Add your title (COPY)

Combine large, bold images with the beautifully crafted words of your story.

નરેન્દ્ર મોદીથી ‘બ્રાન્ડ મોદી’ સુધી

ઝુબૈર અહમદ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીએ જ્યારે મંત્રોચ્ચારના ધ્વનિ વચ્ચે શ્રીરામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરી ત્યારે એકદમ સ્પષ્ટ હતું કે તેઓ પોતાની ‘હિન્દુ હૃદયસમ્રાટ’ની પોતાની છબિ પર સંપૂર્ણપણે ખરા ઊતર્યા છે.

ભારતમાં ઘણા બધા લોકોનું માનવું છે કે તેમણે પોતાની આ છબિ ખૂબ સમજી–વિચારીને બનાવી છે. આ એક મોટા નેરેટિવનો ભાગ છે. તેનો હેતુ વસ્તીના એવા મોટા જૂથ સાથે જોડાણ ઊભું કરવાનો છે જેઓ તેમના હિન્દુ રાષ્ટ્રવાદને ખૂબ પસંદ કરે છે.

તેમના ટીકાકારો અને વિપક્ષી દળોએ ટીવી પર લાઇવ બતાવાયેલા એ ધાર્મિક સમારંભને ‘હિન્દુ મતદાતાઓને રીઝવવાની કોશિશ’ ગણાવ્યો.

ટૂંક સમયમાં જ ભારતના 90 કરોડ મતદારો સામાન્ય ચૂંટણીમાં ભાગ લેશે, જેને દુનિયાનું સૌથી મોટું લોકશાહી આયોજન કહેવામાં આવે છે. નરેન્દ્ર મોદીએ છેલ્લી બે ચૂંટણીમાં ભાજપને જીત અપાવી છે. તેમને પાર્ટીના સૌથી મોટા ચહેરા તરીકે રજૂ કરાય છે. આખરે એવું કયું કારણ છે કે મોદી આટલા લોકપ્રિય અને સફળ છે? કેમ કે, ઘણા લોકો એમના રાજકારણને ‘ધાર્મિક આધારના ધ્રુવીકરણને પ્રોત્સાહિત કરનારું’ માને છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકો એવું માને છે કે તેમના જીવનની ગર્વીલી ક્ષણ એ હતી જ્યારે ગયા વર્ષે જૂન મહિનામાં તેમને વ્હાઇટ હાઉસમાં સન્માનિત કરાયા હતા. અમેરિકન સંસદના સંયુક્ત ગૃહમાં તેમના ભાષણ દરમિયાન વારંવાર તાળીઓ વાગતી રહી.

આ સન્માન તેમના માટે ચોક્કસપણે વ્યક્તિગત જીત જેવું હતું, કેમ કે, ગુજરાતનાં રમખાણો બાદ માનવાધિકારોના ઉલ્લંઘનના આરોપમાં આ જ અમેરિકાએ તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

મોદીના સમર્થકોએ જોયું કે અમેરિકામાં મોદીની શાનમાં પ્રશંસાનાં ફૂલો વેરવામાં આવ્યાં, તેમના જોરદાર સ્વાગતે દુનિયાને બતાવી દીધું કે ક્યારેક બહિષ્કૃત રહેલા મોદીને પશ્ચિમી દેશ સલામ કરી રહ્યા છે.

મોદી પરનું ચર્ચિત પુસ્તક ‘મોદીઝ ઇન્ડિયા’ લખનાર ફ્રાન્સના પ્રોફેસર ક્રિસ્ટૉફ જૅફરલો કહે છે કે પશ્ચિમી દેશોમાં વડા પ્રધાન મોદી માટે મિશ્ર અભિપ્રાયો છે.

ક્રિસ્ટૉફ જૅફરલો

ક્રિસ્ટૉફ જૅફરલો

પ્રોફેસર જૅફરલો કહે છે,

“ગયા વર્ષે જુલાઈમાં જ્યારે તેઓ ફ્રાન્સના પ્રવાસે આવેલા ત્યારે તેમની બાબતે મિશ્ર અભિપ્રાયો હતા. તે સમયે જ યુરોપીય સંસદે મણિપુર હિંસાના મુદ્દે પ્રસ્તાવ પાસ કર્યો હતો, જેની ભાષા ઘણી કડક હતી. બીજી વાત, તેમને પશ્ચિમી દેશોમાં જે સમર્થન મળી રહ્યું છે તે તેમની વ્યક્તિગત ઉપલબ્ધિ નથી; પશ્ચિમી દેશ ભારતને ચીનની સ્પર્ધામાં ઊભેલું જોવા માગે છે.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે જુદા જુદા લોકો જુદો જુદો અર્થ ધરાવે છે. કેટલાક લોકો માટે તેઓ ભારતના સૌથી પ્રભાવશાળી પીએમ છે; તો કેટલાક લોકોની નજરમાં તેઓ એક ‘નિરંકુશ નેતા’ છે. તેમના નેતૃત્વમાં ભારતનો દબદબો ખૂબ વધ્યો છે, એવું માનનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે.

પણ, મોદીના ટીકાકારો દાવો કરે છે કે તેમની સરકારે ‘વિરોધના સૂરોને દબાવીને’ અને ‘મીડિયાની સ્વતંત્રતા પર અંકુશ મૂકીને’ ભારતમાં લોકશાહીને ખૂબ નબળી પાડી દીધી છે. મોદીના ટીકાકારોનું કહેવું છે કે હિન્દુત્વ અને ઉગ્ર રાષ્ટ્રવાદ પરનો તેમનો ભાર ભારતની વૈવિધ્યભરી સંસ્કૃતિને અનુરૂપ નથી.

ઘણા લોકો એવું માને છે કે મોદી પોતાને એક એવા ટેક્‌નોક્રેટની જેમ રજૂ કરે છે જેમનાં કામકાજની પદ્ધતિ વેપારઉદ્યોગ, મૂડીરોકાણ, અને વિકાસને પ્રોત્સાહિત કરનારી છે. એમ તો પશ્ચિમી દેશોમાં ભારતના વધતા જતા દબદબાનું મોટું કારણ ભારત વિશાળ બજાર છે તે પણ છે.

વિરોધી હોય કે સમર્થક, બંનેમાં મોદી ઉગ્ર ભાવનાઓ જન્માવે છે, તેમનું સંયત અને સંતુલિત વિશ્લેષણ ભાગ્યે જ ક્યારેક જોવા મળે છે.

નરેન્દ્ર મોદી લગભગ દસ વર્ષથી સત્તામાં છે. કહેવાય છે કે અન્ય નેતાઓ માટે તેમણે ક્યાંક કશી શક્યતા રહેવા નથી દીધી. તેઓ બધી જ જગ્યા દેખાઈ આવે છે. તેઓ સોશિયલ મીડિયાનાં દરેક મુખ્ય પ્લૅટફૉર્મ પર છે. સરકારના દરેક વિભાગની વેબસાઇટના પ્રથમ પાને તેઓ છે. તેઓ રેડિયો પર સાંભળવા મળે છે, ટીવી પર પણ છવાયેલા રહે છે.

દરેક જગ્યાનાં હોર્ડિંગ અને કટ-આઉટમાં તેઓ દેખાય છે. જો તમે તેમની સાથે તમારો ફોટો હોય એવું ઇચ્છતા હોવ તો, ઘણાં રેલવે સ્ટેશનો પર સેલ્ફી-પૉઇન્ટ ઉપલબ્ધ છે. સાઇટ અને ઍપ પણ છે. શહેરોના ચારરસ્તા, હવાઈમથકો, પેટ્રોલપંપો, સરકારી સંસ્થાઓ, અને રેલવેનાં પ્લૅટફૉર્મ સુધી દરેક જગ્યાએ તેમની સ્મિતાળ તસવીરો નજરે પડે છે. ખૂણે ખૂણે આવી હાજરી તેમની પહેલાંના બીજા કોઈ પીએમની ક્યારેય નથી રહી.

ડિસેમ્બર મહિનામાં તેમણે પોતાની પાર્ટીને ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જીત અપાવી અને હવે તો તેઓ આગામી થોડા મહિનામાં થનારી સામાન્ય ચૂંટણીઓની તૈયારીમાં લાગી ગયા છે.

તેમના વિરોધીઓ મોટા પાયે વિખરાયેલા છે અને ઘણી વાર એકબીજા સાથે જ લડતા દેખાય છે. ગયા વર્ષે જુલાઈમાં મુખ્ય વિપક્ષી દળ કૉંગ્રેસ અને ઘણાં પ્રાદેશિક દળોએ એક થઈને વિપક્ષની લગભગ એક ડઝન પાર્ટીઓનું એક ગઠબંધન બનાવ્યું છે, જેથી બધાં સાથે મળીને તેમને પડકાર આપી શકે. આ ગઠબંધને પોતાનું નામ ‘ઇન્ડિયા’ રાખ્યું; એટલે કે, ઇન્ડિયન નૅશનલ ડેવલપમૅન્ટલ ઇન્ક્લૂસિવ ઍલાયન્સ.

ભાજપ માટે તેઓ સ્ટાર પ્રચારક છે અને તેમને એકલાને જ કાફી માનવામાં આવે છે. 73 વર્ષના વડા પ્રધાન મોદીનો સોશિયલ મીડિયા પર એવો દબદબો છે કે તેમનો કોઈ વિરોધી તેમની બરાબરી ન કરી શકે.

અમેરિકાની જાણીતી રિસર્ચ સંસ્થા પ્યૂ રિસર્ચ સેન્ટરે ઑગસ્ટ 2023માં કરેલા સર્વે અનુસાર, ભારતમાં દર દસમાંથી લગભગ આઠ લોકો વડા પ્રધાન મોદી વિશે હકારાત્મક મત ધરાવે છે. તેમાં તેમને ‘સૌથી સારા’ કે પછી ‘ખૂબ સારા’ માનતા 55 ટકા લોકોનો પણ સમાવેશ થાય છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને તેમનું એક નાયકની જેમ સ્વાગત કર્યું હતું; આની પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનો અતિઉત્સાહ પણ લોકોએ જોયો છે. પણ મોદી બાબતે કરવામાં આવેલા પ્યૂ રિસર્ચના સર્વેમાં અમેરિકાના 37 ટકા લોકોનો મત તેમના માટે સારો નથી, જ્યારે 21 ટકા લોકો તેમના વિશે હકારાત્મક વિચાર ધરાવે છે. બીજી તરફ, આ સર્વેમાં સામેલ 42 ટકા લોકોએ તેમના વિશે કોઈ અભિપ્રાય નથી આપ્યો.

તો સવાલ એ છે કે ભારતમાં મોદીની લોકપ્રિયતા શું આગામી ચૂંટણીજીતમાં પલટાશે? મોદીના સમર્થકોને કશી શંકા જ નથી કે તેઓ આગામી ચૂંટણી ભારે બહુમતીથી જીતવાના છે.

પણ પ્રોફેસર ક્રિસ્ટૉફ જૅફરલો આ આત્મવિશ્વાસ બાબતે ચેતવે છે. તેઓ કહે છે કે કોઈ પણ લોકપ્રિય નેતા અજય નથી, અને તર્ક રજૂ કરે છે,

“(બ્રાઝીલમાં) બોલસોનારો ચૂંટણી હારી ગયા. ટ્રમ્પ ચૂંટણી હારી ગયા. જો ગરીબી વધે, અસમાનતામાં વધારો થાય, ત્યારે લોકો કદાચ એવું વિચારવા મજબૂર થઈ જાય છે કે તેમણે સરકાર બદલવાની જરૂર છે. આ કોઈ પણ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે. તેને ઉત્તરદાયિત્વ કહે છે. કોઈ પણ નેતા ઉત્તરદાયિત્વથી હંમેશાં પર રહી ન શકે અથવા જો ક્યાંક કોઈ નેતા જવાબદારીથી પર હોય તો તેનો અર્થ એ કે ત્યાં લોકશાહી નથી.”

મોદીને કોણ પડકારી શકે છે?

હાલના સમયે એક પણ નેતા એટલો મજબૂત નથી દેખાતો જે તેમની લોકપ્રિયતા માટે જોખમ બની શકે. ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર કહે છે કે વિપક્ષ નબળો હોવો તે, તેમની અજય છબિનું કારણ છે.

રાહુલ ગાંધી કૉંગ્રેસ પાર્ટીના મોટા નેતા છે અને તેઓ કદાચ પીએમ મોદીને પડકાર આપનારો વિપક્ષનો સૌથી મોટો ચહેરો પણ છે, પણ, રાહુલ ગાંધી બે સામાન્ય ચૂંટણીઓ અને ઘણી વિધાનસભા ચૂંટણીઓમાં પહેલેથી જ તેમના હાથે પરાજિત થઈ ચૂક્યા છે. તેમજ રાજકીય રીતે હજુ સુધી તેમને નુકસાન પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા છે. જોકે, કર્ણાટક, હિમાચલપ્રદેશ, તેલંગાણા જેવાં કેટલાંક રાજ્યમાં તેમની પાર્ટીને ચૂંટણીમાં જીત મળી છે.

બ્રાન્ડ બિલ્ડિંગમાં સંતોષ દેસાઈ એક જાણીતું નામ છે. તેઓ કહે છે,

“પીએમને પડકારવાની બાબતમાં રાહુલ ગાંધી ઇમાનદાર છે. તેમણે પોતાના તરફથી ભરપૂર કોશિશ કરી છે, પણ રાહુલમાં એવું કશું નથી દેખાતું જેનાથી જનતા સાથે તેઓ સ્વાભાવિક રીતે જોડાઈ શકે. તેમના પ્રયત્નોમાં કશી ખામી નથી પણ તેઓ કુદરતી રીતે જનતા સાથે જોડાઈ નથી શકતા.”

સંતોષ દેસાઈ

સંતોષ દેસાઈ

જોકે, કેટલાક વિશ્લેષક કહે છે કે, રાહુલ ગાંધીએ ‘ભારત જોડો’ દ્વારા ગામો અને નાનાં શહેરોમાં સામાન્યજનો સાથે જોડાવાની કોશિશ કરી છે અને કેટલાક અંશે કામિયાબ પણ રહ્યા છે. એમ તો ભાજપ તેમની યાત્રાને ‘રાહુલ ગાંધીને ફરી એક વાર લૉન્ચ કરવાનો રોડ-શો’ કહીને ખારિજ કરે છે. પણ એવું મનાઈ રહ્યું છે કે તેનાથી તેમની છબિ સુધરી છે. 14 જાન્યુઆરીએ રાહુલ ગાંધીએ ભારત ન્યાય યાત્રાની શરૂઆત કરી. તેમની આ યાત્રા અગાઉની યાત્રા કરતાં વધારે અંતર કાપશે અને એવું માનવામાં આવે છે કે, આ યાત્રા દ્વારા એમને સામાન્ય ચૂંટણીઓ પહેલાં જનતા સાથે જોડાવાની ઘણી તક મળશે.

પાંચ વર્ષ પહેલાં થયેલી સામાન્ય ચૂંટણીઓ બાદ દિલ્હીની થિંક ટેન્ક ‘સેન્ટર ફૉર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ’ (સીએસડીએસ)એ એક સર્વે કરાવ્યો હતો. આ સર્વેમાં જાણવા મળ્યું હતું કે જો મોદી પોતાની પાર્ટી તરફથી વડા પ્રધાનપદના ઉમેદવાર ન હોત તો એક-તૃતીયાંશ મતદારોએ ભાજપને મત ન આપ્યા હોત.

ભારત જેવા દેશમાં જ્યાં ઘણી વાર પારિવારિક સંબંધોના કારણે રાજકારણમાં સફળતા મળે છે ત્યાં તેમના સેલ્ફ-મેડ હોવાની છબિ મતદારોને ઘણી આકર્ષે છે. તેઓ તેમની સાથે જોડાણ અનુભવે છે, કેમ કે, તેઓ એક ગરીબ પરિવારમાંથી આવે છે. તેમનું આરંભિક જીવન એવું નહોતું જે ભવિષ્યમાં તેમની રાજકીય સફળતાના સંકેત આપે. યુવાવસ્થામાં તેઓ પોતાના ગૃહરાજ્ય ગુજરાતમાં પાર્ટીના એક સામાન્ય કાર્યકર્તા હતા. તેમની પોતાની વેબસાઇટ અનુસાર, ગુજરાતમાં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના ક્ષેત્રીય મુખ્યમથકમાં ‘ઑફિસ બૉય’ હતા.

આરએસએસને સંઘ પરિવારનું સંરક્ષક સંગઠન કહેવામાં આવે છે. ભાજપ તેનું અતૂટ અંગ છે. તેમની વ્યક્તિગત સાઇટ અનુસાર, ‘ઑફિસ બૉય’નું કામ એ હતું કે તેઓ કચેરીને સાફસૂથરી રાખે અને દરરોજ, ત્યાંના માટેનો જરૂરી સામાન ખરીદી લાવે.

તેઓ પોતે પણ પોતાના ભૂતકાળ વિશે ઘણી વાતો કહેતા રહ્યા છે, જેની પુષ્ટિ નથી થઈ શકી. જેમ કે, બાળપણના દિવસોમાં તેઓ રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા.

તો એવી કઈ વાત છે, જે તેમને બાકીના રાજનેતાઓ કરતાં જુદા પાડે છે? ભારતના સામાન્ય લોકોની ભીડમાંથી ઊભા થઈને તેઓ દેશની સૌથી શક્તિશાળી વ્યક્તિ કઈ રીતે બની ગયા?

મોદી મૅજિકમાં શું શું સામેલ છે?

તેમના સમર્થકો માને છે કે તેઓ એક જબરદસ્ત વક્તા છે. પણ, તેમના વિરોધી દાવો કરે છે કે તેઓ મોટાં આયોજનોનો પોતાના અંગત લાભ માટે ઉપયોગ કરે છે. જોકે, બંને પક્ષ એવું માને છે કે તેઓ એક શોમૅન છે; જ્યારે તેમના વિરોધી દાવો કરે છે કે તેઓ અદૃશ્ય ટેલિપ્રૉમ્પટર વિના બોલતા નથી. સામાન્ય લોકો સાથે જોડાવામાં તેઓ નિપુણ છે. તેમણે અસરદાર રાજકીય અભિયાન ચલાવવાના ઘણા નુસ્ખા શોધી કાઢ્યા છે, જેવા કે, ‘ચાય પે ચર્ચા’ અને ‘પરીક્ષા પર ચર્ચા’. એટલે સુધી કે તેમના રાજકીય વિરોધી પણ તેમની ભાષણકલાના પ્રભાવને સ્વીકારે છે.

કૉંગ્રેસના નેતા શશિ થરૂરે જ્યારે મોદીનાં વખાણ કર્યાં હતાં ત્યારે તેમણે પાર્ટીની નારાજગી સહન કરવી પડી હતી. થરૂરે કહેલું,

“વડા પ્રધાન ખૂબ અસરદાર ભાષણ કરે છે. તેઓ નવાં નવાં સૂત્રો બનાવે છે. જુમલા શોધી કાઢવા અને તસવીરોથી વાતાવરણ ઊભું કરવામાં તેમના સમાન કોઈ નથી. એમાં સહેજે શંકા નથી કે આપણે મોદીના રૂપમાં એક જબરદસ્ત વક્તાને પોતાના હુનરનું પ્રદર્શન કરતા જોઈ રહ્યા છીએ.”

શશિ થરૂર

શશિ થરૂર

પણ કેટલાક લોકો કહે છે કે તેઓ એક સામાન્ય કાર્યક્રમને પણ ભવ્ય આયોજનમાં ફેરવી નાખે છે. ઉદાહરણ તરીકે, ગયા વર્ષના ઑક્ટોબરમાં વડા પ્રધાને દિલ્હીમાં જ્યારે ‘નમો ટ્રેન સેવા’ની શરૂઆત કરી હતી ત્યારે તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકો સાથે વાતો કરતા દેખાયા હતા. તેમાં શાળાની વિદ્યાર્થિનીઓ પણ સામેલ હતી. ફરી એક વાર તેમણે એવો સંદેશ આપ્યો કે તેઓ સામાન્ય લોકોમાં આસાનીથી હળીભળી જાય છે અને તેમની મુશ્કેલીઓને સમજી લે છે.

સંતોષ દેસાઈ અનુસાર, તેઓ કોઈ પણ કાર્યક્રમનો રાજકીય લાભ લેવામાં કુશળ છે. તેઓ કહે છે,

“જી-20ના શિખર સંમેલનને જ લઈ જુઓ. સભ્ય દેશોને વારાફરતી તેની અધ્યક્ષતા કરવાની અને શિખર સંમેલનના યજમાન બનવાની તક મળે છે. શિખર સંમેલનનું યજમાનપદ કોઈ પણ રીતે ઉપલબ્ધિ ન કહી શકાય. ભારતની પહેલાં ઇન્ડોનેશિયામાં જી-20 શિખર સંમેલન થયું હતું, અને ભારત પછી આ તક બ્રાઝીલને મળશે; પણ તેમણે શિખર સંમેલનને એક મેગા ઇવેન્ટમાં ફેરવી નાખ્યું.”

વિપક્ષનું કહેવું છે કે સરકારે જી-20 શિખર સંમેલનને વડા પ્રધાનની વ્યક્તિગત સફળતા તરીકે પ્રચારિત કરી, જ્યારે સચ્ચાઈ તો એ છે કે ભારતને જી-20નું અધ્યક્ષપદ મળવાનું જ હતું, ભલે ને પછી દેશના વડા પ્રધાન બીજા કોઈક જ કેમ ના હોત.

વિપક્ષના નેતાઓએ જી-20 જેવા ગંભીર શિખર સંમેલનમાંથી રાજકીય લાભ મેળવવાની કોશિશ માટે મોદીની ટીકા પણ કરી. કૉંગ્રેસના નેતા જયરામ રમેશે આરોપ કર્યો કે ભારતના જી-20ના અધ્યક્ષ બનવાને અને શિખર સંમેલનના યજમાન બનવાને તેમણે ‘એક હાઈ-વોલ્ટેજ ડ્રામા’માં ફેરવી નાખ્યા.

મિશિગન યુનિવર્સિટીના પ્રોફેસર જોયોજિત પાલ કહે છે,

“તમે દિલ્હી મેટ્રો વિશે સાંભળો છો કે ઈ. શ્રીધરન નામની એક વ્યક્તિએ તે બનાવી હતી. દિલ્હી મેટ્રોનું નિર્માણ જો આજે થયું હોત તો આપણે ક્યારેય જાણી ન શક્યા હોત કે તે વ્યક્તિ કોણ હતી. આપણને એમ જ જણાવાતું કે મેટ્રો મોદીએ બનાવડાવી છે.”

પ્રોફેસર જોયોજિત પાલ

પ્રોફેસર જોયોજિત પાલ

એવું નથી કે મોદી માત્ર પોતાનાં ભાષણ અને બૉડી લૅંગ્વેજથી જ પોતાના લોકો સાથે સંવાદ કરે છે. તેઓ સાર્વજનિક રીતે પોતાની લાગણીઓનો સ્વીકાર કરે છે અને જુદા જુદા પોશાક અને રાજ્યોની ખાસ પાઘડીઓ–ટોપીઓ પહેરીને તેના દ્વારા પણ રાજકીય સંદેશ આપે છે. મોદી ખૂબ સહજતાથી જનસભાઓમાં ભાવુક થઈ જાય છે. રડવાથી તેઓ સામાન્ય લોકોની નજરમાં એક સાધારણ માણસ બની જાય છે, પણ તેનાથી તેમની એક શક્તિશાળી નેતા હોવાની છબિ નબળી નથી પડતી. તેમની આવી ભાવુકતા મતદારોને પ્રભાવિત કરવામાં ઘણી કારગત સાબિત થઈ છે. ક્યારેક તેઓ કોઈ હિન્દુ સાધુની જેમ કેસરિયા વાઘા પહેરે છે, તો ક્યારેક પ્રસંગાનુસાર સૈનિક પોશાકમાં પણ દેખાય છે.

તેમના ટીકાકારો પણ માને છે કે એક સાધારણ કાર્યકર્તામાંથી વૈશ્વિક રાજનેતા બનવાની તેમની રાજકીય સફર એક અસાધારણ ઉપલબ્ધિ છે, પણ આ બધું કંઈ એમ જ નથી બની ગયું.

દર્શન દેસાઈ ગુજરાતના એક વરિષ્ઠ પત્રકાર છે. તેઓ મોદીને તેઓ એક સાધારણ નેતા હતા એ સમયથી જાણે છે. દર્શન દેસાઈ કહે છે કે તેઓ એકલા જ પોતાની રાજકીય કારકિર્દીના નિર્માતા છે અને તેમણે જ, ખૂબ જાગ્રત રહીને, પોતાની આ સફરની યોજના બનાવી અને પોતાને એક રાજકીય બ્રાન્ડ તરીકે સ્થાપિત કર્યા. દર્શન દેસાઈ કહે છે,

“નરેન્દ્ર મોદી લાંબા ગાળાનું વિચારે છે. તેઓ ઘણું આગળનું વિચારે છે. મને ખબર છે કે તેમણે વડા પ્રધાન બનવાની આ સફરની યોજના ખૂબ પહેલાં જ તૈયાર કરી લીધી હશે.”

દર્શન દેસાઈ

દર્શન દેસાઈ


2001થી 2014 વચ્ચે તેઓ ત્રણ વાર ગુજરાતના મુખ્ય મંત્રી રહ્યા હતા. તેમણે મુખ્ય મંત્રીપદ સંભાળ્યું તેના એક વર્ષમાં જ 2002માં ગુજરાતમાં રમખાણો થયાં હતાં, જેમાં એક હજાર કરતાં વધારે લોકો મૃત્યુ પામ્યા હતા, તેમાંના મોટા ભાગના મુસલમાન હતા. તેમના પર આરોપ થયા હતા કે તેમણે આ હત્યાઓને રોકવા માટે પૂરતાં પગલાં ન ભર્યાં. આગળ જતાં ભારતની સુપ્રીમ કોર્ટે તેમને તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધા.

દર્શન દેસાઈ કહે છે કે સીએમ મોદીએ પોતાના વિરોધમાં ઊભા કરાયેલા આ મુદ્દાનો સામનો કરવા માટે ગુજરાતની જનતામાં ગૌરવની ભાવના જગાડી. તેઓ જણાવે છે,

“તેઓ સીધા જનતાની પાસે ગયા અને કહ્યું કે આ ગુજરાતના ગૌરવનો સવાલ છે. તેમના પર કરાઈ રહેલો હુમલો વાસ્તવમાં ગુજરાતના લોકો પર હુમલો છે.”

ઇમેજ બદલવાનું અભિયાન

2003ની આસપાસથી તેમણે પોતાની છબિ બદલવા પર કામ શરૂ કર્યું. ઇમેજ મેકઓવરના આ પ્રયાસમાં ઘણી વાતો સામેલ હતી :

વાઇબ્રન્ટ ગુજરાત 

આ દુનિયાભરના રોકાણકારોને મનાવીને ગુજરાતને વિશ્વમંચ પર રજૂ કરવાની કોશિશ હતી.

મિશિગન યુનિવર્સિટીના પ્રોફેસર જોયોજિત પાલ કહે છે કે રમખાણો પહેલાં તેમણે ‘હિન્દુ હૃદયસમ્રાટ’ તરીકેની પોતાની છબિ બનાવી લીધી હતી. પાલ કહે છે કે તેમણે પોતાનું બ્રાન્ડિંગ એવા નેતા તરીકે કર્યું કે જે હિન્દુત્વ માટે લડાઈ લડતા રહ્યા હતા. પ્રોફેસર જોયોજિત પાલ કહે છે,

“તે ખૂબ જ અસરદાર રાજકીય સૂત્ર હતું અને તેનાથી તેમને અસામાન્ય રાજકીય સફળતા મળી.”

દર્શન દેસાઈ કહે છે કે ત્યાર બાદ એ સમય આવ્યો જેમાં તેઓ પોતાનું બ્રાન્ડિંગ ‘વિકાસપુરુષ’ તરીકે કરવા લાગ્યા; તે માટે 2003માં વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વૅસ્ટમેન્ટ સમિટની શરૂઆત કરવામાં આવી, જે આજે પણ ચાલે છે. દેસાઈ કહે છે, “તેમણે વિચાર્યું કે જો ગુજરાતમાં રોકાણ આવે તો ગુજરાતની સાથોસાથ તેમની છબિ પણ નિખરશે.”

પ્રોફેસર જોયોજિત પાલ આ કોશિશને આ રીતે સમજાવે છે,

“જ્યારે સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને ગુજરાતના પ્રચારમાં જોડવામાં આવ્યા ત્યારે હકીકતમાં સીએમ મોદીની છબિ બદલવાની કોશિશ કરવામાં આવી રહી હતી. ત્યાર બાદ ઉદ્યોગપતિ રતન ટાટા ગુજરાત ગયા અને ત્યાર બાદ નારાયણ મૂર્તિ પણ ગયા.”

આ રીતે તેમની સ્વીકાર્યતા વધતી ગઈ.


મીડિયા મૅનેજમૅન્ટ 

મોદી જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારથી જ તેમની એ વાત માટે ઘણી વાર ટીકા કરવામાં આવતી હતી કે તેઓ પત્રકારોના સવાલના જવાબ આપવા માટે ભાગ્યે જ ક્યારેક પ્રેસ કૉન્ફરન્સ કરે છે. પીએમ બન્યા બાદ છેલ્લાં લગભગ દસ વર્ષોથી એક પણ વાર તેમણે પ્રેસ કૉન્ફરન્સ દ્વારા પત્રકારોના સવાલોના જવાબ નથી આપ્યા.

દર્શન દેસાઈ જૂના દિવસોને યાદ કરે છે,

“મોદી ગુજરાતમાં જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારે કેટલાંક પત્રકાર સંમેલન થતાં હતાં. કદાચ એક કે બે વાર. ગુજરાતના મુખ્ય મંત્રી હતા તે દરમિયાન મોદી મીડિયાનો દરેક રીતે ઉપયોગ કરતા હતા. એટલે સુધી કે આજે પણ તેમણે શાનદાર રીતે મીડિયાને મૅનેજ કરી રાખ્યું છે. હું આ વાત કોઈ નકારાત્મક અર્થમાં નથી કહેતો; હકીકતમાં મીડિયા જ આજ્ઞાકારી છે. તે એ જ કરે છે, જે મોદી ઇચ્છે છે.”

તેમના ટીકાકારો કહે છે કે તેમના રાજમાં ભારતમાં મીડિયાના સ્વાતંત્ર્ય પર ભયંકર જોખમ તોળાઈ રહ્યું છે. પત્રકારોને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. તેમને પરેશાન કરાઈ રહ્યા છે. અને એટલે સુધી કે પોતાનું કામ કરવા માટે તેમની ધરપકડ પણ કરવામાં આવી રહી છે. છેલ્લાં દશ વર્ષો દરમિયાન, વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ સતત નીચું જતું રહ્યું છે. પૅરિસસ્થિત ‘રિપોર્ટર્સ વિધાઉટ બૉર્ડર્સ’એ પોતાના 2023ના રિપોર્ટમાં કહેલું કે એક વર્ષ પહેલાંની સરખામણીએ મીડિયાની આઝાદીની બાબતમાં ભારત 180 દેશોના લિસ્ટમાં 150મા નંબરેથી 161મા નંબરે આવી ગયું છે.

તાજેતરમાં જ મોદી સરકારે ફૅક્ટ ચેકિંગ માટે એક વિભાગ બનાવવાનો પ્રસ્તાવ કર્યો છે. તેનો હેતુ સોશિયલ મીડિયાની દેખરેખ રાખવાનો જણાવાયો છે. જોકે, ઘણા બધા પત્રકારોને ડર છે કે તેના દ્વારા સરકાર સેન્સરશિપનો વિસ્તાર વધારશે. પણ સરકાર કહે છે કે આ ફૅક્ટ ચેક યુનિટનો ઉદ્દેશ ફેક ન્યૂઝ ફેલાતા રોકવાનો છે. કેટલાક પત્રકારોએ આ નિર્ણયને કાયદાકીય રીતે પડકાર્યો છે.

ભારતનું મીડિયા તો બિનભાજપશાસિત રાજ્યોમાં પણ ઉત્પીડનનો શિકાર થતું રહ્યું છે. પહેલાંના જમાનામાં પણ મીડિયાને એવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું, ખાસ કરીને ઇંદિરા ગાંધીના શાસનકાળમાં.

વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે પરિવર્તન

2011 કે તેની આસપાસ તેઓ પોતાને પોતાની પાર્ટીના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે રજૂ કરવા માટે તૈયાર થઈ રહ્યા હતા. આ એક ખૂબ મોટો પડકાર હતો, કેમ કે, તે વખતે પાર્ટીના કદાવર નેતા અને તેમના રાજકીય ગુરુ લાલકૃષ્ણ અડવાણીને દેશમાં હિન્દુત્વના સૌથી મોટા ચહેરારૂપે જોવામાં આવતા હતા. તેમને પણ પાર્ટીમાં અડવાણીના આ સામર્થ્યનો અહેસાસ હતો, તેથી તેઓ પોતાની જાતને એટલી મોટી બ્રાન્ડ બનાવવામાં રચ્યાપચ્યા હતા કે તેમને અડવાણીના વિકલ્પ તરીકે સ્વીકારી લેવાય.

તેમના આ ઇમેજ મેકઓવર અને રાજકીય બ્રાન્ડિંગના અભિયાનમાં કેટલાંક એવાં વીડિયો અને તસવીરો પણ સામેલ હતાં જેમાં તેમને એક કદાવર નેતા તરીકે રજૂ કરાયા હતા.

એક જૂના ફોટો સેશનની આ તસવીરોને જ લો! આ ફોટોશૂટ 2011-12માં એ સમયે કરવામાં આવેલું જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી હતા. એ તસવીરોમાં ધુમ્મસભરી સવાર દેખાય છે. શાંત વાતાવરણ નજરે પડે છે અને આસપાસ બતકો તરતાં દેખાય છે, જે શાંતિનો આભાસ રચે છે. આ તસવીરોમાં એપલનું એક લૅપટૉપ અને એક ડીએસએલઆર કૅમેરા પણ જોઈ શકાય છે. તેમની આ તસવીરોમાં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ઓબામાનું પુસ્તક પણ દેખાય છે. આ તસવીરોમાં મોદી ઝાડ નીચે આરામથી બેસીને ‘ઇકૉનૉમિક ટાઇમ્સ’ અખબાર વાંચી રહ્યા છે.

પ્રોફેસર જોયોજિત પાલે 2016માં પોતાના એક કૅમ્પસ લેક્ચરમાં આ તસવીરો પોતાના વિદ્યાર્થીઓને બતાવીને જણાવેલું કે કઈ રીતે તેમણે ‘ખાસ રીતે તૈયાર’ સંદેશ લોકો સુધી પહોંચાડ્યો. આ તસવીરો દ્વારા તેઓ જણાવતા હતા કે તેઓ આજના જમાનના નેતા છે, જે શાંતિને પ્રોત્સાહિત કરે છે અને ટેકનૉલૉજીની સાથે કદમ મિલાવીને ચાલી રહ્યા છે.

તે વખતે તેમની છબિ બનાવવામાં પ્રવૃત્ત બ્રાન્ડ ગુરુઓની સામે પડકાર એ હતો કે તેઓ કઈ રીતે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના યોગ્ય નેતા તરીકે રજૂ કરે. જેમ કે, ક્રિયેટિવ ડાયરેક્ટરોના ગુરુ પ્રહ્લાદ કક્કડ કહે છે,

“અમારા બિઝનેસનું રહસ્ય એ છે કે તમે કઈ રીતે એક નેતાને એક રાજનેતામાં પરિવર્તિત કરી દો છો. હવે જો તમે કોઈ રાજ્યના મુખ્ય મંત્રી હોવ તો તમે નેતા છો, પણ રાજનેતા નહીં. જો તમે કોઈ રાજ્યના મુખ્ય મંત્રી છો તો સ્પષ્ટ છે કે આખો દેશ તમને નથી ઓળખતો.”

પ્રહ્લાદ કક્કડ

પ્રહ્લાદ કક્કડ

પ્રહ્લાદ કક્કડ એ ટીમનો ભાગ હતા જેણે વડા પ્રધાન બન્યા પહેલાં તેમના પ્રચારઅભિયાન માટે કામ કર્યું હતું. તેઓ કહે છે કે તે સમયે એ લોકોએ ‘ગુજરાત મૉડલ’ના વિચારને પ્રચારિત કર્યો હતો.

કક્કડ કહે છે, “અમે એ સુનિશ્ચિત કર્યું કે લોકોને એ ખબર પડે કે તેમણે કઈ રીતે ગુજરાતને આટલી ઊંચાઈએ પહોંચાડ્યું અને હવે તેઓ એ જ મૉડલના આધારે આખા દેશને મહાન બનાવવા જઈ રહ્યા છે.”

ત્યાર બાદથી જ ગુજરાત મૉડલને ખૂબ જ પ્રચારિત કરવામાં આવ્યું. પ્રોફેસર જોયોજિત પાલ કહે છે કે જ્યાં સુધી 2014ની ચૂંટણીનું પ્રચાર અભિયાન શરૂ થયું ત્યાં સુધીમાં નરેન્દ્ર મોદી એક રાષ્ટ્રીય બ્રાન્ડ બની ચૂક્યા હતા.

સોશિયલ મીડિયાનો રચનાત્મક ઉપયોગ

સોશિયલ મીડિયા પર નરેન્દ્ર મોદીને ફૉલો કરનારાઓની સંખ્યા વિશાળ છે. દુનિયામાં એવા ઓછા નેતા છે, જેમના યુટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર તેમના કરતાં વધારે ફૉલોઅર્સ હોય.

મિશિગન યુનિવર્સિટીના પ્રોફેસર જોયોજિત પાલે બ્રાન્ડ મોદીને આગળ ધપાવવા અને તેમના વિસ્તારમાં સોશિયલ મીડિયાની મહત્ત્વપૂર્ણ ભૂમિકાની ખૂબ ઊંડી તપાસ કરી છે. પ્રોફેસર પાલે તેમની લગભગ છ હજાર ટ્વીટોનું વિશ્લેષણ કર્યું છે, જે તેમણે 2009થી 2015 વચ્ચે કરી હતી. પ્રોફેસર કહે છે કે તે વખતે સોશિયલ મીડિયા પર તેમને એ રીતે રજૂ કરાતા હતા જાણે “દેશમાં તેમના જેવા બીજા કોઈ નેતા નથી”.

તેઓ કહે છે કે,

“બ્રાન્ડ બનાવવાની આ ઝુંબેશમાં તેમને એક એવી વ્યક્તિ તરીકે રજૂ કરાયા જે બધું જ કરી શકે છે. તેઓ મન કી બાત કરી શકે છે. તેઓ યોગ કરી શકે છે. તેઓ રાજકીય ભાષણ કરી શકે છે. તેઓ પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓના ગુરુ બની શકે છે. તેઓ એવી વ્યક્તિ છે જેમની મહેનત દરેક કામ પાછળ છે. તો જો આજે દેશ આગળ વધી રહ્યો છે, પ્રગતિ કરી રહ્યો છે તો તે માત્ર તેમના કારણે શક્ય થઈ શક્યું છે.”



પ્રોફેસર ક્રિસ્ટૉફ જૅફરેલો કહે છે,

“આપણે નિશ્ચિત રીતે તો એમ ન કહી શકીએ કે મોદીને સોશિયલ મીડિયાએ ભારતના વડા પ્રધાન બનાવ્યા, પણ આપણે એવા નિષ્કર્ષ પર જરૂર પહોંચી શકીએ કે મોદીના વડા પ્રધાન બનવામાં સોશિયલ મીડિયાની પણ મોટી ભૂમિકા રહી; બિલકુલ એ રીતે જે રીતે ડોનલ્ડ ટ્રમ્પની જીતમાં કે પછી હંગેરીમાં વિક્ટર ઓરબાન, અને બ્રાઝીલમાં બોલસોનારોના જીતવામાં. લોકપ્રિય થવા માટે સામાન્ય જનતા સાથે સીધી રીતે જોડાવું મહત્ત્વનું છે અને તે માટે સોશિયલ મીડિયા પણ એક સક્ષમ હથિયાર છે.”

પ્રોફેસર જોયોજિત પાલ અનુસાર,

“સોશિયલ મીડિયા પર તેમની સફરની શરૂઆત ‘ઑર્કુટ’થી થઈ હતી. સોશિયલ મીડિયાનું આ પ્લૅટફૉર્મ હવે બંધ થઈ ગયું છે. ટ્વિટર પર આવ્યા પછી તેમણે લોકો સાથે સીધી વાત કરવાનું શરૂ કરી દીધું. મોદીની ટ્વીટ વાંચનારી કોઈ પણ વ્યક્તિને લાગશે કે તેઓ તેની સાથે સીધી, પોતાના અવાજમાં વાતો કરી રહ્યા છે.”

પોતાના રિસર્ચમાં પ્રોફેસર પાલ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે ત્રણ ચરણોમાં તેમની એક મજબૂત બ્રાન્ડ બનાવાઈ. તેઓ કહે છે કે પહેલા ચરણમાં તેમના નામને આગળ વધારવા અને સ્વીકાર્યતાની મહોર લગાડવા માટે ઉદ્યોગપતિઓ અને સેલેબ્રિટિઝનો ઉપયોગ કરાયો. બીજા ચરણની શરૂઆત એ સમયે થઈ જ્યારે તેમણે પોતાની સરકાર માટે પ્રચાર શરૂ કર્યો. ત્યારે ‘સ્વચ્છ ભારત’, ‘ડિજિટલ ઇન્ડિયા’, અને ‘બેટી બચાઓ’ જેવાં અભિયાનોને સોશિયલ મીડિયા પર પ્રચારિત કરાયાં હતાં. તે સમયે એ બતાવવાની કોશિશ કરવામાં આવી કે તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ પોતાના કે પોતાની પાર્ટીના લાભ માટે નહીં, બલકે, દેશના ભલા માટે કરી રહ્યા છે. તેઓ એવો ઇશારો કરી રહ્યા હતા કે તેઓ જે કંઈ કરી રહ્યા છે તે આખા દેશ માટે કરી રહ્યા છે.

પ્રોફેસર પાલ કહે છે, “બ્રાન્ડને પ્રમોટ કરવાનો ત્રીજો તબક્કો એ વખતે શરૂ થયો જ્યારે 2019માં સામાન્ય ચૂંટણી નજીક આવી રહી હતી. તેમણે ફરી એક વાર પોતાની શક્તિ બતાવવાનું શરૂ કર્યું. હવે તેઓ જૂના મોદી નહોતા રહ્યા, હવે તેઓ એવા નેતા બની ગયા હતા જે એમ કહી રહ્યા હતા કે ‘આ દેશ મારા વગર ન ચાલી શકે. મારા વિના આ દેશ સુરક્ષિત નહીં રહે’.”

પ્રોફેસર પાલ માને છે કે બ્રાન્ડ મોદીનું અભિયાન સતત ચાલતું રહે છે. તે અનંત પ્રક્રિયા છે. તેઓ કહે છે,

“છેલ્લાં ચારપાંચ વર્ષોથી ‘વિશ્વગુરુ’ બ્રાન્ડને પ્રચારિત કરવાની શરૂઆત કરવામાં આવી છે. તેમને દુનિયાભરના નેતાઓની સાથે વાતો કરતા બતાવાય છે. તેઓ હવે એવો સંદેશ આપી રહ્યા છે કે જે રીતે હું તમારો ગુરુ છું, તે જ રીતે હું આખી દુનિયાનો ગુરુ બની શકું છું. 2024ની ચૂંટણીઓમાં આપણે આ બ્રાન્ડ પ્રમોશનના એક નવા દોરને જોઈશું.”

બ્રાન્ડ મોદીની નબળાઈ

આજે દેશમાં ઘણા બધા લોકોનું એવું માનવું છે કે મોદી આટલી મોટી બ્રાન્ડ બની ગયા છે કે તેઓ પોતાની પાર્ટી કરતાં પણ ખૂબ મોટા થઈ ગયા છે. જેવું દર્શન દેસાઈ કહે છે,

“જો તમે રાજકીય પરિદૃશ્યમાંથી તેમને હટાવી દો તો ભાજપ કશું નથી. ભાજપની નીતિ તેમની નીતિ છે. જ્યારે તેઓ મુખ્ય મંત્રી હતા ત્યારે મુખ્ય મંત્રી કાર્યાલય નીતિઓ ઘડતું હતું અને સરકાર ચલાવતું હતું. આજે તેઓ વડા પ્રધાન છે, તો આજે પીએમઓ નીતિઓ બનાવે છે. સંપૂર્ણ સરકાર ચલાવે છે. આજે તેમને પાર્ટીની એટલી જરૂર નથી, જેટલી પાર્ટીને તેમની જરૂર છે.”

સંતોષ દેસાઈના મતે મોદી પોતાની કૅબિનેટ અને પાર્ટી બંનેમાં, બાકી બધા મંત્રીઓ અને નેતાઓ કરતાં ઉપર મનાય છે. સંતોષ દેસાઈ કહે છે,

“જ્યારે તેઓ કૅબિનેટની બેઠકોમાં ભાગ લે છે ત્યારે પણ તેઓ અલગ બેસે છે. તેઓ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે તેઓ નેતા છે અને બાકીના તેમના અનુયાયી છે. તેઓ સંદેશ આપે છે કે હું નેતા છું. હું તમારા બધાથી અલગ છું. હું તમારા બધા કરતાં વધારે સમજું છું.”

પરંતુ પ્રોફેસર જૅફરલો માને છે કે મોદીનું આ વિરાટ વ્યક્તિત્વ લાંબા સમય સુધી પાર્ટીની તરફેણમાં નથી. પ્રોફેસર જૅફરલો કહે છે,

“મને તો સ્પષ્ટ રીતે દેખાય છે કે મોદી ભલે ખૂબ જ લોકપ્રિય બન્યા હોય, પણ પાર્ટીની લોકપ્રિયતા એવી નથી અને ભાજપ તેમના જેવી બીજી કોઈ બ્રાન્ડ બનાવવાની સ્થિતિમાં નથી. આજે મોદી જ ભાજપ છે. આપણે પહેલાં પણ કંઈક આવાં જ દૃશ્યો જોઈ ચૂક્યા છીએ. સાઠ અને સિત્તેરના દાયકામાં ઇંદિરા ગાંધીએ કૉંગ્રેસને પણ આ પ્રકારે બદલી નાખી હતી અને બાદમાં કૉંગ્રેસને તેનું ઘણું મોટું નુકસાન ભોગવવું પડ્યું. હવે ભાજપ પણ એ જ માર્ગે ચાલી રહ્યો છે. એક દિવસ એવો સવાલ પણ ઊભો થઈ શકે છે કે મોદી પછી કોણ? અને ત્યારે, તે પરિવર્તન ખૂબ મુશ્કેલીભર્યું થવાનું છે.”

કોઈને પણ આ સવાલનો જવાબ ખબર નથી અને મોદીના ઉત્તરાધિકારી વિશે પાર્ટી તરફથી મૌન ધારણ કરાયું છે. હાલ પૂરતું તો એવું લાગે છે કે ભાજપે મોદી બાદના સમય વિશે વિચારવાનું પણ શરૂ નથી કર્યું.

ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર તર્ક રજૂ કરે છે કે બ્રાન્ડ મોદીની નબળાઈની વાત કરવી હવામાં વાતો કરવા જેવું છે. પ્રશાંત કિશોર માને છે કે મોદી અને તેમની પાર્ટીની પાસે એવી શક્તિ છે જે તેમના સૌથી મોટા વિરોધીઓ પાસે નથી.

કિશોર પ્રશ્નસૂચક અંદાજમાં કહે છે કે,

“ભાજપના વારંવાર જીતવા પાછળ કઈ શક્તિ છે? તે હિન્દુત્વ પર આધારિત વિચારધારા છે અને એક મોટી હિન્દુ વોટ બૅન્ક છે, જે મોદીને હિન્દુત્વના નામે વોટ આપે છે. તેમની બીજી શક્તિ છે નવ-રાષ્ટ્રવાદ કે પછી ઉગ્ર રાષ્ટ્રવાદ. ત્રીજી શક્તિ છે, સરકારી યોજનાઓના લાભ સીધા લાભાર્થીઓ સુધી પહોંચાડવા. પછી ભલે ને તે શૌચાલય હોય, ખેડૂતોની મદદ હોય કે પછી આવાસ યોજનાઓ. અને તેમની ચોથી શક્તિ ચૂંટણી લડવાની ક્ષમતા અને નાણાબળ છે. જો તમે મોદી અને ભાજપને હરાવવા માગો છો તો તમારે આમાંથી બે કે ત્રણ બાબતોમાં તેમના કરતાં ચડિયાતા સાબિત થવું પડે.”

એવી અનેક યોજનાઓ છે જેના દ્વારા તેમણે કરોડો લોકો સુધી પહોંચ બનાવી છે, જે લોકો પહેલાં સરકારની નજરથી ઓઝલ રહેલા. એવા લોકોની સંખ્યા કરોડોમાં છે જેમનું પહેલું બૅન્કખાતું ખૂલ્યું. એવો લોકોની સંખ્યા ખૂબ મોટી છે જેમને પોતાનું મકાન મળ્યું, અને ખેડૂત સન્માન નિધિ જેવી યોજનાઓ હેઠળ લોકો સુધી સીધા પૈસા પહોંચી રહ્યા છે. બીજી તરફ, સરકારી આંકડા અનુસાર, 80 કરોડ જરૂરિયાતમંદ લોકો સુધી મફત અનાજ પહોંચી રહ્યું છે. આ કલ્યાણકારી યોજનાઓએ પહેલાંથી જ મજબૂત બ્રાન્ડને વધારે તાકાત પ્રદાન કરી છે.

પોતાના વારસા પર કામ કરી રહ્યા છે

એક વાર હરિયાણાના એક મંત્રીએ દાવો કર્યો હતો કે મોદી તો મહાત્મા ગાંધી કરતાં પણ ‘મોટી બ્રાન્ડ’ છે. પીએમ મોદી ઇચ્છે છે કે નવા આત્મનિર્ભર ભારતના નિર્માતા તરીકે તેમને યાદ કરવામાં આવે. જો નહેરુ આઝાદ ભારતના નિર્માતા હતા, તો મોદી ઇચ્છશે કે તેમને આધુનિક, આત્મનિર્ભર, આત્મવિશ્વાસ, અને સમૃદ્ધિથી ભરેલા ભારતના નિર્માતા તરીકે યાદ કરવામાં આવે.

પ્રોફેસર ક્રિસ્ટૉફ જૅફરલો કહે છે, “જે રીતે મુંબઈને અપગ્રેડ કરાઈ રહ્યું છે, જે રીતે દિલ્હીમાં મોટા પાયે નિર્માણ થઈ રહ્યાં છે, તો એ વાતના સંકેત તો પહેલાંથી જ જોવા મળી રહ્યા છે કે આવનારી પેઢીઓ માટે તેઓ એક સંદેશ મૂકી જશે. ઇતિહાસમાં પહેલાંના લોકોએ જે કંઈ કર્યું, આ તેનું જ નવું સંસ્કરણ છે, જેના પર તેઓ પોતાની છાપ અંકિત કરવા માગે છે.”

‘ધ ક્રુકેડ ટિમ્બર ઑફ ન્યૂ ઇન્ડિયાના લેખક પરાકલા પ્રભાકર ભારપૂર્વક કહે છે કે મોદીના નેતૃત્વમાં ભારતનું રાજકારણ પહેલાંથી જ હિન્દુત્વ તરફ ઝૂકી ગયું છે. તેઓ કહે છે કે આજે તો આખી ચર્ચા જ ધર્મનિરપેક્ષતાથી બદલાઈને હિન્દુત્વવાળી થઈ ગઈ છે.

તાજેતરમાં જ કરણ થાપરને અપાયેલા ઇન્ટરવ્યૂમાં પરાકલા પ્રભાકરે કહેલું, “દસપંદર વર્ષ પહેલાં આપણા દેશમાં રાજકીય સંવાદ ધર્મનિરપેક્ષતાની આસપાસ રહેતો હતો. ભાજપ ત્યારે કહ્યા કરતું હતું કે તે સેક્યુલર છે, ખરા અર્થોમાં ધર્મનિરપેક્ષ છે. કૉંગ્રેસની ધર્મનિરપેક્ષતા નકલી છે, બાકીની બધી પાર્ટીઓ પણ છદ્મ ધર્મનિરપેક્ષ છે. હું કહેવા એ માગું છું કે ભાજપે ધર્મનિરપેક્ષતાને હાંસિયા પર નથી ધકેલી. મોદીના રાજમાં ધર્મનિરપેક્ષતાને પૂર્ણપણે કિનારે કરી દેવામાં આવી છે.”

પોતાના પુસ્તકમાં તેઓ લખે છે, “એ ચોંકાવનારી વાત છે કે હિન્દુ બહુસંખ્યકવાદની વિચારધારા આજે જેટલી વધુ સ્વીકાર્ય છે એટલી તો તે આઝાદીનાં તરત બાદનાં વરસોમાં પણ નહોતી. હાલની સરકાર પોતાની રાજકીય યોગ્યતાને પોતાનાં કામકાજથી હાંસલ નથી કરતી. તે પોતાની ઉપલબ્ધિઓથી ફરીથી સત્તા પર નથી આવતી. વાસ્તવમાં, તેને આ શક્તિ હિન્દુ ઓળખ પર ભાર મૂકવા અને બિનહિન્દુ સમુદાયોને નિશાન બનાવવાથી મળે છે.”

પ્રહ્લાદ કક્કડ લોકશાહીના સમર્થક છે અને તેઓ એવી વ્યવસ્થા ઇચ્છે છે જે આજના ભારત કરતાં ઘણી વધારે સંતુલિત હોય. પરંતુ તેઓ એમ પણ કહે છે કે લોકોને મોદી પર ઘણો વધારે ભરોસો છે. કક્કડ કહે છે, “મધ્યમવર્ગ, જે સામાન્ય રીતે મોદીભક્ત નથી, તે પણ મોદી પર ઊંડો વિશ્વાસ ધરાવે  છે, કેમ કે, આ જૂથને લાગે છે કે તેમણે આ દેશને મજબૂતીથી એક કર્યો છે.”

એમાં કોઈ શંકા નથી કે મોદીના વારસામાંની એક, શક્તિશાળી નેતા તરીકેની છબિ આવનારા સમયમાં પણ બનેલી રહેશે.

મોટો સવાલ તો એ છે કે તેમનો આ વારસો ભારતને કયા વળાંકે લઈ જઈને ઊભું રાખશે? એક અબજ ચાલીસ કરોડ વસ્તી ધરાવતો ભારત જેવો વ્યાપક જાતીય, ધાર્મિક, ભાષાકીય, અને સામાજિક વિવિધતાઓથી ભરેલો દેશ એ વખતે કયા મુકામે ઊભો હશે? કેટલાક લોકો છે, જેમને બીક છે કે ત્યાં સુધીમાં ભારતની અનેકતા અને વિવિધતા હંમેશ માટે નષ્ટ થઈ ગઈ હશે. બીજી તરફ, કેટલાક અન્ય લોકોને લાગે છે કે વાસ્તવમાં તો આ બધું દેશની એ મૂળ ઊભરી આવેલી ઓળખ છે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી.

અહેવાલ: ઝુબૈર અહમદ
ઈલ્સટ્રેશન: પુનીલ બરનાલા
પ્રોડ્કશન: શાદાબ નઝમી
તસવીર: ગેટ્ટી