ગુજરાતમાં શું હજુ વરસાદ આવશે, આગામી દિવસોમાં હવામાનમાં શું ફેરફાર જોવા મળશે?

ગુજરાતમાં શું હજુ વરસાદ આવશે, આગામી દિવસોમાં હવામાનમાં શું ફેરફાર જોવા મળશે?

છેલ્લા થોડાક દિવસથી ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો હતો, પરંતુ હવે મેઘરાજાએ વિરામ લીધો છે અને રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઘટી ગયું છે.

આમ છતાં આગામી બે દિવસ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવળો વરસાદ પડે તેવી શક્યતા છે.

હવે, આગામી દિવસોમાં તાપમાનનો પારો ધીમે-ધીમે ગગડશે અને ગુજરાતીઓને ઠંડી અનુભવા લાગશે.

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે, ગત ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 1.38 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે ભાવનગરમાં 0.87 ઇંચ, જામનગરના લાલપુરમાં 0.79 ઇંચ, સાબરકાંઠાના વડાલી અને મોરબીમાં 0.79 ઇંચ, ભાવનગરના ઘોઘામાં 0.71 ઇંચ, મોરબીના માળિયામાં 0.71 ઇંચ વરસાદ પડ્યો છે.

આ સિવાય હળવદ, સોજિત્રા, ખેડબ્રહ્મા, કપરાડા, ગરુડેશ્વર, શેહરા, કલ્યાણપુર, જામકંડોરણા, ધ્રાંગધ્રા, ધંધૂકામાં પણ 0.20 ઇંચથી લઈને 0.67 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.

હાલમાં અરબી સમુદ્રમાં ઉત્તરપૂર્વ દિશામાં અને સૌરાષ્ટ્રની નજીક એક સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જે સમુદ્રની સપાટીથી 1.50 કિમીની ઊંચાઈએ સ્થિત છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન