એનડીટીવીમાંથી રવિશકુમારનું રાજીનામુ

ઇમેજ સ્રોત, Getty Images
એનડીટીવીના પત્રકાર રવિશકુમારે રાજીનામુ આપી દિધું છે. એનડીટીવી ગૃપનાં પ્રેસિડેન્ટ સુપર્ણા સિંહની તરફથી તેમના કર્મચારીઓને એક ઇમેલ મોકલવામાં આવ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે, “રવિશે એનડીટીવીમાંથી રાજીનામુ આપી દિધું છે અને કંપનીએ તેમનું રાજીનામુ તાત્કાલિક અસરથી અમલી કરવાની વિનંતિનો સ્વીકાર કરી લીધો છે.”
પ્રણય રૉય અને રાધિકા રૉયે આરઆરપીઆર હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર્સના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ કંપની એનડીટીવીનું પ્રમોટર ગૃપ સાધન છે.
મંગળવારે એનડીટીવી દ્વારા બૉમ્બે-સ્ટૉક ઍક્સચેન્જને લખવામાં આવેલા પત્રમાં જણાવ્યું હતું કે, “એનડીટીવીના પ્રમોટર ગૃપ આરઆરપીઆર (રાધિકા રૉય-પ્રણય રૉય) હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડે જણાવ્યું છે કે, 29 નવેમ્બરે બોર્ડ ઑફ ડિરેક્ટર્સની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે સુદીપ્તા ભટ્ટાચાર્ય, સંજય પુગલિયા અને સેંથિલ ચેંગલવારાયણ હવે આરઆરપીઆરએચના બોર્ડનાં નવાં નિદેશક હશે અને ડૉ. પ્રણય રૉય અને રાધિકા રૉયે આરઆરપીઆરએચનાં બોર્ડ ઑફ ડિરેક્ટર્સનાં પદ પરથી તાત્કાલિક રાજીનામું આપી દીધું છે.”
આ તમામ બદલાવ એનડીટીવીની પ્રમોટર ગૃપ કંપની દ્વારા થયા છે, જોકે એનડીટીવી અનુસાર, પ્રણય રૉય અને તેમનાં પત્ની રાધિકા રૉય એનડીટીવીનાં એક્ઝિક્યૂટિવ કો-ચૅરપર્સન છે.
આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે, જ્યારે એક દિવસ પહેલાં જ આરઆરપીઆર હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડે તેના ઇક્વિટી શૅરની માહિતી આપી હતી. જેમાંથી 99.5 ટકા ઇક્વિટી શૅર વિશ્વ પ્રધાન કૉમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ પાસે છે, આ એ કંપની છે જેનું અધિગ્રહણ અદાણી ગૃપની મીડિયા કંપની એએમજી મીડિયા નેટવર્ક્સે કર્યું છે. આ સાથે અદાણી ગૃપ પાસે હવે એનડીટીવીની 29.18 ટકા ભાગીદારી છે.













