અરબી સમુદ્રની સિસ્ટમના માર્ગમાં ફેરફાર, હવે ગુજરાતમાં કયાં ભારે વરસાદની શક્યતા?

અરબી સમુદ્રની સિસ્ટમના માર્ગમાં ફેરફાર, હવે ગુજરાતમાં કયાં ભારે વરસાદની શક્યતા?

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઑક્ટોબર મહિનાના અંતમાં પણ વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી છે. તેમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી ઓરેન્જ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના બુલેટિન અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં અમુક જગ્યાએ વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાત, કચ્છ અને દીવમાં હવામાન મુખ્યત્વે સૂકું છે.

અમરેલીમાં જાફરાબાદના દરિયાઈ પટ્ટામાં સતત વરસાદ ચાલુ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. જાફરાબાદમાં શનિવારે રાતે પણ પવનના સુસવાટા સાથે ધીમી ગતિએ વરસાદ ચાલુ હતો.

રાજકોટમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ છે અને હળવો પવન ફૂંકાય છે. આસપાસના વિસ્તારોમાં પણ આકાશ વાદળોથી ઘેરાયેલું છે.

ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકિનારા નજીક અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે ગોવાથી આ ડિપ્રેશન 450 કિમી દૂર, મુંબઈથી 430 કિમી દૂર, મેંગલોરથી 680 કિમીના અંતરે આવેલું છે. આગામી ચોવીસ કલાકમાં તે અરબી સમુદ્રમાં પૂર્વ મધ્ય દિશામાં આગળ વધે તેવી સંભાવના છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન