You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રદ્ધા મર્ડર કેસ : આફતાબને લઈને જઈ રહેલી પોલીસવાન પર હુમલાની કોશિશ
દિલ્હીમાં એફએસએલની ઓફિસની બહાર આફતાબને લઈને જઈ રહેલી વાન પર હુમલો કરવાના મામલામાં બે લોકોને અટકમાં લેવામાં આવ્યા છે
લાઇવ કવરેજ
શ્રદ્ધા મર્ડર કેસ : આફતાબને લઈને જઈ રહેલી પોલીસવાન પર હુમલાની કોશિશ
શ્રદ્ધા મર્ડર કેસના મુખ્ય આરોપી આફતાબને લઈને જઈ રહેલી પોલીસ વાન પર કેટલાક લોકોએ હુમલો કરવાની કોશિશ કરી છે
સમાચાર સંસ્થા એએનઆઈના એક વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, કેટલાક લોકો હાથમાં તલવાર લઈને પોલીસવાન પર હુમલો કરવાની કોશિશ કરી રહ્યા છે.
તેમને ભગાડવા માટે પોલીસે હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી.
દિલ્હીમાં એફએસએલની ઓફિસની બહાર આફતાબને લઈને જઈ રહેલી વાન પર હુમલો કરવાના મામલામાં બે લોકોને અટકમાં લેવામાં આવ્યા છે
સુરત : કેજરીવાલની રેલીમાં પથ્થરમારાની ઘટના અંગે પોલીસે શું કહ્યું?
સુરતના કતારગામમાં અરવિંદ કેજરીવાલના રોડશોનું આજે આયોજન કરાયું હતું. જે દરમિયાન પથ્થરમારાની ઘટના ઘટી હોનાનો કેટલાય મીડિયા અહેવાલોમાં દાવો કરાયો હતો.
જોકે, સુરત પોલીસે આવી કોઈ ઘટના ઘટી હોવાનો ઇન્કાર કરી દીધો છે. સુરતના એસ.પી. એલ.બી. ઝાલાએ બીબીસી ગુજરાતીના સહયોગી ધર્મેશ અમીનનેઆવી કોઈ ઘટના ઘટી હોવાની પુષ્ટિ નથી કરી.
તેમના જણાવ્યા અનુસાર કોઈએ આવી અફવા ઉડાવી છે અને રેલી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. તેમણે એવું પણ કહ્યું કે એક રેલીમાં એક શખ્સ મોદીના નામના સૂત્રોચાર કરી રહ્યો હોવાથી માહોલ બગડતો અટકાવવા અટકમાં લેવાયો હતો.
એસ.પી.એ એવું પણ જણાવ્યું કે જે વિસ્તારમાં આ ઘટના ઘટી હોવાનો દાવો કરાઈ રહ્યો છે એ વિસ્તારમાં તેઓ જાતે હાજર હતા અને આવી કોઈ ઘટના ઘટી નહોતી.
દિલ્હીમાં વધુ એક શ્રદ્ધા વાલકર જેવો હત્યાકાંડ : મૃતદેહના 22 ટુકડા કરીને ફ્રીઝમાં રાખ્યા, માતાપુત્રની ધરપકડ
દિલ્હીમાં વધુ એક શ્રદ્ધા વાલકર જેવો કેસ નોંધાયો છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ઇસ્ટ દિલ્હીમાં મળી રહેલા માનવ મૃતદેહના ટુકડાઓનો કોયડો ઉકેલી લીધો છે. આ મામલે એક મહિલા અને એના પુત્રની ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટનામાં મહિલાએ પોતાના પુત્ર સાથે મળીને પતિની હત્યા કરી હતી. પતિના કોઈ બીજી મહિલા સાથે સંબંધ હોવાને લીધે માતા-પુત્રે મળીને આ હત્યા કરી હતી.
બન્નેએ કથિત રીતે મૃતદેહના 22 ટુકડા કર્યા અને એને ફ્રીઝમાં રાખી દીધા. એ બાદ પૂર્વ દિલ્હીના અલગઅલગ વિસ્તારોમાં એને ફેંકી દીધા.
પોલીસના જણાવ્યા અનુસાર અહીંના પાંડવનગર વિસ્તારમાં રહેતા અંજન દાસની હત્યા જૂનમાં કરાઈ હતી. એ બાદ મૃતદેહના ટુકડા ઘરના ફ્રીઝમાં રાખી રાખી દેવાયા હતા. આ ટુકડાઓને રોજ પૂર્વ દિલ્હીના અલગઅલગ વિસ્તારોમાં ફેંકી દેવાતા હતા.
પુનમ દાસ અને એના પુત્ર દીપક પર આ હત્યાકાંડને અંજામ આપવાનો આરોપ લગાવાયો છે. અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે કથિત અનૈતિક સંબંધોને કારણે અંજન દાસની હત્યા કરી દેવાઈ હતી.
પોલીસને આ મામલે મૃતદેહના ટુકડા લઈને જતા આરોપીઓના સીસીટીવી ફૂટેજ પણ મળ્યાં છે. જેની હત્યા કરી દેવાઈ એમને પહેલાં ઊંઘની ગોળીઓ આપવામાં આવી હતી અને બાદમાં એની હત્યા કરી દેવાઈ હતી.
હત્યા કરાયા બાદ મૃતદેહના કથિત રીતે ટુકડા કરવામાં આવ્યા હતા.પાડોશમાં લગાવાયેલા સીસીટીવી ફુટેજમાં આરોપીને હાથમાં થેલો લઈને જતો જોઈ શકાય છે.
પોલીસના જણાવ્યા અનુસાર ફૂટેજમાં દીપકની પાછળ એની માતા પણ જોવા મળે છે.દિલ્હી પોલીસે સોમવારે પત્રકારો સાથે વાત કરતાં આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અમિત ગોએલે જણાવ્યું હતું, "આ કેસની શરૂઆતમાં પાંચ જૂને રામલીલામેદાનમાં એક વ્યક્તિના શરીરના કેટલાંક અંગ મળ્યાં હતાં. એ બાદ સતત ત્રણ દિવસ સુધી બે પગ, બે જાંઘ અને એ બાદ એક હાથનો ભાગ મળ્યો હતો. ત્રણ ચાર દિવસ સુધી શરીરનાં અંગોનું મળવાનું ચાલુ રહ્યું હતું. ત્યાં એક એફઆઈઆર નોંધાઈ હતી. શરૂઆતમાં મૃતકની ઓળખ કરવી ઘણી અઘરી હતી. એમાં ભારે જહેમત ઉઠાવવી પડી. એમ છતાં મૃતકની ઓળખ નહોતી થઈ શકી. આ મામલે કેટલીય ટીમો કામ કરી રહી હતી. આખરે નવી દિલ્હી રેન્જ ટીમને આ મામલે સફળતા મળી હતી."
પોલીસના મતે, "આ ટીમે અલગઅલગ વીડિયો બનાવીને તકનિકિ વિશ્લેષણ અને ઘરોમાં જઈને પુષ્ટિ કરી. શરૂઆતમાં એને સફળતા નહોતી મળી. જોકે, આખરે એવું જાણવા મળ્યું કે મૃતક અંજન દાસ હોઈ શકે. જ્યારે ટીમે અંજન દાસના ઘરે જઈને તપાસ કરી તો જાણવા મળ્યું કે આ પાંચ મહિનાથી લાપત્તા છે અને એમ છતાં પોલીસ સ્ટેશનમાં કોઈ મિસિંગ રિપોર્ટ ફાઇલ નહોતો કરાવાયો. એટલે જ આ મામલે શંકા જન્મી. "
હાડકાં તોડીને ઊંચાઈ વધારવા કરાતી જોખમી કૉસ્મેટિક સર્જરીની દર્દનાક દાસ્તાન
ધોનીની ટીમનો એ ખેલાડી જેણે એક ઓવરમાં સાત છગ્ગા ફટકાર્યા
વિજય હઝારે ટ્રૉફીમાં સોમવારે ઋતુરાજ ગાયકવાડે ઇતિહાસ રચી દીધો. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ વચ્ચે રમાયેલી મૅચમાં ક્રિકેટરસિયાઓને એક જ ઓવરમાં સાત સિક્સર જોવા મળ્યા.
આ રેકૉર્ડ ચેન્નઇ સુપર કિંગ્સ માટે રમનારા ઋતુરાજ ગાયકવાડે બનાવ્યો છે. તેમણે ક્વાર્ટર ફાઇનલ મૅચમાં બેવડી સદી ફટકારી છે.
આ મૅચમાં ઉત્તર પ્રદેશ વિરુદ્ધ મહારાષ્ટ્રે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાંપાંચ વિકેટના નુકસાને 330 રન કર્યા. જેમાં કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે માત્ર 159 બૉલમાં 220 રનની અણનમ ઇનિંગ રમી. આ ઇનિંગમાં તેમણે 10 ફૉર અને 16 સિક્સર ફટકાર્યા. એમાં પણ રસપ્રદ વાત તો એ રહી કે તેમણે 49મી ઓવરમાં સાત સિક્સર ફટકાર્યા.
ઋતુરાજે 49મી ઓવરમાં કુલ 43 રન કર્યા, જેમાં સાત સિક્સર સામેલ હતા. ઉત્તર પ્રદેશ તરફથી શિવાસિંહે નાખેલી આ ઓવરમાં એક નૉબૉલ પણ સામેલ હતો.
આ રીતે એક ઓવરમાં સાત સિક્સર ફટકારનારા ઋતુરાજ ગાયકવાદ વિશ્વના પ્રથમ ખેલાડી બની ગયા છે.
બ્રેકિંગ, જયનારાયણ વ્યાસ કૉંગ્રેસમાં જોડાયા
ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ આરોગ્યમંત્રી જયનારાયણ વ્યાસ ભાજપ છોડ્યા બાદ સોમવારે કૉંગ્રેસમાં જોડાઈ ગયા.
અમદાવાદમાં રાજીવભવન ખાતે કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં તેમને કૉંગ્રેસનો ખેસ ઓઢાડવામાં આવ્યો હતો. જયનારાયણ સાથે તેમના પુત્ર સમીર વ્યાસ પણ કૉંગ્રેસમાં જોડાયા છે.
વ્યાસ છેલ્લા કેટલાય સમયથી ભાજપથી નારાજ હતા અને તેમણે ગત 4 નવેમ્બરે ભાજપના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું હતું.
તેમણે જિલ્લા ભાજપ સંગઠનમાં ભારે જૂથબંધીના આરોપ લગાવવા ઉપરાંત ઘણા નેતાઓનું પત્તું કાપવા માટે માણસો ગોઠવાયા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
રાજીનામા બાદ જયનારાયણ વ્યાસે બીબીસી ગુજરાતી સાથે વાત કરી અને તેમના રાજીનામાનું કારણ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું, "પક્ષના સિનિયર સભ્ય હોવા છતાં મારે નાની નાની બાબતો માટે છેક પક્ષ પ્રમુખ ચંદ્રકાંતભાઈ પાટીલને રજૂઆત કરવી પડતી હતી. એના કારણે મને એવું લાગતું હતું કે મારે હંમેશા ફરિયાદી તરીકે જ કામ કરવું પડે છે. એનાથી હું કંટાળી ગયો હતો."
નોંધનીય છે કે ડૉ. જયનારાયણ વ્યાસ છેલ્લા ત્રણ દાયકાથી પણ વધારે સમયથી ભાજપ સાથે સંકળાયેલા હતા. તેઓ ગુજરાતના આરોગ્યમંત્રી રહી ચૂક્યા છે.
વડોદરાના પાદરા ખાતે ધાર્મિક પ્રસંગે પ્રસાદ ખાધા બાદ ફૂડ પૉઇઝનિંગ
વડોદરાના પાદરાના ગોવિંદપુરા વિસ્તારમાં ધાર્મિક પ્રસંગે નિયાઝનો પ્રસાદ ખાધા બાદ ફૂડ પૉઇઝનિંગ બનાવ થતાં 100 કરતાં વધુ લોકોની તબિયત ખરાબ થતાં પાદરાના સરકારી દવાખાનામાં દર્દીઓને ખસેડાયા હતા.
આ સિવાય અનેકને ખાનગી હૉસ્પિટલમાં પણ ખસેડાયા હતા. રવિવારે મોડી સાંજે બનેલ આ બનાવ બાદ સ્થાનિક તંત્ર ઍક્ટિવ થયું હતું. ઘટના બાદ આરોગ્યતંત્ર પણ દોડતું થયું હતું.
બનાવ સંદર્ભે રાતે વડોદરા જિલ્લા કલેક્ટર પણ પાદરા સરકારી દવાખાને દોડી આવ્યા હતા.
જોકે આરોગ્ય વિભાગે તમામ દર્દીની તબિયત સ્થિર હોવાનું જણાવ્યું હતું.
ઘટનાની જાણ થતાં આરોગ્યવિભાગ ટીમો ત્વરિત કામે લાગી હતી અને આરોગ્યવિભાગ ના અધિકારીઓ તથા પ્રાંત ઑફિસર સહિત ટીડીઓ તથા નગરપાલિકા સહિત તાલુકા હેલ્થ ઑફિસર તેમજ મામલતદાર પણ દોડી આવ્યા હતા.
ચીનમાં પ્રદર્શન દરમિયાન બીબીસી પત્રકારની ધરપકડ, છોડતાં પહેલાં પોલીસે માર માર્યો
ચીનમાં કોવિડ પ્રતિબંધો વિરુદ્ધ વિરોધપ્રદર્શનોને કવર કરતી વખતે ધરપકડ કરાયેલા બીબીસી સંવાદદાતા એડ લૉરેન્સને છોડી મુકાયા છે. પરંતુ ધરપકડમાં પોલીસે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો.
બીબીસી તરફથી જાહેર કરાયેલા નિવેદન અનુસાર, શંઘાઈમાં વિરોધપ્રદર્શન દરમિયાન પત્રકાર એડ લૉરેન્સની ધરપકડ કરાઈ હતી, જેમને છોડી મૂકતાં પહેલાં પોલીસે તેમના હાથ બાંધ્યા, માર્યા અને તેમને લાત સુધ્ધાં મારી.
બીબીસીએ કહ્યું છે કે, “પોતાનું કામ કરતી વખતે અમારા પત્રકાર પર આવો હુમલો ચિંતાજનક છે. ચીન તરફથી અત્યાર સુધી ના તો આધિકારિકપણે સ્પષ્ટતા અપાઈ છે કે ના માફી મગાઈ છે. કેટલાક અધિકારીઓએ પાછળથી દાવો કર્યો કે પત્રકારની તેમની જ ભલાઈના હેતુસર ધરપકડ કરાઈ હતી. જેથી ભીડથી તેઓ કોરોના સંક્રમિત ન થઈ જાય. બીબીસી આને વિશ્વસનીય સ્પષ્ટીકરણ નથી માનતું.”
ચીનમાં કોરોના પ્રતિબંધો વિરુદ્ધ મોટા પાયે વિરોધપ્રદર્શન ચાલી રહ્યાં છે.
ઉરૂમચીમાં એક ઇમારતની અંદર આગ લાગવાના કારણે દસ લોકોનાં મૃત્યુ બાદ આ પ્રદર્શન શરૂ થયાં છે.
લોકોનું માનવું છે કે કડક પ્રતિબંધ આ મૃત્યુનું અસલી કારણ છે.
કેરળમાં અદાણી ગ્રૂપના બંદરનો વિરોધ, માછીમારોનો પોલીસ સ્ટેશન પર હુમલો
કેરળમાં અદાણી સમૂહના નિર્માણાધીન બંદરને લઈને વિરોધ વધતો જઈ રહ્યો છે. ગત રાત્રે આ બંદરનો વિરોધ કરી રહેલ માછીમારોએ સ્થાનિક પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો હતો.
અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત સમાચાર પ્રમાણે, આ માછીમારો શનિવારે થયેલી હિંસા બાદ ધરપકડ કરાયેલા લોકોને છોડી મૂકવાની માગ કરી રહ્યા હતા.
અદાણી સમૂહ કેરળમાં વર્ષ 2015થી એક મેગા પૉર્ટનું નિર્માણ કરી રહ્યો છે જેનું નામ વિઝિનજ્મ આંતરરાષ્ટ્રીય બંદર છે.
પરંતુ તેને લઈને સ્થાનિક નિવાસીઓ અને માછીમારો તરફથી વિરોધ કરાઈ રહ્યો છે.
આ પક્ષોનું માનવું છે કે બંદર બનવાથી તેમની આજીવિકા પર અસર પડવાના સાથે જ તટનું ધોવાણ થઈ રહ્યું છે.
આ પક્ષ માગણી કરી રહ્યા છે કે સરકાર નિર્માણકાર્ય પર પ્રતિબંધ લાદીને બંદરના કારણે મરિન ઇકૉસિસ્ટમ પર પડનાર અસરનું સ્વતંત્ર રીતે અધ્યયન કરાવો.
જોકે, અદાણી સમૂહનો દાવો છે કે તેમની આ પરિયોજના સંપૂર્ણપણે નિયમબદ્ધ છે અને આઈઆઈટી જેવી મોટી સંસ્થાઓએ તેના કારણે તટના ધોવાણ થવાની વાતને નકારી છે.
આ મામલે હાઈકોર્ટ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ અદાણી સમૂહે ગત શનિવારે નિર્માણકાર્ય શરૂ કરવાની કોશિશ શરૂ કરી હતી.
અદાણી સમૂહના પ્રવક્તાએ દાવો કર્યો છે કે શનિવારે લગભગ 25 ટ્રકોએ પૉર્ટમાં પ્રવેશવાની કોશિશ કરી પરંતુ તેમને પરત જવું પડ્યું અને બે ટ્રકો પર પ્રદર્શનકારીઓ દ્વારા પથ્થરમારો પણ કરાયો.તે બાદ હિંસા શરૂ થઈ.
લૅટિન કૅથલિક આર્કડાયસીઝે બંદરનો વિરોધ કરી રહેલ લોકોનું સમર્થન કરતાં ટ્રકોને અંદર જવાથી રોકી લીધી.
બાદમાં બંદરનો વિરોધ કરી રહેલા લોકોનો સામનો સ્થાનિક હિંદુ સંગઠનો સાથે થયો, જે 7,500 કરોડ રૂપિયાના ખર્ચવાળી આ પરિયોજના જેમ બને એમ જલદી પૂરી કરવાની માગ કરી રહ્યા છે.
ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે, તે બાદ પોલીસે હસ્તક્ષેપ કરતાં પૉર્ટ કર્મચારીઓને હિંસા પ્રભાવિત ક્ષેત્રથી સુરક્ષિત બહાર લઈ જવા પડ્યા.
તે બાદ જ પોલીસની તરફથી લાઠીચાર્જ કરાયો જેમાં બંને પક્ષોના લોકો ઈજાગ્રસ્ત થયા.
બાદમાં પોલીસે આ મામલે દાખલ કરાયેલ એફઆઇઆરમાં તિરુવનંતપુરમના આર્ચબિશપ થૉમસ નેટ્ટો, ઑગ્ઝલરી બિશપ અને ક્રિસ્તુદાસ સહિત ઘણા અન્ય પાદરીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
આ સાથે જ પોલીસે શનિવારે થયેલ હિંસાના મામલામાં માછીમારોને કસ્ટડીમાં લીધા છે.
આ માછીમારોને છોડાવવા અને પોલીસની કાર્યવાહીના વિરોધમાં રવિવારે રાત્રે માછીમારોએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો જેમાં ઘણા પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે.
સ્થાનિક ન્યૂઝ વેબસાઇટ મનોરમા ઑનલાઇનના સમાચાર પ્રમાણે, આ પોલીસ સ્ટેશનને ઘેરનારમાં મહિલાઓ પણ સામેલ હતાં.
લંડન પહોંચ્યું ચીનનું પ્રદર્શન, દૂતાવાસ બહાર ભેગા થયા લોકો
કોરોનાની રોકથામ માટે કડક પ્રતિબંધો વિરુદ્ધ ચીનમાં થઈ રહેલાં પ્રદર્શનો વચ્ચે લંડનના ચીનના દૂતાવાસ બહાર રવિવારે સેંકડો લોકો ભેગા થયા.
તે પૈકી કેટલાકે ફૂલો અને મીણબત્તીઓ થકી એ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી, જેમણે ચીનના ઉરૂમચીમાં એક ઇમારતમાં આગ લાગવાના કારણે જીવ ગુમાવી દીધો હતો.
ચીનમાં મોટા ભાગના લોકો કડક કોરોના પ્રતિબંધોને આ મૃત્યુ માટે કારણભૂત ગણાવી રહ્યા છે. જોકે, ચીનના પ્રશાસને આ આરોપ ફગાવી દીધા છે.
ચીનમાં સરકારની ‘ઝીરો કોવિડ નીતિ’ વિરુદ્ધ મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે.
લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ (સામાજિક અંતર)ને લાગુ કરવા માટે લદાયેલાં નિયંત્રણોને તોડી દીધાં અને હવે મોટી સંખ્યામાં લોકો શહેરો અને યુનિવર્સિટી કૅમ્પસમાં રસ્તા પર ઊતરી આવ્યા છે.
ચીનમાં કડક નિયંત્રણો છતાં કોરોનાના રેકૉર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. બુધવારે ચીનમાં કોરોનાના 31,527 નવા મામલા નોંધાયા જે એપ્રિલની પીક કરતાં 28 હજાર કરતાં વધુ છે.
એવું મનાઈ રહ્યું છે કે ચીનની ઝીરો કોવિડ પૉલિસીએ કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા ઘટાડી છે, પરંતુ આના કારણે અર્થતંત્ર અને સામાન્ય લોકોનાં જીવન ખરાબ રીતે પ્રભાવિત થયાં છે.
કૉંગ્રેસે આતંકવાદીઓના સ્થાને મારા પર નિશાન સાધ્યું : નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને સમર્થનમાં ગુજરાતમાં ચૂંટણીપ્રચાર કર્યો. મોડી સાંજે તેમણે સુરતમાં રોડ શો કર્યો.
આ પહેલાં ગુજરાતના ખેડામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ પર નિશાન સાધ્યું.
મોદીએ કહ્યું, “ગુજરાત ઘણા સમયથી આતંકવાદના નિશાન પર રહ્યું છે. સુરત અને અમદાવાદમાં થયેલ ધડાકામાં ગુજરાતના લોકોનાં મૃત્યુ થયાં હતાં. એ સમયે કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર હતી. અમે તેમને આતંકવાદ પર નિશાન સાધવા કહ્યું તો તેમણે મને નિશાન બનાવ્યું. એ સમયે દેશમાં આતંકવાદ ચરમ પર હતો.”
બટલા હાઉસ ઍન્કાઉન્ટર દરમિયાન કૉંગ્રેસના નેતાઓના સમર્થનમાં રોદણાં રોયાં. આતંકવાદ કૉંગ્રેસની વોટ બૅંક છે. હવે માત્ર કૉંગ્રેસ જ નહીં, એ એવી બીજી ઘણી બધી પાર્ટીઓ ઊભી થઈ ગઈ છે જે શૉર્ટકટ અને તુષ્ટિકરણના રાજકારણમાં માને છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું, “ગુજરાતના 25 વર્ષની વય સુધીના યુવાનોને ખબર નથી કે કર્ફ્યૂ કેવો હોય છે. મારે તેમને બૉમ્બધડાકાથી બચાવવા છે, માત્ર ભાજપના ડબલ એન્જિનની સરકાર જ આવું કરી શકે છે.”
એ પહેલાં શનિવારે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ગુજરાતમાં ભાજપ માટે પ્રચાર કરતાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને ‘આતંકવાદના સમર્થક’ ગણાવ્યા.
તેમજ રવિવારના રોજ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે જામનગરમાં રેલી સંબોધિત કરી.
કેજરીવાલે ગુજરાતમાં વીજળી ઝીરો કરવાના, મહિલાઓના ખાતામાં દર મહિને એક હજાર રૂપિયા આપવાના અને યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાનો પણ વાયદો કર્યો.
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
27 નવેમ્બરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.