You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC Exclusive: કારગિલમાં અમે એ જ ભૂલ કરી જે 1965માં કરી હતી : પાકિસ્તાનના પૂર્વ મંત્રી
ભારત અને પાકિસ્તાન વચ્ચે લડાયેલા કારગિલ યુદ્ધને 20 વર્ષ થયાં છે ત્યારે એ વખતના પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી મુશાહિદ હુસૈન સૈયદે બીબીસી સાથે વાતચીત કરી છે. એમણે એવો દાવો કર્યો કે વડા પ્રધાન નવાઝ શરીફ પોતે પણ કારગિલથી અજાણ હતા.
પાકિસ્તાન સ્થિત બીબીસી સંવાદદાતા શુમાઈલા જાફરી સાથે વાત કરતા કારગિલ યુદ્ધ સમયના પાકિસ્તાનના મંત્રી મુશાહિદ હુસૈન સૈયદે અનેક મુદ્દે વાતચીત કરી હતી.
તેમણે કહ્યું કે "આઈએસપીઆર (પાકિસ્તાની સેવાની પ્રચાર પાંખ, ઇન્ટર-સર્વિસિઝ પબ્લિક રિલેશન) તરફથી મને એમ કહેવામાં આવ્યું કે ત્યાં કાશ્મીરી મુજાહિદો છે."
"પરંતુ જ્યારે બધું જાહેરમાં થયું, ત્યારે મને કહેવામાં આવ્યું કે હું મીડિયાને જાણ કરું."
સૈયદ ઉમેરે છે, "પત્રકારોને સંબોધતાં પહેલાં મેં એવી માગ કરી કે હું એકલો નહીં સંબોધું."
"મારી બાજુમાં જમણે ડીજી આઈએસપીઆર બ્રિગેડીયર રાશિદ કુરેશી અને ડાબે વિદેશી બાબતોના પ્રવક્તા હોવા જોઈએ."
આ પત્રકારપરિષદ શરૂ થવાની હતી ત્યારે જ તેમને એવું કહેવામાં આવ્યું કે કારગિલમાં પાકિસ્તાની સૈનિકો છે. કારગિલમાં પાકિસ્તાનની નૉર્ધન ઇન્ફન્ટ્રી હતી.
કારગિલ વખતે શું પાકિસ્તાન અણુશસ્ત્રનો ઉપયોગનો વિચાર કરી રહ્યું હતું? ખરેખર પાકિસ્તાનનું કેટલું નુકશાન થયું?
તેમજ કારગિલ માટે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં ભરાયાં કે નહીં? આ તમામ બાબતો વિશે એમણે ખુલ્લીને વાત કરી.
શું કારગિલ વખતે પાકિસ્તાન અણુશસ્ત્રોના ઉપયોગ અંગે વિચાર કરી રહ્યું હતું?
આ અંગે તેમણે કહ્યું, "પાકિસ્તાનમાં અણુશસ્ત્રોના ઉપયોગની કોઈ વાત નહોતી થઈ. કેમ કે હજી યુદ્ધ શરૂ જ નહોતું થયું, માત્ર ઘર્ષણ ચાલી રહ્યું હતું."
જનરલ મુશર્રફનો દાવો હતો કે પાકિસ્તાન આ લડાઈ જીતી શકે તેમ હતું, પરંતુ રાજકીય કારણોને લીધે હારી ગયું, પણ પૂર્વ મંત્રી સૈયદે અલગ જ વાત કરી.
એમણે કહ્યું કે "હું એમની સાથે સહમત નથી. અમે જે ભૂલ 1965માં કરી તે જ ભૂલ કારગિલ વખતે કરી."
"અમારે ત્યાં સંસ્થાકીય નિર્ણય પદ્ધતિ નથી. કાશ્મીર ભયજનક સ્થિતિનો ભોગ બન્યું અને અમેરિકા સાથે ભારતનો સંબંધ બંધાયો."
કારગિલના યુદ્ધ માટે જવાબદાર લોકો પર પગલાં લેવાયાં કે નહીં તે અંગે વાત કરતા તેમણે કહ્યું, "પાકિસ્તાનમાં જેઓ સરકારમાં હોય તેમની ક્યારેય જવાબદારી નથી હોતી. જવાબદારી માત્ર અનાથોની હોય છે, લાચારની હોય છે."
અટલ બિહારી વાજપેયીની મુલાકાતથી પાકિસ્તાનની સૈન્ય નારાજ હતું કે કેમ એ અંગે પણ તેમણે વાત કરી.
મુશાહિદ હુસૈન સાથેની વાતચીત જુઓ આ ખાસ ઇન્ટરવ્યૂમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો