You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ગુજરાત વિધાનસભાની ચૂંટણી : પ્રથમ તબક્કાના પ્રચારપડઘમ શાંત, ક્યાંક્યાં થશે મતદાન?

એક ડિસેમ્બરના ગુજરાતમાં વિધાનસભાની 89 બેઠકો પર મતદાન થશે. જ્યારે 93 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના થશે.

લાઇવ કવરેજ

  1. 'મરીએ ત્યારે બધું સળગી જાય, અમારા પગ સળગતા નથી', કચ્છના અગરિયાની કહાણી

  2. પ્રથમ તબક્કાની તમામ બેઠક પર કઈ પાર્ટીના ક્યા ઉમેદવાર?

    એક ડિસેમ્બરના ગુજરાતમાં વિધાનસભાની 89 બેઠકો પર મતદાન થશે. જ્યારે 93 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના થશે. ત્યારે જાણો કઈ બેઠક પર ક્યા નેતાઓ આમનેસામને છે.

  3. બ્રેકિંગ, પ્રથમ તબક્કાના પ્રચારપડઘમ શાંત, ક્યાંક્યાં થશે મતદાન?

    ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચારપડઘમ મંગળવાર સાંજથી શાંત પડી ગયા.

    એક ડિસેમ્બરના ગુજરાતમાં વિધાનસભાની 89 બેઠકો પર મતદાન થશે. જ્યારે 93 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના થશે.

    પ્રથમ તબક્કાના મતદાનમાં જે ઉમેદવારો પર સૌની નજર છે તેમાં આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રી પદના દાવેદાર ઈસુદાન ગઢવી. પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, કાંતિલાલ અમૃતિયા, રીવાબા જાડેજા અને ગોપાલ ઈટાલિયા છે.

    ઈસુદાન ગઢવી દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

    ગુજરાત સરકારમાં પૂર્વ મંત્રી પરસોત્તમ સોલંકી, છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા કુંવરજી બાવળિયા, મોરબીમાં પુલ દુર્ઘટનામાં બચાવકાર્ય કરીને ચર્ચામાં આવેલા કાંતિલાલ અમૃતિયા અને ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા તથા ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઈટાલિયાનું ભવિષ્ય પણ આ ચૂંટણીમાં નક્કી થશે.

    સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર ગુજરાતમાં ચૂંટણી અધિકારી પી. ભારતીએ કહ્યું કે મતદાન માટેની તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. 19 જિલ્લાઓમાં મતદાન યોજાશે. મતદાનમથકો પર તહેનાત રહેનાર કર્મચારીઓનું પ્રશિક્ષણ પૂરું થઈ ગયું છે. 50 ટકા મતદાનમથકો પર વેબકાસ્ટિંગ પણ કરવામાં આવશે.

    પ્રથમ તબક્કામાં કુલ 89 બેઠકો પર મતદાન યોજાશે. આ બેઠકોમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. 89 બેઠકો પર 788 ઉમેદવાર મેદાનમાં છે. જેમાંથી 70 મહિલાઓ અને 399 અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ અને કૉંગ્રેસે પ્રથમ તબક્કાની તમામ 89 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ 88, બસપાએ 57 અને ઑલ ઇન્ડિયા મજલીસ-એ-ઇત્તહાદ-ઉલ-મસ્લિમીને 6 ઉમેદવારોને ટિકિટ આપી છે. આ ઉપરાંત સમાજવાદી પાર્ટી પણ અહીં એક બેઠક પર અપક્ષ ઉમેદવારને સમર્થન આપી રહી છે.

    કયાકયા જિલ્લામાં મતદાન

    રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, નર્મદા,વલસાડ અને કચ્છમાંમતદાન યોજાશે.

  4. 'રાવણની જેમ તમારાં 100 મુખ છે? ખડગેના નિવેદન પર ભાજપ ઉશ્કેરાયો

    કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લઈને જે નિવેદન આપ્યું છે, એના પર હવે ભાજપે વળતો પ્રહાર કર્યો છે. ભાજપે કહ્યું છે કે ગાંધી પરિવાર મોદીને નફરત કરે છે. ભાજપે એવો પણ દાવો કર્યો છે કે ખડગેએ પીએમ મોદીને ‘રાવણ’ કહ્યા છે.

    ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ મંગળવારે આ સંબંધમાં એક પત્રકારપરિષદમાં દાવો કર્યો કે ખડગેએ સોનિયા ગાંધીના કહેવા અનુસાર પીએમ મોદીનું અપમાન કર્યું છે અને ગુજરાતની જનતા તેમને અરીસો દેખાડશે. ખડગેએ શું કહ્યું? ગુજરાત ચૂંટણીપ્રચાર દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને સવાલ કર્યો હતો, "તમારો ચહેરો કેટલી વખત જોવો. કાઉન્સિલરની ચૂંટણીમાં પણ તમારો ચહેરો જોઈએ, એમએલએ ચૂંટણીમાં પણ તમારો ચહેરો જોઈએ, એમપી ચૂંટણીમાં પણ તમારો ચહેરો જોઈએ. દરેક જગ્યાએ તમારો ચહેરો જોઈએ. કેટલા ચહેરા છે તમારા? શું રાવણની જેમ તમારે 100 મોઢાં છે?"

    અન્ય એક ચૂંટણીપ્રચાર દરમિયાન ખડગેએ વડા પ્રધાનને ‘ખોટાઓનો સરદાર’ ગણાવ્યા હતા અને કહ્યું કે તેઓ એક બાદ એક ખોટું બોલી રહ્યા છે. આ નિવેદન પર આક્રમક વલણ અપનાવતાં સંબિત પાત્રાએ કહ્યું,"મધુસુધન મિસ્ત્રીએ પીએમ મોદીને ‘ઓકાત’ બતાવવાની વાત કરી. સોનિયા ગાંધીએ મોદીને ‘મોતનો સોદાગર’ કહ્યા હતા. અલકા લાંબાએ ‘નાલાયક’ હોવાની વાત કરી હતી. પીએમ મોદીને રાવણ કહેવું ઘોર અપમાન છે. ખગડેગનું નિવેદન સમગ્ર ગુજરાતનું અપમાન છે."

  5. મહેશ સવાણી AAP છોડીને ભાજપનો પ્રચાર કેમ કરી રહ્યા છે?

    આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ હવે મહેશ સવાણી વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. તેઓ ભાજપનો પ્રચાર કેમ કરી રહ્યા છે અને તેમણે આમ આદમી પાર્ટી કેમ છોડી દીધી? આ અંગે તેમણે જ શું જવાબ આપ્યા? જુઓ, બીબીસી સાથેની વાતચીત

  6. ગુજરાત ચૂંટણી : 'સુરતમાં 7થી 8 બેઠકો મળશે', અરવિંદ કેજરીવાલે શી આગાહી કરી?

    દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સુરતમાં લેખિત આગાહી કરી અને દાવો કર્યો કે તેમનો પક્ષ સુરતની કુલ 12 વિધાનસભા બેઠકોમાંથી સાતથી આઠ બેઠકો જીતશે. આ ઉપરાંત તેમણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર રચાશે એવો પણ દાવો કર્યો છે.

    નોંધનીય છે કે આ પહેલાં તેમણે એનડીટીવીના ટાઉનહૉલ કાર્યક્રમમાં કૉંગ્રેસને પાંચ કરતાં પણ ઓછી બેઠકો આવશે એવો દાવો કર્યો હતો.

    કેજરીવાલે કરેલા દાવા અનુસાર સુરતમાં આપને સાતથી આઠ બેઠકો મળશે તો સુરતમાંથી જ લડી રહેલા ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઈટાલિયા મોટા અંતરથી જીતશે.આ ઉપરાંત તેમણે પક્ષના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ઈસુદાન ગઢવી, પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશકથીરિયાના વિજયની પણ આગાહી કરી છે.

    નોંધનીય છે કે આ પહેલાં વર્ષ 2017માં પણ આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી. જોકે, એ વખતે એને એક પણ બેઠક નહોતી મળી.

  7. ગુજરાત ચૂંટણી : પ્રથમ તબક્કાના ચૂંટણીપ્રચારનો આજે અંતિમ દિવસ

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીની કુલ 182માંથી 89 બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે.જેનો આજે છેલ્લો દિવસ છે.પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે યોજાશે.

    જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજે ભાવનગર અને ગાંધીધામમાં ચૂંટણીપ્રચાર કરશે.

    પ્રથમ તબક્કામાં જે વિસ્તારમાં મતદાન યોજાવાનું છે એમાં આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રીપદના ચહેરા એવા ઈસુદાન ગઢવીના ભાગ્યનો ફેંસલો પણ થશે. ઈસુદાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

    આ ઉપરાંત ગુજરાતના પૂર્વ મંત્રી પરસોત્તમ સોલંકી, પૂર્વ ધારાસભ્ય કુંવરજી બાવળિયા,કાંતિ અમૃતિયા, ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા, ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઈટાલિયાના ભાગ્યનો ફેંસલો પણ પ્રથમ તબક્કાના મતદાનમાં જ થશે.

  8. ગુજરાત ચૂંટણી: 2002નાં રમખાણો પર ભાષણબાજી અને પાકિસ્તાનની એન્ટ્રી કેમ થઈ?

  9. ગુજરાત ચૂંટણી : પ્રથમ તબક્કાના માટે પ્રચાર અભિયાનનો આજે અંતિમ દિવસ

    ઑલઇન્ડિયા રેડિયો ન્યૂઝ સર્વિસ ડિવિઝનના એક અહેવાલ અનુસાર મંગળવારે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેના પ્રચાર અભિયાનનો અંતિમ દિવસ છે.

    મંગળવારે સાંજે પાંચ વાગ્યે પ્રચાર અભિયાનનો સમય સમાપ્ત થશે.

    ગુજરાતમાં ચૂંટણીમેદાને રહેલા ભાજપ, કૉંગ્રેસ અને આપના ઘણા નેતાઓ આ દરમિયાન ઉપરાઉપરી રેલીઓનું આયોજન કરી શકે છે.

    ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દાહોદ, ખેડા અને અમદાવાદમાં ચૂંટણીસભા સંબોધશે.

    નોંધનીય છે કે ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે અનુક્રમે પ્રથમ અને દ્વિતીય તબક્કાનું મતદાન યોજાશે.

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા વડોદરા અને અને દાહોદમાં જાહેર સભા યોજવાના છે. તેમજ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ વડોદરા અને ગોધરા સહિત ત્રણ સ્થળોએ સભા સંબોધશે.

    તેમજ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર પણ પાર્ટીના ઉમેદવારો માટે જુદાં જુદાં સ્થળોએ કૅમ્પેનિંગ કરશે.

    ઉપરાંત આમ આદમી પાર્ટીના સિનિયર નેતા અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન લીંબડી, વીરમગામ અને ભાવનગર સહિત પાંચ સ્થળોએ રોડશો યોજશે.

  10. ‘કશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને ‘બેઢંગ’ ગણાવતા સોશિયલ મીડિયા પર હંગામો

    ઇઝરાયલના ફિલ્મમૅકર નદાવ લપિડે ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલના મંચ પરથી ફિલ્મ ‘કશ્મીર ફાઇલ્સ’ને બેઢંગ અને પ્રૉપેન્ગૅન્ડાવાળી ગણાવતાં વિવાદ સર્જાયો છે.

    લપિડના ભાષણને લઈને સોશિયલ મીડિયા પર જાતભાતની પ્રતિક્રિયાઓ આવી રહી છે.

    જ્યોત જીત નામના યૂઝરે ટ્વીટ કર્યું છે, “તેમની ટિપ્પણી, જેનોસાઇડના પીડિતોનું અપમાન છે અને ભારતીયોની ભાવનાઓ ઠેસ પહોંચાડે છે.”

    ટીઆરએસના સોશિયલ મીડિયા કન્વીનર વાય. સતીશ રેડ્ડીએ ટ્વીટ કરી કહ્યું છે કે, “વૈશ્વિક સ્તર પર ભારતની બ્રાન્ડને ધૂમિલ કરવામાં ભાજપ સફળ થયો.”

    કોણ છે નદાવ લપિડ?

    નદાવ લપિડ ઇઝરાયલના ફિલ્મમૅકર છે અને તેમને જ્યૂરીના ચૅરમૅન બનાવાયા છે.

    1975માં ઇઝરાયલના તેલ અવિવમાં જન્મેલા નદાવ લપિડ તેલ અવિવ યુનિવર્સિટીમાંથી દર્શનશાસ્ત્ર ભણ્યા છે. સૈન્યસેવામાં ગયા બાદ લપિડ એક સમય માટે પેરિસ જતા રહ્યા.

    તે બાદ લપિડે ઇઝરાયલ પાછા ફરીને જેરુસલેમની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન સ્કૂલમાંથી ડિગ્રી લીધી.

    ગોલ્ડન બીયર અને કાન જ્યૂરી પ્રાઇઝ હાંસલ કરનારા લપિડની ચર્ચિત ફિલ્માં પોલીસમૅન, કિંડરગાર્ટન ટીચર સામેલ છે.

    પોતાનાં નિવેદનોથી હંમેશાં વિવાદ સર્જનારા વિવેક અગ્નિહોત્રીએ ‘કશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ ડાયરેક્ટ કરી છે, જેમાં અનુપમ ખેરે મુખ્ય ભૂમિકા ભજવી છે. મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોશી પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે.

    ‘કશ્મીર ફાઇલ્સ’ રિલીઝ થયા બાદથી જ વિવાદોમાં સપડાયેલી રહી છે અને ઘણા ફિલ્મ સમીક્ષકો ફિલ્મને પ્રૉપેગૅન્ડા ગણાવી ચૂક્યા છે.

    આ ફિલ્મ કથિતપણે 1990ના દાયકામાં કાશ્મીર પંડિતોના પલાયન અને હત્યાઓ પર આધારિત છે.

    11 માર્ચે આ ફિલ્મ રિલીઝ થઈ હતી. ઘણાં થિયેટરોમાં તે હાઉસફુલ રહી. દેશનાં ચાર રાજ્યોએ ફિલ્મને ટૅક્સ-ફ્રી જાહેર કરી હતી.

    સંજોગવશાત્ ચાર રાજ્યો (હરિયાણા, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને ગુજરાત) ભાજપશાસિત છે.

    દાવો છે કે આ વર્ષે રિલીઝ થનાર ફિલ્મોમાં આ ફિલ્મે સૌથી વધુ કમાણી કરી હતી.

    રિલીઝના એક દિવસ બાદ જ એ સમયે વિવાદ સર્જાયો જ્યારે વિવેક અગ્નિહોત્રીની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક તસવીર વાઇરલ થઈ.

    ફિલ્મના પ્રોડ્યૂસર અભિષેક અગ્રવાલે નરેન્દ્ર મોદી સાથેની એક તસવીર શૅર કરી જેને વિવેક અગ્નિહોત્રીએ રિ-ટ્વીટ કરી હતી.

  11. નદાવ લપિડે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને બેઢંગ અને પ્રૉપેગૅન્ડા ગણાવી

    ગોવામાં 53મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહ (આઈએફએફઆઈ)માં ફેસ્ટિવલના જ્યૂરી ચૅરમૅન ઇઝરાયલી ફિલ્મમૅકર નદાવ લપિડે ‘કશ્મીર ફાઇલ્સ’ને ‘પ્રૉપેગૅન્ડા અને બેઢંગ’ ગણાવતાં વિવાદ સર્જાયો છે.

    સોમવારે 53મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાનો સમાપન સમારોહ હતો અને ચૂંટાયેલી ફિલ્મોની જાહેરાત પહેલાં નદાવ લપિડે મંચ પર બોલાવવામાં આવ્યા.

    લપીડે કહ્યું, “અમે ડેબ્યૂ કૉમ્પિટિશનમાં સાત ફિલ્મો અને ઇન્ટરનેશનલ કૉમ્પિટિશનમાં 15 ફિલ્મો જોઈ. તેમાંથી 14 ફિલ્મો સિનેમૅટિક ગુણવત્તાની હતી અને તેમણે અત્યંત શાનદાર ચર્ચાને પ્રેરી. 15મી ફિલ્મ ‘કશ્મીર ફાઇલ્સ’ને જોઈને અમે બધા વિચલિત અને આશ્ચર્યચકિત થઈ ગયા.તે એક પ્રૉપેગૅન્ડા અને અશ્લીલ ફિલ્મ જેવી હતી. જોકે આ પ્રકારના પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલની કલાત્મક સ્પર્ધા માટે અયોગ્ય હતી.”

    પોતાના ભાષણમાં તેમણે કહ્યું, “આ મંચ પરથી મુક્ત મને લાગણીઓ શૅર કરતાં હું સહજ મહેસૂસ કરી રહ્યો છું, કારણ કે આ ફેસ્ટિવલનો આત્મા ગંભીર વાદવિવાદને નિશ્ચિતપણે સ્વીકાર કરી શકે છે, જે કે કલા અને જિંદગી માટે જરૂરી છે.”

    પોતાનું ભાષણ શરૂ કરતાં પહેલાં લપિડે કહ્યું કે સામાન્યપણે તેઓ લેખિત ભાષણ નથી આપતા, પરંતુ હાલ તેઓ ‘લેખિત ભાષણ વાંચશે, કારણ કે તેઓ સટીક’ રીતે પોતાની વાત કરવા માગે છે.

    આ સમારોહમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણમંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર હતા.

    સમારોહ પહેલાં અનુરાગ ઠાકુરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, “હું સારામાં સારી ફિલ્મો જોવાનું પસંદ કરું છું અને સારી ફિલ્મો બને તે માટે પ્રયાસ પણ કરું છું.”

    આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં પણ વિવાદ થઈ રહ્યો છે.

  12. ભારત, પાકિસ્તાને 2023 ક્રિકેટ વર્લ્ડકપ માટે કર્યું ક્વૉલિફાય

    વર્લ્ડકપ 2023 માટે ભારત પાકિસ્તાન સહિત સાત ટીમોએ તેમની હાલની ટીમ રેન્કિંગના કારણે ક્વૉલિફાય કરી લીધું છે.

    અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રવિવારે રમાનાર બીજી વનડે મૅચ વરસાદના કારણે ધોવાઈ ગઈ. આ સાથે જ અફઘાનિસ્તાન વર્ષ (2023માં)રમાનાર વનડે વર્લ્ડકપ માટે ક્વૉલિફાય કરી ગયું.

    અફઘાનિસ્તાન હાલની વનડે રેન્કિંગમાં આ ડ્રૉ થયેલી મૅચ બાદ 115 અંકો સાથે સાતમા ક્રમે છે.

    જો અફઘાનિસ્તાન વર્લ્ડકપ માટે ક્વૉલિફાય કરી ગયું છે તો તેનો અર્થ છે કે તેનાથી ઉપરના ક્રમવાળી તમામ છ ટીમોએ પણ આગામી વર્લ્ડકપમાં રમવાની યોગ્યતા પ્રાપ્ત કરી લીધી છે.

    ટીમ રેન્કિંગમાં ભારત 134 અંકો સાતે ટોચ પર છે. તેમજ ઇંગ્લૅન્ડ 125 અંકો સાથે બીજા અને આટલા જ અંકો સાથે ન્યૂઝીલૅન્ડ ત્રીજા ક્રમે (નેટ રનરેટમાં પાછળ હોવાના કારણે) છે.

    બીજી તરફ નેટ રનરેટમાં અંતરના કારણે 120 અંકો સાથે ઑસ્ટ્રેલિયા ચોથા અને બાંગ્લાદેશ પાંચમા અને પાકિસ્તાન છઠ્ઠા સ્થાને છે.

    તેમજ સાતમા ક્રમે રહેલ અફઘાનિસ્તાન પછી આઠમા ક્રમે વેસ્ટ ઇન્ડીઝ (88 અંક), નવમા ક્રમે આયર્લૅન્ડ (68 અંક), દસમા ક્રમે શ્રીલંકા (67 અંક) અને 11મા ક્રમે દક્ષિણ આફ્રિકા (59 અંક) છે.

    2023માં થનાર વનડે વર્લ્ડકપ માટે આઠ ટીમો પોતાની ટીમ રેન્કિંગનાકારણે સીધી જ ક્વૉલિફાય કરવાની છે.

    તેનો અર્થ એ થયો કે વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકામાંથી કોઈ એક જ ટીમ આગામી વર્લ્ડકપ માટે સીધી જ ક્વૉલિફાય કરશે, જ્યારે અન્ય ટીમોને ક્વૉલિફાયર મૅચોમાં મુકાબલો કરવાનો રહેશે.

  13. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.

    28 નવેમ્બરના સમાચા વાંચવા માટે અહીં ક્લિક કરો.