You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

'ભારત જોડો યાત્રાનો રસ્તો ગુજરાતે બતાવ્યો', રાજકોટમાં રાહુલે શું કહ્યું?

રાહુલ ગાંધીએ રાજકોટમાં ચૂંટણીસભા સંબોધતાં મોરબી પુલ દુર્ઘટનાનો ઉલ્લેખ કરી દોષિતો સામે કાર્યવાહી કેમ ન કરી એવો સવાલ પણ કર્યો.

લાઇવ કવરેજ

  1. કતાર : કચ્છ કરતાં પણ નાનો દેશ આઝાદીનાં 50 વર્ષમાં જ સમૃદ્ધ કઈ રીતે બની ગયો?

  2. LIVE : રાહુલ ગાંધીએ રાજકોટમાં જાહેરસભાને સંબોધતા ભાજપ પર કેવા પ્રહાર કર્યા?

  3. જંબુસર : વડા પ્રધાન મોદીની સભામાં સાપ નીકળ્યો

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભરૂચના જંબુસરમાં ચૂંટણીસભા હતી. આ સભામાં મોદી પહોંચે એ પહેલાં એક સાપ નીકળવાની ઘટના ઘટી હતી.

    ભરૂચસ્થિત બીબીસીના સહયોગી સાજિદ ખાનના જણાવ્યા અનુસાર સભામંડપ પરથી સાપ નીકળ્યો હતો અને એને પગલે થોડી વાર માટે નાસભાગનો માહોલ સર્જાયો હતો. એ વખત ત્યાં હાજર પોલીસજવાનોએ સાપને પકડી લીધો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો.

    જોકે, આ ઘટના જ્યારે ઘટી ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સભાસ્થળ પર પહોંચ્યા નહોતા.

    નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાત પ્રવાસે છે અને સોમવારે તેમણે સુરેન્દ્રનગર, જંબુસર અને નવસારીમાં ચૂંટણીસભા સંબોધી હતી.

  4. સુપ્રીમ કોર્ટ: "મોરબી પુલ તુટવો એ 'મહાદુર્ઘટના' છે"

    મોરબી પુલ તૂટી પડતાં 135થી વધુ લોકોના મોત થયાં હતાં અને અનેક ઘાયલ થયા હતા એ એક મહાદુર્ઘટના હતી એમ સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું હતું.

    બાર ઍન્ડ બૅન્ચ અનુસાર, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે નિર્દેશ આપ્યો છે કે મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના અંગે સુઓમોટો કેસની સુનાવણી કરી રહેલી ગુજરાત હાઈકોર્ટે સમયાંતરે સુનાવણી કરવી.

    બેન્ચે મૌખિક ટિપ્પણીમાં કહ્યું હતું, "આ મહાદુર્ઘટના છે અને આ માટે કૉન્ટ્રેક્ટ આપવા, કોૉન્ટ્રેક્ટ આપેલા પક્ષના પ્રમાણપત્ર, દોષિતો માટે જવાબદારીનું આરોપણ વગેરે જોવા માટે સાપ્તાહિક મૉનિટરીંગની જરૂર પડશે. હાઈકોર્ટે ચાર્જ સંભાળ્યો છે નહીંતર અમે નોટિસ જારી કરી હોત."

    કોર્ટ ગુનાહિત ગેરરીતિનાં કૃત્યોની તપાસની માગ કરતી બે અરજીઓની સુનાવણી કરી રહી હતી, જેમાં માગ કરાઈ હતી કે નગરપાલિકાના અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે અને પુલની જાળવણી માટે સોંપવામાં આવેલી એજન્સીને જવાબદાર ગણીને તેમની ધરપકડ કરવામાં આવે.

    આ દુર્ઘટનામાં જેમનાં ભાઈ અને ભાભીનાં મૃત્યુ થયા છે એવા એક અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણને દલીલ કરી હતી કે સત્ય બહાર લાવવા માટે સ્વતંત્ર તપાસ જરૂરી છે.

    “રાજ્યમાં ચૂંટણીઓ આવી રહી છે અને એથી જ અજંતા ઓરેવા પાછળની મોટી માછલીઓને પકડવી જરૂરી છે. " તેમણે એમ પણ કહ્યું કે પીડિત પરિવારોને આપવામાં આવેલ વળતર પૂરતું નથી.

    વકીલે દલીલ કરી હતી, "સ્પોર્ટ્સ માટે 10થી 15 કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવે છે, પરંતુ આવી દુર્ઘટનામાં કંઈ અપાતું નથી. આ નીતિઓને વળતરના સંદર્ભમા જોવી જોઈએ."

    બીજી તરફ, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટે આ ઘટના અંગેનો કેસ ચલાવી રહી હોવાથી સુપ્રીમ કોર્ટ પાસે આ બાબતે અરજીઓ સાંભળવાનું કોઈ કારણ નથી.

    તુષાર મહેતાએ કહ્યું હતું, "તેમણે જે દલીલ કરી છે તે હાઇકોર્ટ સમક્ષ દલીલ કરી શકાય છે." ત્યારબાદ કોર્ટે અરજદારોને હાઈકોર્ટમાં જવાની અને પેન્ડિંગ અરજીમાં હસ્તક્ષેપ કરવાની સ્વતંત્રતા આપી હતી

    કોર્ટે નિર્દેશ આપ્યો, "આ રીતે અરજદાર સુઓમોટો કેસમાં હસ્તક્ષેપ કરી શકે છે અથવા કલમ 226 હેઠળ અરજી દાખલ કરી શકે છે. અરજદાર અથવા અન્ય કોઈ પણ પીડિત વ્યક્તિને કોઈ પણ રાહત માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવાની સ્વતંત્રતા આપવામાં આવે છે."

  5. બ્રેકિંગ, ઇન્ડોનેશિયામાં ભયાનક ભૂકંપ

    ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવા પ્રાંતમાં સોમવારે આવેલા એક ભૂકંપમાં ભારે નુકસાન થયું છે અને મૃતકોની સંખ્યા વધીને 44 થઈ ગઈ છે.

    સમાચાર એજન્સી એએફપીના રિપોર્ટ અનુસાર મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે અને હજારોની સંખ્યામાં ઘરોને નુકસાન થયું છે.

    સિયાંજુર શહેરના સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે અત્યાર સુધી લગભગ 44 લોકોનાં મોત થયાં છે.

    યુએસજીએસ પ્રમાણે રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.4ની નોંધવામાં આવી છે.

    અહેવાલો પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર રાજધાની જાકાર્તાથી 100 કિલોમીટર દૂર સિયાંજુરમાં છે.

  6. રાજસ્થાન : મંદિરમાં પૂજાવિવાદ, પૂજારીને સળગાવાયો

    રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના દેવગઢ પોલીસસ્ટેશન અંતર્ગત આવતા વિસ્તારમાં રવિવારે લગભગ સાંજે છ વાગ્યે એક પૂજારી અને એમનાં પત્નીને સળગાવી દેવાનો મામલો સામે આવ્યો છે.

    ગંભીર રીતે દાઝી ગયેલાં પૂજારી દપતીને ઉદયપુરજિલ્લાની હૉસ્પિટલમાં દાખલ કરાવાયાં છે. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધી 12 લોકોની અટકાયત કરી છે.

    ભીમ વિસ્તારના ડેપ્યુટી એસપી રાજેન્દ્રસિંહ રાઠોડે બીબીસીને જણાવ્યું છે, "રવિવાર સાંજે લગલગ છ વાગ્યે આ ઘટના ઘટી. એમનેં સળગાવી દેવા માટે પેટ્રોલનો ઉપયોગ કરાયો હતો. પૂજારી નવરત્નલાલનાં નિવેદનોને આધારે ફરિયાદ નોંધાઈ છે."

    તેમણે ઉમેર્યું, "ગામના મંદિરમાં પૂજા કરવા કરવા અંગે વિવાદ ચાલી રહ્યો હતો. ગામલોકો મંદિર ટ્રસ્ટ બનાવવા માગ કરી રહ્યા હતા જ્યારે પૂજારી પૂજા કરવાનું કહી રહ્યા હતા. "

    અહીં એ વાત પણ મહત્ત્વપૂર્ણ છે કે ગત બે વર્ષમાં રાજ્યમાં મંદિર સંબંધિત આ પ્રકારની ચાર ઘટનાઓ ઘટી છે.

  7. LIVE : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગરમાં મંચ પરથી લોકોને શું અપીલ કરી?

  8. 'હું ઇચ્છું છું કે... ' ન્યૂઝીલૅન્ડને હરાવ્યા બાદ હાર્દિક પંડ્યાએ કઈ ઇચ્છા વ્યક્ત કરી?

    ન્યૂઝીલૅન્ડ સામેની બીજી ટી20 મૅચને હાર્દિક પંડ્યાની કૅપ્ટન્સીવાળી ભારતીય ટીમે સરળતાથી જીતી લીધી અને સૂર્યકુમાર તથા દીપક હુડ્ડાએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું. સૂર્યકુમારે જબરદસ્ત સદી ફટકારી તો સરપ્રાઇઝ પૅકેજ સાબિત થયેલા હુડ્ડાએ ચાર વિકેટો મેળવી. આ વિજય સાથે જ ભારતે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

    ટીમ ઇન્ડિયાના આ વિજયથી હાર્દિક પંડ્યા ભારે ખુશ છે. જોકે, આ ખુશીમાં તેમણે ટીમના બેટરો પાસે ખાસ ફરમાઇશ કરી છે.

    તેમણે કહ્યું છે, "બૅટ્સમૅનોને જ્યારે પણ બૉલ આપીશું ત્યારે એ દર વખતે સફળ જ થાય એવું નહીં બને.પણ હું એવું ઇચ્છું છું કે બાકીના બૅટ્સમૅનો પણ બૉલિંગ કરવા માટે આગળ આવે જેથી ટીમ પાસે બૉલિંગના સારા વિકલ્પો ઉપલબ્ધ રહે. "

    અહીં એ વાત નોંધવી ઘટે કે દીપક હુડ્ડા મિડલ ઑર્ડર બૅટ્સમૅન છે પણ એ બૉલિંગ કરવામાં પણ સક્ષમ છે.

    હાર્દિકે જણવ્યું છે, "મેદાન ઘણું ભીનું હતું એટલે બૉલરોને શ્રેય મળવું જોઈએ. મેં ઘણી બૉલિંગ કરી છે અને ભવિષ્યમાં હું હજુ વધારે બૉલિંગ ઑપ્શન જોવા માગું છું. એવું નથી કે દર વખતે અમે સફળ નીવડીશું પણ હું ઇચ્છું છું કે મહત્તમ બૅટ્સમૅનો બૉલથી યોગદાન આપે. આનાથી શ્રેષ્ઠ કંઈ જ ના હોઈ શકે. "

    નોંધનીય છે કે ભારત-ન્યૂઝીલૅન્ડ ટી20 સિરીઝની બીજી મૅચમાં ભારતે ન્યૂઝીલૅન્ડને 65 રનથી હરાવી દીધું છે. માઉન્ટ મૉન્ગાનુઈમાં રમાયેલી મૅચમાં ભારતે ન્યૂઝીલૅન્ડને 192 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

    જોકે, ન્યૂઝીલૅન્ડની ટીમ 18.5 ઓવરમાં જ 126 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી.

  9. ગુજરાત વિધાનસભા ચૂંટણી : ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથિરિયાએ ચૂંટણી લડવા માટે સુરત કેમ પસંદ કર્યું?

  10. શ્રદ્ધા મર્ડર કેસ : પોલીસને મળ્યા માથાના અવશેષો, આફતાબના નાર્કો ટેસ્ટની તૈયારી

    દિલ્હી પોલીસને રવિવારે શ્રદ્ધા વાલકર હત્યાકાંડની તપાસમાં દક્ષિણ દિલ્હીમાંથી માથાના થોડા ટુકડા અને હાડકાં મળ્યાં છે.

    એટલું જ નહીં દિલ્હી પોલીસે આ કેસની તપાસ માટે દક્ષિણ દિલ્હીના મેદાનગઢ઼ી વિસ્તારમાં આવેલા એક સરોવરને પણ ખાલી કરાવ્યું હતું.

    જોકે, પોલીસે હજી સુધી આ કેસમાં કોઈ મોટો પુરાવો મળવાની માહિતી નથી આપી.

    જેને કારણે તપાસકર્તાઓની મુશ્કેલીઓ ધીરે-ધીરે વધી રહી છે.

    દિલ્હી પોલીસની એક ટીમ આફતાબને એ ફ્લૅટમાં પણ લઈને ગઈ હતી, જ્યાં શ્રદ્ધા વાલકર અને આફતાબ રહેતાં હતાં.

    આ ઉપરાંત દિલ્હી પોલીસ અને ફોરેન્સિક અધિકારીઓની ટીમે આફતાબનાં નાર્કો ટેસ્ટ પહેલાં એક મહત્ત્વપૂર્ણ બેઠક કરી હતી.

    તપાસકર્તાઓને આશા છે કે નારકો ટેસ્ટ દરમિયાન તેમને આફતાબ પાસેથી કેટલીક એવી માહિતી મળી શકે છે, જે કેસને ઉકેલવામાં ઉપયોગી બની શકે.

  11. ગુજરાત વિધાનસભા માટે સમાજવાદી પાર્ટીએ 20 ઉમેદવાર જાહેર કર્યા, સમાજવાદી પાર્ટીએ 20 વિધાનસભા બેઠકો માટે જાહેર કર્યા ઉમેદવાર

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે મોટી રાજકીય પક્ષોએ જ્યારે તેમના ઉમેદવારો જાહેર કરીને પ્રચારની શરૂઆત કરી દિધી છે, ત્યારે સમાજવાદી પાર્ટીએ 20 વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

    શનિવારે ગુજરાતમાં સમાજવાદીના પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર ઉપાધ્યાયે પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 13 અને બીજા તબક્કાની ચૂંટણી માટે 7 ઉમેદવારો સપાનાં નિશાન સાઇકલ પર ચૂંટણી લડશે.

    આ પ્રકારે ગુજરાતના રણમાં સમાજવાદી પાર્ટીની પણ એન્ટ્રી થઈ ગઈ છે.

    સમાજવાદી પાર્ટીએ પ્રથમ તબક્કા માટે અબડાસાથી જગદીશ ચંન્દ્ર કનુલાલ જોશી, ગાંધીધામથી લાલજી, તેજપુરથી રાજુભાઈ અરજણભાઈ સરવૈયા, જામનગર ઉત્તરથી નરેન્દ્રસિંહ જાડેજા તેમજ જામજોધપુરથી સબ્બીરભાઈ, દ્વારકાથી હામીરભાઈ ડેર, પોરબંદરથી રમેશભાઈ, કુતિયાણાથી કાંધલભાઈ જાડેજા, સુરત પૂર્વથી ચશ્માવાલા મંસૂર અહમદ, લિમ્બાયતથી સુબહન શેખ અસદુલ્લા, સુરત પશ્ચિમમાંથી મોહમ્મદ ઝાકિર, ચૌરાસીથી જુબેર અંસારી અને વલસાડથી કમલેશ યોગીને ઉમેદવાર જાહેર કર્યા છે. આ બેઠકો માટે નામાંકનની પ્રક્રિયા પહેલાં જ પુરી થઈ ગઈ હતી.

    સમાજવાદીપાર્ટીએ બીજા તબક્કા માટે રાધનપુરથી ભુરાભાઈ રાવલ, ગાંધીનગર ઉત્તરથી સૂર્યસિંહજી ડાભી, વેજલપુરથી જગદીશભાઈ મર્ચન્ટ, વટવાથી રાકેશ યાદવ, નિકોલથી કાજી મોહમ્મદ સલીમ,બાપૂ નગરથી અલ્તાફ ખાન પઠાણ અને અમરાઈ વાડીથી જ્ઞાનેન્દ્ર વિશ્વકર્માને ઉમેદવાર બનાવવવામાં આવ્યા છે.

    ગુજરાત ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ ગુજરાતની ચૂંટણી મેદાનમાં ઊતરે તેવી ધારણા કરવામાં આવી રહી છે.

  12. આજે નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગરમાં અને રાહુલ ગાંધીનો રાજકોટમાં ગુજરાતમાં ચૂંટણી સભાઓ

    ગુજરાતની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય જનતા પક્ષ (ભાજપ) માટે સભાઓ ગજવી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. આજે કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાતમાં તેમના પક્ષ માટે ચૂંટણી પ્રચાર કરશે.

    રાહુલ ગાંધી સોમવારે નવસારીના મહુવા અને રાજકોટના શાસ્ત્રી મેદાનમાં સભા ગજવશે. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગર, જંબુસર અને નવસારીમાં ચૂંટણી સભા સંબોધશે.

    ત્યારે હવે કૉંગ્રેસના દિગ્ગજો નેતાઓ પણ પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે.

    ગુજરાતમાં જેની ચર્ચા હતી એ રાહુલ ગાંધી પણ પ્રચારમાં જોતરાયા છે.

    રાહુલ ગાંધીની સભાને લઈને કૉંગ્રેસના હાઈકમાન્ડથી માંડી સ્થાનિક નેતાઓએ રાજકોટમાં ધામા નાખ્યા છે.

    રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજકોટ આવીને સભાસ્થળની મુલાકાત કરી હતી.

    ઉલ્લેખનીય છે કે હાલ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે અને એમાંથી સમય કાઢીને તેઓ ગુજરાત આવી રહ્યા છે.

  13. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.

    20 નવેમ્બરના સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.