You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'માંડ માંડ બચ્યાં' - ગાંધીનગરમાં દૂષિત પાણીથી 100થી વધુ લોકોને ટાઇફોઇડ, આવું કેવી રીતે થયું?
ગાંધીનગરના સેક્ટર 24, 25, 26, 27 તેમજ આદિવાડા અને જીઆઇડીસી વિસ્તારમાં દૂષિત પાણીથી રોગચાળો વકર્યો છે.
લોકોનું કહેવું છે ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જવાથી આમ થયું છે.
કેટલાક લોકો કહી રહ્યા છે કે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને તેમનો જીવ પણ માંડ માંડ બચ્યો છે.
100 કરતાં પણ વધુ લોકોને ટાઇફોઇડ થયો છે, જેમાં સૌથી વધુ અસર બાળકોને થઈ હતી. ગુજરાત સરકારે તાત્કાલિક પગલાં લઈને ગાંધીનગર સિવિલમાં ખાસ વૉર્ડ ઊભો કર્યો હતો.
જે દર્દીઓઓમાં શકાસ્પદ લક્ષણો જોવા મળ્યાં છે, તેમાં બાળકો અને કિશોરોની સંખ્યા નોંધપાત્ર છે.
ગાંધીનગર સિવિલ હૉસ્પિટલનાં સુપરિન્ટેન્ડન્ટ ડૉ. મિતા પરીખે મીડિયાને જણાવ્યું હતું કે, "ટાઇફૉઇડનાં લક્ષણો ધરાવતા મોટા ભાગના દર્દીઓ બાળકો છે. તેમની વય 1થી 16 વર્ષની છે. બાળકોને સારવાર આપવા માટે હૉસ્પિટલમાં એક અલાયદો વૉર્ડ શરૂ કરવામાં આવ્યો છે."
"હાલ તમામ બાળકોની તબિયત સ્થિર છે અને તેઓ સારવાર હેઠળ છે. દર્દીઓ ભારે તાવ સાથે આવ્યા હતા. કેટલાકને દુખાવા અને ઊલટીની પણ ફરિયાદ છે."
ગાંધીનગરમાં જે વિસ્તારમાંથી ટાઇફૉઇડના કેસ સામે આવ્યા છે ત્યાંના પાણીમાં બીમારીનાં લક્ષણો જોવાં મળ્યાં છે. ડૉ. મિતા પરીખે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં સેક્ટર 24, 28 અને આદિવાડામાંથી પાણીના નમૂના લેવાયા છે અને પરીક્ષણમાં સામે આવ્યું છે કે પાણી પીવાલાયક નથી.
નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ સિવિલ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી અને આ અંગે તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, "22 ડૉક્ટરોની ટીમ કામે લાગી છે. નાયબ કલેક્ટરને પણ જવાબદારી સોંપવામાં આવી છે. અમિત શાહ પણ આ મુદ્દે મંત્રીઓ તેમજ આરોગ્ય વિભાગ સાથે સતત ચર્ચા કરી રહ્યા છે."
"કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રણેક વખત રિવ્યૂ લીધા છે અને દર્દીઓને સારવાર મળી રહે તેમજ દર્દીના પરિવારને કોઈ તકલીફ ન પડે તે માટે સૂચના આપી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન