ગુજરાતમાં ક્યારથી કડકડાટી ઠંડી પડશે, હવામાન વિભાગે શું કહ્યું?
ગુજરાતમાં સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન ભારે ઠંડી પડતી હોય છે અને ઉત્તરાયણ બાદ આ પરિસ્થિતિમાં પરિવર્તન આવતું હોય છે.
ઔપચારિક રીતે ફેબ્રુઆરીને શિયાળાનો મહિનો ગણવામાં આવે છે, પરંતુ ત્યારે એટલી ઠંડી પડતી નથી હોતી. લગભગ બે-તૃતીયાંશ જેટલો ડિસેમ્બર મહિનો પૂર્ણ થઈ ગયો હોવા છતાં ગુજરાતમાં હજુ કડકડતી ઠંડી નથી પડી રહી.
કચ્છનું નલિયા ગુજરાતનો સૌથી ઠંડો પ્રદેશ છે. જ્યાં રાત્રિ દરમિયાન તાપમાનનો પારો 10 ડિગ્રી આસપાસ સુધી ગગડી જાય છે.
આ સિવાય ગુજરાતભરમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુતમ તાપમાન 15 ડિગ્રી આસપાસ હોય છે.
શનિવારથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શરૂ થશે, જે હાલના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કરતાં વધુ મજબૂત હોવાથી ભારતનાં અનેક રાજ્યોને સીધી અસર કરશે.
જેની અસર હેઠળ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ તથા ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થશે.
તેની અસર હેઠળ પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં ગાઢ ધુમ્મસ જોવા મળશે. જોકે, તેની ગુજરાત ઉપર સીધી અસર નહીં જોવા મળે અને અહીં ધુમ્મસભર્યું વાતાવરણ નહીં જોવા મળે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુરૂવારે સાંજે બહાર પાડવામાં આવેલી આગાહી અનુસાર, આગામી દિવસો દરમિયાન ગુજરાતનું હવામાન સ્થિર રહેશે.
આ દિવસો દરમિયાન આકાશ ચોખ્ખું રહેશે અને બે-ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધી શકે છે, જેની અસર મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારાના વિસ્તારોમાં જોવા મળશે.
એ પછી સોમવારથી ગુજરાતનું તાપમાન ઘટવાનું શરૂ થશે, જેની અસર આગામી સપ્તાહ દરમિયાન જોવા મળશે.
આ સિવાય આકાશ ચોખ્ખું રહેશે અને રાત્રિના સમયમાં તાપમાનનો પારો ગગડશે.
ઉત્તર ભારતના રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ શિયાળામાં હિમવર્ષા થાય અને ઠંડી પડે છે. તેની અસર હેઠળ રાજસ્થાન અને પાકિસ્તાનમાં સાઇક્લૉનિક સર્ક્યુલેશન સર્જાતું હોય છે.
પરંતુ હાલના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં વરસાદ પડે તેવી કોઈ શક્યતા જણાય નથી રહી.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પ્રકારનું ઉષ્ણકટિબંધીય વંટોળ છે, જે ભૂમધ્ય સમુદ્રમાં સર્જાય છે. આ પ્રકારનાં ઉષ્કટિબંધીય વંટોળ વિશ્વમાં દરેક જગ્યાએ જોવા મળે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શિયાળામાં પણ ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે છે.
મોટા ભાગનાં વંટોળ વાતાવરણના નીચલા સ્તરમાં ભેજનું વહન કરે છે, જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવાં ઉષ્ણકટિબંધીય વંટોળ વાતાવરણના ઊપલા સ્તરમાં ભેજનું વહન કરે છે.
ભારતના કિસ્સામાં જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયના પહાડોનો સામનો કરે છે, ત્યારે ઊપલા સ્તરમાં રહેલા ભેજને કારણે વરસાદ પડે છે. આ કારણે ઉત્તર ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ જો વધારે મજબૂત હોય તો તેની અસર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી વર્તાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



