દિલ્હીની એક મૅજિસ્ટ્રેટ કોર્ટે આજે કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે, સહ-સંયોજક સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મુક્ત કર્યા. મુક્ત થયા પછી આશુતોષ રાંકાએ કહ્યું કે, કૉક્રોચ જનતા પાર્ટી રવિવારે બપોરે બે વાગ્યે પ્રેસ કૉન્ફરન્સ કરશે.
સારાંશ
દિલ્હીની એક મૅજિસ્ટ્રેટ કોર્ટે આજે કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે, સહ-સંયોજક સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મુક્ત કર્યા. મુક્ત થયા પછી આશુતોષ રાંકાએ કહ્યું કે, કૉક્રોચ જનતા પાર્ટી રવિવારે બપોરે બે વાગ્યે પ્રેસ કૉન્ફરન્સ કરશે.
ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ઍસોસિએશન (આઈસા)નાં રાષ્ટ્રીય અધ્યક્ષ નેહા બોરાએ રવિવારે પણ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે.
કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના નેતા અજિંક્ય શિંદેએ ઍક્સ પર એક વીડિયો પોસ્ટ કરીને રવિવારે યોજાનારા પ્રદર્શન અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું, "જ્યાં સુધી જ્ઞાનેશકુમારનું રાજીનામું નહીં લઈએ, ત્યાં સુધી અમે ઘરે પાછા નહીં ફરીએ."
પ્રખ્યાત યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ધ્રુવ રાઠીને પોલીસે અટકાયતમાં લીધાના થોડા કલાકો બાદ મુક્ત કરી દીધા છે.
લાઇવ કવરેજ
કૉક્રોચ જનતા પાર્ટી આજે બપોરે બે વાગ્યે કરશે પ્રેસ કૉન્ફરન્સ
ઇમેજ સ્રોત, Idrees MOHAMMED / AFP via Getty Images
આ પછી, કૉક્રોચ જનતા પાર્ટીના અધિકૃત ફેસબુક એકાઉન્ટ પરથી
કરવામાં આવેલી એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, “કૉક્રોચ ક્યારેય મરતા નથી.”
મુક્ત થયા પછી આશુતોષ રાંકાએ
કહ્યું કે, કૉક્રોચ જનતા પાર્ટી રવિવારે બપોરે બે વાગ્યે પ્રેસ કૉન્ફરન્સ કરશે.
સીજેપીનાં લીગલ હેડ રત્નાસિંહના
જણાવ્યા અનુસાર, ત્રણેય નેતાઓને એ શરતે મુક્ત કરવામાં આવ્યા છે કે તેઓ એક વર્ષ સુધી શાંતિ ભંગ
નહીં કરે.
10 ઑક્ટોબરના રોજ દિલ્હી ઍરપૉર્ટ
પર જ દીપકે,રાંકા અને દાસની વિમાનમાંથી જ અટકાયત કરવામાં આવી હતી.
વળી, તેમના પક્ષ સાથે સંકળાયેલા અજિંક્ય
શિંદેએ કહ્યું છે કે તેમનો પક્ષ આજે રવિવારે પણ વિરોધપ્રદર્શન કરશે.
“સુપ્રીમ કોર્ટ જવાથી થાકી ગયો છું, હવે ભરોસો નથી રહ્યો” – વરિષ્ઠ ઍડ્વોકેટ કપિલ સિબ્બલે આવું કેમ કહ્યું?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, કપિલ સિબ્બલનો ફાઇલ ફોટો
રાજ્યસભા સાંસદ અને સુપ્રીમ
કોર્ટના વરિષ્ઠ ઍડ્વોકેટ કપિલ સિબ્બલે કહ્યું છે કે, હવે તેમને સુપ્રીમ કોર્ટમાં
ભરોસો રહ્યો નથી અને લોકોના અધિકારો માટે વારંવાર સુપ્રીમ કોર્ટમાં જઈ જઈને થાકી
ગયા છે.
કપિલ સિબ્બલે કહ્યું હતું કે “હું સુપ્રીમ કોર્ટમાં વારંવાર જઈને
થાકી ગયો છું. હું મારી વાત કરી રહ્યો છું. મને લાગે છે કે હવે ત્યાં જવું એ કોઈ
કામનું નથી. મને ભારતની સુપ્રીમ કોર્ટ પાસેથી હવે વધુ આશા નથી.”
તેમણે મતદારયાદી સુધારણા અને એસઆઈઆર
વિશે વાત કરીને કહ્યું હતું કે, કોર્ટને ખોટી રીતે મતદારોનાં નામ કાઢી નંખાયાં એ અંગે
વારંવાર જાણ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં તો ટ્રિબ્યૂનલે અત્યાર સુધીની
અપીલોમાં 93 ટકા મતદારોનાં નામ પુન:સ્થાપિત કર્યાં છે. આથી એ સ્પષ્ટ છે કે, આ મતદારોનાં નામ ખોટી રીતે કાઢી નાખવામાં
આવ્યાં હતાં. કપિલ સિબ્બલનું કહેવું છે કે તેમ છતાં સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ નહોતો
કર્યો.
અમદાવાદમાં ગઈકાલે સાંજે થયું વિરોધપ્રદર્શન, જુઓ શું-શું થયું?
વીડિયો કૅપ્શન, સમગ્ર વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
અમદાવાદમાં ગઈકાલે એમ.જે.લાઇબ્રેરી, આશ્રમ રોડ ખાતે વિરોધપ્રદર્શન થયું હતું. અહીં પણ વારાફરતી ઘણા પ્રદર્શનકારીઓ આવ્યા હતા અને પોલીસે તેમને અટકાયતમાં લીધા હતા.
પ્રદર્શનકારીઓએ પીએમ મોદી અને CEC જ્ઞાનેશકુમાર વિરુદ્ધ નારેબાજી કરી હતી અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ કરી હતી.
સ્થળ પર હાજર બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓ અલગ-અલગ જૂથમાં આવ્યા હતા જેથી કરીને પોલીસને સૌને અટકાયતમાં લેતા વાર લાગી હતી અને પ્રદર્શન લગભગ બે કલાક સુધી ચાલ્યું હતું.
જંતર-મંતર આસપાસ આજે કેવી છે પરિસ્થિતિ, તસવીરોમાં જુઓ
ઇમેજ સ્રોત, ANI
આજે રવિવારે પણ દિલ્હીમાં જંતર-મંતરની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
શનિવારે પોલીસે ટોચના કૉક્રોચ જનતા પાર્ટીના નેતાઓ સહિત અનેક વિરોધીઓની અટકાયત કરી હતી.
જોકે, કૉક્રોચ જનતા પાર્ટી સાથે સંકળાયેલા અજિંક્ય શિંદેએ કહ્યું છે કે તેઓ આજે એટલે કે રવિવારે સવારે 10 વાગ્યે જંતર-મંતર પર ફરી વિરોધપ્રદર્શન કરશે.
ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ઍસોસિયેશન (AISA)નાં રાષ્ટ્રીય પ્રમુખ નેહા બોરાએ રવિવારે પણ વિરોધપ્રદર્શનનું આહ્વાન કર્યું છે.
જોકે, નેહા બોરાએ રવિવારે પ્રદર્શન ક્યાં થશે તે જણાવ્યું ન હતું.
ઇમેજ સ્રોત, ANI
સીજેપીનું વિરોધપ્રદર્શન : અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને આજે ઍક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાશે
ઇમેજ સ્રોત, Ashish Vaishnav/SOPA Images/LightRocket via Getty Images
ઇમેજ કૅપ્શન, મુંબઈથી દિલ્હી આવેલા સીજેપીના સ્થાપક અભિજિત દીપકે, સહ-સંયોજક સૌરવ દાસ અને આશુતોષ રાંકાને પોલીસે શનિવારે વિમાનમાંથી જ અટકાયતમાં લીધા હતા (ફાઇલ ફોટો)
કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ દાવો કર્યો છે કે અટકાયતમાં લેવામાં આવેલા તેના
નેતાઓને રવિવારે સવારે 9 વાગ્યે દિલ્હી કૅન્ટ પોલીસ સ્ટેશનમાં ઍક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ
કરવામાં આવશે.
શનિવારે સવારે મુંબઈથી દિલ્હી આવેલા સીજેપીના સ્થાપક અભિજીત દીપકે, સહ-સંયોજક સૌરવ દાસ
અને આશુતોષ રાંકાને પોલીસે વિમાનમાંથી જ અટકાયતમાં લીધા હતા.
સીજેપીનાં લીગલ હેડ રત્નાસિંહે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "અભિજિત, આશુતોષ અને સૌરવને આજે
સવારે 9 વાગ્યે દિલ્હી કૅન્ટ પોલીસ સ્ટેશનમાં ઍક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ
કરવામાં આવશે."
તેમણે જણાવ્યું, "દિલ્હી પોલીસના એક અધિકારીએ આજે સવારે મને આ અંગે
માહિતી આપી હતી. સીજેપીનાં લીગલ હેડ તરીકે, હું અમારી તરફથી હાજર રહેતા અન્ય વકીલો સાથે પોલીસ
સ્ટેશનમાં હાજર રહીશ."
મમતા બેનરજીના નેતૃત્વવાળી તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રાએ પણ આ
ત્રણેયની અટકાયતનો મુદ્દો ઉઠાવીને સરકાર પર નિશાન સાધ્યું હતું.
તેમણે શનિવારે ઍક્સ પર લખ્યું, "મોદી-શાહ એટલા ડરી ગયા છે કે આજે
તેઓ બાળકોનું અપહરણ કરી રહ્યા છે. તમારે તેનાં પરિણામો ભોગવવા પડશે."
અભિજિત દીપકેએ સીજેપી આંદોલનનું નેતૃત્વ જેમને સોંપ્યું છે, તે અજિંક્ય શિંદે કોણ છે?
ઇમેજ સ્રોત, Ajinkya Shinde/Instagram
ઇમેજ કૅપ્શન, અટકાયતમાં લેવાયા બાદ સીજેપીએ આંદોલનની આગેવાનીની જવાબદારી અજિંક્ય શિંદેને સોંપી છે
ભારતીય ચૂંટણી પંચમાં કથિત ગેરરીતિઓ, મતદાર યાદીમાં પારદર્શિતા અને મુખ્ય ચૂંટણી કમિશનર
જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગને લઈને કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ દિલ્હીમાં
આંદોલનનું ઍલાન કર્યું હતું. પરંતુ તે પહેલાં જ સીજેપીના સ્થાપક અભિજિત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ
દાસને વિમાનમાં જ અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા અટકાયતમાં લેવાયા બાદ અભિજિત દીપકેએ એક વીડિયો જાહેર કર્યો.
તેમાં તેમણે પોતાની ગેરહાજરીમાં સીજેપી આંદોલનની કમાન અજિંક્ય શિંદેને સોંપવાની
જાહેરાત કરી.
અભિજીત દીપકેએ વીડિયોમાં લોકોને અપીલ કરતાં કહ્યું, “જો તમે આ વીડિયો જોઈ
રહ્યા છો, તો સમજી જજો કે મને (અભિજિત દીપકે), આશુતોષ રાંકા અને સૌરવ દાસને પકડી લેવામાં આવ્યા છે.
અમારા પછી આ આંદોલનનું નેતૃત્વ અજિંક્ય શિંદે સંભાળશે. તેથી બધા લોકો અજિંક્ય
શિંદેને ફૉલો કરો. અમારી ગેરહાજરીમાં તેઓ સીજેપીના આંદોલનને આગળ વધારશે.”
સીજેપીએ એક પ્રેસ નોટ જાહેર કરીને આ ઘટનાક્રમોની માહિતી આપી.
આંદોલનનું નેતૃત્વ સંભાળ્યા બાદ અજિંક્ય શિંદેએ આરોપ લગાવ્યો કે, કેન્દ્રીય
ગૃહમંત્રી અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે કડક પ્રતિબંધો લગાવ્યા
છે.
તેમણે કહ્યું કે સરકાર આંદોલનને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. શિંદેના જણાવ્યા
મુજબ, આ સરકારના ગભરાટનો સંકેત છે.
તેમણે કહ્યું, “ડર અને આંદોલનને દબાવવાના પ્રયત્નોથી એક વાત સ્પષ્ટ થાય છે કે, અમે અડધી લડાઈ
જીતી ચૂક્યા છીએ. દેશભરના નાગરિકો એકજૂટ થઈને આગળ આવી રહ્યા છે. તેનાથી
સત્તાધારીઓને મોટો ઝટકો લાગ્યો છે.”
તેમણે દરેક નાગરિકને જંતર-મંતર તરફ કૂચ કરવાની અપીલ પણ કરી.
તેમણે આગળ કહ્યું, “રસ્તામાં ક્યાંય પણ બૅરિકેડ લગાવીને અથવા પોલીસ તમને રોકે, તો અટકશો નહીં. જ્યાં
રોકવામાં આવો, ત્યાં જ આંદોલન શરૂ કરી દો. લોકશાહીના રક્ષણ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના
રાજીનામાની માંગ માટે દેશવ્યાપી આંદોલન ચાલુ રહેશે.”
અજિંક્ય શિંદે કોણ છે?
અજિંક્ય શિંદે મૂળ મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ઉજની ગામના રહેવાસી છે. તેઓ
કમ્પ્યુટર એન્જિનિયર છે.
તેમણે રાયગઢ જિલ્લાના લોનેરે સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ટૅક્નૉલૉજિકલ
યુનિવર્સિટી (ડીબીએટીયુ)માંથી કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી મેળવી છે.
અજિંક્ય શિંદે સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમના પિતા ખેડૂત છે અને માતા
ગૃહિણી છે.
શરૂઆતમાં તેમણે પુણેમાં આઈટી ક્ષેત્રમાં કામ કર્યું હતું. ત્યારબાદ તેઓ આમ
આદમી પાર્ટી (આપ) સાથે જોડાયા હતા.
હાલમાં અજિંક્ય શિંદે સીજેપીમાં સક્રિય છે. તેઓ પાર્ટીની કોર ટીમના મહત્ત્વપૂર્ણ
સભ્ય છે.
ઑગસ્ટમાં તેમને સીજેપીના રાષ્ટ્રીય સંગઠન પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી
હતી. તેમણે પાર્ટીની શાળાઓ સાથે જોડાયેલા અભિયાનનું નેતૃત્વ પણ કર્યું હતું.
ગત સપ્તાહે મુંબઈના શિવાજી પાર્કમાં ચૂંટણી પંચ વિરુદ્ધ યોજાયેલા પ્રદર્શનના
આયોજનમાં પણ તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી.
અજિંક્ય શિંદેએ લાતુર જિલ્લાના ઉજની ગામમાં દૂધ ઉત્પાદક ખેડૂતો માટે કામ
કર્યું છે. કોવિડ પછી તેઓ પોતાના ગામે પરત ફર્યા હતા.
ત્યારબાદ તેમણે ગામના નાના દૂધ ઉત્પાદકોને એકત્રિત કર્યા અને દૂધ સંગ્રહ
કેન્દ્ર શરૂ કર્યું. આમાંથી તેમણે બાસુંદીની સ્થાનિક બ્રાન્ડ પણ તૈયાર કરી.
તેમનું આ ઉત્પાદન લાતુર ઉપરાંત સોલાપુર, ધારાશિવ અને આસપાસના જિલ્લાઓમાં પણ વેચાતું હતું.
તેનાથી ખેડૂતોને તેમના દૂધના વધુ સારા ભાવ મળ્યા અને ગામના યુવાનોને રોજગાર પણ
મળ્યો.
'સ્કૂલ ઠીક કરો' અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી
દેશભરની સરકારી શાળાઓની સ્થિતિ સુધારવા માટે સીજેપીએ 'સ્કૂલ ઠીક કરો' અભિયાન શરૂ કર્યું
હતું. આ અભિયાનનું નેતૃત્વ કરનારા પાર્ટીના મુખ્ય નેતાઓમાં અજિંક્ય શિંદેનો પણ
સમાવેશ થતો હતો.
અજિંક્ય શિંદે સોશિયલ મીડિયા પર સક્રિય છે અને સીજેપીના આંદોલન વિશે સતત પોસ્ટ
કરતા રહે છે. તેઓ શરૂઆતથી જ સીજેપી સાથે જોડાયેલા છે.
સીજેપીના મુખ્ય ચહેરાઓ અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસની ગેરહાજરીમાં હવે તેઓ
સીજેપીના પ્રદર્શન અને આંદોલનનું નેતૃત્વ કરશે
દિલ્હીમાં થયેલા પ્રદર્શન અંગે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વ્યક્ત કરાયેલી ચિંતા પર ભારતે શું જવાબ આપ્યો?
ઇમેજ સ્રોત, Pradeep Gaur/SOPA Images/LightRocket via Getty Images
ઇમેજ કૅપ્શન, જિનેવામાં સ્થિત ભારતીય મિશને યુએન માનવાધિકાર આયોગના નિવેદનનો જવાબ આપતાં કહ્યું કે આ ચિંતાઓ નિરાધાર છે. (દિલ્હીમાં પ્રદર્શનની તસવીર)
કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા મોટા પાયે
કરવામાં આવેલી કાર્યવાહી અંગે સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર સંગઠને ચિંતા વ્યક્ત
કરી હતી, ત્યારબાદ ભારત તરફથી જવાબ આપવામાં આવ્યો છે.
જિનેવામાં સ્થિત ભારતીય મિશને યુએન માનવાધિકાર આયોગ દ્વારા જાહેર કરાયેલા
નિવેદનના જવાબમાં જણાવ્યું કે, આ ચિંતાઓ નિરાધાર છે.
જિનેવામાં ભારતીય મિશને સત્તાવાર નિવેદનમાં કહ્યું, “ભારત વિશ્વનું સૌથી
મોટું લોકતંત્ર છે, જ્યાં શાંતિપૂર્ણ રીતે એકત્ર થવાનો અધિકાર આપણા બંધારણ દ્વારા પ્રાપ્ત થાય છે
અને મજબૂત સંસ્થાઓ, સ્વતંત્ર ન્યાયતંત્ર તથા સ્વતંત્ર મીડિયા દ્વારા સુરક્ષિત છે.”
“દરેક લોકતંત્રની જેમ, ભારતીય નાગરિકો જાહેર વ્યવસ્થાના હિતમાં લાગુ કરવામાં આવેલા વાજબી પ્રતિબંધો
હેઠળ આ અધિકારનો ઉપયોગ કરે છે. સત્તાવાળાઓ કાયદા અનુસાર કાર્ય કરે છે અને અમારી
અદાલતો કોઈપણ ફરિયાદના નિરાકરણ માટે દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ છે.”
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું, “તેથી માનવાધિકાર આયોગની ચિંતાઓ ખોટી છે અને ભારતના
આંતરિક મામલાઓમાં બિનજરૂરી દખલ કરે છે. આ સંદર્ભમાં, માનવાધિકાર આયોગે
નિષ્પક્ષતા અને ભેદભાવ વિના કાર્ય કરવાની પોતાની જવાબદારી મુજબ અન્ય સ્થળોએ થઈ
રહેલાં મોટા પાયાનાં વિરોધપ્રદર્શનો પર પણ એટલું જ ધ્યાન આપવું જોઈએ.”
આ પહેલાં સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર સંગઠને જણાવ્યું હતું કે, દિલ્હીમાં
પ્રદર્શનકારીઓ, પ્રદર્શનના નેતાઓ, નાગરિક સમાજ સંગઠનોના સભ્યો, વકીલો અને પત્રકારોને અટકાયતમાં લેવામાં આવ્યા હોવાના
અહેવાલોને લઈને તેઓ ચિંતિત છે.
તેમણે સત્તાવાળાઓને મનસ્વી રીતે અટકાયતમાં લેવામાં આવેલા તમામ લોકોને
તાત્કાલિક અને કોઈપણ શરત વિના મુક્ત કરવાની માંગ પણ કરી હતી.
દિલ્હીમાં આજે પણ વિરોધપ્રદર્શનનું આહ્લાન, પ્રદર્શનકારીઓનું જંતર-મંતર માર્ચનું ઍલાન
ઇમેજ સ્રોત, Reuters
ઇમેજ કૅપ્શન, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગને લઈને દિલ્હીમાં ચાલી રહેલાં પ્રદર્શનો રવિવારે પણ ચાલુ રહેવાની શક્યતા છે.
નેહા બોરાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને કહ્યું કે, શનિવારે દિલ્હી હાટ ‘જંતર-મંતર’ બની ગયું હતું અને રવિવારે તેઓ અન્ય કોઈ સ્થળે પ્રદર્શન કરશે.
તેમણે સરકાર પર નિશાન સાધતાં કહ્યું, "તમે નક્કી કરો કે સામાન્ય લોકોને જેલમાં મોકલશો કે જ્ઞાનેશકુમારને. અમે રવિવારે પણ બહાર નીકળીશું અને જ્ઞાનેશકુમારના રાજીનામા તથા એસઆઈઆરને રદ કરવાની માંગ સાથે પ્રદર્શન કરીશું."
બીજી તરફ, કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના નેતા અજિંક્ય શિંદેએ ઍક્સ પર એક વીડિયો પોસ્ટ કરીને રવિવારે યોજાનારા પ્રદર્શન અંગે માહિતી આપી છે.
તેમણે કહ્યું, "જ્યાં સુધી જ્ઞાનેશકુમારનું રાજીનામું નહીં લઈએ, ત્યાં સુધી અમે ઘરે પાછા નહીં ફરીએ."
અજિંક્યએ કહ્યું કે, તેઓ રવિવારે ફરી સવારે 10 વાગ્યે જંતર-મંતર કૂચ કરશે. સાથે જ તેમણે લોકોને મોટી સંખ્યામાં જંતર-મંતર પહોંચવાની અપીલ કરી.