You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગેનીબહેન ઠાકોર સંસદમાં પહેલી વખત શું બોલ્યાં, ગુજરાતનો આ મુદ્દો ઉઠાવ્યો
ગુજરાતમાંથી કૉંગ્રેસનાં એકમાત્ર સાંસદ છે અને તે છે બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરતા ગેનીબહેન ઠાકોર.
હાલ સંસદનું બજેટસત્ર ચાલી રહ્યું છે એવામાં ગુજરાતમાંથી કૉંગ્રેસનાં ચૂંટાયેલાં સાંસદ ગેનીબહેન ઠાકોરે ચાંદીપુરા વાઇરસનો મુદ્દો ઉઠાવ્યો હતો.
ઉપર વીડિયોમાં જુઓ ગેનીબહેન આ વિશે લોકસભામાં શું બોલ્યાં?
તેમણે સંસદમાં ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસ ભયાનક રીતે ફાટી ન નીકળે તે માટે કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યું છે.
તેમણે કહ્યું, "મારા મતવિસ્તાર બનાસકાંઠામાં, આ દિવસોમાં ચાંદીપુરા વાઇરસે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 37 મૃત્યુ અને 84 કેસ નોંધાયાં છે. પરંતુ સોમાંથી માત્ર 15 ટકા દર્દીઓને બચાવી શકાય છે."
"આ વાઇરસ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ફેલાઈ રહ્યો છે, જેમ કે અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ, અરવલ્લી, વડોદરા સુરત, સાબરકાંઠા, મહેસાણા, વગેરે."
ચાંદીપુરા વાઇરસ વાઇરલ ઍન્કેફેલાઇટિસ નામના એક વાઇરસ પરિવારનો ભાગ છે.
માટીની માખી (સેન્ડ ફ્લાય)ને કારણે ફેલાતી આ બીમારીનો ભોગ બનનાર બાળક 24થી 48 કલાકમાં જ જીવ ગુમાવી દે છે. ડૉક્ટરોના મતે આ બીમારીનો ભોગ બનેલાં બાળકોમાં મૃત્યુનું પ્રમાણ 85 ટકા જેટલું હોય છે, જે આ બીમારીની તીવ્ર ગંભીરતા અને જોખમનો નિર્દેશ કરે છે.
ગેનીબહેન આગળ કહે છે, "આ વાઇરસ બાળકોને શિકાર બનાવી રહ્યો છે."
તેઓ ચેતવણી આપતાં કહે છે કે, "જો આ વાઇરસ ગંભીરતાથી નહીં લેવામાં આવે, તો તે કોરોના વાઇરસ જેવી ભયંકર પરિસ્થિતિનું સ્વરૂપ લઈ શકે છે."
"તેથી હું વડા પ્રધાન અને આરોગ્ય મંત્રીને વિનંતી કરું છું કે આ વાઇરસનો સામનો કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે."
ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને અનેક બાળકોનાં મોત થયાંના સમાચાર પણ મળી રહ્યા છે.
ગુજરાત સરકારે આપેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં વાઇરલ ઍન્કેફેલાઇટિસના કુલ 118 કેસો છે. રાજ્યમાં વાઇરલ ઍન્કેફેલાઇટિસના કારણે 41 બાળકો મૃત્યુ પામ્યાં છે.
ચાંદીપુરા વાઇરસ વાઇરલ ઍન્કેફેલાઇટિસ નામના એક વાઇરસ પરિવારનો ભાગ છે. માટીની માખી (સેન્ડ ફ્લાય)ને કારણે આ બીમારી ફેલાઈ છે.
ચાંદીપુરા કે ઍન્કેફેલાઇટિસ વાઇરસનો ભોગ બનેલાં બાળકોને ખૂબ જ ઝડપથી ઊંચા તાપમાનનો તાવ આવી જાય છે.
ડૉક્ટરોના મતે આ વાઇરસની કોઈ ચોક્કસ સારવાર નથી. આ વાઇરસમાં લક્ષણો આધારિત સારવાર કરવામાં આવે છે. આ રોગની કોઈ રસી પણ હજુ સુધી શોધાઈ નથી.
ગુજરાત સરકારે 24 જુલાઈના રોજ આપેલી માહિતી પ્રમાણે, આરોગ્યની ટીમે પૉઝિટિવ અને શંકાસ્પદ મળેલા દર્દીના ઘર અને આસપાસના વિસ્તારનાં ઘરો મળીને કુલ 38 હજાર 670 ઘરોમાં સર્લેન્સની કામગીરી કરી છે. આ ઉપરાંત કુલ ચાર લાખ 68 હજાર 581 કાચાં ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગની કામગીરી કરવામાં આવી .