You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

એનડીટીવીમાંથી રવિશકુમારનું રાજીનામુ

એનડીટીવી ગૃપનાં પ્રેસિડેન્ટ સુપર્ણા સિંહની તરફથી તેમના કર્મચારીઓને એક ઇમેલ મોકલવામાં આવ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે, 'રવિશે એનડીટીવીમાંથી રાજીનામુ આપી દિધું છે.'

લાઇવ કવરેજ

  1. એનડીટીવીમાંથી રવિશકુમારનું રાજીનામુ

    એનડીટીવીના પત્રકાર રવિશકુમારે રાજીનામુ આપી દિધું છે. એનડીટીવી ગૃપનાં પ્રેસિડેન્ટ સુપર્ણા સિંહની તરફથી તેમના કર્મચારીઓને એક ઇમેલ મોકલવામાં આવ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે, “રવિશે એનડીટીવીમાંથી રાજીનામુ આપી દિધું છે અને કંપનીએ તેમનું રાજીનામુ તાત્કાલિક અસરથી અમલી કરવાની વિનંતિનો સ્વીકાર કરી લીધો છે.”

    પ્રણય રૉય અને રાધિકા રૉયે આરઆરપીઆર હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર્સના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ કંપની એનડીટીવીનું પ્રમોટર ગૃપ સાધન છે.

    મંગળવારે એનડીટીવી દ્વારા બૉમ્બે-સ્ટૉક ઍક્સચેન્જને લખવામાં આવેલા પત્રમાં જણાવ્યું હતું કે, “એનડીટીવીના પ્રમોટર ગૃપ આરઆરપીઆર (રાધિકા રૉય-પ્રણય રૉય) હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડે જણાવ્યું છે કે, 29 નવેમ્બરે બોર્ડ ઑફ ડિરેક્ટર્સની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે સુદીપ્તા ભટ્ટાચાર્ય, સંજય પુગલિયા અને સેંથિલ ચેંગલવારાયણ હવે આરઆરપીઆરએચના બોર્ડનાં નવાં નિદેશક હશે અને ડૉ. પ્રણય રૉય અને રાધિકા રૉયે આરઆરપીઆરએચનાં બોર્ડ ઑફ ડિરેક્ટર્સનાં પદ પરથી તાત્કાલિક રાજીનામું આપી દીધું છે.”

    આ તમામ બદલાવ એનડીટીવીની પ્રમોટર ગૃપ કંપની દ્વારા થયા છે, જોકે એનડીટીવી અનુસાર, પ્રણય રૉય અને તેમનાં પત્ની રાધિકા રૉય એનડીટીવીનાં એક્ઝિક્યૂટિવ કો-ચૅરપર્સન છે.

    આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે, જ્યારે એક દિવસ પહેલાં જ આરઆરપીઆર હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડે તેના ઇક્વિટી શૅરની માહિતી આપી હતી. જેમાંથી 99.5 ટકા ઇક્વિટી શૅર વિશ્વ પ્રધાન કૉમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ પાસે છે, આ એ કંપની છે જેનું અધિગ્રહણ અદાણી ગૃપની મીડિયા કંપની એએમજી મીડિયા નેટવર્ક્સે કર્યું છે. આ સાથે અદાણી ગૃપ પાસે હવે એનડીટીવીની 29.18 ટકા ભાગીદારી છે.

  2. પીએમ મોદી માટે ઉપયોગમાં લેવાયેલા શબ્દો... : રાજનાથ સિંહે અમદાવાદમાં શું કહ્યું?

    સંરક્ષણમંત્રી રાજનાથસિંહે બુધવારે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ટીકા કરતાં કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના વિરુદ્ધમાં ઉપયોગમાં લેવાયેલા શબ્દો માત્ર ખડગે જ નહીં પણ સંપૂર્ણ કૉંગ્રેસ પક્ષની માનસિકતા દર્શાવે છે.

    સમાચાર એજન્સી એનએનઆઈ અનુસાર અમદાવાદમાં એક પત્રકારપરિષદને સંબોધતાં સિંહે કહ્યું, "કૉંગ્રેસ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરી રહી છે. આવા વાંધાજનક શબ્દો કોઈ પણ માટે ઉપયોગ કરવા એ સ્વસ્થ લોકશાહીનો સંકેત નથી."

    "કૉંગ્રેસ અધ્યક્ષ ખડગે દ્વારા વડા પ્રધાન માટે આવા શબ્દોનો ઉપયોગ કરવો એ માત્ર એમની માનસિકતા નહીં પણ સમગ્ર કૉંગ્રેસની માનસિકતા છે." તેમણે ઉમેર્યું, "વડા પ્રધાન માત્ર એક વ્યક્તિ નથી, એક સંસ્થા છે અને તેઓ પીએમ અંગે આવું નિવેદન આપી રહ્યા છે."

    નોંધનીય છે કે અમદાવાદમાં એક રેલી દરમિયાન ખડગેએ કહ્યું હતું, "પીએમ દર વખતે પોતાની જ વાત કરે છે. તમે કોઈને ના જુઓ, મોદીને જોઈને મત આપો. તમારો ચહેરો કેટલી વખત જોવો છે. કૉર્પોરેશનમાં પણ તમારો ચહેરો જોવો, એમએલએની ચૂંટણીમાં પણ તમારો ચહેરો જોવો, એમપી ચૂંટણીમાં પણ તમારો ચહેરો જોવો... દરેક જગ્યાએ... તમારે રાવણ જેવા 100 ચહેરા છે કે શું?"

  3. મોરબી પુલ દુર્ઘટનાને એક મહિનો પૂરો : એ પ્રશ્નો જેના જવાબ હજી મળ્યા નથી

  4. કૉંગ્રસે આદિવાસીઓની ગૌરવગાથા સાચવવાની તસદી પણ નહોતી લીધી- અમિત શાહ

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અર્થે મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભા યોજી હતી. આ સભામાં અમિત શાહે કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

    અમિત શાહે જણાવ્યું હતું કે, “પાંચમી તારીખે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એ સમયે મત આપતી વખતે એટલું જ વિચારજો કે, તમારો એક મત દેશભરના આદિવાસી સમાજ અને સમગ્ર દેશના વિકાસને સુનિશ્ચિત કરવાનો છે.”

    તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 નવેમ્બર 2021ના દિવસે દેશભરના આદિવાસી સમાજને ગૌરવ અપાવવા માટે બિરસા મુંડા જયંતીને આદિવાસીદિવસ તરીકે મનાવવાની શરૂઆત કરી.”

    “કૉંગ્રેસનું રાજ હતું, ત્યાં સુધી આદિવાસી સમાજની ગૌરવગાથાને કોઈએ સાચવવાની વાત કરી ન હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 આદિવાસી સ્વાતંત્ર્યસેનાની મ્યુઝિયમ દેશભરમાં બનાવવાની વાત કરી છે.”

    અમિત શાહે કહ્યું હતું કે,“કૉંગ્રેસના સમયે 900 કરોડ રૂપિયાનું બજેટ આદિવાસી કલ્યાણ માટે આપ્યું હતું, ત્યારે ભૂપેન્દ્ર પટેલના બજેટમાં આદિવાસીઓના કલ્યાણ માટે એક લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.”

  5. બ્રેકિંગ, અફઘાનિસ્તાન : મદરેસામાં વિસ્ફોટ, ઓછામાં ઓછા 15 લોકોનાં મૃત્યુ,27 ઘાયલ

    અફઘાનિસ્તાનના સમાંગન પ્રાંતના એબેક શહેરમાં 'જિહાદિયા' નામના એક મદરેસામાં વિસ્ફોટના સમાચાર છે.

    અફઘાનિસ્તાનની ટોલો ન્યૂઝે હૉસ્પિટલના અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 લોકોનાં મૃત્યુ થયાં છે અને 27 ઘાયલ થયા છે.

    કેટલાક સ્થાનિક મીડિયામાં આ વિસ્ફોટમાં થયેલા જાનમાલના નુકસાનના અલગઅલગ આંકડા રજૂ કરાયા છે.

    સ્થાનિક અધિકારીઓએ મીડિયાને જણાવ્યું છે કે વિસ્ફોટ બપોરની નમાજ દરમિયાન થયો હતો. અત્યાર સુધી કોઈ પણ સંગઠને આ ઘટનાની જવાબદારી નથી લીધી અને તાલિબાને પણ આ અંગે કોઈ પ્રતિક્રિયા નથી આપી.

  6. '125 બેઠકો સાથે કૉંગ્રેસની સરકાર',ખેરાલુમાં જગદીશ ઠાકોરે શું કહ્યું?

    કૉંગ્રેસે ખેરાલુમાં ચૂંટણીસભા યોજી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાતમાં કૉંગ્રેસ 125 બેઠકો સાથે સરકાર રચી રહી હોવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

    તેમણે લોકોને કૉંગ્રેસનાં 11 વચનો યાદ અપાવ્યા હતા. આ સાથે જ તેમણે ભાજપ પર પ્રહારો કર્યા હતા.

  7. ઉત્તર પ્રદેશ : બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં છનાં મૃત્યુ, 15 ઇજાગ્રસ્ત

    લખનૌ-બહરાઇચ હાઇવે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં છ લોકોનાં મૃત્યુ થયાં છે અને 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ડીએમ દિનેશચંદ્ર સિંહે કહ્યું કે બુધવારે સવારે સાડા ચાર વાગ્યાના સુમારે પૂરઝડપે આવી રહેલી ટ્રક બસ સાથે અથડાઈ હતી.

    સારવાર મેળવી રહેલા 15 ઇજાગ્રસ્તો પૈકી ચારની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોની ઓળખ હજી સુધી થઈ શકી નથી.

    ડીએમે જણાવ્યું કે બસ લખનૌથી રૂપઈડીહા તરફ જઈ રહી હતી. ત્યારે બહરાઇચથી લખનૌ તરફ જઈ રહેલી ટ્રકે ટક્કર મારી હતી. ટ્રકચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

    પોલીસ સીસીટીવી ફૂટેજ ચકાસીને ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી રહી છે.

  8. વડોદરા : ફેકટરીમાં કઈ રીતે બનાવાતું હતું ડ્રગ? પોલીસે કર્યો ખુલાસો

    ગુજરાત ઍન્ટી-ટેરરિસ્ટ સ્ક્વૉર્ડે વડોદરા શહેરના બહારના સિંઘરોટ વિસ્તારમાં એક મૅન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડો પાડ્યો અને લગભગ રૂ. 500 કરોડની કિંમતના પ્રતિબંધિત એમડી ડ્રગનો જથ્થો જપ્ત કર્યો.

    'ઇકૉનોમિક ટાઇમ્સ' અનુસાર, મંગળવારે રાત્રે વડોદરા નજીકના નાના કારખાના-કમ-ગોડાઉન પર દરોડા દરમિયાન, એટીએસે સ્થળ પરથી પાંચ લોકોની પણ ધરપકડ કરી હતી.

    ડીજીપી આશિષ ભાટિયાની પ્રેસ કૉન્ફરન્સ અનુસાર, "ઘણી વિગતો બહાર આવશે, અમે એફઆઈઆર દાખલ કરી રહ્યા છીએ. હાલ તત્કાલ જે વિગતો ઉપલબ્ધ થઈ છે તે અનુસાર, વડોદરાના રહેવાસી 57 વર્ષીય સૌમિલ પાઠક ઉર્ફે સૅમ સુરેશ ચંદ્ર પાઠક પાસેથી પાંચ વર્ષ પહેલા 200 ગ્રામ એમડી પકડાયું હતું. તે જેલમાં સલીમ દોલાને મળ્યો હતો. સલીમ દોલા પણ નાર્કોટિક્સ કેસમાં અંદર હતો. બંનેની ત્યાં મિત્રતા થઈ હતી. જેલમાંથી છૂટીને બંનેએ ડ્રગ્સનું ઉત્પાદન કરવાનું આયોજન કર્યું હતું. અત્યારે 63 કિલોગ્રામ તૈયાર માલ અને 80 કિલોગ્રામ પ્રવાહી (જેમાંથી 40 કિલોગ્રામ એમડી ડ્રગ્સ બની શકે છે) મળી આવ્યું છે. આગળની વિગતો પુછપરછમાં જાણવા મળશે."

    પોલીસના જનાવ્યા અનુસાર અન્ય જગ્યાએ માલ વગેરે બનાવવામાં આવ્યો હતો કે કેમ તે આગળની તપાસમાં જાણવા મળશે.

    સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે હજુ ઑપરેશન ચાલુ છે, એમ તેમણે વધુ વિગતો આપ્યા વિના જણાવ્યું હતું.

    વડોદરામાં બીબીસીના સહયોગી પત્રકાર રાજીવ પરમારના જણાવ્યા પ્રમાણે, આ ખેતરમાં બનાવેલા ગોડાઉનમાં છેલ્લા એક મહિનાથી ડ્રગ્ઝનું રૉ-મટિરિયલ બનાવવામાં આવતું હતું. આ રૉ-મટિરિયલને ટેબલેટ ફૉર્મમાં ત્યાંથી અમદાવાદ, મુંબઈ તેમજ કચ્છમાં મોકલાતું હોવાનું પણ જાણવા મળ્યું છે.

    આ વર્ષે ઑગસ્ટમાં, એટીએસ દ્વારા વડોદરા શહેર નજીકના એક વેરહાઉસમાંથી આશરે રૂ. 1,000 કરોડની કિંમતનું 200 કિલોગ્રામ પાર્ટી ડ્રગ મેફેડ્રોન જપ્ત કર્યું હતું.

  9. નરેન્દ્ર મોદીના જૂના સાથી જયનારાયણ વ્યાસ ભાજપ છોડી કૉંગ્રેસમાં કેમ જોડાયા?

    ગુજરાતની ભાજપ સરકારમાં પૂર્વ મંત્રી રહી ચૂકેલા અને છેલ્લાં 32 વર્ષથી ભાજપ સાથે રહેલા જયનારાયણ વ્યાસ કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે. મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં તેઓ કૉંગ્રેસમાં જોડાયા.

  10. બિલકીસ બાનો કેસમાં 11 દોષિતોને છોડી મુકવા સામે પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ

    બિલકીસ બાનોએ બળાત્કાર અને હત્યા કેસમાં 11 દોષિતોને જેલમાંથી મુક્ત કરવા સામે સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા અને રિટ પિટિશન દાખલ કરી છે.

    બિલકીસ બાનો સાથે વર્ષ 2002માં ગુજરાતનાં રમખાણો વખતે સામૂહિક બળાત્કાર થયો હતો અને તેમના પરિવારના સાત લોકોની હત્યા કરી નાખવામાં આવી હતી. આ કેસમાં 11 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, આ 11 દોષિતોને ગુજરાત સરકારે છોડી મૂક્યા હતા.

    બિલકીસ બાનોનાં વકીલ શોભા ગુપ્તાએ પુષ્ટિ કરી કે તેમણે સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા માટે અરજી કરી છે.

    તેમણે બીબીસીને જણાવ્યું કે, હા અમે સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન કરી છે. બિલકીસ બાનોએ સુપ્રીમ કોર્ટના મે મહિનાના એ ઑર્ડર સામે રિવ્યૂ પિટિશન કરી છે જેમાં ગુજરાત સરકારને 1992ના સજામાફીના નિયમ લાગુ કરવાની મંજૂરી મળી હતી."

    તેમણે કહ્યું કે, "બિલકીસ બાનોએ કેસના 11 દોષિતોને સજા પૂરી થાય તે પહેલાં જેલમાંથી મુક્ત કરવાના નિર્ણયને પણ પડકાર્યો છે."

    બિલકીસ બાનો દ્વારા દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, " 11 આરોપીઓને જેલમાંથી મુક્ત નહોતા કરવા જોઈતા."

    પુનર્વિચાર માટે તેમની અરજીમાં કહેવાયું છે કે કેસના 11 દોષિતોની જેલમાંથી મુક્તિ માટે ગુજરાત સરકાર નહીં મહારાષ્ટ્ર સરકાર યોગ્ય હોત. મહારાષ્ટ્ર રાજ્યની સજામાફી પૉલિસી આ કેસમાં લાગુ પડે છે.

  11. પાકિસ્તાનના રાવલપિંડીમાં પ્રથમ ટેસ્ટ મૅચ પહેલાં ઇંગ્લૅન્ડની અડધી ટીમ સંક્રમિત

    પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચે રાવલપિંડીમાં પ્રથમ ટેસ્ટ મૅચ ગુરુવારથી રમાવાની છે. ત્યાર પહેલાં કૅપ્ટન સહિત બૅન સ્ટોક્સ સહિત ઇંગ્લૅન્ડની ટીમ વાઇરસથી સંક્રમિત થઈ છે.

    પાકિસ્તાનની ટૂર પર આવેલી ઇંગ્લૅન્ડની ટીમના 14 સભ્યો અને કોચને બુધવારે આખો દિવસ હોટલમાં રહેવાનું કહેવામાં આવ્યું છે.

    ટીમમાં સામેલ કરાયેલા 16 ખેલાડીઓમાંથી લગભગ અડધા ખેલાડીઓને સંક્રમણ થયું છે અને માત્ર પાંચ જ ખેલાડીઓ ટ્રેનિંગ સેશનમાં સામેલ થઈ રહ્યા છે.

    ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝની પ્રથમ ટેસ્ટ ગુરુવારે શરૂ થવાની છે.

    ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર લિઆમ લિવિંગસ્ટોન પોતાની પ્રથમ ટેસ્ટ મૅચ રમવા જઈ રહ્યા છે.

    બુધવારે જો રૂટ, ઝૅક ક્રૉલી, હૅરી બ્રૂક, ઑલી પોપ અને કિટોન જેનિંગ્સે પ્રશિક્ષણમાં ભાગ લીધો હતો જ્યારે મુખ્ય કોચ બ્રેન્ડન મૅકુલમ પણ હાજર રહ્યા હતા.

    ઈજાગ્રસ્ત થયેલા ખેલાડી માર્ક વુડ સિવાય બધા ખેલાડીઓ મંગળવારે ટ્રેનિંગમાં સામેલ થયા હતા.

    જે ખેલાડીઓમાં વાઇરસના સંક્રમણની અસર જોવા મળી તેમનામાં કોવિડ-19 સંબંધિત લક્ષણ નથી.

    ઇંગ્લૅન્ડે કપ્તાન બૅન સ્ટોક્સના કાર્યકાળમાં વાઇસ કૅપ્ટનની આધિકારિક જાહેરાત નથી કરી પરંતુ સ્ટોક્સની ગેરહાજરીમાં હાલમાંજ પોપે ટીમની કમાન સંભાળી હતી.

    પાકિસ્તાનમાં ઇંગ્લૅન્ડની ટીમ 17 વર્ષમાં પહેલી ટેસ્ટ મૅચ રમવા જઈ રહી છે. 2009માં શ્રીલંકાની ટીમની બસ પર ગોળીબાર પછી ઇંગ્લૅન્ડની ટીમે પાકિસ્તાનની મુલાકાત લેવાનું બંધ રાખ્યું હતું.

  12. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 'બિલકીસ બાનો કેસની સમીક્ષાનો મામલો જલદી લિસ્ટ કરવામાં આવશે'

    સુપ્રીમ કોર્ટ કહ્યું છે કે બિલકીસ બાનો બળાત્કાર કેસમાં દોષિતોને માફી આપવાના મામલાને સાંભળવામાં આવશે, અને મામલાની સુનાવણી ખુલ્લી અદાલતમાં થશે કે નહીં, તે અંગે સંબંધિત જજ નિર્ણય લેશે

    ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બૅન્ચે કહ્યું કે "સમીક્ષા અંગે પહેલાં સુનાવણી કરવી જોઈએ. મામલો પહેલાં જસ્ટિસ રસ્તોગી સામે આવવા દો."

    બિલકીસ બાનોનાં વકીલ શોભા ગુપ્તાએ મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બૅન્ચ સામે મામલાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે "અમને ખ્યાલ નથી કે બૅન્ચ આ મામલાની સુનાવણી કરશે કે નહીં."

    મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે "મામલાને પહેલાં જસ્ટિસ રસ્તોગી સામે આવવા દો."

    શોભા ગુપ્તાએ કહ્યું કે "વિનંતી કરી કે આ મામલાની ત્વરિત સુનાવણી કરવાની જરૂર છે."

    મુખ્ય ન્યાયાધીશે તેમને બાંહેધરી આપી કે તેઓ જલદી મામલાને સૂચિબદ્ધ કરશે.

  13. કૉંગ્રેસ પ્રમુખનો પ્રહાર, “27 વર્ષ ભાજપના ‘કુશાસન’ના, હવે ગાંધીના ગુજરાતને બદલવાનો સમય“

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર પૂર્ણ થઈ ગયો છે ત્યાે બીજા તબક્કા માટે રાજકીય પક્ષો પ્રચારમાં લાગ્યા છે.

    કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા.

    કૉંગ્રેસ પ્રમુખ ખડગેએ કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપના ‘કુશાસન’નાં 27 વર્ષ થયાં છે. હવે ગાંધીના ગુજરાતને બદલવાનો સમય આવી ગયો છે.

    જ્યારે રાહુલ ગાંધીએ તાજેતરમાં જૂનાગઢમાં કથિતપણે ઝેરી દારૂ પીવાથી થયેલાં મૃત્યુને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા.

    તેમણે ટ્વીટ કરીને કહ્યું, “ગુજરાત ‘ડ્રાય સ્ટેટ’ હોવા છતાં ઝેરી દારૂ પીને લોકો મૃત્યુ પામી રહ્યા છે. એક તરફ દેખાડાની દારૂબંધી છે અને બીજી તરફ લોકો ઝેરી દારૂ અને ડ્રગ્ઝના કારણે મૃત્યુ પામી રહ્યા છે.”

    તેમણે આગળ લખ્યું, “લોકોને રોજગારી આપવાની જગ્યાએ સરકાર તેમને ઝેર આપે છે. આ જ છે ભાજપનું ‘ગુજરાત મૉડલ!’ ગાંધી અને સરદારની ભૂમિને નશામાં ધકેલી દેવાઈ છે.”

    મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે ભાજપે તમામ વર્ગના અને ઉંમરના લોકો સાથે દગો કર્યો છે. ભાજપે પોતાનાં 27 વર્ષના શાસનનો હિસાબ આપવો જોઈએ.

  14. અમિત શાહનું રાહુલ ગાંધી પર નિશાન, “એ લોકો જાહેરમાં રસીનો વિરોધ કરતા હતા અને પોતે ખાનગીમાં રસી લીધી”

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અર્થે ખેડા જિલ્લાના ઠાસરામાં આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કૉંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા.

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, અમિત શાહે કહ્યું કે “કોરોના મહામારી સમયે કૉંગ્રેસના રાહુલ ગાંધી ટ્વીટ કરીને લોકોને ચેતવતા હતા કે કોરોનાની રસી ન લેતા કારણ કે તે ‘મોદી વૅક્સિન’ છે અને તે તમને નુકસાન કરી શકે છે પણ સારું છે કે તેમને કોઈ ગંભીરતાથી લેતું નથી.”

    તેમણે આગળ કહ્યું, “પણ જ્યારે બધાએ રસી લઈ લીધી ત્યારે તેઓ ખુદ ખાનગીમાં રસી લઈ આવ્યા. જ્યારે એ લોકો મહામારી સમયે રાજકારણ કરવામાં વ્યસ્ત હતા ત્યારે વડા પ્રધાન મોદી ગુજરાતના લોકોને સુરક્ષિત રાખવા સખત મહેનત કરી રહ્યા હતા.”

    ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લામાં પાંચ ડિસેમ્બરે ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન મતદાન યોજાશે.

  15. વેદાંતા-ફૉક્સકોને ગુજરાતની પસંદગી કરી તે પહેલાં મહારાષ્ટ્ર સરકારે એમઓયુ માટે લખ્યો હતો પત્ર

    શિવસેનાના બે જૂથો પૈકી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના નેતા આદિત્ય ઠાકરેએ મંગળવારે દાવો કર્યો હતો કે વેદાંતા-ફૉક્સકોને પોતાના પ્લાન્ટ માટે ગુજરાતની પસંદગી કરી તે અગાઉ મહારાષ્ટ્ર સરકારે એમઓયુ સાઇન કરવા માટે પત્ર લખ્યો હતો.

    ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે આદિત્ય ઠાકરેએ મીડિયા સાથેની વાતચીતમાં મહારાષ્ટ્ર ડૅવલપમેન્ટ કૉર્પોરેશન (એમઆઈડીસી)એ વેદાંતાના ચૅરમેન અનિલ અગ્રવાલને પાંચ સપ્ટેમ્બરે લખેલો પત્ર રજૂ કર્યો હતો.

    આ પત્રમાં અનિલ અગ્રવાલને એમઓયુ સાઇન કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, તેના એક અઠવાડિયામાં જ 11 સપ્ટેમ્બરે અનિલ અગ્રવાલે ટ્વીટ કરીને આ પ્રોજેક્ટ માટે ગુજરાતની પસંદગી કરાઈ હોવાની જાહેરાત કરી હતી.

    અહેવાલ મુજબ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ તે પહેલાં પણ 26 જુલાઈના રોજ અનિલ અગ્રવાલને એમઓયુ માટે પત્ર લખ્યો હતો. આ પત્ર અને એમઓયુની પ્રક્રિયા માટે એકનાથ શિંદે સરકાર જુઠ્ઠું બોલતી હોવાનો આદિત્ય ઠાકરેએ દાવો કર્યો હતો અને સાથે જ આ મુદ્દે જાહેરમાં ડિબેટ માટે આમંત્રણ આપ્યું હતું.

  16. ભારત-ન્યૂઝીલૅન્ડ વચ્ચે ત્રીજી વન-ડે, ભારતની પ્રથમ બૅટિંગ

    ક્રાઇસ્ટચર્ચમાં ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ત્રીજી વન-ડે મૅચ રમાઈ રહી છે. ન્યૂઝીલૅન્ડે ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

    આ પહેલાં બીજી વન-ડે વરસાદના કારણે રદ થઈ ગઈ હતી. જ્યારે પ્રથમ વન-ડેમાં 300થી વધુ રનોનો લક્ષ્યાંક આપ્યા બાદ પણ ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો.

    ટીમની પ્લેયિંગ ઇલેવનમાં આ વખતે પણ સંજૂ સૅમસનને સ્થાન મળ્યું નથી.

    ભારતીય ટીમ:શિખર ધવન (કૅપ્ટન), શુભમન ગિલ, ઋષભ પંત(વાઇસ કૅપ્ટન-વિકેટ કીપર), શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, દીપક હૂડા, વૉશિંગ્ટન સુંદર, દીપક ચાહર, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ

    ન્યૂઝીલૅન્ડની ટીમ:ડી કૉનવે, એફ ઍલન, કેન વિલિયમસન (કૅપ્ટન), ડી મિચેલ, ટૉમ લાથમ(વિકેટકીપર), જી ફિલિપ્સ, એમ. સૅન્ટનર, એ મિલન, ટી સાઉદી, એમ હેનરી, એલ ફર્ગ્યુસન.

  17. રેશમા પટેલની આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રવક્તા તરીકે નિમણૂક

    તાજેતરમાં જ એનસીપીમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાનારા રેશમા પટેલની આમ આદમી પાર્ટી ગુજરાતનાં પ્રવક્તા તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક અંગે તેમણે ટ્વીટ કરીને માહિતી આપી હતી.

    તેમણે ટ્વીટમાં લખ્યું, “આમ આદમી પાર્ટીએ મને પ્રદેશ પ્રવક્તાની જવાબદારી આપી, તેના માટે હું શ્રી અરવિંદ કેજરીવાલજી અને પ્રદેશ નેતૃત્વનો આભાર માનું છું. ગુજરાતમાં સામાન્ય લોકોનો અવાજ બનીને અમે ન્યાયના પક્ષમાં અવાજ બુલંદ કરીશું.”

    રેશમા પટેલ સહિત આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવા 61 પદાધિકારીઓની નિમણૂક કરી છે. પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રવક્તા અને યુથ પ્રેસિડન્ટ પ્રવીણ રામની પ્રદેશ ઉપાધ્યક્ષ અને બ્રિજ સોલંકીની યુથ પ્રેસિડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

  18. એનડીટીવી : 'સરકાર સામે પડવા'થી અદાણી જૂથે 'ટેકઓવર' કર્યું ત્યાં સુધીની 'નિર્ભીક' કહાણી

    અદાણી સમૂહ એનડીટીવી (ન્યૂ દિલ્હી ટેલિવિઝન)માં એક મોટી ભાગીદારી ખરીદી છે અને હવે તેઓ 26 ટકા શૅર વધુ ખરીદવા માટે એક ઓપન ઑફરનું એલાન પણ કરી દીધું છે.

    અદાણી ગ્રૂપે જે રીતે એક અજાણ કંપની મારફતે એનડીટીવીમાં હિસ્સો ખરીદ્યો તેને જાણકારો 'હોસ્ટાઇલ ટેકઓવર' એટલે પ્રબંધનની ઇચ્છા વિરુદ્ધ કંપની પર કબજો કરવાનો પ્રયત્ન માની રહ્યા છે.

    વાસ્તવમાં, મંગળવારે અદાણી ગ્રૂપે એક્સચેન્જને જણાવ્યું કે તેમમે વિશ્વપ્રધાન કૉમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ એટલે કે વીસીપીએલને ખરીદી લીધી છે. અદાણી ગ્રૂપે 100 ટકા ભાગ લગભગ 114 કરોડમાં ખરીદી છે.

    હવે આ કોશિશની સાથે જ એનડીટીવીનું નામ ચર્ચાઈ રહ્યું છે. એનડીટીવી ભારતના ન્યૂઝ પ્રોડ્યુસર્સમાં મહત્ત્વનું નામ રહ્યું છે.

    સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો.

  19. અદાણી ગ્રૂપની ન્યૂ દિલ્હી ટેલિવિઝન લિમિટેડને કબજે કરવી ઓપન ઑફર વચ્ચે પ્રણય રૉય અને રાધિકા રૉયે આરઆરપીઆર હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડના બોર્ડના ડિરેક્ટરપદ પરથી રાજીનામું આપી દીધું છે.

    મંગળવારે એક પત્રમાં એનડીટીવીએ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જને જણાવ્યું કે, એનડીટીવીને પ્રમોટર ગ્રૂપ આરઆરપીઆર હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 29 નવેમ્બરના થયેલી એક બેઠકમાં બોર્ડ ઑફ ડિરેક્ટર્સે સુદીપ્તા ભટ્ટાચાર્ય, સંજય પુગલિયા અને સેન્થિલ સિનિયાહ ચેંગલવરવની તુરંત પ્રભાવથી બોર્ડના ડિરેક્ટર તરીકે નિમણૂક કરી છે અને ડૉક્ટર પ્રણય રૉય અને રાધિકા રૉયના બોર્ડના ડિરેક્ટર પદેથી રાજીનામાં સ્વીકાર કરી લીધાં છે.

    આરઆરપીઆરએચનું નામ પ્રણય રૉય અને રાધિકા રૉયનાં નામ પર રાખવામાં આવ્યું હતું.

    અગાઉ અદાણી જૂથે એનડીટીવીમાં પરોક્ષ રીતે લગભગ 30 ટકા હિસ્સો ખરીદી લીધો હતો.

    અદાણી જૂથે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)ને જણાવ્યું હતું કે તે એનડીટીવીમાં 26 ટકા ભાગીદારી ખરીદવા માટે ઓપન ઑફર પણ લાવશે.

    ત્યાર બાદ 22 નવેમ્બરે અદાણી ગ્રૂપે ઓપન ઑફર લૉન્ચ કરી હતી જે પાંચ ડિસેમ્બર, 2022 સુધી ખુલ્લી રહેશે.

  20. ઋષિ સુનકે કહ્યું, "બ્રિટન અને ચીનના સંબંધોનો ‘સુવર્ણ યુગ’ ખતમ"

    બ્રિટનના વડા પ્રધામ ઋષિ સુનકે મંગળવારે સ્પષ્ટપણે કહ્યું હતું કે બ્રિટન અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોનો સુવર્ણ યુગ હવે ખતમ થઈ ગયો છે.

    વિદેશ નીતિ પર પોતાનું પ્રથમ ભાષણ આપતી વખતે સુનકે કહ્યું,“અમે ઇચ્છીએ છીએ કે બ્રિટનનું વલણ એશિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા માટે ‘વિકસિત’થાય.”

    જોકે, તેમણે કહ્યું કે બ્રિટન ચીનને અને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ચીનનાં મહત્ત્વને નકારી શકતું નથી અને તેથી ‘લાંબા ગાળાના દૃષ્ટિકોણ’ સાથે મજબૂત અભિગમ અપનાવવો જોઈએ.

    સુનકે કહ્યું “કહેવાતો સુવર્ણ યુગ હવે ખતમ થઈ ગયો છે, સાથે જ એવો વિચાર પણ કે વેપારથી સામાજિક અને રાજનૈતિક પરિવર્તન આવશે.”

    સુવર્ણ યુગ શબ્દનો ઉપયોગ સાત વર્ષ પહેલાં ડેવિડ કૅમરૂનના નેતૃત્વવાળી સરકાર સમયે થયો હતો.