બજેટ 2026 : નવા સંરક્ષણ બજેટથી સેના કેટલી આધુનિક થશે, પાકિસ્તાન અને ચીન સામે ભારત ક્યાં છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મોહમ્મદ શાહિદ
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 5 મિનિટ
નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કર્યું હતું. આગામી નાણાકીય વર્ષમાં વિવિધ મંત્રાલયો માટે કેટલી રકમ ફાળવાશે એ આ બજેટથી નક્કી થાય છે.
વર્ષ 2026-27 નાણાકીય વર્ષ માટે સંરક્ષણ મંત્રાલયના બજેટમાં આશરે 15 ટકાનો વધારો કરાયો છે.
ગયા વર્ષનું સંરક્ષણ બજેટ 6,81,210 કરોડ રૂપિયા હતું, જ્યારે આગામી બજેટ 7,84,678 કરોડ રૂપિયાનું છે.
સંરક્ષણ મંત્રાલયે ઍક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આગામી બજેટમાં વધારાનો હેતુ આધુનિકીકરણ, તકનીકી નવીનતા અને ઉત્તમ સંસાધનોના ઉપયોગ માટે સરળ ખરીદી પર ખાસ ધ્યાન આપવાનો છે.
સંરક્ષણ બજેટમાં કઈ વસ્તુ પર કેટલી રકમ ફાળવાઈ?

ઇમેજ સ્રોત, Getty Images
સંરક્ષણ બજેટ હેઠળ મૂડી ખર્ચમાં સૌથી વધુ 21.84 ટકાનો વધારો થયો છે. પહેલાં તે 1.80 લાખ કરોડ રૂપિયા હતો, જે હવે વધારીને 2.19 લાખ કરોડ કરાયો છે. હથિયારો અને ઉપકરણોનું ખરીદ-વેચાણ આ મૂડી ખર્ચથી થાય છે.
આ સિવાય સંરક્ષણ સેવાઓ (મહેસૂલ)માં 17.24 ટકાનો વધારો થયો છે. જે પહેલાં 3.11 લાખ કરોડ રૂપિયા હતો, જેને વધારીને 3.65 લાખ કરોડ રૂપિયા કરાયો છે.
સંરક્ષણ સેવાઓ (મહેસૂલ)માં જ દૈનિક ઑપરેશન ખર્ચને આવરી લેવાય છે. તેમાં જાળવણી, ઈંધણ, સમારકામ અને પગાર જેવા ખર્ચા સામેલ છે.
આ સિવાય સંરક્ષણ પેન્શનમાં 6.53 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જે હવે 1.71 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંરક્ષણ બજેટમાં 15 ટકાનો વધારો એવા સમયે થયો છે જ્યારે ભારતનો ગયા વર્ષે મે મહિનામાં પડોશી પાકિસ્તાન સાથે સૈન્ય સંઘર્ષ થયો હતો.
પહલગામમાં થયેલા ચરમપંથી હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ચરમપંથી કૅમ્પોને નિશાન બનાવવાનો દાવો કર્યો હતો. ભારતે આ ઑપરેશનને "ઑપરેશન સિંદૂર" નામ આપ્યું હતું.
ત્યાર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ શરૂ થયો હતો. ભારતીય સેનાએ કહ્યું હતું કે પાકિસ્તાની સેનાના ડીજીએમઓથી આવેલા સંઘર્ષવિરામના નિવેદન બાદ સૈન્ય સંઘર્ષ રોકાઈ ગયો હતો.
બાદમાં એ અનુમાન હતું કે ભારત પોતાના સૈન્ય બજેટમાં વધારો કરી શકે છે.
સંરક્ષણ બજેટમાં 15 ટકાના વધારાથી શું બધી જરૂરિયાતો પૂરી થઈ શકે છે? આ સવાલ પર સંરક્ષણ વિશ્લેષક રાહુલ બેદી નવા સંરક્ષણ બજેટને અપૂરતું ગણાવે છે.
તેઓ કહે છે, "મોંઘવારી સતત વધી રહી છે. ચિંતાની વાત એ પણ છે કે રૂપિયા સતત નબળો પડી રહ્યો છે. આ રીતે જોઈએ તો 15 ટકાનો વધારો શૂન્ય થઈ જશે. માટે તેને ફ્લૅટ બજેટ જ કહેવું જોઈએ."
આટલા બજેટથી સેના આધુનિક થઈ જશે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારત અને પાકિસ્તાનના સૈન્ય સંઘર્ષ દરમિયાન અલગ રીતનો જંગ જોવા મળ્યો હતો, જેમાં ડ્રોન અને તકનીકીનો ઉપયોગ થયો.
સીડીએસ જનરલ અનિલ ચૌહાણે ગત મહિને એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારતીય સશસ્ત્ર બળ નેટ-સેન્ટ્રિકથી ડેટા સેન્ટ્રિક યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે, જેમાં ભવિષ્યની સુરક્ષા ચિંતાઓને નાથવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ એક મહત્ત્વનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે ઊભરી રહ્યું છે.
તેમણે કહ્યું કે ઍડવાન્સ સેન્સર અને એઆઇ ટેકનૉલૉજી યુદ્ધના મેદાનમાં લગભગ પૂરી પારદર્શિતા લાવી રહ્યા છે, જેમાં સરપ્રાઇઝ આપવી મુશ્કેલ થઈ રહ્યું છે અને જીત માટે ટેકનૉલૉજિકલ શ્રેષ્ઠતા જરૂરી બની ગઈ છે.
તેમણે એ વાત પર ભાર મૂક્યો કે માત્ર આધુનિક ટેકનૉલૉજી હોવી પૂરતું નથી અને સૈન્ય નેતૃત્વે પણ બૌદ્ધિક રીતે તૈયાર રહેવું જોઈએ અને બદલાતા પડકારોનો સામનો કરવા પોતાની કામ કરવાની રીત અપનાવવી જોઈએ.
તેઓ અગાઉ પણ આ વાત કહી ચૂક્યા છે. શું આ સંરક્ષણ બજેટ ભવિષ્યની આ બધી જરૂરિયાતોને પૂર્ણ કરે છે? આના પર સંરક્ષણ વિશ્લેષક રાહુલ બેદી કહે છે કે ભારતે 114 નવાં ફાઇટર વિમાન અને છ સબમરીન માટે કરાર કરવાનો છે.
તેઓ કહે છે, "જર્મની સાથે છ સબમરીનનો 10 અબજ ડૉલરનો કરાર છે. 114 નવાં ફાઇટર જેટ પણ ખરીદાશે. 30-35 અબજ ડૉલરનો આ સોદો કોની સાથે થશે તે હજુ સ્પષ્ટ નથી. આ બધા પૈસા એકસાથે જાતા નથી, પરંતુ તેના માટે બજેટિંગ અને ભાવતાલ કરવાનો હોય છે."
"જ્યારથી ઑપરેશન સિંદૂર થયું છે, ત્યારથી સેના પ્રમુખ, સીડીએસ, સંરક્ષણમંત્રી અને વડા પ્રધાન કહી રહ્યા છે કે સૈન્યને ટેકનૉલૉજીની દૃષ્ટિએ આધુનિક બનાવશે. તેના માટે પૈસાની જરૂર હોય છે અને બજેટમાં 15 ટકાના વધારાથી આ મુશ્કેલ જણાઈ રહ્યું છે."
અંગ્રેજી મૅગેઝિન ધ વીકના સિનિયર આસિસ્ટન્ટ ઍડિટર સંજીવકુમાર બરુઆએ મૅગેઝિનની યૂટ્યૂબ ચૅનલ પર જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટમાં સંરક્ષણ મંત્રાલય સૌથી મોટું બજેટ મેળવનાર મંત્રાલય છે, તેનો કુલ બજેટમાં 14.68 ટકા હિસ્સો છે, જે ગયા વર્ષે 13.45 ટકા હતો.
તેઓ કહે છે, "સંરક્ષણ બજેટ પર વિચાર-વિમર્શ ક્યારેય સરળ હોતો નથી. જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ સંરક્ષણ માટે અલગ રાખવામાં આવનાર ભંડોળની ચર્ચા કરવા અને ગણતરી કરવા બેઠાં હશે, ત્યારે ઘણાં પરિબળોએ તેમને ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કર્યા હશે. જેમ કે ઑપરેશન સિંદૂર અને તે બાદની સ્થિતિ, ચીનની ઝડપી તકનીકી અને સૈન્ય પ્રગતિ, ભારતનું આત્મનિર્ભર મિશન અને અત્યાધુનિક સૈન્ય ઉપકરણોની તાત્કાલિક જરૂરિયાત."
"2026-27 માટે આ ફાળવણી ગયા વર્ષના 6.81 લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ બજેટ કરતાં 15.27 ટકા વધુ છે. તેનાથી સંકેત મળે છે કે સંરક્ષણ ખર્ચ વધતો રહેશે અને સૈન્ય આધુનિકીકરણની ગતિ ન માત્ર જાળવી રાખવામાં આવશે, પરંતુ ઝડપી પણ કરાશે."
શું આધુનિકીકરણ માટે ફક્ત ફાઇટર વિમાન કે સબમરીનોની ખરીદી પૂરતી છે? આના પર રાહુલ બેદી કહે છે, "આજના સમયમાં હેલિકૉપ્ટર, ફાઇટર વિમાન અને સબમરીનની સાથે ડ્રોન અને સાયબર વૉરફેરનું મહત્ત્વ પણ વધી ગયું છે. આ સમયે સબમરીન અને ફાઇટર વિમાનની અછત છે."
"ભારતીય વાયુસેનામાં 42 ફાઇટર સ્ક્વૉડ્રનની મંજૂરી છે, પરંતુ આજની તારીખે માત્ર 29-30 સ્ક્વૉડ્રન છે. એક સ્ક્વૉડ્રનમાં અંદાજે 20 વિમાન હોય છે, આથી એ અંદાજ લગાવી શકાય છે કે 250-300 વિમાનની જરૂર છે. સબમરીનો જૂની થઈ ગઈ છે, તેને બદલવાની જરૂર છે. હેલિકૉપ્ટર અને ટ્રેનિંગ ઍરક્રાફ્ટ જૂનાં થઈ ગયાં છે, જેની જગ્યાએ નવાં આવવાનાં છે."
"આ રીતે જોઈએ તો અનેક જરૂરિયાતો છે અને આ બધીને પૂરી કરવા માટે બજેટમાં પૈસાની જરૂર હોય છે."
ચીન અને પાકિસ્તાન સામે ભારતનું સંરક્ષણ બજેટ કેટલું છે?

ઇમેજ સ્રોત, AFP
ગત વર્ષે મે મહિનામાં ભારત સાથે સંઘર્ષ બાદ જૂનમાં પાકિસ્તાને પોતાના નાણાકીય વર્ષ 2025-26ના સંરક્ષણ બજેટમાં 20.2 ટકાનો વધારો કર્યો હતો.
પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ 2122 અબજ પાકિસ્તાની રૂપિયાથી વધારીને 2550 અબજ પાકિસ્તાનની રૂપિયા કરાયું હતું. સરળ શબ્દોમાં કહીએ તો પાકિસ્તાનના જીડીપીનું આ માત્ર 1.97 ટકા હતું.
તો ચીનની વાત કરીએ તો વર્ષ 2024માં તેનું સંરક્ષણ બજેટ 110 ટ્રિલિયન ડૉલરના જીડીપીનું 1.7 ટકા હતું. બાંગ્લાદેશનું સરંક્ષણ બજેટ વર્ષ 2024માં તેના 450 અબજ ડૉલરના જીડીપીનું માત્ર 0.9 ટકા હતું.
બીજી તરફ ભારતનું કુલ સંરક્ષણ બજેટ તેના કુલ જીડીપીના અંદાજે ચાર ટ્રિલિયન ડૉલરનું 1.9 ટકા છે.
આ આંકડાને સામે રાખીએ તો પાકિસ્તાન અને બાંગ્લાદેશનું સંરક્ષણ બજેટ ભારત સામે ઘણું નાનું છે. તો ભારતનું સંરક્ષણ બજેટ ચીન કરતાં ઘણું ઓછું છે.
આ ત્રણેય દેશના બજેટની તુલના પર રાહુલ બેદી કહે છે, "ચીનનું બજેટ આપણી કરતાં ઘણું ઘણું આગળ છે. પાકિસ્તાનના બજેટને ઓછું ન આંકવું જોઈએ, કેમ કે ચીન... પાકિસ્તાન, બાંગ્લાદેશ સમેત ભારતના અનેક પડોશી દેશોની મદદ પણ કરે છે. આથી એ તુલના ન કરી શકાય."
ભારતનું સંરક્ષણ બજેટ તેની જરૂરિયાત પ્રમાણે કેટલું હોવું જોઈએ? આ સવાલ પર રાહુલ બેદી કહે છે કે જ્યાં સુધી સંરક્ષણ બજેટ જીડીપીના ત્રણ ટકા સુધી નહીં પહોંચે ત્યાં સુધી તેની જરૂરિયાતો પૂરી કરવામાં મુશ્કેલ આવશે.
તેઓ કહે છે, "1962માં જ્યારે ચીન સાથે જંગ થયો ત્યારથી કુલ સંરક્ષણ બજેટ આ જીડીપીના આ આંકડાની આસપાસ જ રહ્યું છે."
"આપણા દેશનો જીડીપી ચોક્કસપણે અનેક ગણો વધ્યો છે, પરંતુ સંરક્ષણ બજેટ બે ટકાની આસપાસ જ પહોંચે છે. મિલિટરીની માગ હંમેશાં કુલ જીડીપીના ત્રણ ટકા રહી છે."
"જો આપણે શક્ય તેટલી ઝડપથી સેનાનું આધુનિકીકરણ કરવું હોય, તો સંરક્ષણ બજેટ કુલ જીડીપીના ત્રણ ટકા પર સતત રાખવું જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












