You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, હર્ષ સંઘવી સહિત કોને કયું ખાતું મળ્યું?

મંત્રીમંડળમાં મુકેશ પટેલ, નિમિષા સુથાર, કુબેર ડિંડોર, અરવિંદ રૈયાણી, કીર્તિ વાઘેલાના રાજયકક્ષાના મંત્રી તરીકે એકસાથે શપથ, 10 કૅબિનેટ, 5 રાજ્યકક્ષાના શપથ પૂર્ણ

લાઇવ કવરેજ

  1. બ્રેકિંગ, ગુજરાતના નવા મંત્રીઓને કરાઈ ખાતાંની ફાળવણી, કોને શું મળ્યું?

    ગુરુવારે ગુજરાતના નવા મંત્રીમંડળની જાહેરાત અને શપથવિધિનો સમારોહ પૂરો થતાં જ ખાતાંની ફાળવણીની વિગતો પણ સામે આવી ગઈ છે.

    ખાતાંની ફાળવણી અંગે જાણવા મળેલ વિગતો મુજબ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની પાસે સામાન્ય વહીવટી વિભાગ, વહીવટી સુધારણા, ગૃહ અને પોલીસ હાઉસિંગ અને માહિતી અને પ્રસારણ જેવાં મહત્ત્વનાં ખાતાં રાખ્યાં છે.

    જ્યારે કૅબિનેટ મંત્રી તરીકે શપથ લેનાર અને અગાઉ વિધાનસભાના અધ્યક્ષ તરીકે ફરજ બજાવનાર રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન અને કાયદા અને ન્યાયતંત્રની જવાબદાર સોંપાઈ છે.

    જીતુ વાઘાણીને શિક્ષણ, ઋષિકેશ પટેલને આરોગ્ય અને પરિવારકલ્યાણ અને તબીબી શિક્ષણની જવાબદારીની સોંપણી કરાઈ છે. તેમજ પૂર્ણેશ મોદીને માર્ગ અને મકાન અને વાહનવ્યવહારનાં ખાતાં સોંપાયાં છે.

    રાઘવજી પટેલને કૃષિ, કનુભાઈ દેસાઈને નાણા અને ઊર્જા, કિરીટસિંહ રાણાને વન અને પર્યાવરણ, નરેશ પટેલને આદિજાતિ વિકાસ, પ્રદીપસિંહ પરમારને સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણને ગ્રામવિકાસની જવાબદારી સોંપાઈ છે.

    આ સિવાય રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલા માટે પસંદ કરાયેલ મંત્રીઓ પૈકી હર્ષ સંઘવીને રમતગમત અને ગૃહ અને પોલીસ હાઉસિંગ, જગદીશ વિશ્વકર્માને કુટિરઉદ્યોગ, બ્રિજેશ મેરજાને શ્રમ અને રોજગાર અને પંચાયત (સ્વતંત્ર હવાલો), જીતુભાઈ ચૌધરીને કલ્પસર અને મત્સ્યોદ્યોગ અને મનીષાબહેન વકીલને મહિલા અને બાળકલ્યાણ ખાતું સોંપાયું છે.

    આ સિવાય રાજ્યકક્ષાના મંત્રીઓ તરીકે શપથ લેનારા મંત્રીઓ પૈકી મુકેશભાઈ પટેલને કૃષિ અને ઊર્જા, નિમીષાબહેન સુથારને આદિજાતિવિકાસ, અરવિંદભાઈ રૈયાણીને વાહનવ્યવહાર, કુબેરભાઈ ડીંડોરને ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કીર્તિસિંહ વાઘેલાને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ જેવાં ખાતાં સોંપાયાં છે.

    આ ઉપરાંત ગજેન્દ્રસિંહ પરમારને અન્ન નાગરિક પુરવઠો, આર. સી. મકવાણાને સામાજિક ન્યાય, વિનોદભાઈ મોરડિયાને શહેરી વિકાસ અને દેવાભાઈ માલમને પશુપાલનનાં ખાતાં સોંપાયાં છે.

  2. નરેશ પટેલ - દક્ષિણ ગુજરાતના છ મંત્રીઓમાંથી એક

    નવસારી જિલ્લાની ગણદેવી બેઠકનું વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતા નરેશ પટેલને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ આદિવાસી સમાજના છે.

    તેમને ગુજરાત ભાજપના પ્રેદશાધ્યક્ષ સી. આર. પાટીલ કૅમ્પના માનવામાં આવે છે.

    પટેલ 2007માં ચીખલીની બેઠક પરથી ચૂંટાઈને વિધાનસભામાં પહોંચ્યા હતા. 2012માં તેમણે વાંસદા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમનો પરાજય થયો હતો.

    2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના કૅબિનેટ પ્રધાન મંગુભાઈ પટેલની ટિકિટ કપાતા નરેશ પટેલને ગણદેવીની ટિકિટ મળી હતી. મંગુભાઈ પટેલ હાલમાં મધ્ય પ્રદેશના રાજ્યપાલ છે.

    2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પટેલને એક લાખ 24 હજાર 10 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા સુરેશ હળપતિને 66 હજાર 749 મત મળ્યા હતા.

    આમ પટેલનો 57 હજાર 261 મતથી વિજય થયો હતો, જે કુલ માન્ય મતના 29.09% છે.

  3. નવી કૅબિનેટમાં નો-રિપીટ થિયરી

    મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની જાહેરાત થઈ ગઈ. અહેવાલોમાં જેવી શક્યતા વ્યક્ત કરાતી હતી, એ મુજબ જ ભાજપે 'નો રિપીટ' થિયરી અપનાવી છે અને અગાઉની સરકારમાં મંત્રી હોય તેમને ફરીથી સ્થાન નથી મળ્યું.

    નવા મંત્રીમંડળના મોટાભાગના પ્રધાનોને પ્રથમ વખત સરકારમાં જવાબદારી મળી છે, જ્યારે અમુક રાજકીય દૃષ્ટિએ પણ બિનઅનુભવી છે.

    2022માં વિધાનસભાની ચૂંટણી યોજાશે, છતાં તેમની પાસે શીખવા, સમજવા તથા ડિલિવર કરવા માટે માત્ર એક વર્ષ જેટલો સમય માંડ હશે.

    કર્ણાટક, ઉત્તરાખંડ અને આસામ બાદ ગુજરાતમાં પણ નેતૃત્વપરિવર્તન કરવામાં આવ્યું છે, જોકે ગુજરાતમાં સમૂળગું પરિવર્તન હાથ ધરવામાં આવ્યું છે.

  4. મનીષા વકીલ - નવી કૅબિનેટનો મહિલા ચહેરો

    મનીષા વકીલ વડોદરા શહેર બેઠક પરથી ધારાસભ્ય છે અને ભૂપેન્દ્ર પટેલની સરકારની નવી કૅબિનેટમાં તેમને સમાવવામાં આવ્યાં છે.

    તેમને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.

    મનીષા વકીલે એમ.એ.નો અભ્યાસ કર્યો છે.

  5. હાર્દિક પટેલે ભાજપના નેતાઓને કૉંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું, નવા મંત્રીમંડળ વિશે શું કહ્યું?

    ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળે શપથ લઈ લીધા છે, આ વખતે તમામ જૂના મંત્રીઓને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે.નીતિન પટેલ હોય, પ્રદીપસિંહ જાડેજા હોય કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય; તમામ વરિષ્ઠ નેતાઓને મંત્રીમંડળમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.

    શપથવિધિ પહેલાં હાર્દિક પટેલે ગુજરાતની નવી સરકાર અને નીતિન પટેલ મામલે પ્રતિક્રિયા આપી હતી.

  6. ભૂપેન્દ્ર પટેલની કૅબિનેટમાં દક્ષિણ ગુજરાતનો દબદબો, છ મંત્રી

    ગુજરાતની ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી નવી સરકારની નવી કૅબિનેટના 24 મંત્રીઓએ શપથ લીધા. જેમાં દક્ષિણ ગુજરાતમાંથી છ મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે.

    2002 પછી આ પ્રથમ વખત છે, જ્યારે દક્ષિણ ગુજરાતને સરકારમાં આટલું પ્રતિનિધત્વ મળ્યું છે.

    વિજય રૂપાણીની સરકારમાં દક્ષિણ ગુજરાતથી કુમાર કાનાણી, ગણપત વસાવા અને રમણ પાટકર મંત્રી હતા.

    ભૂપેન્દ્ર પટેલની સરકારમાં દક્ષિણ ગુજરાતથી બે કૅબિનેટ કક્ષાના મંત્રી છે અને રાજ્ય કક્ષના ચાર મંત્રીઓ છે.

    મજૂરા વિધાનસભાથી ધારાસભ્ય હર્ષ સંઘવી, સુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદી, કપરાડા બેઠકથી ધારાસભ્ય જીતુ ચૌધરી અને કતારગામ બેઠક પરથી ધારાસભ્ય વિનુ મોરડીયા પ્રથમ વખત મંત્રી બન્યા છે.

  7. મંત્રીમંડળનો મહિલા ચહેરો નિમિષાબહેન સુથાર

    નિમિષાબહેન સુથાર આદિવાસી સમાજમાંથી છે, તેઓ પંચમહાલની મોરવા હરફ બેઠક પરથી ધારાસભ્ય છે.

    અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટ ગેરલાયક ઠરતાં પેટાચૂંટણી યોજવાની જરૂરિયાત ઊભી થઈ હતી.

    પરંપરાગત રીતે વિધાનસભા ચૂંટણી દરમિયાન અહીંથી કૉંગ્રેસ ચૂંટણી જીતતી રહી છે, પરંતુ પેટાચૂંટણીમાંથી ભાજપ તેને આંચકવામાં સફળ રહ્યો છે.

    2017માં વિધાનસભાની ચૂંટણી સમયે કૉંગ્રસના ઉમેદવાર સવિતાબહેન ખાંટ વિજયી થયા હતા. પરંતુ મતગણતરી પૂર્વે તેમને બ્રેઇન હૅમરેજ થયું હતું અને તેમનું અવસાન થયું હતું. ગણતરી દરમિયાન તેઓ વિજયી જાહેર થયા હતા.

  8. પાટીદાર આંદોલનનો ગઢ બનેલી બેઠક પરથી ધારાસભ્ય વિનોદ મોરડિયાને સમાવાયા

    વિનોદ મોરડિયા સુરતની કતારગામ બેઠક પરથી ધારાસભ્ય છે. જે વરાછા બાદ પાટીદાર અનામત આંદોલનનું ઍપિસેન્ટર હતું.

    તાજેતરની મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી દરમિયાન આ મતવિસ્તાર હેઠળના વૉર્ડમાં આમ આદમી પાર્ટીએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું.

    રૂપાણી સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન કુમાર કાનાણીને પડતા મુકાતાં વિનોદ મોરડિયાનો સમાવેશ કરીને શહેર તથા સમાજનું સંતુલન જાળવવાનો ભાજપે પ્રયાસ કર્યો છે.

    મોરડિયા પોતે લેઉવા પાટીદાર સમાજના છે અને મૂળતઃ સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ પાર્ટીને મદદરૂપ થઈ શકે તેમ છે.

  9. પેટાચૂંટણી વખતે ભાજપમાં આવેલા બ્રિજેશ મેરજાનો મંત્રીમંડળમાં સમાવેશ

    ભાજપના મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને પણ ગુજરાતના નવા મંત્રીમડળમાં સામેલ કરાયા છે.

    તેમનો જન્મ 1 માર્ચ, 1958ના રોજ ચમનપર ખાતે થયો હતો. તેઓ બી. કૉમ., પત્રકારત્વ અને ડિપ્લોમા ઇન બૅંકિંગ સુધીનો અભ્યાસ કરી ચૂક્યા છે.

    તેઓ આ અગાઉ ગુજરાતમાં કૉંગ્રેસ સાથે સંકળાયેલા હતા અને પક્ષમાં જુદાં જુદાં પદોએ ઘણી જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે.

    જોકે, તેઓ તાજેતરમાં જ ભાજપમાંથી સામેલ થયા હતા. તેઓ સંપાદક અને પત્રકાર તરીકે કામ કરી ચૂક્યા છે.

    તેઓ કવિતા, ગઝલ, લેખો અને વાર્તાલેખન કરી ચૂક્યા છે. તેમને પ્રાકૃતિક સ્થળોનો પ્રવાસ, જૂની ફિલ્મોનાં ગીત જોવાં અને સાંભળવાં, જનસંપર્ક, જુદા-જુદા વિષયોનું વાંચન, મનન, ચિંતન, પ્રવચનો આપવાં અને સાંભળવાંનો શોખ છે.

  10. ગરીબ પરિવારમાંથી આવતા કીર્તિસિંહ વાઘેલા મંત્રી બન્યા

    બનાસકાંઠામાંથી આવતા ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાને પણ મંત્રીમંડળમાં સામેલ કરાયા છે. તેઓ ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે.

    કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાને મંત્રીમંડળમાં સ્થાન મળતાં તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે.

    બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર પરેશ પઢિયાર મુજબ કિસાન મોરચાની જવાબદારી સાંભળતા કીર્તિસિંહને છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ મળી હતી અને તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

    તેમનાં પુત્રીએ જણાવ્યું હતું કે ગરીબ પરિવારમાંથી આવતા તેમના પિતાએ દીવાના પ્રકાશમાં અભ્યાસ કર્યો હતો.

  11. ગુજરાતનું નવું મંત્રીમંડળ

  12. નવી ગુજરાત સરકારનું નવું મંત્રીમંડળ

    ભૂપેન્દ્ર પટેલ સરકારની નવી કૅબિનેટ

    • રાજેન્દ્ર ત્રિવેદી, રાવપુરા
    • જીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ
    • ઋષિકેશ પટેલ, વીસનગર
    • પૂર્ણેશ મોદી, સુરત પશ્ચિમ
    • રાઘવજી પટેલ, જામગનર ગ્રામ્ય
    • કનુભાઇ દેસાઈ, પારડી
    • કિરીટસિંહ રાણા, લીંબડી
    • નરેશ પટેલ, ગણદેવી
    • પ્રદીપ પરમાર, અસારવા
    • અર્જુનસિંહ ચૌહાણ, મહેમદાવાદ
  13. જીતુ વાઘાણી ભૂપેન્દ્ર પટેલ સરકારની કૅબિનેટમાં સામેલ, કેવી છે તેમની કારકિર્દી

    ભાવનગર (પશ્ચિમ) વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય અને ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશાધ્યક્ષ જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી ઉર્ફે જીતુ વાઘાણીને ગુજરાતના નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.

    28 જુલાઈ 1970ના રોજ વરતેજ ખાતે જન્મેલા જીતુ વાઘાણી વર્ષ 2012થી ભાજપના ધારાસભ્ય છે. તેમણે બી. કૉમ. એલએલ. બી. અને એલ. ડી. સી. જેવી ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે.

    ગુજરાત વિધાનસભાની વેબસાઇટ પર અપાયેલ માહિતી અનુસાર તેમનો મુખ્ય વ્યવસાય ખેતી અને બાંધકામ છે.

    તેઓ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં સમયાંતરે જુદી જુદી જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે.

    આ સિવાય તેઓ માતૃસેવા ગૌશાળાના ટ્રસ્ટી છે. તેમજ સદ્ભાવના ચૅરિટેબલ ટ્રસ્ટના માનદ્ ટ્રસ્ટી છે, સરદાર પટેલ સ્નાતક મિત્રમંડળના આજીવન સભ્ય અને સૌરાષ્ટ્ર પટેલ સમાજના પણ સભ્ય છે.

    તેમને વાંચન, સમાજસેવા, લોકસાહિત્ય, પ્રવાસ અને વિવિધ રમતગમતક્ષેત્રે વિશેષ રસ છે.

  14. ગુજરાતની નવી કૅબિનેટ એક તસવીરમાં

  15. સુરતની મજૂરા બેઠકના હર્ષ સંઘવી 'કૅબિનેટના સૌથી યુવા સભ્ય'

    હર્ષ સંઘવી સુરતની મજૂરા બેઠક પરથી ધારાસભ્ય છે. તેમણે પાટીદાર આંદોલનની વચ્ચે સુરતમાંથી રેકર્ડ મતથી વિજય મેળવ્યો હતો.

    તેમને પાટીલ કૅમ્પના માનવામાં આવે છે. તાજેતરના કોરોનાકાળ દરમિયાન તેમણે લોકોની વચ્ચે જઈને સેવાના કામ કર્યા હતા અને તેમના રોષનો પણ સામનો કર્યો હતો, એટલે તેમની કામગીરીની નોંધ લેવામાં આવી હોય તેમ જણાય છે.

    સંઘવીનો સ્ટ્રાઇક રેટ સમગ્ર ગુજરાતમાં સૌથી ઊંચો રહેવા પામ્યો હતો. સુરત જિલ્લાની મજૂરા બેઠક ઉપરથી હર્ષ સંઘવીએ એક લાખ 16 હજાર 741 મત મેળવ્યા હતા, જ્યારે કૉંગ્રેસના અશોક કોઠારીને 30 હજાર 914 મત મળ્યા હતા.

    આમ સંઘવીનો 85 હજાર 827 મતની લીડથી વિજય થયો હતો. આ લીડ કુલ માન્ય મતના 57.08 ટકા હતી.

  16. બ્રેકિંગ, નવી કૅબિનેટના મંત્રીઓ

    • હર્ષ સંઘવી
    • જીતુભાઈ ચૌધરી
    • બ્રિજેષ મેરજા
    • મનીષા વકીલ
    • જગદીશ પંચાલ
    • કનુભાઈ દેસાઈ
    • કિરીટસિંહ રાણા
    • નરેશ પટેલ
    • પ્રદીપસિંહ પરમાર,
    • અર્જુનસિંહ ચૌહાણ
    • રાજેન્દ્ર ત્રિવેદી
    • જીતુ વાઘાણી
    • પૂર્ણેશ મોદી
    • ઋષિકેષ મોદી
    • રાઘવજી પટેલ
    • મુકેશ પટેલ
    • નિમિષાબહેન સુથાર
    • અરવિંદ રૈયાણી
    • કુબેર ડિંડોર
    • કીર્તિ વાઘેલા
    • રાઘવજી મકવાણા
    • દેવાભાઈ પૂંજાભાઈ માલમ
    • વિનોદ મોરડિયા
  17. રાજેન્દ્ર ત્રિવેદી કોણ છે?

    રાજેન્દ્ર ત્રિવેદી હાલની વિધાનસભામાં અધ્યક્ષ હતા, પરંતુ ગુરૂવારે સવારે શપથવિધિના ગણતરીની કલાકો પહેલાં તેમણે અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું હતું.

    ત્રિવેદી 2012થી વડોદરાની રાવપુરા બેઠકનું પ્રતિનિધિ છે. તેઓ બ્રાહ્મણ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. 2017 પહેલાંની રૂપાણી સરકારમાં તેઓ ખેલ પ્રધાન હતા.

    રાજેન્દ્રભાઈએ વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનના કાઉન્સિલર તરીકે શરૂઆત કરી હતી.

    તેઓ અગાઉ રાજ્યકક્ષાના પ્રધાન રહી ચૂક્યા છે અને હવે કૅબિનેટનો હવાલો મળશે.

    તેમણે વકીલાતનો અભ્યાસ કર્યો છે અને રાજકારણમાં આવ્યા તે પહેલાં વ્યવસાયે વકીલ હતા.

  18. બ્રેકિંગ, નવી કૅબિનેટના મંત્રીઓ

    • હર્ષ સંઘવી
    • જીતુભાઈ ચૌધરી
    • બ્રિજેષ મેરજા
    • મનીષા વકીલ
    • જગદીશ પંચાલ
    • કનુભાઈ દેસાઈ
    • કિરીટસિંહ રાણા
    • નરેશ પટેલ
    • પ્રદીપસિંહ પરમાર,
    • અર્જુનસિંહ ચૌહાણ
    • રાજેન્દ્ર ત્રિવેદી
    • જીતુ વાઘાણી
    • પૂર્ણેશ મોદી
    • ઋષિકેષ મોદી
    • રાઘવજી પટેલ
    • મુકેશ પટેલ
    • નિમિષાબહેન સુથાર
    • અરવિંદ રૈયાણી
    • કુબેર ડિંડોર
    • કીર્તિ વાઘેલા
    • રાઘવજી મકવાણા
    • દેવાભાઈ પૂંજાભાઈ માલમ
    • વિનોદ મોરડિયા
  19. બ્રેકિંગ, રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી નવી કૅબિનેટમાં સામેલ

    રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, રાઘવજી પટેલ, પૂર્ણેશ મોદી, ઋષિકેષ પટેલ હાલમાં મંત્રી ત્રીકે શપથ લઈ રહ્યા છે.

  20. ગણતરીની મિનિટોમાં નવા મંત્રીમંડળની શપથવિધિ