દેશને સંબોધતા નરેન્દ્ર મોદીએ શું કહ્યું?
વડા પ્રધાન મોદીએ કહ્યું, "આજે ભલે આપણે કેટલીક બાધાઓ નડી હોય પરંતુ તેનાથી અમારો ઉત્સાહ ઘટ્યો નથી પરંતુ મજબૂત થયો છે. આજ ભલે આપણા રસ્તામાં બાધાઓ આવી હોય પરંતુ આપણે આપણી મંજિલથી ડગ્યા નથી.
આજે ચંદ્રને સ્પર્શવાની આપણી ઇચ્છાશક્તિ વધારે દૃઢ થઈ છે અને આપણો સંકલ્પ વધારે પ્રબળ થયો છે.
સાથીઓ ગઈ રાત્રે હું તમારી મનની સ્થિતિ સમજતો હતો. તમારી આંખો ઘણું બધું કહી રહી હતી. તમારા ચહેરા પર છવાયેલી ઉદાસી હું વાંચી શકતો હતો. વધારે સમય હું તમારી સાથે ના રોકાયો. અનેક રાતો તમે ઊંઘ્યા નથી. તેમ છતાં મને થયું કે એક સવારે ફરી તમને બોલાવું. તમારી સાથે વાત કરું. આ મિશન સાથે જોડાયેલી દરેક વ્યક્તિ અલગ જ અવસ્થામાં હતી, ઘણા સવાલો હતા. મોટી સફળતાઓ સાથે આપણે આગળ વધતા ગયા. અચાનક બધું સામે દેખાતું બંધ થઈ ગયું. મેં પણ એ પળને તમારા સાથે જીવી હતી.
આપણા વૈજ્ઞાનિકોને હું કહેવા માગું છું કે ભારત તમારી સાથે છે. તમે બધા મહાન પ્રોફેશનલ છો, જેમણે દેશની પ્રગતિ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું અને દેશને ગર્વ કરવાની અનેક તક આપી.
તમે લોકો માખણ પર લકીર દોરનારા નથી તમે પથ્થર પર લકીર ખેંચનારા લોકો છો. એ તમે લોકો જ છો જેમણે પ્રથમ પ્રયાસમાં જ મંગળ ગ્રહ પર ભારતનો ઝંડો લહેરાવ્યો હતો. એ પહેલાં દુનિયામાં આ પ્રકારની ઉપલબ્ધિ કોઈના નામે ન હતી.
આપણા ચંદ્રયાને દુનિયાને ચંદ્ર પર પાણી હોવાની મહત્ત્વની જાણકારી આપી હતી. હું તમામ અંતરિક્ષ વૈજ્ઞાનિકોના પરિવારને સલામ કરું છું. તેમનું મૌન પરંતુ મહત્ત્વપૂર્ણ સમર્થન તમારી સાથે રહ્યું.
આપણે અસફળ થઈ શકીએ છીએ પરંતુ આપણા જોશ અને ઊર્જામાં કોઈ કમી નહીં આવે. આપણે ફરી પૂરી ક્ષમતા સાથે આગળ વધીશું.
આપણે નિશ્ચિત રૂપે સફળ થઈશું. આ મિશનના આગળના પ્રયાસમાં પણ અને તે બાદના પ્રયાસમાં પણ સફળતા આપણી સાથે હશે."