ્વિક અર્થતંત્ર પર ચર્ચા કરવા માટે મળવા બૈઠક કરે છે. આ 20 દેશોમાં વૈશ્વિક વસતીના બે-તૃતિયાંશ ભાગ રહે છે, વૈશ્વિક વેપારના 75 ટકા જેટલો વેપાર થાય છે.

  8. ટ્રાન્સજેન્ડર મતદારો પહોંચ્યા માત આપવા માટે

    ગુજરાતમાં ટ્રાન્સજેન્ડર મતદારો

    ઇમેજ સ્રોત, Tejas vaidya

    ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે લગભગ બમણાં ટ્રાન્સજેન્ડર મતદારો નોંધાયાં છે. આ રાજ્યભરમાં વિવિધ મતદાનમથકોમાં તેમણે મત આપ્યો હતો.

    ચૂંટણીપંચના આંકડા પ્રમાણે ગુજરાતમાં આ વખતે 4.90 કરોડ મતદારો નોંધાયા છે. જે પૈકી 1,417 ટ્રાન્સજેન્ડર મતદારો છે. આ પૈકી સૌથી વધુ 223 ટ્રાન્સજેન્ડર મતદારો વડોદરામાં છે. જ્યારે અમદાવાદમાં 211 અને સુરતમાં 159 ટ્રાન્સજેન્ડર મતદારો છે.

  9. મોરબી પુલ દુર્ઘટનામાં અનેક લોકોને બચાવનાર હુસૈને કર્યું મતદાન

    હુસૈન

    મોરબી પુલ દુર્ઘટનામાં લોકોને બચાવવા માટે નદીમાં કૂદી પડેલાં હુસૈને આજે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ તેમણે બીબીસી સાથે વાત કરી હતી.

    આ મતદાન કરતી વખતે ક્યા મુદ્દા ધ્યાનમાં હતા? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, “મુદ્દો માત્ર એક જ છે કે વિકાસ થવો જોઈએ. લોકોના કામ થવા જોઈએ અને જો કામ કરાવવા હોય તો મતદાન અવશ્ય કરવું જોઈએ.”

    મોરબી દુર્ઘટનાની યાદો વાગોળતા તેમણે કહ્યું, “હું જ્યારે લોકોને બચાવી રહ્યો હતો. ત્યારે એક નાનકડી બાળકી મારા હાથમાં આવી ગઈ હતી. એને બહાર કાઢ્યા પછી હું હેબતાઈ ગયો હતો અને થોડીવાર બેસી ગયો હતો.”

    મોરબી દુર્ઘટના બાદ મોરબીમાં શું ફેરફાર ઇચ્છશો? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, “મારી એક માત્ર માગ છે કે મોરબીમાં તમામ લોકોને નિશુલ્ક તરવાનું શીખવા મળે તેવી સુવિધા ઊભી કરવામાં આવે.”

    તેમણે આગળ કહ્યું, “જો એ દિવસ પુલ પર હાજર પચાસેક લોકોને પણ તરતા આવડતું હોત તો આજે મૃત્યુઆંક ઘણો ઓછો હોત અને એ કારણથી જ તમામ લોકોને નિશુલ્ક તરવાનું શીખવાડવામાં આવે તેવી મારી માગ છે.”

  10. ગુજરાત ચૂંટણી : ખડગેએ કરેલી ટિપ્પણીને મોદી આટલું મહત્ત્વ કેમ આપી રહ્યા છે?

  11. ગુજરાત વિધાનસભા ચૂંટણી : બપોરે ત્રણ વાગ્યા સુધી 48.48 ટકા મતદાન

    ગુજરાત વિધાનસભા ચૂંટણી

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણીપંચની વોટર ટર્નઆઉટ ઍપ્લિકેશન મુજબ રાજ્યમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 48.48 ટકા મતદાન નોંધાયું છે.

    આંકડા પ્રમાણે બપોરે ત્રણ વાગ્યા સુધી સૌથી વધુ 64.27 ટકા મતદાન તાપી જિલ્લામાં થયું છે. જ્યારે સૌથી ઓછું 42.26 ટકા મતદાન જામનગરમાં નોંધાયું છે.

    ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ બેઠકો કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે.

    સવારે 8:00 વાગે મતદાન શરૂ થયું ત્યારથી 11.00વાગ્યા સુધીના ત્રણ કલાક દરમિયાન 19 જિલ્લાઓમાં થઈને 33 બૅલેટ યુનિટ, 29 કંટ્રોલ યુનિટ અને 69 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે.

  12. ‘આફ્રિકન ગામ’ જાંબુરમાં તૈયાર કરાયું ‘ટ્રાઇબલ બૂથ’, સિદ્દી સમુદાયના મતદારોએ કર્યું મતદાન

    ગુજરાત વિધાનસભા ચૂંટણી

    ઇમેજ સ્રોત, @ECISVEEP

    ગુજરાતમાં પ્રથમ વખત મૂળ આફ્રિકાથી ભારતમાં આવીને વસેલા સિદ્દી સમુદાયના લોકો માટે ટ્રાઇબલ મતદાનમથક તૈયાર કરવામાં આવ્યું છે.

    ગીર સોમનાથ જિલ્લાના તાલાલા મતક્ષેત્રમાં આવતા જાંબુર ગામે બનાવેલા આ મતદાનમથકમાં આજે સિદ્દી સમુદાયના લોકો પરંપરાગત પહેરવેશ પહેરીને મતદાન કરવા પહોંચ્યા હતા.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી

    ઇમેજ સ્રોત, @ECISVEEP

    આ મતદાનમથક અંગે સ્થાનિકોએ સમચાર એજન્સી એએનઆઈને કહ્યું, “અમારા માટે આ ગર્વની બાબત છે કે ચૂંટણીપંચે અમારા માટે અલગથી ટ્રાઇબલ બૂથ તૈયાર કર્યું છે. અમે અહીં વર્ષોથી રહીએ છીએ પણ અમારા માટે આવી સુવિધા પહેલી વખત કરવામાં આવી છે.”

    ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિધાનસભા મતક્ષેત્રમાં બપોરે એક વાગ્યા સુધીમાં 35.28 ટકા મતદાન થયું છે.

  13. અમિત શાહની રેલીમાં સાણંદની મહિલાઓ ભાજપ સરકાર પર ગુસ્સે કેમ થઈ?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે અને આ વચ્ચે વડા પ્રધઆન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવ્યા હતા. અમિત શાહની જાહેરસભામાં આવેલી મહિલાઓ ભાજપ સરકાર પર ગુસ્સે ભરાઈ હતી અને શું બોલી?

  14. પહેલાં મતદાન પછી લગ્ન, વરરાજા વોટિંગ કરવા પહોંચ્યા

    મતદાર

    ઇમેજ સ્રોત, Sachin Pithva

    ગુજરાતની 89 બેઠકો પર આજે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાન કરવા માટે એક વરરાજા પોતાના પરિવાર સાથે પહોંચ્યા.

    લીમડીથી સોહમ દવે પોતાનાં લગ્ન પહેલાં માતા-પિતા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા.

    તેમનું કહેવું છે કે "મતદાન કરવી એ ફરજ છે અને તેને કોઈ પણ કિંમતે ચૂકવી ન જોઈએ. વિધાનસભાની ચૂંટણી દર પાંચ વર્ષે આવે છે જેથી અમે મતદાનની ફરજની ગંભીરતા સમજી જાન જતા પહેલાં મતદાન કરવા માટે આવ્યા છીએ."

    ત્યારે તાપી જિલ્લામાં પણ આવું જ એક દૃશ્ય જોવા મળ્યું હતું.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    પ્રફુલ્લ મોરીનાં પણ લગ્ન પહેલી ડિસેમ્બર જ છે પરંતુ તેઓ મતદાન કરવાનું ભૂલ્યા નહીં.

    સમાચાર સંસ્થા એએનઆઈને તેમણે કહ્યું કે, "હું બધાને મતદાન કરવાની વિનંતી કરું છું, કોઈએ આ તકને જવા ન દેવી જોઈએ. મારાં લગ્ન સવારે થવાનાં હતાં પરંતુ મેં સમય બદલીને સાંજનો કરાવ્યો. અમારે તેના માટે મહારાષ્ટ્ર જવાનું છે."

  15. કિર્તીદાન ગઢવીને મતદાન કરતા અટકાવ્યા, રજૂઆત બાદ મત આપવા દીધો

    ગુજરાત વિધાનસભા ચૂંટણી

    ઇમેજ સ્રોત, Bipin Tankaria

    લોકપ્રિય ગાયક અને ગુજરાતમાં મતદાન જાગૃતિના ઍમ્બેસેડર કિર્તીદાન ગઢવી અમદાવાદથી રાજકોટ મતદાન કરવા પહોંચ્યા હતા.

    જોકે, તેમની પાસે ઓળખના પુરાવાની ડિજિટલ કૉપી હતી. જે બૂથ પર હાજર અધિકારીઓએ માન્ય રાખી ન હતી અને તેમને મતદાન કરવા દીધું ન હતું.

    બાદમાં તેમણે રાજકોટના મુખ્ય ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી અને તેમની રજૂઆત માન્ય રાખ્યા બાદ મતદાન કરવા દેવાયું હતું.

    આ દરમિયાન તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, “સમગ્ર દેશ ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે મારી રજૂઆત એટલી જ હતી કે જો ડિજિટલ પુરાવાને માન્ય રાખવામાં આવે તો વધુથી વધુ લોકો મતદાન માટે આગળ આવી શકે છે.”

  16. પહેલા તબક્કાના મતદાનમાં 11 વાગ્યા સુધીમાં કેટલા યુનિટ ખરાબ થયા?

    યુનિટ

    ઇમેજ સ્રોત, Getty Images

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં 19 જિલ્લામાં 89 વિધાનસભા મતવિસ્તારોમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. 19 જિલ્લાઓમાં 25,430 મતદાન મથકોમાં ઇવીએમ દ્વારા મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે.

    જોકે કેટલીક જગ્યાએ યુનિટ ખરાબ થતા રિપ્લેસ કરાયા હતા.

    મતદાનના ત્રણ કલાક દરમિયાન 26,269 યુનિટ પૈકી 33 બેલેટ યુનિટ રિપ્લેસ કરાયા.

    25,430 કંટ્રોલ યુનિટ પૈકી 29 કંટ્રોલ યુનિટ રિપ્લેસ કરાયા.

    25,430 વીવીપેટ પૈકી 69 વીવીપેટ રિપ્લેસ કરાયા.

    26,269 બી.યુ.(બેલેટ યુનિટ), 25,430 સી.યુ. (કંટ્રોલ યુનિટ) અને 25,430 વીવીપેટ કાર્યરત છે. મતદાનની 90 મિનિટ પહેલા ઈવીએમની ચકાસણી માટે મૉક પોલ યોજાય છે.

    આ મૉક પોલ દરમિયાન 140 બૅલેટ યુનિટ, 372 કંટ્રોલ યુનિટ અને 332 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા હતા.

    સવારે 8:00 વાગે મતદાન શરૂ થયું ત્યારથી 11.00વાગ્યા સુધીના ત્રણ કલાક દરમિયાન 19 જિલ્લાઓમાં થઈને 33 બૅલેટ યુનિટ, 29 કંટ્રોલ યુનિટ અને 69 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે.

    તમામ જિલ્લાઓમાં ઝોનલ ઑફિસર કે જે તે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ છે. જ્યાં પણ નાની મોટી સમસ્યા સર્જાય છે, ત્યાં તત્કાલ ઇવીએમના બૅલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ કે વીવીપેટ યુનિટ રિપ્લેસ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

  17. ભારતનું પ્રથમ હેલ્થ બૂથ, જ્યાં મતદાન કરો અને હૅલ્થ ચૅકઅપ કરાવો

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી

    ઇમેજ સ્રોત, @ECISVEEP

    ચૂંટણી પંચે દેશમાં પ્રથમ વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હૅલ્થ બૂથ તૈયાર કર્યું છે.

    જુનાગઢ વિધાનસભા બેઠક પર પ્લાસવા બૂથને હૅલ્થ બૂથ તરીકે રાખવામાં આવ્યું છે. અહીં મતદાનની સાથેસાથે મતદારો હૅલ્થ ચૅકઅપ પણ કરાવી શકે છે.

    બૂથ પર ચૂંટણીપંચની ટીમની સાથેસાથે આરોગ્યવિભાગની પણ એક ટીમ હાજર છે. તેઓ સાથે મળીને મતદારોને આવકારવાની સાથેસાથે તેમની સ્વાસ્થ્યતપાસ પણ કરે છે.

    જૂનાગઢ બેઠક પર બપોરે એક વાગ્યા સુધીમાં 30.80 ટકા મતદાન નોંધાયું છે.

  18. ગુજરાત વિધાનસભા ચૂંટણી :બપોરે એક વાગ્યા સુધી 34.48 ટકા મતદાન

    ગુજરાત વિધાનસભા ચૂંટણી

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનના આંકડા ચૂંટણીપંચે જાહેર કર્યા છે. બપોરે એક વાગ્યા સુધી 89 બેઠકો પર 34.48 ટકા મતદાન નોંધાયું છે.

    આંકડા પ્રમાણે સૌથી વધુ 46.35 ટકા મતદાન તાપી જિલ્લામાં નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું 30.26 ટકા મતદાન બોટાદ જિલ્લામાં નોંધાયું છે.

    ઉલ્લેખનીય છે કે મતદાનના પ્રથમ તબક્કામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

  19. AAPના પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કર્યું મતદાન, કતારગામમાં ધીમું મતદાન કરાવાઈ રહ્યું હોવાની કરી ફરિયાદ કરી

    ગુજરાત વિધાનસભા ચૂંટણી

    ઇમેજ સ્રોત, @Gopal_Italia

    ગોપાલ ઈટાલિયાએ આજે સવારે ભાવનગરના ઉમરાળા ખાતે ટીંબીની શાળામાં મતદાન કર્યું હતું.

    ગોપાલ ઈટાલિયાએ મતદાન કર્યા બાદ ટ્વીટ કર્યું હતું કે “તમારાં બાળકોના શિક્ષણ માટે, સારી આરોગ્ય વ્યવસ્થા માટે, સારી જનસુવિધાઓ માટે, ભ્રષ્ટાચાર નાબૂદી માટે અને એક ઇમાનદાર યુવા સરકાર બનાવવા માટે મતદાન કરો.”

    તેમણે આગળ લખ્યું, “તમારા એક મતથી પેપર ફૂટવાની ઘટના બંધ થશે, તમારા મતથી તમારું ભાગ્ય બદલશે. મતદાન અવશ્ય કરો.”

    જોકે થોડી વાર બાદ ગોપાલ ઈટાલિયાએ આરોપ મૂક્યો કે કતારગામ એસીમાં જાણીજોઈને મતદાન ધીમું કરવવામાં આવી રહ્યું છે. સમગ્ર પ્રદેશમાં 3.5 ટકા મતદાન થયું પરંતુ કતારગામમાં માત્ર 1.41 ટકા જ મતદાન થયું છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ઉલ્લેખનીય છે કે ગોપાલ ઈટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પાટીદારોનું વર્ચસ્વ ધરાવતી બેઠક છે. તેમની સામે ભાજપે કૅબિનેટ મંત્રી વિનુ મોરડિયાને ટિકિટ આપી છે.

    આ બેઠક પર ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી છે.

    બપોરે 1 વાગ્યા સુધી કતારગામ બેઠક પર 31.93 ટકા મતદાન નોંધાયું છે.

    ગોપાલ ઈટાલિયાએ કતારગામ બેઠક પર મતદાન ધીરે કરાવાઈ રહ્યું હોવાની ચૂંટણીપંચને ફરિયાદ કરી છે.

    તેમણે ચૂંટણીપંચને ટ્વીટ કરીને જણાવ્યું કે, “કતારગામ બેઠક પર જાણીજોઈને મતદાન ધીરે કરાવાઈ રહ્યું છે. ચૂંટણીપંચે જો આ રીતે ભાજપના ગુંડાઓના દબાણમાં જ કામ કરવું હોય તો પછી ચૂંટણી કરાવો છો જ શું કામ?”

    તેમણે આગળ લખ્યું, “સમગ્ર રાજ્યમાં સરેરાશ 3.5 ટકા મતદાન થયું છે પરંતુ કતારગામમાં માત્ર 1.41 ટકા જ થઈ શક્યું છે. એક નાનકડા બાળકને હરાવવા માટે આટલું નીચે ન પડો.”

  20. ભાજપમાં હાર્દિક પટેલનું ભવિષ્ય શેના પર આધાર રાખે છે? દિલીપ સંઘાણીએ શું સલાહ આપી?

    હાર્દિક પટેલ

    ઇમેજ સ્રોત, ANI

    અમદાવાદની વીરમગામથી વિધાનસભા ચૂંટણી પર સૌની નજર છે. વીરમગામથી ભાજપ તરફથી ચૂંટણી લડી રહેલા હાર્દિક પટેલને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીએ સલાહ આપી છે.

    તેમણે કહ્યું કે ભાજપની વિચારધારા સાથે આવે તો તેમનું સ્વાગત છે અને પાસ આંદોલનની વિચારધારા સાથે ન આવે.

    તેમણે કહ્યું કે, "એક વખત વાલિયો લૂંટારો પણ વાલ્મીકિ બન્યો હતો. અમારું ઘડતર કરવાનું કામ છે. પાણીને જે બૉટલમાં આપો તે આકાર લે છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જો ન સેટ થાય તો ભાજપમાં ટકી શકતા નથી."

    "ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સ્વીકારીને ભાજપે સભ્ય બનાવ્યા છે, નહીં કે પાસ આંદોલનની વિચારધારા."

    ભાજપમાં હાર્દિક પટેલના ભવિષ્ય વિશે તેમણે કહ્યું હતું કે, "ભારતીય જનતા પાર્ટીનું ભવિષ્ય સારું છે, હાર્દિકનું તેમના વ્યવહાર પર આધાર રાખે છે. ભાજપના સિદ્ધાંતોને અનુસરીને ચાલશે તો ભાજપને ફાયદો થશે અને નહીં કરે તો તેમને પોતાને નુકસાન થશે."

    2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં પાટીદાર અનામત આંદોલનના નેતા તરીકે હાર્દિક પટેલે સરકારને હંફાવી દીધી હતી.

    ભાજપને પાટીદાર આંદોલન પછી ચૂંટણીમાં નુકસાન થયું હતું. આંદોલનકારી બાદ રાજનેતા બનવાના ‘અભરખા’ તેમને પહેલાં કૉંગ્રેસ અને પછી અંતે ભાજપમાં લઈ આવ્યા હતા.

    હાર્દિક પટેલ મૂળ વીરમગામના વતની છે. કૉંગ્રેસે વર્તમાન ધારાસભ્ય લાખાભાઈ ભરવાડને રિપીટ કર્યા છે.

    છેલ્લા એક દાયકાથી કૉંગ્રેસનો ગઢ બનીને સામે આવેલ વીરમગામ વિધાનસભા બેઠકના મતદારોનો મૂડ ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.