દિલ્હી નગરનિગમની ચૂંટણી પહેલાં ભાજપ
અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપ-પ્રત્યારોપ વધી રહ્યા છે.
નવી દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ
સિસોદિયાએ આરોપ લગાવ્યો છે કે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની હત્યા
કરવાનું ભાજપ કાવતરું ઘડી રહ્યો છે.
તેમણે ભાજપના નેતા મનોજ તિવારીના એક
ટ્વિટને લઈને સંબંધિત વાત કરી છે.
મનોજ તિવારીએ ગુરુવારે એક ટ્વીટ કર્યું
હતું, "અરવિંદ કેજરીવાલની સુરક્ષાને લઈને હું
ચિંતિત છું કેમ કે સતત ભ્રષ્ટાચાર, ટિકિટોનું વેચાણ તેમજ જેલમાં
બળાત્કારીઓ સાથે દોસ્તી તથા મસાજ પ્રકરણને લઈને આપના કાર્યકરો તેમજ જનતામાં ગુસ્સો
છે. તેમના ધારાસભ્યોને માર પણ પડી છે. એટલે દિલ્હીના મુખ્ય મંત્રી સાથે આવું ના
થાય... સજા ન્યાયાલય જ આપે."
આના પર સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું,
"દિલ્હી અને ગુજરાતમાં ચૂંટણીનો જે પ્રકારનો
માહોલ બન્યો છે, એનાથી ભારતીય જનતા પક્ષ ભારે ગભરાઈ ગયો
છે અને પોતાના ષડયંત્રોથી ઉપર ઊઠીને હત્યાનો પ્લાન બનાવી રહ્યો છે.”
“તેમણે ચૂંટણી પહેલાં અરવિંદ કેજરીવાલજીને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો
પરંતુ તેઓ સફળ ન રહ્યા તો કાલે મનોજ તિવારીજીએ એક રીતે કેજરીવાલજીને ધમકી આપી છે.
જેનાંથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભારતીય જનતા પક્ષ અરવિંદ કેજરીવાલજીની હત્યા
કરવાનું કાવતરું ઘડી રહ્યો છે.”
સિસોદિયાએ કહ્યું, “મનોજ તિવારીજીએ કાલે જે ભાષામાં વાત કરી છે, તે
સંપૂર્ણપણે ખુલ્લેઆમ આપેલી ધમકી છે. તેઓ કહી રહ્યા છે કે કોઈ હુમલો કરી શકે છે.
જોકે, તેમને આ અંગે ખબર કેવી રીતે પડી, સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ. આજે અમે આ વિશે
ચૂંટણીઆયોગને અને પોલીસને ફરિયાદ કરીશું અને અમારી માગ છે કે અરવિંદ કેજરીવાલજીને
હત્યાની ધમકી આપવાના આરોપસર મનોજ તિવારીજીની ધરપકડ કરવામાં આવે અને આ કેસની ઉંડાણપૂર્વક
તપાસ કરવામાં આવે.”
હવે મનોજ તિવારીએ આમ આદમી પાર્ટીના
આરોપો પર જવાબ આપ્યો છે.
તેમણે કહ્યું, “મેં ગઈકાલે અરવિંદ કેજરીવાલજીની સુરક્ષાની
ચિંતા કરી હતી. હું તો ઇચ્છું છું કે તેઓ સુરક્ષિત રહે. જે રીતે તેમના ધારાસભ્યો
માર ખાઈ રહ્યા છે, તેમનો એક કાર્યકર્તા મૃત્યુ પામ્યો છે. આ સ્થિતિ અત્યંત
ચિંતાજનક છે. અમારું ટ્વીટ વાંચો, અમે શું લખ્યું છે. આ હત્યાની ધમકીની સ્ક્રિપ્ટવાળી
વાત આમ આદમી પાર્ટી વર્ષોથી કરતી આવી છે.”
મનોજ
તિવારીએ કેટલાક ટ્વીટ્સ પણ દેખાડ્યા જેમાં તેમણે દાવો કર્યો કે પહેલાં પણ આમ આદમી
પાર્ટીએ ભાજપ પર સીએમ કેજરીવાલની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હોય. તેમણે
વર્ષ 2019નું મનીષ સિસોદિયાનું ટ્વીટ પણ દેખાડ્યું.
તેમણે કહ્યું કે વર્ષ બદલાય છે પરંતુ
તેમના આરોપ એ જ રહે છે.
દિલ્હીમાં ચાર ડિસેમ્બરે નગર નિગમની
ચૂંટણી માટે મતદાન યોજાશે. આ પહેલાં બંને પાર્ટીઓ વચ્ચે જબરદસ્ત ટક્કર છે. નગર
નિગમની ચૂંટણીના પરિણામો સાત ડિસેમ્બરે જાહેર થશે.