You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ફૂટઓવરબ્રિજ પડ્યો, કેટલાયને ઈજા પહોંચી હોવાના અહેવાલો
રેલવે પ્રોટેક્શન ફૉર્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર છ ઈજાગ્રસ્તોને ચંદ્રપુર સ્ટીલ હૉસ્પિટલ લઈ જવાયા છે. આ દુર્ઘટના રવિવાર સાંજે બલ્લારશાહ રેલવેસ્ટેશનમાં ઘટી છે.
લાઇવ કવરેજ
ભારતના ગ્રામ્યજીવનને આવી ખૂબસૂરત તસવીરોમાં કંડારનારા ગુજરાતી ફોટોગ્રાફરને તમે જાણો છો?
નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો ગિનિસ બુકમાં સમાવેશ
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગિનિસ બુક ઑફ રેકોર્ડ્સમાં સમાવેશ પામ્યું છે.
બીસીસીઆઈ અનુસાર 29 મે 2022ના રોજ આઈપીએલની ફાઇનલ મૅચને 1,01,566 લોકોએ સ્ટેડિયમમાં જોઈ હતી.
આ કોઈપણ ટી20 મૅચમાં સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેનારા પ્રેક્ષકોમાં સૌથી મોટી સંખ્યા છે.
એક ટ્વીટમાં બીસીસીઆઈએ જાણકારી આપી છે કે, "ભારને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, આ દરેક માટે ગર્વની ક્ષણ છે. "
બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે પણ આ બાબતે ટ્વીટ કરીને માહિતી આપી છે.
ગુજરાત ક્રિકેટ એસોસિએશનના મોટેરા સ્ટેડિયમનું પુનઃ નિર્માણ કરીને તેને 2021ના ફેબ્રુઆરીમાં ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
હવે આ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે.
15મી આઈપીએલની ફાઇનલ મૅચ આ સ્ટેડિયમમાં રમાઈ હતી.
1982માં નિર્માણ પામેલા આ સ્ટેડિયમની અગાઉની પ્રેક્ષક ક્ષમતા 49 હજાર હતી. 2021 બાદ આ સ્ટેડિયમમાં અત્યાર સુધી 10 આંતરરાષ્ટ્રીય મૅચો રમાઈ ચૂકી છે. જેમાં ઇંગ્લૅન્ડ સામે રમવામાં આવેલી બે ટેસ્ટ મૅચોનો પણ સમાવેશ થાય છે.
2023માં વનડે ક્રિકેટ વર્લ્ડકપ ભારતમાં રમાશે. એ વર્લ્ડકપની મૅચો આ સ્ટેડિયમમાં પણ રમાશે.
બ્રેકિંગ, મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ફૂટઓવરબ્રિજ પડ્યો, કેટલાયને ઈજા પહોંચી હોવાના અહેવાલો
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં રેલવેસ્ટેશન પરનો એક ફૂટઓવરબ્રિજ તૂટી પડ્યો હોવાની દુર્ઘટના ઘટી છે.
બલ્લારશાહ રેલવેસ્ટેશન પરના એક અધિકારીએ બીબીસીને ફોન પર જણાવ્યું છે કે આ ઘટનામાં 13 મુસાફરો ફુટઓવરબ્રિજથી પાટા પર ખાબક્યા હતા અને એમાંથી છ લોકોને ઈજા પહોંચી છે.
રેલવે પ્રોટેક્શન ફૉર્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર છ ઈજાગ્રસ્તોને ચંદ્રપુર સ્ટીલ હૉસ્પિટલ લઈ જવાયા છે. આ દુર્ઘટના રવિવાર સાંજે 4:45 વાગ્યે ઘટી હતી.
'ઇન્ડિયા ટુડે'ના અહેવાલ અનુસાર આઠ લોકોની સ્થિતિ ગંભીર જણાવાઈ રહી છે.
જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે મુસાફરો પ્લૅટફૉર્મ નંબર 1થી 4 તરફ જઈ રહ્યા હતા.
‘કૉંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું?’ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતમાં આપ્યો જવાબ
કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ડેડિયાપાડામાં ચૂંટણીસભા યોજી હતી. જેમાં તેમણે કૉંગ્રેસે 70 વર્ષમાં કરેલાં કામો ગણાવ્યાં હતાં. ખડગેએ કહ્યું હતું કે ‘મોદી અને શાહ પૂછે છે કે કૉંગ્રેસે છેલ્લાં 70 વર્ષમાં શું કર્યું? કૉંગ્રેસે છેલ્લાં 70 વર્ષમાં કંઈ ના કર્યું હોત આજે આપણે લોકશાહી જોઈ ના હોત.’મલ્લિકાર્જુન ખડગેના ભાષણના મુદ્દા
- વડા પ્રધાન ડબલ ઍન્જિનની વાત કરે છે. જો ડબલ ઍન્જિન લગાવાયાં બાદ પણ ગાડી ના ચાલે તો નવા ઍન્જિનવાળી ગાડી લાવવી જોઈએ.
- મહાત્મા ગાંધીએ આઝાદી અપાવી, વલ્લભભાઈએ એકતા બનાવી, નહેરુએ લોકતંત્રનો પાયો નાખ્યો એટલે આખો દેશ લોકશાહી અનુસાર ચાલી રહ્યો છે.
- અમારું કામ મજબૂત છે. આજે પુલનું કામ કર્યું અને કાલે તૂટી જાય એવું અમારું કામ નથી.
- 70 વર્ષમાં અમે કંઈ ના કર્યું હોત તો લોકશાહી ના મળત.
- સંઘના કાર્યાલય, ભાજપના કાર્યાલયમાં છેલ્લાં 25-30 વર્ષ પહેલાં સુધી સરદાર પટેલની તસવીર કેમ નહોતી?
- સંઘના કાર્યાલયમાં હજુ પણ આંબેડકરની તસવીર નથી. મત મેળવવા માટે આંબેડકરને નમન કરે છે.
આ ઉપરાંત તેમણે ગુજરાતના બાળકોમાં કુપોષણની સ્થિતિ, બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓ પર પણ વાત કરી હતી.ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્મા ઉપરાંત ખડેગની સાથે રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત પણ આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા.
પાકિસ્તાન : ઇમરાન ખાનના સેનેટર આઝમ સ્વાતીની ધરપકડ
પાકિસ્તાનમાં પોલીસે ઇમરાન ખાનના પક્ષના સેનેટર આઝમ ખાન સ્વાતીની સૈન્ય વિરુદ્ધ નિવેદનો આપવા બદલ ધરપકડ કરી છે.
આઝમ સ્વાતીએ ટ્વિટર પર કરેલી પોસ્ટમાં સૈન્યના ટોચના અધિકારીઓ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.એમના પર સૈન્યવિરુદ્ધ અભિયાન ચલાવવાનો આરોપ છે.
આઝમ સ્વાતીની બે સપ્તાહ પહેલાં આ પોસ્ટના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.
આઝમ સ્વાતી પર મીડિયાના કાર્યક્રમોમાં સામેલ થવા પર રોક છે અને તેમનાં જૂનાં નિવેદનોના પ્રસારણ પર પણ પ્રતિબંધ છે.
ઇમરાન ખાને આઝમ સ્વાતીની ધરપકડની નિંદા કરી છે.
'કૉંગ્રેસને પાંચ સીટ આવશે' એવા કેજરીવાલના નિવેદન પર ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ શું કહ્યું?
'...તો પાકિસ્તાન ભારતમાં રમવા નહીં આવે' એવા રમીઝ રાઝાએ આપેલા નિવેદનનો અનુરાગ ઠાકુરે શો જવાબ આપ્યો?
ભારતના ખેલમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે ભારત ખેલજગતમાં બહુ મોટી શક્તિ બની ગયું છે અને વિશ્વનો કોઈ દેશ એને નજરઅંદાજ કરી શકે એમ નથી.
દિલ્હીમાં યોજાઈ રહેલી એમસીડીની ચૂંટણીના પ્રચાર દરમિયાન પુછાયેલા એક સવાલના જવાબમાં તેમણે કહ્યું, "હું કહીશ યોગ્ય સમયની રાહ જુઓ. ભારત ખેલજગતમાં એક બહુ મોટી શક્તિ છે.ભારતને આજે કદાચ વિશ્વનો કોઈ પણ દેશ નજરઅંદાજ ના કરી શકે."
માનવામાં આવી રહ્યું છે કે ખેલમંત્રીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખના નિવેદન પર આ પ્રતિક્રિયા આપી હતી.
આ પહેલાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ શુક્રવારે બીસીસીઆઈના સચિવ જય શાહના એક નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે જો પાકિસ્તાનમાં યોજાઈ રહેલા એશિયા કપમાં ભારત સામેલ નહીં થાય તો વર્ષ 2023માં ભારતમાં થનારા વિશ્વકપમાં પાકિસ્તાન ભાગ નહીં લે.
શું છે સમગ્ર મામલો?
આ મામલાની શરૂઆત ગત મહિને થઈ હતી. એ વખતે બીસીસીઆઈના સચિવ જય શાહે 2023માં યોજાનારા એશિયા કપ માટે ભારતીય ટીમના પાકિસ્તાનમાં જવા અંગે વાંધો વ્યક્ત કર્યો હતો. એમણે આ ટુર્નામેન્ટનું આયોજન કોઈ બીજી જગ્યાએ કરવું જોઈએ એવી પણ વાત કરી હતી.
એ બાદ પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાઝાએ 'ઉર્દૂ ન્યૂઝ'ને શુક્રવારે આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ નિવેદન અંગે જવાબ આપતાં કહ્યું હતું, "જો આગામી વર્ષે ભારતમાં યોજાનારા ઓડીઆઈ વિશ્વકપમાં પાકિસ્તાન નહીં રમે તો એને કોણ જોશે? અમારું વલણ સ્પષ્ટ છે, જો ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન આવશે તો જ પાકિસ્તાની ક્રિકેટ ટીમ ભારતમાં વિશ્વકપ માટે રમવા આવશે. અમે એક ઍગ્રેસિવ રસ્તો અપનાવીશું. અમારી ટીમ આ વખતે ફૉર્મમાં છે."
તેમણે વધુમાં ઉમેર્યું હતું, "મેં હંમેશાં કહ્યું છે કે અમારે પાકિસ્તાન ક્રિકેટના અર્થતંત્રમાં સુધારો કરવાની જરૂર છે અને આવું ત્યારે જ થઈ શકે જ્યારે અમે સારું પ્રદર્શન કરીએ. 2021માં ટી20 વર્લ્ડકપમાં અમે ભારતને હરાવ્યું હતું. એશિયા કપમાં અમે ભારતને હરાવ્યું. એક વર્ષમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે એક અબજ ડૉલરના અર્થતંત્રવાળી ટીમને બરબાદ કરી નાખી."
ભારત-ન્યૂઝીલૅન્ડ વચ્ચેની બીજી મૅચ વરસાદને લીધે રદ
ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે સિરીઝની બીજી વનડે મૅચ રમાવાની હતી. જોકે સતત બે વાર પડેલા વરસાદને કારણે આ મૅચ રદ કરવામાં આવી છે.
ભારતે ન્યૂઝીલૅન્ડ સામે ટૉસ હારીને બેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન વરસાદને કારણે 4.5 ઓવર બાદ રમત રોકવી હતી અને પછી ફરી વાર શરૂ થઈ હતી.
જોકે 12.5 ઓવર બાદ ફરી વરસાદ શરૂ થયો હતો. ત્યાર બાદ મૅચ શરૂ ન કરી શકાઈ અને અમ્પાયરે મૅચ રદ કરવાનો નિર્ણય કર્યો હતો.
ભારતના કૅપ્ટન શિખર ધવન માત્ર ત્રણ રન કરીને આઉટ થયા હતા. જો શુભમન ગીલ 45 અને સૂર્યકુમાર યાદવ 34 રન કરીને ક્રિઝ પર મૌજુદ હતા.
નોંધનીય છે કે શુક્રવારે રમાયેલી વનડે મૅચમાં ન્યૂઝીલૅન્ડે ટીમ ઇન્ડિયાને સાત વિકેટથી હરાવ્યું હતું.
હવે સિરીઝની ત્રીજી અને અંતિમ મૅચ બુધવારે રમાશે.
બ્રેકિંગ, ભારતના ગણતંત્ર દિવસ પર મુખ્ય મહેમાન કોણ હશે, વિદેશ મંત્રાલયે જણાવ્યું નામ
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિમંત્રણ પર ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતહ અલ-સિસિ 2023માં ગણતંત્ર દિવસ પર થનારી પરેડમાં ચીફ ગેસ્ટ હશે.
વિદેશ મંત્રાલયે રવિવારે સત્તાવાર નિવેદન આપીને કહ્યું કે પહેલી વાર એવું થશે કે દેશના ગણતંત્ર દિવસ પર ઇજિપ્તના રાષ્ટ્રપતિ ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેશે.
નિવેદનમાં કહેવાયું કે ભારત અને ઇજિપ્તના ગાઢ સંબંધો છે અને બંને દેશ આ વર્ષે કૂટનીતિક સંબંધ બનવાની 75મી વર્ષગાંઠ ઊજવી રહ્યા છે.
ગુજરાત 2002નાં રમખાણના બે ચહેરા, 20 વર્ષ પછી તેઓ શું વિચારે છે?
છેલ્લાં આઠ વર્ષમાં PM મોદીની લોકપ્રિયતામાં કેટલો ફેરફાર થયો?
દૈનિક સમાચારપત્ર જનસત્તાએ ગુજરાત ચૂંટણીને લઈને એક વિશેષ અહેવાલ પ્રકાશિત કર્યો છે. જેમાં 2009થી લઈને 2022 સુધીમાં ગુજરાત અને દેશમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વિશે જણાવવામાં આવ્યું છે.
સમાચારપત્રે ‘સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ’ દ્વારા જાહેર કરાયેલા આંકડાને ટાંકીને લખ્યું છે કે વર્ષ 2009માં નરેન્દ્ર મોદી દેશમાં બે ટકા અને ગુજરાતમાં 17 ટકા લોકપ્રિય હતા.
જ્યારે વર્ષ 2014માં વડા પ્રધાન બન્યા બાદ મોદીની લોકપ્રિયતામાં વધારો થયો છે. એ વર્ષે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ગુજરાતમાં 49 ટકા અને દેશમાં 35 ટકા હતી.
વર્ષ 2019માં તેમાં પાછો વધારો જોવા મળ્યો. તે વર્ષે તેમની લોકપ્રિયતા દેશમાં 47 અને ગુજરાતમં 68 ટકા સુધી પહોંચી હતી.
જોકે, વર્ષ 2022માં તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો ગુજરાતમાં અને દેશભરમાં જોવા મળ્યો. 2022માં મોદીની લોકપ્રિયતા દેશમાં 44 ટકા અને ગુજરાતમાં 53 ટકા રહી.
વર્ષ 2014માં નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા. ત્યારથી તેમની લોકપ્રિયતા વધી રહી છે.
ગુજરાતમાં માત્ર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે લડાઈ છે- વિજય રૂપાણી
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામી ગયો છે અને નેતાઓ એકબીજા પક્ષ પર વિવિધ આરોપ પણ લગાવી રહ્યા છે અને વાયદાઓ કરીને પોતાને મત આપવાની અપીલ કરી રહ્યા છે.
તો ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે આ ચૂંટણી પણ ભાજપ બહુમતીથી જીત મેળવશે.
વિજય રૂપાણીએ આ સંભવિત જીત પાછળ ભારતીય જનતા પાર્ટીએ કરેલાં વિકાસકાર્યો ગણાવ્યાં હતાં.
તેમણે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કરતા કહ્યું કે ભાજપ સિવાય કોઈ પાર્ટીનું અસ્તિત્વ નથી.
2017ની ચૂંટણીમાં કૉંગ્રેસે 77 સીટ મેળવી હતી અને ભાજપને 99 સીટ મળી હતી. તો આ સમયે કૉંગ્રેસના પ્રદર્શન પર તેમણે કહ્યું કે "2017માં કૉંગ્રેસ સત્તા મેળવવા માટે ઝૂઝી રહી હતી. આજે કૉંગ્રેસ નેતાવિહીન અને નિરાશ છે, તે અસ્તિત્વ માટે ઝૂઝી રહી છે."
ગુજરાતમાં આ સમયે આમ આદમી પાર્ટીની પણ ચર્ચા થઈ રહી છે અને ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે.
વિજય રૂપાણીએ ગુજરાતમાં પાર્ટીઓ વચ્ચેની ટક્કર મામલે કહ્યું કે "આમ આદમી પાર્ટીનું કોઈ અસ્તિત્વ નથી, માત્ર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે લડાઈ છે."
સ્થાનિક ચૂંટણીમાં હાર બાદ તાઇવાનનાં રાષ્ટ્રપતિએ પાર્ટી અધ્યક્ષપદેથી આપ્યું રાજીનામું
તાઇવાનનાં રાષ્ટ્રપતિ સાઈ ઇંગ-વેને સ્થાનિક ચૂંટણીમાં પોતાની પાર્ટી ડૅમોક્રૅટિક પીપલ્સ પાર્ટી (ડીપીપી)ના ખરાબ પ્રદર્શન બાદ શનિવારે પાર્ટી અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું છે.
આ ચૂંટણીમાં વિપક્ષી પાર્ટી કુઓમિન્તાંગ (કેએમટી)નું ઘણું સારું પ્રદર્શન રહ્યું અને રાજધાની તાઇપેઈ સહિત ઘણાં મુખ્ય શહેરોમાં જીત હાંસલ કરી છે.
તાઇવાનમાં યોજાયેલી આ ચૂંટણી પર વિશ્વભરની નજર હતી. છેલ્લા કેટલાક સમયથી તાઇવાન મુદ્દે ચીન અને અમેરિકા આમને-સામને રહ્યા છે અને આ દ્વીપ વૈશ્વિક રાજનીતિની ચર્ચાનાં કેન્દ્રમાં રહ્યો છે.
ચીન અને તાઇવાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ સાઈ ઇંગ વેને આ ચૂંટણીમાં ‘લોકતંત્ર માટે વોટ’ સૂત્ર આપ્યું હતું.
શનિવારે ચૂંટણી પરિણામ જાહેર થયાં બાદ સાઈએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, “ચૂંટણી પરિણામ એવાં નથી, જેની અમને આશા હતી. હું આ પરિણામની જવાબદારી સ્વીકારું છું અને તાત્કાલિક ધોરણે ડીપીપીના અધ્યક્ષપદેથી રાજીનામું આપું છું.”
સ્થાનિક પરિષદો અને શહેરના મેયરની ચૂંટણીના મુખ્ય મુદ્દામાં ગુનાખોરી, આવાસ અને સામાજિક કલ્યાણ જેવા મુદ્દાનો સમાવેશ થતો હતો.
આ ચૂંટણીનો સીધો સંબંધ કોઈ પણ રીતે ચીન કે વિદેશી નીતિઓ સાથે ન હતો, પરંતુ ડીપીપીએ લોકોને વોટ માટેની અપીલમાં દેશના લોકતંત્ર વિશે વિચારીને વોટ કરવા કહ્યું હતું.
કતારગામમાં ગોપાલ ઇટાલિયાની જાહેરસભા દરમિયાન પથ્થરમારો, બાળકને ઇજા
સુરતના કતારગામ વિસ્તારમાં શનિવારે રાત્રે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાની જાહેરસભામાં પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં એક બાળકને ઇજા પહોંચી છે.
એનડીટીવીના અહેવાલ પ્રમાણે, ગોપાલ ઇટાલિયાએ આ ઘટના પાછળ ભાજપનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે કતારગામમાં આમ આદમી પાર્ટીની ચાલુ સભા દરમિયાન થયેલા પથ્થરમારામાં એક બાળકને ઇજા પહોંચી છે.
આ ઘટનાને લઈને ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કર્યું કે “કતારગામમાં ચૂંટણી હારવાના ડરથી ભાજપ હેબતાઈ ગયો છે. ભાજપના ગુંડાઓએ આજે મારી જાહેરસભા પર પથ્થરમારો કર્યો. જેમાં એક બાળક પથ્થર વાગવાથી ઇજાગ્રસ્ત થયું છે.”
તેમણે આગળ લખ્યું, “27 વર્ષમાં જો કોઈ કામ કર્યાં હોત તો આજે આમ આદમી પાર્ટીની સભામાં પથ્થર ન ફેંકવા પડ્યા હોત. ભાજપના પથ્થરબાજોને જનતા ઝાડુથી જવાબ આપશે.”
ચીનમાં કોરોના લૉકડાઉન વિરુદ્ધ લોકોનું વિરોધપ્રદર્શન
સોશિયલ મીડિયા પર ચીનમાં કોરોના લૉકડાઉનના કડક નિયમો વિરુદ્ધ સામાન્ય લોકોના વિરોધપ્રદર્શનના વીડિયો સામે આવી રહ્યા છે.
આ પ્રદર્શન એવા સમયે થઈ રહ્યા છે જ્યારે ગુરુવારે એક ઍપાર્ટમેન્ટ બ્લૉકમાં આગ લાગ્યા બાદ 10 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
લોકોનો આરોપ છે કે કોરોનાના કારણે લગાવવામાં આવેલા આકરા પ્રતિબંધોના કારણે લોકોના જીવ બચાવી શક્યા નહોતા.
ચીનના ઉરુચમચીમાં લોકો અને સુરક્ષાબળો વચ્ચે ઘર્ષણનાં દૃશ્યો જોવાં મળ્યાં. ત્યાં લોકો સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા કે ‘કોવિડ લૉકડાઉન ખતમ કરો’.
ચીનમાં ‘ઝીરો-કોવિડ પૉલિસી’ લાગુ હોવા છતાં કોરોના સંક્રમણના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.
ઉરુમચી પ્રશાસને કહ્યું કે તેઓ હવે પ્રતિબંધોને ધીરેધીરે હળવા કરશે. જોકે, પ્રશાસને લોકોના આરોપોને રદિયો આપ્યો હતો કે લૉકડાઉનના કારણે લોકો પોતાનો જીવ બચાવી શક્યા ન હતા.
ઑગસ્ટ મહિનાની શરૂઆતથી જ પશ્ચિમ શિનજિયાંગ ક્ષેત્રની રાજધાની ઉરમચીમાં કોરોનાને કારણે આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.
ગુરુવારે થયેલી દુર્ઘટના બાદ ઇમારતમાં રહેનારા એક વ્યક્તિએ બીબીસીને જણાવ્યું કે જે કમ્પાઉન્ડમાં આગ લાગી હતી, ત્યાં રહેતા લોકોને લૉકડાઉનના નિયમોના કારણે પોતાનાં ઘરોમાંથી બહાર નીકળવાથી રોકવામાં આવ્યા હતા.
આ દાવાને ચીનના સરકારી મીડિયાએ રદિયો આપ્યો છે.
જોકે, ઉરુમચીના અધિકારીઓએ શુક્રવારે મોડી રાતે એક માફીનામું રજૂ કર્યું અને કહ્યું,“જેણે પણ પોતાની કામગીરીમાં બેદરકારી દાખવી છે, એ તમામ લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.”
ઈમામોને પગાર આપવો એ બંધારણને અનુરૂપ નથી : કેન્દ્રીય માહિતી કમિશનર
કેન્દ્રીય સૂચના આયોગે કહ્યું છે કે મસ્જિદોમાં ઈમામોને પગાર આપવાનો સુપ્રીમ કોર્ટનો 1993નો આદેશ બંધારણને અનુરૂપ નથી. આ એક ખોટું ઉદાહરણ રજૂ કરવાની સાથેસાથે અનાવશ્યક રાજનૈતિક વિવાદ તેમજ સામાજિક અસમંજસનું કારણ બની શકે છે.
એક આરટીઆઈમાં દિલ્હી સરકાર અને દિલ્હી વકફ બૉર્ડ દ્વારા ઈમામોને આપવામાં આવનારા વેતનની જાણકારી માગવામાં આવી હતી, જેની સુનાવણી દરમિયાન કેન્દ્રીય સૂચના કમિશનર ઉદય માહુરકરે આ ટિપ્પણી કરી હતી.
તેમણે કહ્યું, "કોર્ટનો આદેશ એ સંવિધાનિક જોગવાઈઓનું ઉલ્લંઘન છે, જેમાં કહેવાયું છે કે કરદાતાઓના પૈસાનો ઉપયોગ કોઈ વિશેષ ધર્મના પક્ષમાં ન કરવામાં આવે."
તેમણે કોર્ટના જે આદેશને ટાંક્યો એ આદેશ સુપ્રીમ કોર્ટે વર્ષ 1993માં અખિલ ભારતીય ઈમામ સંગઠન દ્વારા કરાયેલી અરજી પર આપ્યો હતો. જેમાં વકફ બૉર્ડને તેમના અંતર્ગત આવતી મસ્જિદોના ઈમામને પગાર ચૂકવવાનો આદેશ અપાયો હતો.
કેન્દ્રીય માહિતી કમિશનરે વધુમાં કહ્યું, "માત્ર મુસ્લિમ લઘુમતીને આ પ્રકારે પગાર આપવાથી અન્ય લઘુમતી સમુદાયને પણ ખોટું લાગી શકે છે."
પાકિસ્તાન : ઇમરાન ખાને તમામ ઍસેમ્બલી સીટ છોડવાની કરી જાહેરાત
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન અને તહરીક-એ-ઇન્સાફના ચૅરમૅન ઇમરાન ખાને તમામ ઍસેમ્બલી સીટ છોડવાનો નિર્ણય લીધો છે.
તેમણે રાવલપિંડીમાં આયોજિત એક રેલીમાં આ જાહેરાત કરી હતી.
ઇમરાન ખાને કહ્યું, “અમે તમામ ઍસેમ્બલી સીટો છોડવાનો નિર્ણય લીધો છે. જલદી જ અમે તે માટેની તારીખ જાહેર કરીશું.”
“અમારે સંસ્થાઓ પર દબાણ ઊભું કરવું પડ્યું, કારણ કે અર્થવ્યવસ્થા ખરાબ સ્થિતિમાં છે અને તેમની પાસે કોઈ સમાધાન નથી.”
તેમણે કહ્યું, “હું તાકતવર સંસ્થાનોને કહેવા માગું છું કે આ દેશ ડિફૉલ્ટર થવા તરફ આગળ વધી રહ્યો છે. જ્યારે કોઈ દેશની આર્થિક સુરક્ષામાં ઘટાડો થાય તો તેની રાષ્ટ્રીય સુરક્ષા પર પણ અસર થાય છે.”
પીટીઆઈ પ્રમુખે કહ્યું કે જો ચૂંટણી નવ મહિના બાદ યોજાય તો પણ તેઓ જ જીતશે.
સાથે જ ઇમરાને એમ પણ કહ્યું કે તેઓ સરમુખત્યારશાહી ઇચ્છતા નથી. જેથી રાવલપિંડીમાં ઉપસ્થિત રહીને પોતાની વાત મૂકી રહ્યા છે.
ઇમરાને કહ્યું, “હું ઇસ્લામાબાદથી આપ સૌ વચ્ચે ઑનલાઇન ઉપસ્થિત રહી શકતો હતો પણ મેં મારી સમગ્ર રાજનીતિ બંધારણ અને કાયદામાં રહીને કરી છે અને હું સરમુખત્યારશાહી ઇચ્છતો નથી.”
ઇમરાન ખાનની પીટીઆઈ પાર્ટી હાલ પંજાબ, ખૈબર પખ્તૂનવાહ , પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર અને ગિલગિટ બાલ્તિસ્તાનમાં સત્તામાં છે.
ઇમરાન ખાને વધુમાં કહ્યું કે તેઓ રાવલપિંડી ચૂંટણી કે રાજનીતિ માટે આવ્યા નથી.
ઉલ્લેખનીય છે કે 3 નવેમ્બર 2022ના દિવસે ઇમરાન ખાનની લૉન્ગ માર્ચ દરમિયાન તેમને પગમાં ગોળી વાગ્યા બાદ માર્ચ રોકી દેવામાં આવી હતી. હવે ફરી એક વખત રાવલપિંડીથી તેની શરૂઆત કરવામાં આવી છે.
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
26 નવેમ્બરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.