"કોઈ શીર્ષ અધિકારીનો
ઇન્ટરવ્યૂ લેનારી મહિલા પત્રકાર" ભાગ્યે જ દુનિયાના કોઈ દેશમાં સમાચારમાં ચમકે.
પરંતુ મહિલાઓ અને
છોકરીઓ વિરુદ્ધ તાલિબાનના ક્રૂર ઇતિહાસને જોતાં ઘણા લોકો એ જાણીને દંગ રહી ગયા કે તાલિબાનના
એક શીર્ષ અધિકારી મૌલવી અબ્દુલહક હેમાદ ટોલો ન્યૂઝની ટીવી ઍન્કર બેહેશ્તા અરઘંદને ઇન્ટરવ્યૂ
આપવા માટે રાજી થઈ ગયા.
પહેલી વાર આવું બન્યું
કે તાલિબાનના કોઈ નેતા ટીવી સ્ટુડિયોમાં આવ્યા હોય.
એ ઇન્ટરવ્યૂ બાદ બેહેશ્તાએ
બીબીસીને કહ્યું કે "તેઓ કહે છે કે તેમને અફઘાન મહિલાઓથી કોઈ સમસ્યા નથી, અમે તેમના કામ કરવાનું સમર્થન કરીએ છીએ... પરંતુ
મને ડર છે."
તેઓ કહે છે કે હવે
કાબુલ શહેર અને તેમના સ્ટુડિયોનો માહોલ બદલાઈ ગયો છે. હવે તેઓ ટીવી પર મહેમાનો સાથે
વિવાદાસ્પદ મુદ્દાઓ પર ખૂલીને વાત નથી કરતાં. તેઓ સાવધાનીથી શબ્દપ્રયોગ કરે છે.
"એક કે બે મહિના
બાદ તેઓ (તાલિબાન) અમારા માટે કેટલાક કાયદા ઘડશે. મને લાગે છે કે તેઓ અમે જે ઇચ્છીએ
છીએ એ કરવાની મંજૂરી નહીં આપે. તેઓ અમારી આઝાદી કઠિન બનાવી દેશે. તેઓ કોઈ પ્રતિક્રિયા
આપતા નથી,
પણ અમારે સાવધાન રહેવું પડશે.
હું બહુ સાવધ છું."
"સંઘર્ષ કરવો પડશે, બલિદાન પણ આપવું પડશે"
તાલિબાનની સત્તામાં વાપસીને જોતાં કેટલીક ટીવી ચેનલોએ પોતાની મહિલા ઍન્કરને ઑફઍર કરી દીધી છે.
એટલે સુધી કે રાજકીય કાર્યક્રમોની જગ્યાએ ઇસ્લામના ધર્મશાસ્ત્ર પર ચર્ચાના વિષયો લવાયા છે.
તાલિબાનોએ કહ્યું હતું કે મહિલાઓને 'ઇસ્લામના કાયદાના સંરચના હેઠળ' કામ અને ભણવાની મંજૂરી અપાશે.
પરંતુ મંગળવારે (17 ઑગસ્ટ) અન્ય એક ન્યૂઝ ઍન્કર ખાદિજા અમીને સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી કે તાલિબાને તેમને અને અન્ય મહિલા કર્મચારીઓને દેશની સરકારી ટીવી રેડિયો ટેલિવિઝન અફઘાનિસ્તાનથી અનિશ્ચિતકાળ માટે સસ્પેન્ડ કરી દીધાં છે.
કેટલીક મહિલાઓએ બીબીસીને કહ્યું કે તેઓ ડરને લીધે કામ પર જઈ શકતી નથી.
બેહેશ્તા કામ પર પાછા ફર્યાં છે, કેમ કે તેમને લાગ્યું કે અનિશ્ચિતતાના આ સમયમાં તેમની ન્યૂઝરૂમમાં જરૂર છે.
તેમણે જણાવ્યું, "મેં જાતને કહ્યું, ચલો... આ અફઘાન મહિલાઓ માટે એક મહત્ત્વનો સમય છે."
જ્યારે તેઓ ઑફિસ જતાં હતાં ત્યારે તેમને તાલિબાન લડાકુઓએ રોકીને પૂછ્યું કે એકલી કેમ નીકળી છે? શરિયત અનુસાર એક પુરુષ સંબંધી તેમની સાથે કેમ નથી?
તેઓ કહે છે, "અમે સારી સ્થિતિમાં નથી. અમે જાણીએ છીએ કે અફઘાનિસ્તાનની મહિલાઓ માટે આ સારું નથી. ચોક્કસથી આવનારી પેઢી માટે અમારે સંઘર્ષ કરવો પડશે, બલિદાન પણ આપવું પડશે."