ગુજરાત બોર્ડ ધોરણ દસનું પરિણામ : કબાટના કારખાનામાં કામ કરતા મજૂરના પુત્રે મેળવ્યા 99.99 પર્સેન્ટાઇલ
ગુરુવારે ગુજરાતમાં દસમા ધોરણની બોર્ડ પરીક્ષાનાં પરિણામ જાહેર થયાં હતાં. જેમાં કુલ 83.80 ટકા વિદ્યાર્થીઓ સફળ થયા હતા.
અત્યાર સુધીનું આ સૌથી વધુ પરિણામ છે. આ પરિણામોમાં વખતમર્યાદિત સંશાધનો અને અપૂરતા ટેકાવાળા વાતાવરણમાં અભ્યાસ કરીને ઝળહળતી સફળતા મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ છવાઈ ગયા છે.
આવા જ એક વિદ્યાર્થી છે રાજકોટના સમીર ગોહિલ. જેમણે ઘરમાં પોતાના ત્રણ જણના પરિવાર સાથે એક રૂમના ઘરમાં રહીને દસમાની બોર્ડની પરીક્ષામાં 99.99 પર્સેન્ટાઇલ મેળવ્યા છે.
તેમના પિતા કબાટના કારખાનામાં કલરકામ કરે છે. તેમજ માતા ઘરકામ સાથે ઇમિટેશન જ્વેલરીનું કામ કરે છે.
કપરી પરિસ્થિતિ છતાં આ તેજસ્વી વિદ્યાર્થીએ કરેલા પ્રદર્શન બાદ હવે પરિવારની ઇચ્છા છે કે સમીર વધુમાં વધુ અભ્યાસ કરી આગળ વધે.
જુઓ, સમીર અને તેમના પરિવારની સંઘર્ષભરી સાફલ્યગાથા, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



