You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

બંગાળ ચૂંટણી : નદીગ્રામનાં પરિણામો પર ઘેરાતું રહસ્ય

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કૉંગ્રેસ ભલે નિર્ણાયક સરસાઈ મેળવી ચૂકી હોય પણ સૌની નજર નંદીગ્રામની બેઠક પર છે.

લાઇવ કવરેજ

  1. પિનરાઈ વિજયન : કેરળમાં ફરીથી સત્તા સ્થાપનારા 'ધોતીધારી મોદી' કોણ છે?

  2. બ્રેકિંગ, બંગાળ ચૂંટણી : નદીગ્રામના પરિણામ પર ઘેરાયું રહસ્ય

    પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કૉંગ્રેસ ભલે નિર્ણાયક સરસાઈ મેળવી ચૂકી હોય પણ સૌની નજર નંદીગ્રામની બેઠક પર છે.

    ચૂંટણીપંચે હજુ સુધી રાજ્યનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી અને ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીના મુકાબલાવાળી આ બેઠક પર ઔપચારિક પરિણામની જાહેરાત નથી કરી.

    જોકે, ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામની બેઠક પર પોતાની જીતની જાહેરાત કરી દીધી છે.

    આ પહેલાં મીડિયા રિપોર્ટમાં મમતા બેનરજીએ આ બેઠક 1200થી જીતી લીધી હોવાના સમાચાર આવ્યા હતા પણ બાદમાં ટીએમસીના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી અહીં મતગણતરી ચાલુ હોવાનું જણાવાયું હતું.

  3. મમતા બેનરજીની રાજકીય કારકિર્દી કેવી છે?

    શું તમે જાણો છો એક સમયે ઘર ચલાવવા માટે મમતા બેનરજી દૂધ વેંચતાં હતાં?

    મમતા બેનરજી રાજકારણમાં ક્યારે આવ્યાં અને કેવી રહી છે તેમની રાજકીય કારકિર્દી?

  4. બંગાળ ચૂંટણી : નદીગ્રામનાં પરિણામો પર ઘેરાતું રહસ્ય

  5. પ્રશાંત કિશોરે કેમ કહ્યું ‘ચૂંટણી મૅનેજમૅન્ટનું કામ છોડવા ઇચ્છું છું?’

  6. જ્યારે મમતા બેનરજીએ 18 વર્ષ સુધી એક ‘ભીષ્મ પ્રતિજ્ઞા’નું પાલન કર્યું

  7. બ્રેકિંગ, પ્રશાંત કિશોરે કહ્યું, 'ચૂંટણી પ્રબંધનનું કામ છોડવા માગે છે'

    ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ન્યૂઝ ચેનલ એનડીટીવીના એક લાઇવ પ્રોગ્રામ દરમિયાન કહ્યું છે કે ચૂંટણી પ્રબંધનનું કામ તેઓ છોડી રહ્યા છે.

    જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કેમ છોડી રહ્યા છે. તો પ્રશાંત કિશોરે જવાબ આપ્યો, "કેમકે હું ઘણું કરી ચૂક્યો છું, આઠ-નવ વર્ષ સુધી આ કરવું એ મુશ્કેલ કામ હોય છે."

    "હું આ કામ ઘણું કરી ચૂક્યો છું. હું જીવનમાં કંઈક બીજું કરવા માગું છું, જે હું કરીશ."

    "હું આજીવન આ જ કામ કરી ન શકું. હું મારી આસપાસના લોકોને દરેક વાતચીતમાં આ વાત કહેતો હોઉં છું."

    તેઓ કહે છે, "આ સિવાય મારી કંપની આઈપૅકમાં ઘણા યોગ્ય લોકો છે. જે લોકો આ કામ કરે છે. મને ખાલી અહીં એમના કામની ક્રૅડિટ મળી જાય છે."

    "આ સમય છે કે તેઓ જવાબદારી તેમના હાથમાં લઈ લે અને તેઓ જે કરવા માગે છે, એ તેઓ આઈપૅક બ્રાન્ડ હેઠળ કરીને બતાવે."

    પ્રશાંત કિશોરને પૂછવામાં આવ્યું કે શું તેઓ થાકી ગયા છે કે પછી તેઓ રાજનીતિમાં આવવા માગે છે?

    આ પ્રશ્નના જવાબમાં એનડીટીવીએ કહ્યું, "હું બસ કહેવા માગું છું કે હું હવે એ નથી કરવા ઇચ્છતો, જે હું અત્યાર સુધી કરતો આવ્યો છું. હું મારું યોગદાન આપી ચૂક્યો છું. આઈપૅકના મારા સહયોગીઓ માટે આ જવાબદારી ઉઠાવવાનો વખત છે."

    "મારી માટે આ બ્રૅક લેવાનો સમય છે અને જિંદગીમાં કેટલીક અન્ય બાબતો અંગે વિચારવાનો સમય છે. હું કોઈ પણ સંભાવનાને ખારિજ કરતો નથી, ના તો સ્વીકારી રહ્યો છું. બસ આ જગ્યા છોડવા માગું છું."

    શું આઈપૅકના લોકોને આ વિશે ખબર છે? આ પ્રશ્નનો જવાબ આપતાં પ્રશાંત કિશોરે કહ્યું, "મારા મોટાભાગના વરિષ્ઠ સહયોગી આ અંગે જાણે છે."

    પ્રશાંત કિશોર અત્યારે પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટ અમરિન્દર સિંધ માટે રાજકીય સલાહકાર તરીકે કામ કરે છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તેમની કંપની આઈપૅકે સત્તારૂઢ તૃણમૂલ કૉંગ્રેસ માટે કામ કર્યું હતું.

  8. બ્રેકિંગ, નંદીગ્રામમાં શુભેન્દુ અધિકારી ફક્ત 6 મતથી આગળ?

    સમાચાર સંસ્થા એએનઆઈ ચૂંટણી પંચના અધિકારીના હવાલાથી લખે છે નંદીગ્રામની બેઠક પર 16મા રાઉન્ડને અંતે ભાજપ નેતા શુભેન્દુ અધિકારી મમતા બેનરજી સામે 6 મતથી આગળ ચાલી રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચની વેબસાઇટ લાંબા સમયથી અપડેટ થઈ નથી રહી અને અગાઉ પંચે કહ્યું હતું કે મતગણતરી રોકાઈ નથી પરંતુ સર્વર સ્લો થવાને લીધે અપડેટમાં વાર લાગી રહી છે.

    ચૂંટણી પંચની વેબસાઇટમાં આ લખાય છે ત્યાં સુધી ફક્ત પાંચ રાઉન્ડની જ ગણતરી થઈ હોવાનું જણાવાઈ રહ્યું છે.

  9. બ્રેકિંગ, હરિયાણા અને ઓડિશામાં કોરોના લૉકડાઉન, મોદીની સમીક્ષા બેઠકમા શું થયું?

    દેશમાં કોરોના વાઇરસની મહામારીનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે હરિયાણા અને ઓડિશાએ લૉકડાઉનની જાહેરાત કરી છે.

    સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે 3 મેથી એક અઠવાડિયા માટે સમગ્ર રાજ્યમાં પૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે.

    બીજી તરફ ઓડિશાએ પણ 5 મેથી 19 મે સુધી 14 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી છે. ઓડિશામાં છેલ્લા 24 કલાકમાં 8 હજારથી વધારે કેસ સામે આવ્યા છે અને 14 લોકો મૃત્યુ પામ્યા છે.

    આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના મહામારીને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યત્વે ઓક્સિજન અને દવાની ઉપલબ્ધતા અંગે નિષ્ણાતો સાથે ચર્ચા થઈ.

  10. બ્રેકિંગ, ચૂંટણી પંચની વેબસાઇટનું સર્વર ડાઉન, નંદીગ્રામનો જંગ પાંચમાં રાઉન્ડ પર અટક્યો

    પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં વલણો મુજબ તૃણમૂલ કૉંગ્રેસનો આંકડો તો બહુમતની પાર નીકળી ગયો છે પરંતુ મુખ્ય મંત્રી મમતા બેનરજી અને પાર્ટી છોડી ભાજપમાં જનાર કદાવર નેતા શુભેન્દુ અધિકારી વચ્ચે નંદીગ્રામમાં કાંટે કી ટક્કર જોવા મળી રહી છે.

    ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ છેલ્લા ઘણા કલાકથી નંદીગ્રામનું પરિણામ પાંચ રાઉન્ડ પર આવીને અટકેલું છે. જોકે, ચૂંટણી પંચનું કહેવું છે કે મતગણતરી નથી રોકાઈ પરંતુ લોડને કારણે સર્વર સ્લો ચાલી રહ્યું છે.

    નંદીગ્રામ બેઠક પર શુભેન્દુ અધિકારી પોણા ચાર હજાર મતથી આગળ ચાલી રહ્યા હતા. જોકે, 5મા રાઉન્ડમાં મમતા બેનરજીને 6725 તો શુભેન્દુ અધિકારીને 9790 મત મળ્યા હતા.

    પાંચ રાઉન્ડને અંતે હાલ અધિકારી 34430 મત પર છે તો મમતા બેનરજી 30655 મત પર છે. અહીં વેબસાઇટ મુજબ મતગણતરી 17 રાઉન્ડ સુધી થવાની છે અને મામલો ખૂબ નજીકના વિજય કે પરાજયનો બની શકે છે.

  11. કેરળમાં ડાબેરી મોરચો ઐતિહાસિક જીત તરફ?

    કેરળમાં સત્તારૂઢ લેફ્ટ ડેમૉક્રેટિક ફ્રંટ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું હોવાનું પ્રારંભિક વલણો જણાવે છે.

    રાજ્ય વિધાનસભાની 140 બેઠકો પૈકી એલડીએફ 85 બેઠક પર આગળ ચાલે છે. જોકે મતગણતરી હજી થઈ રહી છે.

    જો આ ચૂંટણીમાં લેફ્ટ ફ્રંટ જીતી જશે તો પાછલા ચાર દાયકાથી રાજ્યની રાજનીતિમાં ચાલી આવેલી પરિવર્તનની પરંપરા આ વખતે તૂટી જશે.

    ચૂંટણી પંચના આંકડા પ્રમાણે એલડીએફ 85 બેઠક પર આગળ છે, જ્યારે કૉંગ્રેસના નેતૃત્વવાળું યુડીએફ ગઠબંધન 44 બેઠક પર આગળ છે. ભાજપ હાલની સ્થિતિ પ્રમાણે ચાર બેઠક પર આગળ છે.

  12. ચેન્નાઈમાં વસતા ગુજરાતીઓના શું છે પ્રશ્નો?

    તામિલનાડુની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો માટે મતગણતરી ચાલી રહી છે અને પ્રારંભિક વલણોમાં સ્ટાલિનનો પક્ષ ડીએમકે વધારે બેઠકો પર બઢત સાથે આગળ છે.

    તામિલનાડુમાં મતદાન પહેલાં પહોંચેલા બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્યે ચેન્નાઈમાં વસતા ગુજરાતીઓ સાથે વાત કરી હતી.

    ચેન્નાઈમાં વસતા ગુજરાતીઓ ત્યાંની રાજનીતિ વિશે શું માને છે અને તેઓ ભાજપ વિશે શું કહે છે?

  13. બ્રેકિંગ, બંગાળમાં મમતા બેનરજીની પાર્ટી તો તામિલનાડુમાં ડીએમકે આગળ

    પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને બપોરે બે વાગ્યાની સ્થિતિ મુજબ પશ્ચિમ બંગાળમાં ફરી એક વાર તૃણમૂલ કૉંગ્રેસની સરકાર બને એવાં વલણો છે.

    ચૂંટણીપંચની માહિતી મુજબ બપોરે બે વાગ્યાની સ્થિતિ આ મુજબ છે.

    પશ્ચિમ બંગાળ : ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસ 202 બેઠકો પર તો ભાજપ 78 બેઠકો પર આગળ છે. બંગાળમાં ડાબેરી મોરચાનો સફાયો થયો છે તો કૉંગ્રેસ પણ ફક્ત એક બેઠક પર આગળ છે.

    તામિલનાડુ : ડીએમકે 118 બેઠકો પર આગળ છે તો એઆઈડીએમકે 82 બેઠકો પર આગળ છે. અહીં ભાજપ 4 અને કૉંગ્રેસ 13 બેઠકો પર આગળ છે. કમલ હાસનની નવી પાર્ટી મક્કલ નિધિ મૈયમ એક બેઠક પર આગળ છે.

    પુડ્ડુચેરી : ભાજપ-કૉંગ્રેસ 2-2 બેઠકો પર આગળ છે તો ઑલ ઇન્ડિયા એન. આર. કૉંગ્રેસ 3 બેઠકો પર આગળ છે. અહીં ભાજપનો 1 બેઠક પર અને ઑલ ઇન્ડિયા એન. આર. કૉંગ્રેસનો 2 બેઠક પર અને ડીએમકેનો 1 બેઠક પર વિજય થયો છે.

    આસામ : કુલ 120 બેઠકો પૈકી ભાજપ 58 બેઠકો પર આગળ છે. ઑલ ઇન્ડિયા યુનાઇડેટ ડેમોક્રેટિક ફ્રન્ટ 12 બેઠકો પર, આસામ ગણ પરિષદ 11 બેઠકો પર અને કૉંગ્રેસ 27 બેઠકો પર આગળ છે. ભાજપ સ્પષ્ટ બહુમતથી હજી દૂર છે.

    કેરળમાં કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા(માર્ક્સિસ્ટ) 56 બેઠકો પર આગળ છે તો કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા 16 બેઠકો પર આગળ છે. અહીં ભાજપ 4 બેઠકો પર અને કૉંગ્રેસ 25 બેઠકો પર આગળ છે.

  14. શરદ પવારે મમતા બેનરજી અને સ્ટાલિનને અભિનંદન પાઠવ્યાં

    રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી - NCPના અધ્યક્ષ શરદ પવારે ચૂંટણીનાં પ્રારંભિક વલણોના આધારે બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીને તથા તામિલનાડુના ડીએમકે પક્ષના એમ. કે. સ્ટાલિનને અભિનંદન પાઠવ્યાં છે.

    અત્યાર સુધીની સ્થિતિ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસ 202 બેઠક પર આગળ છે, જ્યારે ભાજપ 78 બેઠક પર આગળ છે.

    ચૂંટણી પંચના આંકડા પ્રમાણે બંગાળમાં 34 વર્ષ સુધી રાજ કરનારા ડાબેરી મોરચાનો એક પણ પક્ષ એક પણ બેઠક પર આગળ દેખાતો નથી.

    જ્યારે તામિલનાડુમાં ડીએમકે 119, જ્યારે એઆઈએડીએમકે 81 બેઠક પર આગળ છે.

  15. અખિલેશ યાદવે મમતા બેનરજીને અભિનંદન પાઠવ્યાં

    ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે મમતા બેનરજીને પશ્ચિમ બંગાળમાં જીત બદલ અભિનંદન પાઠવી દીધા છે.

    જોકે હજી સુધી 292 મતવિસ્તારમાંથી 284નાં વલણો જ આવ્યાં છે, હજી અંતિમ પરિણામ આવવાને વાર છે.

    આ પ્રારંભિક વલણોમાં તૃણમૂલ કૉંગ્રેસ 202 બેઠક પર આગળ છે અને ભાજપ 77 પર આગળ છે. અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું, "પશ્ચિમ બંગાળમાં ભાજપની નફરતની રાજનીતિને હરાવનારી જાગૃત જનતા, મમતા બેનરજી અને ટીએમસીને સમર્પિત નેતાઓ અને કાર્યકરોને અભિનંદન."

  16. કોરોનાના લીધે ઉત્તર પ્રદેશની પંચાયતની ચૂંટણીમાં લાગેલા 700 શિક્ષકોનાં મોત થયાં?

  17. બ્રેકિંગ, મોરવા હડફ પેટાચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારી

    પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં મોરવા હડફ બેઠકની પેટાચૂંટણીના પરિણામ પણ આવી રહ્યા છે.

    મોરવા હડફ બેઠક પર ભાજપના ઉમેદવાર નીમિષાબેન મનહરસિંહ સુથાર 62616 મતથી આગળ ચાલી રહ્યા છે.

    આની સામે કૉંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કટારાને બપોરે એક વાગ્યા સુધી 20688 મત મળ્યા છે.

    બીબીસી ગુજરાતીના સહયોગી દક્ષેશ શાહના જણાવ્યા મુજબ, ભાજપ નિશ્ચિત જીત તરફ છે અને કૉંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારી મેદાન છોડી દીધું છે.

    કૉંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કટારાએ જનતા એ જે જનાદેશ આપ્યો તે સ્વીકાર કરી મતગણતરી કેન્દ્ર છોડી દીધું છે.

    જોકે, સુરેશભાઈ કટારાએ એમ પણ કહ્યું કે ભાજપે બાહુબળનો ઉપયોગ કરી જીત મેળવી છે અને કોરોનાકાળમાં ચૂંટણી યોજવી અયોગ્ય હતું.

  18. મમતા બેનરજીએ છોડેલી ભવાનીપુર બેઠક પર શું છે સ્થિતિ?, મમતા બેનરજી નંદીગ્રામથી લડવા ઊતર્યાં ત્યારે કહેવાતું હતું કે મમતા હારના ડરથી ભવાનીપુર છોડી રહ્યાં છે.

    મમતા બેનરજી નંદીગ્રામ બેઠક પર ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીથી પાછળ છે.

    તૃણમૂલ કૉંગ્રેસના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. એ પછી શુભેન્દુ અધિકારીને પડાકારવાના હેતુથી મમતા નંદીગ્રામથી લડવા ઊતર્યા હોવાનું મનાય છે.

    નંદીગ્રામ 2007થી પશ્ચિમ બંગાળના રાજકારણનું કેન્દ્રબિંદુ રહ્યું છે. ભાજપનો દાવો છે કે મમતા બેનરજી પરંપરાગત ભવાનીપુર બેઠક પર ઘેરાઈ ગયાં છે. ભવાનીપુરની બેઠક પર મૂળ ગુજરાતી, મારવાડી તથા પંજાબી મતદારો મોટી સંખ્યામાં છે.

    જોકે ભવાનીપુર બેઠકેથી તૃણમૂલ કૉંગ્રેસના સોહનદેવ ચટ્ટોપાધ્યાય આગળ ચાલી રહ્યા છે, ભાજપના ઉમેદવાર રુદ્રનીલ ઘોષ કરતાં તેઓ 9997 મતથી આગળ છે.

    2016ની વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનરજી આ બેઠકેથી 25,301 મતથી જીત્યાં હતાં.

    ભવાનીપુર અને નંદીગ્રામ બેઠકના રાજકારણ તથા તેના ગુજરાતી કનેક્શન વિશે વધુ વાંચવાઅહીં ક્લિક કરો.

  19. બ્રેકિંગ, નંદીગ્રામમાં મમતા બેનરજી શુભેન્દુ અધિકારી સામે 3775 મતથી પાછળ

    પશ્ચિમ બંગાળની ખૂબ ગાજેલી ચૂંટણીમાં મુખ્ય મંત્રી મમતા બેનરજીની પાર્ટી ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસ 202 બેઠકો પર આગળ ચાલી રહી છે. જોકે, મુખ્ય મંત્રી મમતા બેનરજી પોતે નંદીગ્રામ બેઠક પર ભાજપના શુભેન્દુ અધિકારી સામે 3775 મતથી પાછળ ચાલી રહ્યાં છે.

    ઉલ્લેખનીય છે કે ટીએમસીના કદાવર નેતા શુભેન્દુ અધિકારી પાર્ટી છોડી ભાજપમાં ગયા પછી એમણે અહીંથી ઉમેદવારી કરી હતી. તો મમતા બેનરજીએ પણ પોતાની પરંપરાગત ભવાનીપોરની બેઠક છોડી નંદીગ્રામથી લડવાનો નિર્ણય કર્યો હતો.

    નંદીગ્રામમાં છેડાયેલા આંદોલનને પગલે જ અગાઉ ટીએમસીએ ત્રણ દાયકા જૂની ડાબેરી સરકારને પરાસ્ત કરી હતી. એ સમયે શુભેન્દુ અધિકારી મમતા બેનરજીની સાથે હતા.

  20. પશ્ચિમ બંગાળમાં મતગણતરી એજન્ટ પીપીઈ કિટમાં

    કોરોના વાઇરસના ભયની વચ્ચે પશ્ચિમ બંગાળ સહિત 4 રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની ચૂંટણીની મતગણતરી ચાલુ છે.

    પરંતુ જે કર્મચારી મતગણતરીના કામમાં લાગ્યા છે, તેમને સંક્રમણનો સૌથી મોટો ભય છે. આને લઈને મતગણતરી કેન્દ્રો પર ખાસી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

    સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝેન અને રેપિડ એન્ટિજન ટેસ્ટ પણ કરાયા હતા.

    અનેક કેન્દ્ર પર મતગણતરી એજન્ટ પીપીઈ કિટમાં જોવા મળ્યા હતા.