Live, ગુજરાતની તમામ મહાનગરપાલિકાનાં અંતિમ પરિણામો જાહેર, કોણ કેટલી બેઠકો જીત્યું?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે. 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપનો દબદબો જળવાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત 26 એપ્રિલે ગુજરાતની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટે સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાયું હતું.

સારાંશ

  • 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટે યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ
  • ગુજરાતની 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં મહાનગરપાલિકાઓમાં ભાજપનો દબદબો યથાવત્
  • ઘણી નગરપાલિકાઓ, પંચાયતોમાં કૉંગ્રેસનું સારું પ્રદર્શન, આપે સૌરાષ્ટ્રમાં ઘણી બેઠકો જીતી
  • સુરતમાં આમ આદમી પાર્ટી 2021નું પ્રદર્શન જાળવી શકી નહીં

લાઇવ કવરેજ

આર્જવ પારેખ

  1. ગુજરાતની તમામ મહાનગરપાલિકાનાં અંતિમ પરિણામો જાહેર, કોણ કેટલી બેઠકો જીત્યું?

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ 15 મહાનગરપાલિકાનાં અંતિમ પરિણામો જાહેર થઈ ગયાં છે.

    આ પરિણામો એ દર્શાવે છે કે શહેરી વિસ્તારોમાં ભાજપનો દબદબો અકબંધ રહ્યો છે અને તેને કોઈ મોટું નુકસાન થયું નથી.

    છ જૂની મહાનગરપાલિકાઓની સ્થિતિ:

    મહાનગરપાલિકાઓની સ્થિતિ

    નવી બનેલી નવ મહાનગરપાલિકાની સ્થિતિ:

    નવ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ
  2. રાજકોટથી LIVE વિશ્લેષણ: ભાજપની જીત પાછળનાં કારણો શું, કૉંગ્રેસ-આપ માટે શું સંકેતો?

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો આજે જાહેર થઈ રહ્યાં છે. ત્યારે આ પરિણામોનો અર્થ શું છે? ભાજપ, કૉંગ્રેસ અને આપ માટે આ પરિણામોનો અર્થ શું?

    જુઓ રાજકોટથી વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય સાથે બીબીસી સંવાદદાતા ગોપાલ કટેશિયાની ચર્ચા.

    ગુજરાતમાં ભાજપની જીત
  3. ચૂંટણીનાં પરિણામો પછી કૉંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ શું કહ્યું?

    અમિત ચાવડા

    ઇમેજ સ્રોત, Amit Chavda/X

    ઇમેજ કૅપ્શન, ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો પછી ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે.

    અમિત ચાવડાએ કહ્યું હતું કે, “ગુજરાતમાં તાલુકા પંચાયતો, નગરપાલિકાઓમાં પ્રજાએ અનેક જગ્યાએ કૉંગ્રેસ પર વિશ્વાસ મૂક્યો છે, બહુમતી પણ આપી છે. અમે સૌને ભ્રષ્ટાચારમુક્ત લોકાભિમુખ શાસન પૂરું પાડીશું.”

    તેમણે કહ્યું હતું કે, “જ્યાં અમે વિપક્ષ તરીકે આવ્યા છીએ ત્યાં પણ પ્રજાના પ્રશ્નો મજબૂતાઈથી ઉઠાવીશું. ગુજરાતમાં જવાબદાર વિપક્ષ તરીકે અમે સમગ્ર ગુજરાતના લોકોનો અવાજ બનીશું અને લોકોનો વિશ્વાસ કેળવીશું.”

    કૉંગ્રેસે 84માંથી છ નગરપાલિકામાં સત્તા મેળવી છે અને આ સિવાય તાલુકા પંચાયતોમાં 900થી વધારે બેઠક મેળવી છે.

  4. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત પછી વડા પ્રધાન મોદીએ શું કહ્યું?

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત પછી વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ અંગે લખ્યું છે.

    તેમણે લખ્યું કે, “ગુજરાત અને ભાજપનો સંબંધ હવે વધુ ગાઢ અને અખંડ બન્યો છે. ભાજપને મળેલા પ્રચંડ જનસમર્થન અને જનાદેશ બદલ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.”

    વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, “રાજ્ય સરકારનાં પ્રજાલક્ષી અને વિકાસમૂલક કાર્યોને માન્યતા આપતા ગુજરાતના લોકોએ સુશાસનની રાજનીતિ પર ફરી એક વાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પરિણામો સ્પષ્ટ દર્શાવે છે કે વર્ષોથી ભાજપ દ્વારા કરાયેલા અવિરત પરિશ્રમને જનતાએ હાર્દિક આશીર્વાદ આપ્યા છે.”

    તેમણે આ અવસરે ભાજપના કાર્યકર્તાઓને પણ અભિનંદન પાઠવ્યા હતા.

    તેમણે કહ્યું હતું કે, “તેઓ હંમેશાં જનતા વચ્ચે રહી તેમની સમસ્યાઓને સમજવા અને સમર્પિત ભાવથી ઉકેલવા માટે કાર્યરત રહ્યા છે. આ જ કારણે ભારતીય જનતા પાર્ટી વારંવાર ગુજરાતના લોકોની પ્રથમ પસંદ બની રહી છે.”

    નરેન્દ્ર મોદી

    ઇમેજ સ્રોત, PIB

  5. સુરત અને ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું અંતિમ પરિણામ જાહેર, કોણે કેટલી બેઠકો જીતી?

    સુરત ચૂંટણીનું પરિણામ

    સુરત મહાનગરપાલિકામાં ભાજપે ભવ્ય જીત મેળવી છે અને 120માંથી 115 બેઠકો જીતી લીધી છે.

    ભાજપે ગત ચૂંટણીમાં 120માંથી માત્ર 93 બેઠકો જીતી હતી. આથી, આ વખતે ભાજપની બેઠકો વધી છે.

    સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે અને તે માત્ર ચાર બેઠકો જીતી શકી છે. ગત ચૂંટણીમાં તેની પાસે 27 બેઠકો હતી.

    કૉંગ્રેસ સુરતમાં તેનું ખાતું ખોલવામાં સફળ રહી છે અને તેને એક બેઠક મળી છે.

    ભાવનગરનું પરિણામ

    ભાવનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં આંકડા જોઈએ તો કોઈ ફર્ક પડ્યો નથી.

    ભાજપને ફાળે 44 બેઠકો અને કૉંગ્રેસને ફાળે આઠ બેઠકો ગઈ છે. ગત ચૂંટણીમાં પણ આ જ પરિણામ રહ્યું હતું. જોકે, કૉંગ્રેસના વિજેતા ઉમેદવારોના વૉર્ડ બદલાયા છે.

  6. “ગુજરાતના લોકોએ સૌને જવાબ આપ્યો...”- ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ શું કહ્યું?

    હર્ષ સંઘવી

    ઇમેજ સ્રોત, Facebook

    ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વિજય પછી મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય નેતાઓએ ગાંધીનગર કમલમમાં પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી હતી.

    મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે, “ગુજરાતની પ્રજાએ જે રીતે જનાદેશ આપ્યો છે તેમાં દરેક સવાલોના જવાબો મળી જાય છે. નકારાત્મક રાજનીતિને ગુજરાતે હંમેશાં જાકારો આપ્યો છે. વિકસિત ભારત માટે ભાજપને ગુજરાતે જનસમર્થન આપ્યું છે.”

    “અમે જનતાની વચ્ચે રહીને જનતાના પ્રશ્નોને હંમેશાં વાચા આપી છે અને અમે આ રસ્તે જ આગળ વધીશું.”

    નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, “ગુજરાતના નાગરિકોને ગેરમાર્ગે દોરવાની કોશિશનો ખૂણે ખૂણે સફાયો થયો છે. ગુજરાતના નાગરિકોએ એ તમામ લોકોને જવાબ આપ્યો છે. ગુજરાતના નાગરિકો અને ભાજપ એ દુનિયાનું સૌથી મોટું સહકુંટુંબ છે અને રહેશે એ આ પરિણામોથી સાબિત થયું છે.”

    જગદીશ પંચાલ

    ઇમેજ સ્રોત, Facebook

    ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલે પણ આ જીત પછી ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો.

    તેમણે કહ્યું હતું કે, “ગુજરાતને વારંવાર બદનામ કરવાના પ્રયાસો કૉંગ્રેસ અને અન્ય લોકોએ કર્યા છે. છતાંય ગુજરાતના લોકોનો વિશ્વાસ ક્યારેય ડગમગ્યો નથી. કૉંગ્રેસ અને અન્ય લોકોએ બિસ્તરાં-પોટલાં બાંધીને ભાગી જવાનો સમય આવી ગયો છે.”

  7. રાજકોટ મહાનગરપાલિકાનું અંતિમ પરિણામ જાહેર, કોને કેટલી બેઠકો મળી?

    રાજકોટ મહાનગરપાલિકાનું અંતિમ પરિણામ જાહેર થઈ ગયું છે.

    રાજ્ય ચૂંટણીપંચ અનુસાર, ભાજપે 72માંથી 65 બેઠકો પર વિજય મેળવ્યો છે, અને કૉંગ્રેસને ફાળે સાત બેઠકો ગઈ છે.

    ગત ચૂંટણીની સરખામણીએ કૉંગ્રેસની ત્રણ બેઠકો વધી છે.

    ગુજરાત સ્થાનિક ચૂંટણી
  8. હરણી બોટ દુર્ઘટનાના પીડિતોને 'ન્યાય અપાવવા' ભાજપ છોડ્યો, છતાં જીત મેળવી

    આશિષ જોષીએ કૉંગ્રેસ તરફથી જીત મેળવી છે

    ઇમેજ સ્રોત, Ashish Joshi/FB

    ઇમેજ કૅપ્શન, આશિષ જોષીએ કૉંગ્રેસ તરફથી જીત મેળવી છે

    હરણી બોટ દુર્ઘટનાનાના પીડિતોને 'ન્યાય અપાવવા' માટે જે કૉર્પોરેટરે ભાજપ પક્ષ છોડી દીધો હતો તેમની ભવ્ય જીત થઈ છે.

    આશિષ જોષીને કૉંગ્રેસે વડોદરાના વોર્ડ નં.15માંથી ટિકિટ આપી હતી અને તેમને આ વૉર્ડમાં સૌથી વધુ 18664 મત મળ્યા હતા.

    તેમણે જીત પછી કહ્યું હતું કે, “આ વિજય હરણી બોટકાંડના પીડિત પરિવારોનો વિજય છે. આ સત્યનો વિજય છે. વિકાસના નામે મચેલી લૂંટફાટને નિયંત્રણમાં રાખવા માટેનો વિજય છે. જે સત્ય સાથે રહે છે તેની સાથે વડોદરાના નાગરિકો રહે છે.”

    આશિષ જોશીએ કહ્યું હતું કે, “ભાજપના અનેક ધારાસભ્યો, મંત્રીઓ વૉર્ડ નં.15માં મને હરાવવા આવ્યા હતા. વડોદરા શહેર જાણતું હતું કે જો આશિષ જોશી હારી જશે તો સત્તા સામે કોઈ નહીં બોલે.”

    અહીં ઉલ્લેખનીય છે કે વડોદરામાં અત્યાર સુધી જાહેર થયેલાં પરિણામોમાં કૉંગ્રેસે ચાર બેઠકો જીતી છે અને બે બેઠકો પર આગળ છે.

  9. ઈસુદાન ગઢવીએ કહ્યું, “આમ આદમી પાર્ટી ગુજરાતમાં બીજા નંબરે આવી...”

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ રહ્યાં છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે ગુજરાતની જનતાએ અમારા પર ભરોસો મૂક્યો છે.

    પ્રેસ કૉન્ફરન્સમાં ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, “આ પ્રજાની જીત છે, અમને ખૂબ સારાં પરિણામો મળ્યાં છે. અમને જિલ્લા-તાલુકા પંચાયતો, નગરપાલિકાઓમાં સારી બેઠકો મળી છે. અત્યાર સુધીમાં 2266 બેઠકોનાં પરિણામો જાહેર થયાં છે. તેમાંથી 366 બેઠકો સાથે અમે બીજા નંબરે છીએ. જ્યારે કૉંગ્રેસ ત્રીજા નંબરે છે.”

    તેમણે કહ્યું, “આ દર્શાવે છે કે ગુજરાતની જનતાને વિકલ્પ મળી ગયો છે. ભાજપની તાનાશાહી સામે મજબૂતાઈથી અમે લડ્યા. ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને જે ચુકાદો આપ્યો છે તેના વિશ્વાસ પર અમે ખરા ઊતરીશું.”

    તેઓ કહે છે, “ભાજપના ઉદ્ગમસ્થાનરૂપી ખાડિયા જેવી જગ્યાએ ભાજપને પછડાટ મળી છે. એ દર્શાવે છે કે 10-12 મહિના ધાકધમકીથી સત્તા ચાલી શકે, પરંતુ આ લાંબું નહીં ચાલે."

    અહીં ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં ઘણી બેઠકો જીતી છે, પરંતુ સુરતમાં તેે ધાર્યા મુજબનું પરિણામ લાવી શકી નથી.

    ઈસુદાન ગઢવી

    ઇમેજ સ્રોત, AAP Gujarat

  10. અમદાવાદ: ખાડિયામાં મોટો ઊલટફેર, કૉંગ્રેસની આખી પેનલ જીતી

    ખાડિયામાં જીત પછી ભાવુક થઈ ગયેલાં કૉંગ્રેસનાં વિજેતા ઉમેદવાર

    ઇમેજ સ્રોત, Pawan Jaiswal/BBC

    ઇમેજ કૅપ્શન, ખાડિયામાં જીત પછી ભાવુક થઈ ગયેલાં કૉંગ્રેસનાં વિજેતા ઉમેદવાર

    અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોટો ઊલટફેર થયો છે. વર્ષોથી ‘ભાજપનો ગઢ’ ગણાતા ખાડિયા વિસ્તારમાં ભાજપનો પરાજય થયો છે.

    વૉર્ડ નં.28માં કૉંગ્રેસનાં ચારેય ઉમેદવારો વિજેતા બન્યાં હતાં.

    કૉંગ્રેસનાં ધ્રુવ કલાપી, મોહમ્મદ ઇલિયાસખાન પઠાણ, બિરજુબહેન ઠક્કર અને મીનાબહેન નાયકે વિજય મેળવ્યો હતો.

    બીબીસી સાથેની વાતચીતમાં મોહમ્મદ પઠાણે કહ્યું હતું કે, “સ્થાનિકો ખૂબ પરેશાન હતા. અમારી ટીમની મહેનતથી, પ્રચારથી આ વિજય મળ્યો છે. ભાજપે હિન્દુ-મુસ્લિમ, પાકિસ્તાનનો મુદ્દો બનાવવાની કોશિશ કરી, જે લોકોને પસંદ ન પડ્યું.”

    તેમણે કહ્યું હતું, “મતપેટીમાંથી ઇલિયાસના નામના મત નીકળતા હતા અને હિન્દુભાઈઓ ખુશ થતા હતા. આ જ અસલી હિન્દુસ્તાન છે.”

    અહીં ઉલ્લેખનીય છે કે ચૂંટણીપ્રચાર દરમિયાન ભાજપના નેતા ભૂષણ ભટ્ટે કહ્યું હતું કે, “ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ. જો ભાજપ નહીં આવે તો આવું થશે.”

    કૉંગ્રેસનાં વિજેતા ઉમેદવાર બિરજુબહેને કહ્યું હતું કે, “કૉંગ્રેસના કાર્યકર્તાઓ આ સ્વપ્ન 30 વર્ષથી જોઈ રહ્યા હતા. આ ખાડિયાની બહેનોની જીત છે, જેમને રોજિંદા જીવનમાં ખૂબ મુશ્કેલી પડી રહી હતી.”

    કૉંગ્રેસના મોહમ્મદ ઇલિયાસખાન પઠાણ

    ઇમેજ સ્રોત, Pawan Jaiswal/BBC

    ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના મોહમ્મદ ઇલિયાસખાન પઠાણ
  11. કેશોદ: મતગણતરીમાં ટાઈ થઈ અને ચિઠ્ઠી ઉછળી, ભાજપની હાર કેવી રીતે થઈ?

    ચિઠ્ઠીથી જ્યારે વિજેતા ઉમેદવાર નક્કી થયા

    ઇમેજ સ્રોત, Hanif Khokhar/BBC

    ઇમેજ કૅપ્શન, ચિઠ્ઠીથી જ્યારે વિજેતા ઉમેદવાર નક્કી થયા

    જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા પંચાયતની ઘસારી મોટી બેઠક પર એક રસપ્રદ ઘટના બની છે.

    મતગણતરી દરમિયાન ભાજપ અને આપના ઉમેદવારોને એકસમાન 1191 મત મળ્યા હતા. ભાજપના રમેશ ગરેજા અને આમ આદમી પાર્ટીના યશવંતસિંહ રાયજાદાને સમાન મત મળ્યા હતા.

    બીબીસી સહયોગી હનીફ ખોખરે આપેલી માહિતી અનુસાર, ટાઈની સ્થિતિમાં ચૂંટણીપંચના નિયમ મુજબ વિજેતા નક્કી કરવા માટે ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. તેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજયી થયા હતા.

    કેશોદની તાલુકા પંચાયતમાં કેવદ્રા, અગતરાય, અજાબ 1, અજાબ 2, બાલાગામ, બડોદર, કણેરી, પાડોદર, મેસવાણમાં ભાજપના ઉમેદવારો જીત્યા હતા. તો કૉંગ્રેસના ઉમેદવારો મોવાણા, માણેકવાડા, ખીરસરા અને ખમીદાણામાં જીત્યા હતા.

  12. કડી નગરપાલિકા: ‘બિનહરીફ’ ન થઈ એ તમામ બેઠકો કૉંગ્રેસે જીતી લીધી

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Nitin Patel/FB

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

    કડી નગરપાલિકાની ચૂંટણીનું અંતિમ પરિણામ જાહેર થઈ ગયું છે. એ અનુસાર, 36 બેઠકોમાંથી 28 બેઠકો પર ભાજપની જીત થઈ છે તથા આઠ બેઠક કૉંગ્રેસના ફાળે ગઈ છે.

    આ 28 બેઠકો ચૂંટણી થાય એ પહેલાં જ ભાજપે બિનહરીફ જીતી લીધી હતી.

    જે આઠ બેઠકો પર ચૂંટણી થઈ તે તમામ આઠ બેઠકો કૉંગ્રેસે જીતી લીધી છે.

    કડીના વૉર્ડ નં.2 અને વૉર્ડ નં.5માં જ મતદાન થયું હતું અને એ બધી બેઠકો કૉંગ્રેસે જીતી લીધી છે.

  13. મોરબી મહાનગરપાલિકામાં ભાજપની ક્લીન સ્વીપ, તમામ 52 બેઠકો જીતી

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

    મોરબી મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ભાજપે તમામ 52 બેઠકો પર જીત મેળવી છે.

    રાજ્ય ચૂંટણીપંચ અનુસાર, તમામ 13 વૉર્ડમાં ભાજપની પેનલ ચૂંટાઈ છે, જે એક રેકૉર્ડ છે.

    કૉંગ્રેસ કે અન્ય પક્ષો મોરબી મહાનગરપાલિકામાં એક પણ બેઠક જીતી શક્યા નથી.

    અહીં ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં મહાનગરપાલિકાઓનાં જાહેર થયેલાં પરિણામો અનુસાર ભાજપે 415 બેઠકો પર અને કૉંગ્રેસે 20 બેઠકો પર જીત મેળવી છે. અન્યના ફાળે ચાર બેઠકો ગઈ છે.

  14. સુરેન્દ્રનગર: આપ છોડીને ભાજપમાં ગયેલા રાજુ કરપડા બનશે જિલ્લા પંચાયતના સભ્ય, મૂળીમાં વિજય

    રાજુ કરપડા

    ઇમેજ સ્રોત, Raju Karpada/FB

    ઇમેજ કૅપ્શન, રાજુ કરપડા

    આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ગયેલા રાજુ કરપડા મૂળી-2 બેઠક પરથી ચૂંટણી જીતી ગયા છે.

    સુરેન્દ્રનગરથી બીબીસી સહયોગી સચીન પીઠવાએ આપેલી માહિતી અનુસાર તેમનો 2533 મતે વિજય થયો છે.

    આ સાથે જ હવે રાજુ કરપડા જિલ્લા પંચાયતના સભ્ય બન્યા છે.

    રાજુ કરપડા 2022માં આમ આદમી પાર્ટી તરફથી ચોટીલા વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને બીજા ક્રમે રહ્યા હતા.

    જીત બાદ રાજુ કરપડાએ મતદારો અને ભાજપના સંગઠનનો આભાર માન્યો હતો.

  15. ભેંસાણ: આપ છોડીને ભાજપમાં ગયેલા ભૂપત ભાયાણીની હાર

    ભૂપત ભાયાણી

    ઇમેજ સ્રોત, Bhupendrabhai Bhayani/FB

    ઇમેજ કૅપ્શન, ભૂપત ભાયાણી

    જૂનાગઢ જિલ્લાની ભેંસાણ જિલ્લા પંચાયત પરથી ચૂંટણી લડી રહેલા આપના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ભૂપત ભાયાણીની મોટી હાર થઈ છે.

    આમ આદમી પાર્ટીના દિલસુખ રૂપારેલિયાએ તેમને હરાવી દીધા છે.

    આપના દિલસુખભાઈને 8892 મત મળ્યા હતા.

    અહીં ઉલ્લેખનીય છે કે ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી વીસાવદરના ધારાસભ્ય તરીકે 2022ની ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ ત્યારબાદ તેઓ ભાજપમાં ભળી ગયા હતા.

    ભાજપે તેમને ભેંસાણ જિલ્લા પંચાયતમાંથી ટિકિટ આપી હતી. તેમની ત્યાં પણ હાર થઈ છે.

    જૂનાગઢની જિલ્લા પંચાયતોમાં કુલ 30 બેઠકમાંથી ભાજપને 20 બેઠકો મળી છે, જ્યારે આપને છ બેઠકો મળી છે. હજુ ચાર બેઠકો પર મતગણતરી ચાલુ છે એમ બીબીસી સહયોગી હનીફ ખોખરે જણાવ્યું હતું.

  16. સુરત: આમ આદમી પાર્ટીના મનોજ સોરઠિયાની હાર

    મનોજ સોરઠિયા

    ઇમેજ સ્રોત, Manoj Sorathiya/FB

    ઇમેજ કૅપ્શન, મનોજ સોરઠિયા

    સુરતમાં વૉર્ડ નં.4 કાપોદ્રામાંથી ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની હાર થઈ છે.

    અહીં ચારેય બેઠકો પર ભાજપની જીત થઈ છે.

    ભાજપના ચાર ઉમેદવારોને અનુક્રમે 15935, 15651, 17661, 16244 મત મળ્યા છે.

    બપોરે એક વાગ્યા સુધીમાં જાહેર થયેલાં પરિણામોમાં હજુ સુરતમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલી શક્યું નથી.

    કૉંગ્રેસને અત્યાર સુધીમાં સુરતમાં એક બેઠક મળી છે.

  17. દ્વારકા: જામરાવળ નગરપાલિકામાં કૉંગ્રેસે સત્તા કબજે કરી, ભાજપનો સફાયો

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દ્વારકા જિલ્લામાં ભાજપને મોટો ફટકો પડ્યો છે.

    દ્વારકાની જામરાવળ નગરપાલિકામાં કૉંગ્રેસે છ વૉર્ડની કુલ 24માંથી 21 બેઠકો જીતીને નગરપાલિકાની સત્તા કબજે કરી લીધી છે.

    અહીં માત્ર ત્રણ બેઠકો ભાજપે જીતી છે.

    બીબીસી સહયોગી સચીન પીઠવાના જણાવ્યા અનુસાર, અહીં પહેલાં ભાજપનો દબદબો હતો.

    ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, અહીં કૉંગ્રેસે જીત મેળવી છે અને 21 બેઠકો કબ્જે કરી છે.

  18. અમરેલી: ચાવંડ બેઠક પરથી માયાભાઈ આહીરના દીકરી સોનલ ડેરની હાર

    માયાભાઈ આહીરનાં દીકરી સોનલબહેન ડેર
    ઇમેજ કૅપ્શન, માયાભાઈ આહીરનાં દીકરી સોનલબહેન ડેર

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઘણી જગ્યાએ ઉલટફેર, તો ઘણી જગ્યાએ ચોંકાવનારાં પરિણામો પણ જોવા મળી રહ્યાં છે.

    લાઠીની તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પરથી માયાભાઈ આહીરના દીકરી સોનલ ડેરની હાર થઈ છે.

    અમરેલીથી બીબીસી સહયોગી ફારૂક કાદરીએ તેની પુષ્ટિ કરી છે.

    આ બેઠક પર કૉંગ્રેસના શાંતાબહેન ડેર વિજેતા થયાં છે.

    કૉંગ્રેસના ઉમેદવાર શાંતાબહેન ડેરના દીકરાએ તેમની વતી જનતાનો આભાર માન્યો હતો.

  19. મહાનગરપાલિકાના પરિણામો: અત્યાર સુધીમાં કોણે કેટલી બેઠકો જીતી?

    અમદાવાદના અમરાઈવાડીમાં ભાજપની વિજેતા પેનલ

    ઇમેજ સ્રોત, Pawan Jaiswal/BBC

    ઇમેજ કૅપ્શન, અમદાવાદના અમરાઈવાડીમાં ભાજપની વિજેતા પેનલ

    રાજ્ય ચૂંટણીપંચના આંકડા અનુસાર, 15 મહાનગરપાલિકાઓમાં બપોરે 12 વાગ્યા સુધીમાં ભાજપે 185, કૉંગ્રેસે સાત બેઠકો જીતી છે. જ્યારે અન્યના ફાળે ચાર બેઠકો ગઈ છે.

    રાજકોટમાં આઠ બેઠકોનાં પરિણામ જાહેર થયાં છે, જેમાં આઠેય બેઠકો ભાજપે જીતી છે.

    અમદાવાદમાં 12 બેઠકોનાં પરિણામ જાહેર થયાં છે, જેમાં બારેય બેઠકો ભાજપે જીતી છે.

    જામનગર, ભાવનગરમાં ચાર-ચાર બેઠકોનાં પરિણામ જાહેર થયાં છે અને એ તમામ બેઠકો પણ ભાજપે જીતી છે.

    વાપીમાં 47 બેઠકોનાં પરિણામ જાહેર થયાં છે, જેમાં કૉંગ્રેસે સાત બેઠકો જીતી છે.

  20. રાજકોટ: જંગલેશ્વરમાં જ્યાં હજારો મકાનો પાડી દેવાયાં હતાં ત્યાં ભાજપની હાર

    કૉંગ્રેસના વિજેતા ઉમેદવારો

    ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/BBC

    ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના વિજેતા ઉમેદવારો

    રાજકોટના વૉર્ડ નં.16 જંગલેશ્વરમાં કૉંગ્રેસની પેનલની જીત થઈ છે. ગત ચૂંટણીમાં આ વૉર્ડ ભાજપના ફાળે ગયો હતો.

    અહીં ઉલ્લેખનીય છે કે જંગલેશ્વરમાં થોડા સમય અગાઉ ડિમોલિશન થયું હતું અને હજારો ઘર-દુકાનો પાડી દેવામાં આવ્યાં હતાં.

    અહીંથી કૉંગ્રેસના ઉમેદવારો અર્જુનભાઈ ચૌહાણ, ઇબ્રાહીમભાઇ સોરા, દિપ્તીબેન સોલંકી અને રસીલાબેન ગરૈયાની જીત થઈ છે.

    વિજેતા ઉમેદવાર રસીલાબહેન ગરૈયાએ કહ્યું હતું કે, “મારો ગત ચૂંટણીમાં માત્ર 11 મતે પરાજય થયો હતો. આ વખતે હું સારા મતે જીતી છું. અમે લોકોના કામ કરવા માટે પૂરી મહેનત કરીશું.”

    દિપ્તીબહેન સોલંકીએ કહ્યું હતું કે, “રાજકોટના વૉર્ડ નં.16ના અઢારે વર્ણના લોકોના મતથી અમારી જીત થઈ છે. અમે લોકોનો ભરોસો નહીં તૂટવા દઈએ. જેમનાં મકાનો પડી ગયા છે તેમને ક્વાર્ટર અપાવવા માટે અમે મહેનત કરીશું.”

    કૉંગ્રેસના વિજેતા ઉમેદવાર દિપ્તીબેન સોલંકી

    ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/BBC

    ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના વિજેતા ઉમેદવાર દિપ્તીબેન સોલંકી