મુકેશ અંબાણીની જગ્યાએ તાતાને પોતાની કંપની કેમ વેચી રહ્યા છે બિસલરીના માલિક
તાતા ગ્રૂપ 7 હજાર કરોડ રૂપિયામાં બિસલરીની કંપની ખરીદવા જઈ રહ્યું છે.
અંગ્રેજી અખબાર ધ ઇકૉનૉમિક ટાઇમ્સે બિસલરી ઇન્ટરનેશનલના માલિક રમેશ ચૌહાણ સાથે થયેલી વાતચીતના આધારે આ માહિતી આપી છે.
રમેશ ચૌહાણે જણાવ્યું હતું કે “તેમણે પોતાની કંપની વેચવા માટે તાતા ગ્રૂપને જ કેમ પસંદ કર્યું કારણ કે રિલાયન્સ અને નેસ્લે જેવી મોટી કંપનીઓ પણ બિસલરીને ખરીદવાનું વિચારી રહી હતી.”
રમેશ ચૌહાણે ત્રણ દાયકા પહેલાં ‘થમ્સઅપ’, ‘ગોલ્ડ સ્પૉટ’, ‘લિમ્કા’ અને માઝા જેવી સૉફ્ટ ડ્રિન્ક બ્રાન્ડ મલ્ટિનેશનલ કંપની કોકા-કોલાને વેચી દીધી હતી.
ત્યારબાદ હવે તે તાતા ગ્રૂપને બિસલરી વેચવા જઈ રહ્યા છે.
થોડા સમય પહેલાં રમેશ ચૌહાણની તાતા સન્સના અધ્યક્ષ એન. ચંદ્રશેખરન અને ટાટા કન્ઝ્યૂમર્સના સીઈઓ સુનીલ ડીસુઝા સાથે મુલાકાત થઈ હતી.
રમેશ ચૌહાણે વધુમાં કહ્યું હતું કે “હું સ્પષ્ટ કરવા માગું છું કે, આ નિર્ણય પૈસાને ધ્યાનમાં રાખીને લેવામાં નથી આવ્યો. હું આ વાતને લઈને ઘણો ચિંતિત હતો કે આ કંપનીને એવું બિઝનેસ ગ્રૂપ મળે, જે તેની મારી જેમ જ સારસંભાળ રાખે. મેં આ બિઝનેસ ઘણી મહેનત સાથે ઊભો કર્યો છે અને હવે એટલા જ જુસ્સાથી લોકો ચલાવી રહ્યા છે.”
વર્ષ 2023ના નાણાકીય વર્ષમાં બિસલરીનું વાર્ષિક ટર્નઓવર 2500 કરોડ રહેવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે, જેમાં લગભગ 220 કરોડ રૂપિયાનો નફો થશે.