(COPY)

રાહુલ ગાંધી: શું એક બ્રાન્ડ બની શક્યા છે?

ફૈસલ મોહમ્મદ અલી
બીબીસી સંવાદદાતા, દિલ્હી

ભારતમાં ઘટી રહેલી ઠંડી વચ્ચે ચૂંટણીની ગરમી વધી રહી છે. એક તરફ એનડીએ દિવસરાત મજબૂત થતું દેખાય છે; તો બીજી તરફ, વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની ગાંઠ ઢીલી પડી રહી હોવાની વાતો થઈ રહી છે.

2024ની સામાન્ય ચૂંટણીમાં મુખ્ય ટક્કર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાધારી ભાજપ અને 50 બેઠકોમાં સીમિત થઈ ગયેલી કૉંગ્રેસ પાર્ટી વચ્ચે જ હોવાનું દેખાઈ રહ્યું છે.

અને કદાચ આ જ કારણે, વડા પ્રધાન મોદીએ પોતાનાં મોટા ભાગનાં રાજકીય ભાષણોને નહેરુ, રાહુલ ગાંધી, અને કૉંગ્રેસ પર કેન્દ્રિત રાખ્યાં છે.

મોદી અને તેમની પાર્ટીના અન્ય નેતાઓ કૉંગ્રેસ, અને ખાસ તો રાહુલ ગાંધી પર સતત હુમલા કરતા રહ્યા છે. રાહુલ ગાંધીની એક ખાસ પ્રકારની છબી ઊભી કરવાની કોશિશ કરતા રહ્યા છે. સવાલ એ છે કે આવું કરવા પાછળ ખરેખર કયું કારણ હોઈ શકે?

એક કારણ તો એ હોઈ શકે કે કૉંગ્રેસ હજુ પણ સત્તારૂઢ ભાજપ પછીની દેશની બીજી સૌથી મોટી પાર્ટી છે. ગઈ લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસને ઓછી બેઠકો મળી, પણ, તેને લગભગ 20 ટકા મત મળ્યા હતા.

બીબીસી સાથેની વાતચીતમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા તારિક અનવર રાહુલ ગાંધી પર થતા સતત હુમલા વિશે કહે છે,

“વર્તમાન સમયે રાહુલ ગાંધી જ એવા થોડાઘણા લોકોમાંના એક છે જે દેશની સ્થિતિ બાબતે લાંબું વિચારી રહ્યા છે અને ભાજપને ચૅલેન્જ કરી રહ્યા છે”.

બ્રાન્ડ ગુરુ સંદીપ ગોયલ માને છે કે રાહુલ ગાંધી

“કંઈક ને કંઈક યોગ્ય કરી રહ્યા છે. અને કૉંગ્રેસ આજે પણ મેદાનમાં છે તો એનું મોટું કારણ બ્રાન્ડ રાહુલ છે”.

મુંબઈથી ટેલિફોન પર બીબીસી સાથે વાત કરતાં સંદીપ ગોયલે કહ્યું કે,

“નરેન્દ્ર મોદીની સરખામણીએ બ્રાન્ડ રાહુલ જોકે, બહુ નાની બ્રાન્ડ છે”.

નરેન્દ્ર મોદીથી ‘બ્રાન્ડ મોદી’ સુધી

પણ તેની સાથે જ તેઓ એક સવાલ પણ જોડી દે છે કે વર્તમાન સમયે રાજકારણના મેદાનમાં શું કોઈ વ્યક્તિ નરેન્દ્ર મોદીની બરાબરીમાં ઊભી રહી શકે છે?

તારિક અનવરના દાવા કે પછી સંદીપ ગોયલની વાતને જો સાચી માની લઈએ તો ત્યાર પછીનો સવાલ એ ઊભો થાય કે રાહુલ ગાંધી કઈ રીતે ભાજપને પડકારવાની કોશિશ કરી રહ્યા છે?

જ્યારે વડા પ્રધાન મોદી પણ ચોંકી ગયા

કંઈક છએક વર્ષ જૂની વાત છે, લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ પર વાદવિવાદ ચાલતો હતો. રાહુલ ગાંધી કહી રહ્યા હતા,

 “મારા માટે તમારામાં નફરત છે. મારા માટે તમારામાં ગુસ્સો છે. તમારા માટે હું પપ્પુ છું. તમે મને જુદી જુદી ગાળ આપી શકો છો. પણ, મારી અંદર તમારા માટે જરા સરખો ગુસ્સો, સહેજે નફરત, જરા પણ ક્રોધ નથી, કેમ કે હું કૉંગ્રેસ છું. આ બધા કૉંગ્રેસ છે. અને કૉંગ્રેસે અને આ ભાવનાએ આ દેશને બનાવ્યો છે.”

ભાષણ સમાપ્ત થયાના તરત બાદ તેઓ વડા પ્રધાન મોદીની સીટ તરફ આગળ વધ્યા અને તેમને ભેટી પડ્યા.

સમાજશાસ્ત્રી શિવ વિશ્વનાથને આ ક્ષણ (ભેટવાની)ને ઇતિહાસનું પુનરાવર્તન ગણાવી હતી,

“જ્યારે વિરોધી દળ મહત્ત્વના પ્રસંગોએ ભેદભાવ ભૂલી જતાં હતાં. જે રીતે અટલ બિહારી વાજપેયી સોનિયા ગાંધીનો ખૂબ આદર કરતા હતા. આજે રાહુલ ગાંધીએ એ ઇતિહાસની યાદ અપાવી દીધી. તે તમને જણાવે છે કે એવો ઘણો બધો ઇતિહાસ છે જેને મોદીએ સમજવો પડશે.”

જોકે, બાદમાં નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં રાહુલ ગાંધીના ‘ગળે મળવા’ને ‘ગળે પડવું’ ગણાવ્યું.

‘મહોબતની દુકાન’

રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રવાદ—ખાસ કરીને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ—ભાજપના રાજકીય અભિયાનના કેન્દ્રમાં રહ્યાં છે.

તેના જવાબમાં રાહુલ ગાંધીના મોંએ ‘મહોબતની દુકાન’ અને ‘વિચારધારાની લડાઈ’ જેવા શબ્દો છેલ્લાં થોડાં વરસોમાં વારંવાર સંભળાતા રહ્યા છે.

કેટલાક લોકોનું માનવું છે કે તેના માધ્યમથી તેઓ રાષ્ટ્રવાદ અને ભારતીય સંસ્કૃતિને વ્યાખ્યાયિત કરવાની કોશિશ કરી રહ્યા છે.

એવું માનવામાં આવે છે કે તાજેતરની તેમની બંને યાત્રાઓ ‘ભારત જોડો યાત્રા’ અને ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની પાછળ કદાચ આ જ વિચાર કામ કરી રહ્યો છે.

પૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષે ડિસેમ્બરમાં યોજાયેલી પાર્ટીના સ્થાપનાદિવસની રેલી દરમિયાન નાગપુરમાં કહેલું કે,

“લોકોને લાગે છે કે આ રાજકીય લડાઈ છે, સત્તા માટે, પણ આ લડાઈના પાયામાં વિચારધારા છે.”

પ્યાર બાંટતે ચલો, પણ…

રાહુલ ગાંધી પોતાની કૉંગ્રેસ પાર્ટીને ધર્મનિરપેક્ષ વિચારધારાવાળા વર્તુળમાં મૂકે છે, જે તેમના અનુસાર, ‘આરએસએસ–ભાજપ જેવી નફરત ફેલાવનારી શક્તિઓ’ વિરુદ્ધ ઊભી છે.

રાહુલ ગાંધીનું માનવું છે કે તેમની વિચારધારા પ્રેમ વહેંચવામાં વિશ્વાસ ધરાવે છે, જેના માટે તેમણે ‘મહોબતની દુકાન’ ખોલી છે.

તેઓ કહે છે,

“નફરતના બજારમાં મહોબતની દુકાન ખોલી રહ્યો છું. તમે મને નફરત કરો, તમે મને ગાળ દો, એ તમારા મનની વાત છે. તમારું બજાર નફરતનું, મારી દુકાન મહોબતની. અને હું માત્ર પોતાની વાત નથી કરી રહ્યો,”

તેમણે આગળ કહ્યું,

“એવું ન વિચારો કે આ માત્ર રાહુલ ગાંધી બોલે છે. આ જે આખેઆખું સંગઠન છે, જેણે દેશને આઝાદી અપાવી, મહાત્મા ગાંધી જેવા લોકો, જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, આંબેડકરજી, આઝાદ, આ બધાએ મહોબતની દુકાન ખોલી હતી. તે જ અમે કરી રહ્યા છીએ.”

ભાષણના એક ભાગમાં તેમણે ભાજપના લોકોને પણ મહોબતની દુકાન ખોલવાનું આમંત્રણ આપ્યું.

ભાજપે રાહુલ ગાંધીની ‘મહોબતની દુકાન’ને ‘નફરતનો મૉલ’ ઠરાવી દીધી, એક એવી જગ્યા જ્યાં ભાજપ અનુસાર, ‘પરિવારવાદ’, ‘જાતિવાદ’, ‘નફરત’, અને ‘તુષ્ટીકરણ’ જેવી વસ્તુઓ મળે છે.

અંગ્રેજી અખબાર ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના રાજકીય સંપાદક વિનોદ શર્મા માને છે કે રાહુલ ગાંધીને લાગે છે કે ભારત આ જ વિચારોના પાયા પર ઊભું છે.

જાણીતા ચૂંટણી વ્યૂહરચનાકાર અને જનસુરાજ અભિયાનના સંયોજક પ્રશાંત કિશોર રાહુલ ગાંધીની અત્યારે ચાલી રહેલી યાત્રાને યોગ્ય નથી ગણાવતા.

તેઓ કહે છે,

“જ્યારે તમારે મુખ્ય મથક (દિલ્હી)માં હોવું જોઈતું હતું ત્યારે તમે યાત્રા લઈને ક્ષેત્રમાં છો”.

જનતા દળ (યૂનાઇટેડ)ના મહાસચિવ કેસી ત્યાગી કહે છે,

“ધર્મનિરપેક્ષતા માત્ર આરએસએસને ગાળ દેવામાં જ નથી, ન તો મુસ્લિમ-પરસ્તી ધર્મનિરપેક્ષતા છે, તે એક સંપૂર્ણ પ્રક્રિયા છે જે આઝાદીના આંદોલનથી તૈયાર થઈ છે”.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું,

“તે માટે વૉક ધ ટૉકની જરૂર છે, એટલે કે, જે કહી રહ્યા છો તેને કરી બતાવવાની”.


આ સિલસિલામાં તેઓ મુલાયમસિંહ યાદવનું ઉદાહરણ આપે છે, જેમણે બાબરી મસ્જિદને બચાવવાના પ્રયાસો બદલ ભારે વિરોધ સહન કરવો પડ્યો હતો. અથવા જેવી સ્થિતિનો સામનો ભૂતપૂર્વ વડા પ્રધાન વી.પી. સિંહે મંડલ કમિશનની ભલામણોને લાગુ કરવા માટે કર્યો, જેના કારણે તેમની સરકાર સુધ્ધાં પડી ગઈ.

કેસી ત્યાગીની પાર્ટી હમણાં સુધી કૉંગ્રેસની સાથે ‘ઇન્ડિયા’ ગઠબંધનનો ભાગ હતી પણ, તાજેતરમાં જ તેમના નેતા નીતીશકુમારે ફરી એક વાર ભાજપ સાથે જવાનો નિર્ણય કર્યો; અને હવે જેડીયૂ એનડીએમાં છે. કેસી ત્યાગી સાથે બીબીસીની વાતચીત એ સમયે થઈ હતી જ્યારે તેમની પાર્ટી ‘ઇન્ડિયા’ ગઠબંધનનો ભાગ હતી.

રાહુલ ગાંધી ભલે આરએસએસ અને ભાજપ પર હુમલા કરતા રહે, પણ ખુદ તેમના પર અને તેમની પાર્ટી પર સૉફ્ટ હિન્દુત્વના માર્ગે ચાલવાના આરોપ થતા રહ્યા છે.

કૉંગ્રેસ અને સૉફ્ટ હિન્દુત્વ

વરિષ્ઠ પત્રકાર કુરબાન અલી ધર્મનિરપેક્ષતા અને સૉફ્ટ હિન્દુત્વની વાતને રાહુલ ગાંધીના પિતાના સમયમાં લઈ જાય છે. તેઓ કહે છે કે રાજીવ ગાંધીએ એકસાથે હિન્દુ–મુસ્લિમ કાર્ડ રમવાનું શરૂ કરી દીધેલું.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે,

“રાજીવ ગાંધી પહેલાં ગરીબ મુસ્લિમ મહિલા શાહબાનોના પક્ષમાં અપાયેલા સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટી નાખવા માટે કાયદો લાવ્યા; અને જ્યારે તેમના પર મુસ્લિમ તુષ્ટીકરણનો આરોપ થયો ત્યારે તેમણે દાયકાઓથી બધ બાબરી મસ્જિદનાં તાળાં ખોલાવી નાખ્યાં”.

કુરબાન અલી, ધર્મનિરપેક્ષતાના નામે રાહુલ ગાંધીના સંઘવિરોધમાં પણ વિરોધાભાસ જુએ છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, “એક તરફ તેઓ ધર્મનિરપેક્ષતાના નામે આરએસએસનો વિરોધ કરે છે, અને બીજી તરફ, ગુજરાત વિધાનસભા માટે પોતાનો ચૂંટણીપ્રચાર એક મંદિરથી શરૂ કરે છે, પોતાને શિવભક્ત જનોઈધારી બ્રાહ્મણ ગણાવે છે, અને ત્રીજી તરફ, આજકાલ જાતીગણતરીની વાતો પણ કરી રહ્યા છે”.

પોતાને ઉચ્ચ કુળના દત્તાત્રેય બ્રાહ્મણ ગણાવતા રાહુલ ગાંધીનો આ એકમાત્ર પ્રયાસ નહોતો. લગભગ પાંચ વર્ષ પહેલાં, 2019ની લોકસભા ચૂંટણીના થોડાક મહિના બાકી હતા ત્યારે, નીચલા ગૃહમાં કૉંગ્રેસ 44ના આંકડા પર હતી, રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ હતા.

સમાચાર એજેન્સી પીટીઆઇએ એક તસવીર પ્રસિદ્ધ કરી, (જેમાં) પુષ્કરના મંદિરમાં તિલક કરેલા, પંડિતોથી ઘેરાયેલા, ગ્રંથ નિહાળતા રાહુલ ગાંધી.

બાદમાં મંદિરના એક પૂજારીનો આધાર ટાંકીને છપાયેલા સમાચારોમાં કહેવાયું કે રાહુલ ગાંધીએ પોતાનું ગોત્ર દત્તાત્રેય જણાવ્યું અને એમ પણ કહ્યું કે તે કાશ્મીરી બ્રાહ્મણ છે. રાહુલ ગાંધીની ગોત્ર અને જાતિવાળી તસવીરને પાર્ટી મહાસચિવ દિગ્વિજયસિંહે એવા સંદેશ સાથે શૅર કરી કે ‘ભાજપને બીજાં કેટલાં પ્રમાણ જોઈએ?’

રાહુલ ગાંધી પર આરોપ છે કે એક તરફ તેઓ જાતિગત વસતિગણતરી કરાવવાની વાત કરે છે જેના મૂળમાં સમાજમાં જાતિના નામે વ્યાપ્ત ભેદભાવને નાબૂદ કરવો છે, અને બીજી તરફ તેઓ ખુદને બ્રાહ્મણ ગણાવીને જૂની જાતિવાદી રેખાને ઘાટી કરી રહ્યા છે.

બિહાર સરકારના જાતિગત વસતિગણતરી કરાવવાના અને તેના આધારે અનામત વધારવાના નિર્ણય બાદ રાહુલ ગાંધી કહી રહ્યા છે કે કેન્દ્રમાં જો તેમની સરકાર બને તો તેઓ દેશવ્યાપી સ્તરે જાતિગત વસતિગણતરી કરાવશે.

જો જાતિના સવાલની બાબતમાં રાહુલ ગાંધીની નીતિ સ્પષ્ટ નથી થતી તો સાંપ્રદાયિકતાના મુદ્દે પણ તેમનું કે તેમની પાર્ટીનું વલણ ઘણી વાર મૌનસૂચક રહ્યું છે.

ઉદાહરણ તરીકે, છત્તીસગઢમાં કૉંગ્રેસની તત્કાલીન ભૂપેશ બઘેલ સરકારે હિન્દુ–મુસ્લિમ હિંસાના મામલે વળતરની બાબતમાં બંને સમુદાયના લોકો સાથે અલગઅલગ પ્રકારનો વ્યવહાર કર્યો છે.

બસ્તરમાં ખ્રિસ્તી ધર્મમાં માનનારા આદિવાસીઓને ગામમાં મૃતદેહો પણ દફનાવવાથી રોકવામાં આવતા રહ્યા અને પોલીસ પર આરોપ થયો કે તે મૂકદર્શક બની રહી. મધ્યપ્રદેશમાં પૂર્વ મુખ્ય મંત્રી કમલનાથ હિન્દુ રાષ્ટ્રની પેરવી કરનારા વિવાદિત ગુરુ ધીરેન્દ્ર શાસ્ત્રીનાં ચરણોમાં દેખાયા.

આ બધા મામલે રાહુલ ગાંધીનું ક્યારેય કોઈ સ્પષ્ટ નિવેદન જોવા નથી મળ્યું. આ બધાં કારણોથી કૉંગ્રેસ પર સૉફ્ટ હિન્દુત્વના આરોપ થતા રહ્યા છે.

જોકે, જાણકારોનું એમ પણ કહેવું છે કે, કૉંગ્રેસ એક એવી પાર્ટી રહી છે, જેમાં આઝાદીના આંદોલન સમયથી જ વામપંથથી લઈને દક્ષિણપંથની તરફેણ કરનારા નેતાઓ સાથે સાથે કામ કરતા રહ્યા છે.

કૉર્પોરેટ જગત અને રાહુલ ગાંધી

રાહુલ ગાંધી ‘સૂટ-બૂટની સરકાર’, ‘અમે બે, અમારાં બે’, ‘મોદી સરકાર નહીં, અદાણી-અંબાણીની સરકાર’ જેવાં સૂત્રો સાથે મોદી પર હુમલા કરતા રહ્યા છે. આ સૂત્રો દ્વારા રાહુલ ગાંધી કદાચ એમ કહેવા માગે છે કે મોદી સરકાર હકીકતમાં અમીરો માટે છે.

પણ તેનાથી એવો સંદેશ પણ ગયો અથવા ફેલાવાયો કે રાહુલ ગાંધી કૉર્પોરેટ-વિરોધી છે.

પણ તેનાથી એવો સંદેશ પણ ગયો અથવા ફેલાવાયો કે રાહુલ ગાંધી કૉર્પોરેટ-વિરોધી છે.

દિલ્હીને અડીને આવેલાં બે ગામ ભટ્ટા પરસૌલના ખેડૂતોની જમીનના વળતર મામલે, કે પછી ઓડિશાના નિયમગિરિમાં ખનન બંધ કરાવવાના આંદોલનમાં રાહુલ ગાંધી આગળ પડતા દેખાયા હતા. બંને આંદોલનોમાં તેઓ સામેલ થયા ત્યારે કેન્દ્રમાં તેમની પાર્ટીની જ સરકાર હતી. જોકે, બંને મામલાનો સીધો સંબંધ કેન્દ્ર સરકાર સાથે નહોતો.

ભારતના એક મોટા કૉર્પોરેટ હાઉસમાં ઊંચા પદ પર રહેલી એક વ્યક્તિ કહે છે કે રાહુલ 1960-70ના દાયકાનું રાજકારણ કરી રહ્યા છે, ભારતની આર્થિક પ્રગતિનું કોઈ મૉડલ તેમની પાસે નથી.

મુંબઈસ્થિત ઔદ્યોગિક ગૃહના અધિકારીનું કહેવું છે કે આ મૂડીવાદ પછીનો (પોસ્ટ કૅપિટલિસ્ટ) સમય છે, જેમાં દરેક વ્યક્તિની એક આકાંક્ષા છે, રાહુલ ગાંધી પાસે એનો જવાબ નથી કે આવનારા સમયમાં ભારતને તેઓ ક્યાં જોવા માગે છે. અને નરેન્દ્ર મોદી આ સપનું જગાડવામાં સક્ષમ છે.

કૉર્પોરેટ ક્ષેત્ર સાથે સંકળાયેલાં અને ઘણી મૅનેજમૅન્ટ સ્કૂલોમાં ભણાવનારાં જયશ્રી સુંદર કહે છે કે વેપારગૃહો આ બધી બાબતે થોડાં ચિંતિત જરૂર થયાં હશે.

કૉંગ્રેસ મહાસચિવ દિગ્વિજયસિંહ તેનો બચાવ કરતાં કહે છે કે, કૉંગ્રેસ પાર્ટી પૂંજીપતિઓની વિરોધી નથી. તેઓ કહે છે, “અમે જાણીએ છીએ કે તેનાથી રોજગાર ઊભા થાય છે અને અમારા જ પક્ષની સરકારોએ દેશમાં આર્થિક ઉદારીકરણની શરૂઆત કરી અને તેને આગળ પણ લઈ ગયા”.

દિગ્વિજયસિંહને અમે પહેલાં એક સવાલમાં પૂછેલું કે, રાહુલ ગાંધી આજે જે રીતે ગૌતમ અદાણીની બાબતમાં વડા પ્રધાન મોદી પર પક્ષપાતનો આરોપ કરે છે, એક સમયે કૉંગ્રેસ અને ધીરુભાઈ અંબાણીના સંબંધોને લઈને પણ આવા જ સવાલો બીજાઓ ઊભા કરતા હતા.

તેનો જવાબ આપતાં દિગ્વિજયસિંહે કહ્યું,

“અમે (કૉંગ્રેસ પાર્ટી) થોડાક હાથોમાં પૈસા જમા રહે તેના વિરોધમાં છીએ. ઉદ્યોગ કે વેપારગૃહોની પ્રગતિની બાબતમાં અમારી નીતિ હંમેશાં સ્પષ્ટ રહી છે, અમે તેને આગળ વધતાં જોવા માગીએ છીએ.”


બીજી તરફ, ભારતીય કમ્યૂનિસ્ટ પાર્ટીના નેતા અતુલ અંજાન એવો આરોપ કરે છે કે કૉંગ્રેસ પાર્ટીએ 2023ની વિધાનસભા ચૂંટણીમાં છત્તીસગઢના બસ્તર ક્ષેત્ર અને બીજી કેટલીક બેઠકો એટલા માટે વામપંથી ઉમેદવારો માટે ન છોડી, કેમ કે, પાર્ટી ખનન લૉબીની સાથે હતી.

કૉંગ્રેસમાં ભટકતી વિચારધારાની વાત તેઓ ભારપૂર્વક જણાવે છે,

“દ્વિધા એ છે કે નેહરુની સોશિયલિસ્ટિક પૅટર્નને અપનાવાય કે મનમોહનસિંહના સમયમાં લાગુ કરાયેલા બજારવાદને”.

રાહુલ ગાંધી : સત્તાના દાવેદાર કે વિચારક

કૉંગ્રેસ પર ચર્ચિત પુસ્તક ‘24 અકબર રોડ’ના લેખક વરિષ્ઠ પત્રકાર રશીદ કિદવઈ કહે છે,

“રાહુલ ગાંધીએ નક્કી કરી લેવું જોઈએ કે તેમની રાજકીય હેસિયત શી છે? શું તેઓ વડા પ્રધાનપદના દાવેદાર છે કે માત્ર એક સાંસદ, કે પછી તેમને પાર્ટીમાં વિચારક તરીકે જોવા જોઈએ?”

કિદવઈ આગળ કહે છે,

“2014માં પણ તેઓ વડા પ્રધાનપદના દાવેદાર નહોતા, હજુ પણ નથી, પણ સ્પષ્ટ રીતે ના પણ નથી પાડતા.”

કૉંગ્રેસ પાર્ટીને ઊંડાણથી સમજનારા રશીદ કિદવઈ કહે છે,

“દરેક બ્રાન્ડનો એક રોલ હોય છે અને એક ઉપયોગિતા કે હેતુ હોય છે, જેમ કે, નરેન્દ્ર મોદી બાબતે છે. રાહુલ ગાંધી બ્રાન્ડનો હેતુ શો છે? ક્યાં કઈ રીતે ઉપયોગ કરી શકાય છે તે બ્રાન્ડ? શા માટે તૈયાર કરવામાં આવી છે તેને?”

કિદવઈ કહે છે,

“લક્ષ્ય નક્કી કર્યા બાદ કૉંગ્રેસ નેતાએ એ પણ નક્કી કરવું પડશે કે તેઓ ત્યાં સુધી કઈ રીતે પહોંચશે? એક છબી, નૅરેટિવ ઊભું કરવું પડશે; તે માટે, જે રીતે મોદીની ત્રિકોણીય રણનીતિ દેખાય છે, એક નૅરેટિવ—સૌનો સાથ, સૌનો વિકાસ, પણ તેમાં હિન્દુઓનું સ્થાન થોડું ઉપર હશે, સાથે જ, ભારતનો આર્થિક વિકાસ અને વૈશ્વિક કક્ષાએ તેનું સ્થાન.”

કિદવઈ પૂછે છે કે રાહુલ ગાંધી પાસે આના જવાબમાં શું છે?

બ્રાન્ડની ઇમેજનો સવાલ

દિલ્હી યુનિવર્સિટીની મૅનેજમૅન્ટ સ્કૂલમાંના પ્રોફેસર હર્ષ વર્મા કહે છે કે દરેક બ્રાન્ડની પોતાની એક ઓળખ અને ઇમેજ હોય છે, “જેમ કે, ક્લોઝ-અપ ટૂથ પેસ્ટને ગ્રાહક તાજગી સાથે જોડે છે કે લક્સ સાબુને ખૂબસૂરતી સાથે”.

પ્રોફેસર વર્મા રાહુલ ગાંધીને ‘અસ્થિર’ ગણાવતાં કહે છે,

“ક્યારેક તેઓ ખેડૂતો, આદિવાસીઓની વાત કરવા લાગે છે, પછી થોડા દિવસો બાદ જાતિગત વસતિગણતરીનો મુદ્દો ઉઠાવી લે છે, પણ તેની સાથે તેઓ લાંબા સમય સુધી ટકતા નથી. ઘણા મુદ્દા—જેમ કે, જાતિ-આધારિત વસતિગણતરી—એમના છે જ નહીં. એ તો વી.પી. સિંહ, મુલાયમ, લાલુના રહ્યા છે. હવે તેઓ તેને અપનાવવાની કોશિશમાં છે.”

વરિષ્ઠ પત્રકાર વિનોદ શર્મા માને છે કે રાહુલ ગાંધીએ મુદ્દા પર લાંબા સમય સુધી ટકી રહવાની ટેવ પાડવી પડશે; પણ, તે માટે તેઓ રાહુલ ગાંધી કરતાં વધારે તો કૉંગ્રેસ પાર્ટીને જવાબદાર ઠરાવે છે.

ગયા વર્ષે પૂરી થયેલી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની વાત કરતાં વિનોદ શર્મા કહે છે કે યાત્રાની પહેલાં કે બાદમાં શું કોઈ પ્રકારની કશી બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી કે રાહુલ ગાંધી 4,500 કિમીની ભારત જોડો યાત્રામાં જે જે લોકોને મળશે તેમને પછીથી પાર્ટીનો કોઈ કાર્યકર જઈને મળશે, તેમના વિચાર જાણવાની કોશિશ કરશે, પોતાની વાતો તેના સુધી પહોંચાડશે, શું કોઈ પ્રકારનું ફૉલો-અપ થયું?

રાહુલ ગાંધી ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહરી વાજપેયીની સમાધિ પર પણ ગયા, સાથે જ તેમણે લાલુ પ્રસાદના ઘરે માંસ પણ બનાવ્યું પણ આ બંને મહત્ત્વનાં પ્રતીકોને રાહુલ ગાંધીની મીડિયા ટીમ લોકો સુધી એ રીતે પહોંચાડી શકી નહીં.

રાહુલ ગાંધી કહેતા રહ્યા છે કે તેમની લડાઈ વિચારધારાની છે, વ્યક્તિગત નહીં. રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુ પ્રસાદના ઘરે જઈને માંસ રાંધવાની રાહુલની છબીને જોકે એક જબરજસ્ત સિમ્બૉલ માનવો જોઈએ—ખાસ કરીને એક એવા સમયે, જ્યારે ભોજનના નામે જ ઘણા મુસલમાનોનું લિંચિંગ થયું છે ત્યારે. પરંતુ કૉંગ્રેસે આનો ફાયદો ઉઠાવવાનું તો દૂર, ભાજપે આ મામલે રાહુલ ગાંધી પર જ નિશાન સાધ્યું.

ભાજપ પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ સવાલ ઉઠાવ્યો કે કોઈ પણ સાચો સનાતની શ્રાવણના પવિત્ર મહિનામાં નૉન-વેજ ભોજન વિશે વિચારી પણ કઈ રીતે શકે? ભાજપના જ સંબિત પાત્રાએ સવાલ ઉઠાવ્યો કે રાહુલ ગાંધી, જે એક જનોઈધારી બ્રાહ્મણ છે તે, શ્રાવણમાં બકરાનું માસ કઈ રીતે ખાઈ શકે છે?

‘રાહુલ ગાંધીથી ભાજપને જોખમ’

કૉંગ્રેસ નેતા તારિક અનવર આરોપ કરે છે કે વર્ષ 2012-13થી જ ભાજપ સાથે સંકળાયેલા એક આખા તંત્રનું મિશન એ જ છે કે નરેન્દ્ર મોદીની ઇમેજને વધારીને રજૂ કરવામાં આવે, જ્યારે રાહુલ ગાંધીની છબીને ખરાબ કરવામાં આવે.

એ વાત સાચી છે કે રાહુલ ગાંધીના રાજકીય વિરોધી તેમની એક ખાસ પ્રકારની છબી ઊભી કરવામાં ઘણી હદે સફળ થયા છે.

તારિક અનવર કહે છે કે તાજેતરમાં થયેલી યાત્રાઓ બાદ સામાન્ય લોકોને લાગવા માંડ્યું છે કે રાહુલ ગાંધીની જે ઇમેજ ઊભી કરવામાં આવી છે તે સાચી નથી.

સિંગાપુરની ઍડ્‌વર્ટાઇઝિંગ કંપની ‘કૉમ્પ ઇન્ફૉરમો’ના ભારત ક્ષેત્રના ડાયરેક્ટર અનિલ અલ્હામનું માનવું છે કે રાહુલ ગાંધીની છબી ખરાબ ચીતરવા માટે વિરોધીઓએ આઠ-દસ વર્ષનો સમય લીધો. સતત એ જ કામમાં મંડ્યા રહ્યા તેનો મતલબ એ છે કે રાહુલ ગાંધી એક એવી બ્રાન્ડ છે જેનાથી તેમને જોખમ દેખાય છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે,

“ઊભી કરાયેલી તમામ ખરાબ છબીઓ બાદ પણ યુવાઓનો એક વર્ગ રાહુલ ગાંધી સાથે જોડાયેલા હોવાનો અનુભવ કરે છે”.

બૅંગલુરુમાં રહેતા અનિલ અલ્હામ તાજેતરમાં થયેલી કર્ણાટક અને તેલંગાણા ચૂંટણી દરમિયાન ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષની સાથે કામ કરી ચૂક્યા છે.

જયશ્રી સુંદર કહે છે કે ભારતમાં એક મોટો વર્ગ એવો છે જે જવાબી નૅરેટિવની રાહ જુએ છે. લોકોને લાગે છે કે દેશમાં એક મજબૂત વિપક્ષ હોવો જરૂરી છે.

‘બંદામાં દમ છે’

કૉંગ્રેસ નેતા તારિક અનવર કહે છે,

“જ્યારે ભારત જોડો યાત્રા શરૂ થઈ ત્યારે એવું પણ કહેવાતું હતું કે તેઓ આ યાત્રા પૂરી નહીં કરી શકે. પણ તેમણે એ સાબિત કરી દીધું કે, વરસાદ હોય કે કડકડતી ઠંડી, તેમણે જે વસ્તુ મનથી નક્કી કરી લીધી છે તેને પૂરી કરીને જ રહેશે”.

‘સ્ટ્રેંજ બર્ડેન્સ, ધ પૉલિટિક્સ ઍન્ડ પ્રેડિકામેન્ટ ઑફ રાહુલ ગાંધી’ નામના પુસ્તકમાં લેખક સુગાતા શ્રીનિવાસરાજુ કહે છે, “રાહુલ ગાંધીની સાથે સેલ્ફી લઈ રહેલા લોકોને આ છબીઓ એ તસવીરો કરતાં બિલકુલ જુદી દેખાઈ રહી હતી જેમાં સંપૂર્ણ ફોકસ માત્ર ને માત્ર પોતાને ફકીર કહેનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર હોય છે, ફ્રેમમાં માત્ર તેઓ જ હાજર હોય છે; અલગ અલગ પોશાક અને ભાવ-ભંગિમામાં. કોઈ એ ફોટ-શૂટ્સ દરમિયાન ભૂલથી ફ્રેમમાં આવી ગયા તો તેને બહાર કાઢી મુકાય.”

સુગાતા શ્રીનિવાસરાજૂ કહે છે કે ભારત જોડો યાત્રામાં સામેલ થનારા દરેક સામાન્ય માણસની પાસે પોતાની સાથે લઈ જવા માટે એક તસવીર હતી, જેને તે પોતાની દીવાલ પર લગાડી શકતા હતા, કેમ કે, સેલ્ફી-ક્લિકમાં રાહુલ ગાંધીની સાથે તેઓ પોતે પણ સામેલ છે; જ્યારે નરેન્દ્ર મોદીની તસવીર દેવી-દેવતાઓની ફ્રેમની સાથે જ સ્થાન લઈ શકે છે.

પુરુષાર્થની એક અલગ છબી

53 વર્ષના રાહુલ ગાંધીમાં યાત્રા દરમિયાન એક જુદી જ છબી પણ જોવા મળી, જે ’56 ઇંચ’ની છાતીવાળા નૅરેટિવ કરતાં અલગ હતી.

ફિલ્મ-મેકર અને લેખિકા પરોમિતા વોહરાએ લખ્યું,

“યાત્રાના વીડિયોઝે એક બિલકુલ ભિન્ન પૌરુષની ભાવનાને જગાડી. આ એ પ્રચંડ અધિકારવાદી પુરુષ નહોતો જે તમે એની સામે ઝૂકો એવી ઇચ્છા રાખે. આ એક મર્દાનગી હતી, જેમાં ખુલ્લાપણું હતું, સ્મિત હતું, મધુરતા હતી, આલિંગન હતું.”

તેઓ આગળ લખે છે,

“તેમાં દોસ્તી હતી, સાથે રહેવાનો ભાવ હતો, પોતાની જાતને શોધવાની ભાવના હતી—કોઈ પણ પ્રકારના મોટા વાયદાથી પર—એક એવી શોધ, જે અનિશ્ચિતતા અને તમામ નબળાઈઓ છતાં ઊભા રહેવાની જીદ પર અડગ છે. તેણે એક ભાવના જગાડી, અગર નમો એક શક્તિશાળી, પ્રભાવી, અને એકરૂપતાનું સૂત્ર છે, તો રાહુલ સંગીત સમાન છે, જેની સાથે સંપર્ક થયા બાદ તે ધીમે ધીમે પ્રસરે છે, તેને અર્થ આપતાં આપતાં.”

જોકે, પરોમિતા વોહરા પોતાના લેખમાં એમ પણ કહે છે કે ગયા વર્ષે થયેલી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ એવા લોકોએ—જેમને રાહુલ ગાંધી સારા લાગવા માંડ્યા હતા—ફરીથી કહેવાનું શરૂ કરી દીધું કે તેઓ સારા માણસ છે, પણ રાજકારણ તેમના હાથની વાત નથી.

રાહુલ અને સહયોગી પક્ષો

કૉંગ્રેસે તો તેમને પાર્ટીને ‘વિચારધારાનો માર્ગ બતાવનારા’થી લઈને ‘તપસ્વી, યોગી, અલૌકિક (સુપર-હ્યુમન)’ સુધ્ધાં કહ્યા જ, સહયોગી દળો પણ તેમનામાં દેશના નેતા જોવા લાગ્યા. નૅશનલ કૉન્ફરન્સના ફારૂક અબ્દુલ્લાહને ભારત જોડો યાત્રા સેંકડો વર્ષો પહેલાં કરાયેલી આદિશંકરાચાર્યની ધર્મયાત્રા જેવી લાગી, એનસીપીના શરદ પવારે કહ્યું કે રાહુલ ગાંધી ભવિષ્યમાં દેશનું નેતૃત્વ કરશે.

‘વિરોધી વિચારધારા’વાળી વિશ્વ હિન્દુ પરિષદના અંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રામમંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે નિવેદન કર્યું કે, આ ઠંડી ઋતુમાં એક યુવક પગપાળા ત્રણ હજાર કિલોમીટરનું અંતર ચાલી રહ્યો છે તે વખાણ કરવાલાયક છે.

જોકે, ‘ઇન્ડિયા’ ગઠબંધનની સાથી તૃણમૂલ કૉંગ્રેસ અને કૉંગ્રેસ પાર્ટી વચ્ચે પશ્ચિમ બંગાળમાં સીટોની વહેંચણી મુદ્દે કોકડું ગૂંચવાયું છે.

તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મમતા બેનરજીએ થોડા દિવસ પહેલાં ગઠબંધનની એક બેઠકમાં કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ ‘ઇન્ડિયા’ના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે સૂચવ્યું હતું, એનાથી એવું લાગ્યું કે મમતાની દૃષ્ટિએ રાહુલ ગાંધી હજી એટલા મજબૂત અને આકર્ષક બ્રાન્ડ નથી.

લેખક અને રાજકીય વિશ્લેષક રશીદ કિદવઈ કહે છે, “તેમનાં ભાષણોમાં વર્તમાન અને ભવિષ્યની રાજકીય વિચારધારા તૈયાર કરવા પર વધુ ભાર રહ્યો છે. મોટા ભાગે તેમાંથી ચૂંટણીલક્ષી રણનીતિ ગાયબ રહી.

ગઠબંધન-ધર્મ નહીં નિભાવવાનો આરોપ

ભારતીય કમ્યૂનિસ્ટ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અતુલ અંજાન કહે છે કે તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં કૉંગ્રેસની હારનું કારણ તેનો અહંકાર છે.

તેઓ કહે છે,

“આ અહંકારનું કારણ હતું યાત્રામાં એકઠી થતી ભીડ; જેને રાહુલ ગાંધી, પ્રિયંકા, અને તેમની પાર્ટીના લોકોને સમર્થન માની લીધું. રાજસ્થાનમાં કૉંગ્રેસે સીપીઆઇ અને સીપીએમની ઘણી બેઠકો ઉપર પોતાના ઉમેદવાર ઉતાર્યા, તો છત્તીસગઢમાં સીટો છોડવાનું કહેવાતાં અમને કહેવા લાગ્યા, અમે શા માટે છોડીએ?”

અતુલ અંજાન કહે છે,

“ભાજપ સાથે લડવા પણ માગે છે અને સાથીઓ વિરુદ્ધ પોતાના ઉમેદવાર પણ ઊભા કરે છે? આ માત્ર બેઠકોનો સવાલ નહોતો, આ થોડીક બેઠકો આપવાથી રાજકીય રીતે લોકોમાં એક સદેશ પહોંચત.”

જોકે, ઇમેજ મૅનેજમેન્ટ કંપની ટૉર્ક કમ્યૂનિકેશન્સના ડાયરેક્ટર સુપ્રિયો ગુપ્તાનું માનવું છે કે જે રીતે આ ચૂંટણીપરિણામોનો અર્થ કાઢવામાં આવી રહ્યો છે, તેનાથી ઘણી સારી રીતે રાહુલ ગાંધી બ્રાન્ડ કામ કરી રહી છે.

સુપ્રિયો ગુપ્તા કર્ણાટક અને તેલંગાણામાં મળેલી જીતના સંદર્ભમાં કહે છે કે:

“રાહુલ ગાંધી એવા લોકોને પોતાની સાથે જોડવામાં સફળ રહ્યા છે જેમનાં રાજકીય મૂલ્ય સાથે તેમનો મેળ ખાય છે. પરંતુ રાજ્યોની ચૂંટણી વ્યાપક સ્તરે સ્થાનિક નેતાઓનાં કામ, સંગઠન, અને લેતીદેતીની ક્ષમતા પર આધાર રાખે છે. અને એ ધોરણે પરિણામો સ્પષ્ટ છે. મજબૂત નેતા એવા રાજકીય ફલકનો ફાયદો ઉઠાવવામાં સફળ રહ્યા છે જે રાહુલ ગાંધીએ તૈયાર કર્યું છે, જે નબળા હતા અથવા જેઓ પાર્ટીમાં ભારે ખેંચતાણમાં વ્યસ્ત રહ્યા તેઓ આવું કરવામાં નિષ્ફળ રહ્યા.”

એક એક કરીને પોતાનાએ સાથ છોડ્યો

થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ વાઇરલ થઈ. ઘણાં વર્ષો પહેલાંની એ તસવીરમાં રાહુલ ગાંધીના નિકટતમ ગણાતા જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાઇલટ, આરપીએન સિંહ, જિતિન પ્રસાદ, અને મિલિંદ દેવડા સાથે ઊભા છે અને કોઈ વાત પર હસી રહ્યા છે.

મુંબઈથી સાંસદ રહેલા મિલિંદ દેવડાએ કૉંગ્રેસનો હાથ છોડીને મહારાષ્ટ્રના રાજકીય દળ અને ભાજપની સહયોગી પાર્ટી શિવસેના (શિંદે જૂથ)નું તીર-કામઠું ઝાલ્યું છે.

મિલિંદ દેવડાએ (પાર્ટી છોડી) જવા માટે એ જ દિવસ પસંદ કર્યો જે દિવસે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થવાની હતી.

‘રાહુલ બ્રિગેડ’ના બીજા એક સભ્યએ કૉંગ્રેસ છોડ્યા પછી કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષની લોકોને જોડવાની ક્ષમતા પર ફરી એક વાર સવાલ ઊભા થયા.

મિલિંદ દેવડાએ પાર્ટી છોડ્યા પછી રાહુલની નિકટની મનાતી યુવા બ્રિગેડમાંથી ફક્ત એક, સચિન પાઇલટ, જ કૉંગ્રેસમાં રહી ગયા.

અને ફક્ત થોડા દિવસ પહેલાં જ મહારાષ્ટ્રના પૂર્વમુખ્ય મંત્રી અને કૉંગ્રેસના કદાવર નેતા અશોક ચૌહાણે પણ કૉંગ્રેસનો હાથ છોડીને ભાજપની આંગળી પકડી લીધી.

રાજકીય વિશ્લેષક રશીદ કિદવઈ કહે છે, “રાહુલ પોતાને રાજકીય શક્તિનો ઉપયોગ કરનારી વ્યક્તિના બદલે તેના ટ્રસ્ટીરૂપે જુએ છે, અને આશા રાખે છે કે તેમના સહયોગી પણ એવી વસ્તુઓથી દૂર રહે જેને રાજકીય શક્તિ તરીકે જોવામાં આવે છે, જેમ કે, લાલ બત્તીવાળી ગાડીઓ.”

કિદવઈ આગળ કહે છે,

“રાહુલ ગાંધી કાં તો એ વાતને સમજ્યા નથી અથવા સમજવા નથી માગતા કે વ્યાપક સ્તરે રાજકીય વફાદારીઓ આપ-લે પર આધારિત હોય છે.”

પરંતુ તારિક અનવર કહે છે,

“જેઓ સાથ છોડી ગયા તેમને કૉંગ્રેસ અને રાહુલ ગાંધીના નિકટતમ હોવાના ઘણા લાભ થયા. પ્રથમ વખત જીતીને આવેલા નેતાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીના પક્ષમાં એ સારું થયું કે આવા લોકો સાથ છોડીને જતા રહ્યા. તેઓનું જવું કોઈ વિચારધારાના પરિણામે તો નહોતું; તેઓ કાં તો દબાણમાં અથવા તો પદ કે કશી બીજી લાલચ માટે.”

‘યુવા નેતાઓ માટે ઓછી તક’

તાજેતરમાં હિન્દી પટ્ટાનાં ત્રણ રાજ્યો (મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન)માં જીત્યા પછી ભાજપે જે રીતે નવા ચહેરાઓને સ્થાન આપ્યું ત્યાર બાદ કેટલાક લોકોએ તેને ઉદાહરણરૂપે રજૂ કરતાં એવું કહેવાનું શરૂ કર્યું કે કૉંગ્રેસમાં આ જ ખામી છે, જેના કારણે પાર્ટીના યુવા રાજકારણીઓ અલગ માર્ગ શોધવા લાગે છે.

જોકે, લોકસભામાં પાર્ટીના ઉપ-નેતા ગૌરવ ગોગોઈ કહે છે કે પાર્ટીમાં મોટા પાયે જનરેશન ચેન્જિસ (પેઢીમાં બદલાવ) થયા છે, જેમ કે, હિમાચલપ્રદેશમાં સુખવિંદરસિંહ સુક્ખુને મુખ્ય મંત્રી બનાવવા કે થોડા મહિના પહેલાં રાજ્યોમાં થયેલી ચૂંટણીઓ બાદ તેલંગાણામાં 54 વર્ષના રેવંત રેડ્ડીને મુખ્ય મંત્રીની કમાન સોંપવી.

2018માં છત્તીસગઢમાં પણ ભૂપેશ બઘેલને મુખ્ય મંત્રી બનાવાયા હતા, જેમને ઘણા જૂના નેતાઓ સામે પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.

ગૌરવ ગોગોઈ પોતાનું જ ઉદાહરણ આપીને કહે છે કે તેઓ ફક્ત 41 વર્ષના છે પરંતુ પાર્ટીએ તેમને લોકસભામાં ઉપ-નેતાની જવાબદારી સોંપી છે.

રાજનેતાઓના મીડિયા મૅનેજમૅન્ટ સાથે સંકળાયેલા વી.કે. ચેરિયન જણાવે છે કે રાહુલ ગાંધીના નજીકના સર્કલમાં એવા લોકો વધારે છે જે પોતાના વિષયના નિષ્ણાત છે પરંતુ રાજકીય બુદ્ધિવાળા નથી; એટલે કે એવા લોકો, જેઓની રાજકીય વિચારસરણી વાંચેલાં પુસ્તકો પર આધારિત છે. જોકે, તેમને એવા લોકોની જરૂર છે જેઓ પૂર્ણ રૂપે હિન્દી પ્રદેશના હોય અને રાજકારણને તે જ ક્ષેત્રની જનતાની જેમ જોતા હોય.

બળવાખોર, ગુસ્સાવાળા, ઘમંડી?

જે વ્યક્તિને પોતાની જ સરકારના કાયદાની નકલ ફાડવા માટે ઘમંડી કહેવાઈ હોય, જેના પર ‘પપ્પુ’નું લેબલ લગાડવાની કોશિશ કરવામાં આવી હોય, જેને વારંવાર નામદાર તરીકે બોલાવાતી હોય, કેવી છે એ વ્યક્તિ?

મૅનેજમૅન્ટ ભણાવતાં જયશ્રી સુંદર ભારપૂર્વક કહે છે કે રાહુલ ગાંધીમાં તેમને કોઈ પણ પ્રકારનો ઘમંડ જોવા નથી મળતો. ભાજપના ઘણા નેતાઓ પણ—જેઓ રાહુલ ગાંધીને સારા રાજનેતા માનવા તૈયાર નથી—તેમને એક સારા માણસ માને છે.

જયશ્રી સુંદર દિલ્હીમાં લિયો બ્રનેટ નામની ઇમેજ મૅનેજમૅન્ટ કંપનીમાં દિલ્હીમાં પ્રમુખ હતાં, જેણે 2004માં કૉંગ્રેસ પાર્ટીનાં પ્રચારઅભિયાન અને રણનીતિ તૈયાર કર્યાં હતાં.

કૉંગ્રેસની ટક્કર ત્યારે અટલ બિહારી વાજપેઈ જેવા નેતા સાથે હતી, જેઓ સમાજના એક મોટા વર્ગમાં સ્વીકાર્ય હતા; જ્યારે કૉંગ્રેસ લાંબા સમયથી સત્તાથી દૂર હતી.

‘ડોન્ટ ફૉર્ગેટ 2004, ઍડ્વર્ટાઇઝિંગ સીક્રેટ્સ ઑફ એન ઇમ્પૉસિબલ ઇલેક્શન વિક્ટરી’ પુસ્તકમાં જયશ્રી સુંદર ગાંધી–નહેરુ પરિવાર, જયરામ રમેશ, સલમાન ખુર્શીદ, અને બીજા નેતાઓ સાથેની મુલાકાતો અને સંપૂર્ણ વ્યૂહરચના તૈયાર કરવાથી લઈને ચૂંટણીમાં સફળતા સુધીની વાત કરે છે.

પુસ્તક શરૂ થાય છે છઠ્ઠી જાન્યુઆરીની એ સવારથી જ્યારે કૉંગ્રેસ કાર્યકર્તા શમીમનો ફોન આવે છે, જેને તેઓ પહેલી વાર કોઈ પ્રકારની મજાક સમજે છે.

ફિલ્ટર કૉફીની ચુસકીઓ સાથે જયશ્રી અમને એ દિવસ વિશે જણાવે છે જે દિવસે પહેલી વાર તેઓ રાહુલ અને પ્રિયંકા ગાંધીને મળ્યાં હતાં. સોનિયા ગાંધીને તો તેઓ પહેલાં જ મળી ચૂક્યાં હતાં.

તેઓ કહે છે,

“સોનિયા ગાંધીએ રાહુલ અને પ્રિયંકા સાથે મારો પરિચય કરાવ્યો. મેં મનમાં વિચાર્યું કે આ બંનેને કોણ નથી ઓળખતું? પણ સોનિયા ગાંધીએ પોતે નહોતું માની લીધું કે તેમનાં બાળકોને તો બધા જાણે છે. મારા માટે આ, તેમની શાલીનતાનું એક ઉદાહરણ હતું.”


પછી રાહુલ અને પ્રિયંકા સાથે વારંવાર તેમની મુલાકાત થતી રહી, જેમાં રાહુલને તેમણે હંમેશાં કોઈ ને કોઈ પુસ્તક સાથે જોયા, અને દરેક વાતને તેઓ સૂક્ષ્મતા અને વિસ્તારથી સમજવાની કોશિશ કરતા જણાયા.

તો શું રાહુલ ગાંધી કોઈ એવી રાજકીય બ્રાન્ડ છે જે ભવિષ્યમાં એક પડકાર સાબિત થઈ શકે છે?

બ્રાન્ડ ગુરુ સંદીપ ગોયલ કહે છે કે દરેક બ્રાન્ડની જેમ રાહુલ ગાંધીનાં પણ થોડાંક નકારાત્મક અને થોડાંક સકારાત્મક પાસાં છે.

સંદીપ ગોયલ કહે છે,

“તેઓને નવયુવાઓના પ્રતીક તરીકે જોવામાં આવે છે, ગાંધી–નહેરુની વંશાવલીના છે, અને તેમની યાત્રાએ તેમનામાં લોકો સાથે સરળતાથી હળીભળી જવા સિવાય તેમને એક જનસમુદાયના નેતા તરીકે રજૂ કર્યા છે. આ રીતે જોઈએ તો તેઓ એક એવી બ્રાન્ડ છે જે વર્ક ઇન પ્રોગ્રેસ છે.”

ફૈઝલ મોહમ્મદ અલી
ચિત્ર: ચેતન સિંહ
ફોટો: ગેટ્ટી
પ્રોડક્શન: શાદાબ નઝમી