You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાળકોનાં ભણતર માટે વાઘો સામે પડતી મહિલાઓ – ગ્રાઉન્ડ રિપોર્ટ
મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં તાડોબા જંગલની આસપાસના વિસ્તારોમાં વાઘો અવારનવાર દેખા દઈ રહ્યા છે, જેના કારણે આ ગામોમાં ભયનો માહોલ છે.
રસ્તાઓ ઉપર વાઘ દેખાવાના કિસ્સા વારંવાર સાંભળવા-જોવા મળતા હોવાથી લોકો તેમનાં બાળકોને શાળાએ મોકલતા પણ ગભરાય છે.
એવામાં સીતારામપેઠ ગામનાં ચાર મહિલાઓએ આ વિસ્તારનાં છોકરા-છોકરીઓને સલામત રીતે શાળાએ મોકલવાની જવાબદારી ઉપાડી છે.
આ મહિલાઓ 400 મીટર સૂમસામ જંગલ અને ખેતરવાળા વિસ્તારમાં હાથમાં ટૉર્ચ લઈને હાકલા પડકારા કરતાં બાળકોને સવાર-સાંજ મૂકવા-લેવા માટે બસસ્ટોપે જાય છે.
આ વિસ્તારમાં વાઘોનો કેવો આતંક પ્રવર્તે છે, તેના વિશે બાળકો, વાલીઓ અને મહિલાઓ પાસેથી જાણી શકાય છે.
આ મહિલાઓની ભૂમિકા જોઈને વનવિભાગે તાડોબા અંધારી વાઘ અભયારણ્યનાં 105 ગામોમાં આવા પ્રકલ્પો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
ગામની ચારેકોર ઘનઘોર જંગલ આવેલું છે. ગામના લોકો વાઘના ભયના ઓથાર હેઠળ જીવે છે. વાઘ ક્યાંથી અને ક્યારે અણધાર્યો ત્રાટકશે, તે કહેવું મુશ્કેલ છે. વન્ય પ્રાણીઓ સામે રક્ષણ મેળવવા માટે ગામની ફરતે તારની વાડ લગાવી દેવામાં આવી છે. ગામની સ્થિતિ કંઈક એવી છે કે, પ્રાણીઓ જંગલમાં મુક્તપણે ઘૂમી રહ્યાં છે અને લોકો વાડની અંદર કેદ છે.
આ દ્રશ્ય ચંદ્રપુર જિલ્લાના મોહોર્લી વન વિસ્તારના સીતારામપેઠ ગામનું છે. આ ગામ તાડોબા ટાઇગર રિઝર્વ એરિયા હેઠળ આવે છે.
ગામથી બસ સ્ટેન્ડ સુધી 400 મીટરનો ધૂળિયો રસ્તો છે. એક તરફ ઘનઘોર જંગલ આવેલું છે અને બીજી તરફ ખેતર છે. આખા માર્ગ પર એકેય સ્ટ્રીટ લાઇટ નથી. આ રસ્તા પર ગ્રામજનોને અવાર-નવાર વાઘ દેખા દે છે.
કેટલીક વખત વાઘ ઢોર-ઢાંખર પર હુમલો કરે છે. કેટલીક વખત ગામના લોકો વાઘને જંગલમાંથી ગામમાં આવતો જુએ છે. આથી, આ માર્ગ પર પ્રવાસ ખેડનારા ગ્રામજનોનો ભય સ્વાભાવિક છે.
વન વિભાગના જણાવ્યા પ્રમાણે, આ ગામના વિસ્તારમાં 10થી 12 વાઘ નિયમિતપણે ફરતા જોવા મળે છે. વાઘના જોખમને કારણે, આ ગામની ચારટ માતાએ તેમનાં બાળકો સલામત રીતે શાળાએ જઈ-આવી શકે, તે સુનિશ્ચિત કરવા માટે પહેલ હાથ ધરી હતી.
રાતના ગાઢ અંધકારમાં, કોઈપણ સમયે વાઘ હુમલો કરી શકે, તેવા માર્ગ પર આ ચાર મહિલાઓ હાથમાં લાકડીઓ અને ટોર્ચ સાથે તેમનાં બાળકોનું રક્ષણ કરે છે.
કિરણ ગેદમ, વેણુ રંદાયે, રીના નાત અને સીમા મદાવી - આ ચારેય બહાદુર મહિલાઓએ વાઘના ભયની વચ્ચે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે આ પગલું ભર્યું છે.
આ ચારેય મહિલાઓના સાહસને જોવા માટે અમે તાડોબા નજીક આવેલા સીતારામપેઠ ગામની મુલાકાત લીધી. ગામની વસ્તી આશરે 200 જેટલી છે.
આ ગામના 11 વિદ્યાર્થીઓ સાત કિલોમીટર દૂર આવેલા મુધોલીમાં ભણવા માટે જાય છે. આ માટે તેમણે બસ સ્ટેન્ડથી બસ પકડવાની રહે છે, જે ગામથી 400 મીટરના અંતરે આવેલું છે. જોકે, 400 મીટરનો આ રસ્તો વન્ય પ્રાણીઓને કારણે ભારે જોખમભર્યો બની રહે છે.
આ માર્ગ પર વાઘ જોવા મળવો સામાન્ય છે. દસમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સુશાંત નાતે જણાવ્યું હતું, "ગયા મહિને જ્યારે અમે સ્કૂલે ગયા, ત્યારે અમે ગામની નજીક વાઘ જોયો હતો. તે ગાયની પાછળ ભાગી રહ્યો હતો. વાઘને જોતાંવેંત અમે ગામમાં ભાગી ગયા. અમે બૂમાબૂમ કરી. ગામના લોકો એકઠા થઈ ગયા અને અમને પૂછ્યું કે, શું થયું? અમે કહ્યું કે, અમે વાઘ જોયો. કેટલીક વખત વાઘ માર્ગ પર ચાલી રહ્યો હોય છે. કેટલીક વખત તે ગાય પર હુમલો કરતો દેખાય છે. અમે નાનાં બાળકો છીએ. તે અમારા પર પણ હુમલો કરી શકે છે. આ સ્થિતિમાં અમે શાળાએ શી રીતે જઈ શકીએ? અમે ગામના લોકો સાથે આ વિશે વાત કરી હતી."
અગાઉ સુશાંત અને તેના ગામનાં અન્ય બાળકો બસ સ્ટેન્ડ પર પહોંચી ગયા પછી ગામમાં જવા દોટ મૂકતાં હતાં. પણ, તેમાં પણ જોખમ રહેલું હતું. આથી, ગામની ચાર મહિલાઓ તેમનાં બાળકોનું રક્ષણ કરવા માટે આગળ આવી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન