દરિયાકાંઠાની બારીક રેતી
90 μm
દર વર્ષે શિયાળાની શરૂઆત થાય ત્યારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ પથરાઈ જાય છે અને હવાની ગુણવત્તા કથળીને ખતરનાક સ્તરે પહોંચી જાય છે.
ગત વર્ષે, સ્વિત્ઝર્લૅન્ડસ્થિત ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ મૉનિટરિંગ ગ્રૂપ, IQAir દ્વારા જાહેર કરાયેલી યાદીમાં દિલ્હીને વિશ્વનું સૌથી પ્રદૂષિત પાટનગર ગણાવ્યું હતું.
શહેરનું વાર્ષિક સરેરાશ પાર્ટિક્યુલેટ મૅટર (PM2.5)નું કૉન્સર્નટ્રેશન 108.3 µg/m³ હતું. આ પ્રમાણ વર્લ્ડ આરોગ્ય સંગઠન (WHO)ની માર્ગદર્શિકા 5 µg/m³ કરતાં 21 ગણું હતું.
AQI આસપાસની હવામાં રહેલા પ્રદૂષકોનું માપ કાઢે છે. આ ઇન્ડેક્સ 0થી 500ની રેન્જમાં હોય છે. તેમજ જો પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી જાય તો આ રેન્જ 500 કરતાં વધુ પહોંચી જાય છે.
યુનિવર્સિટી ઑફ શિકાગો ખાતે ઍનર્જી પૉલિસી ઇન્સ્ટિટ્યૂટના (EPIC) ઑગસ્ટ, 2025ના રિપોર્ટ અનુસાર, પાર્ટિક્યુલેટ પ્રદૂષણનો વધુ સ્તર દિલ્હીના રહેવાસીઓનું અપેક્ષિત આયુષ્ય 8.2 વર્ષ સુધી ઘટાડતો હોવાનો અંદાજ છે.
પ્રદૂષણની સમસ્યા એ માત્ર દિલ્હી માટે જ નહીં, પરંતુ દક્ષિણ એશિયાનાં અન્ય સ્થળો માટે પણ ચિંતાજનક છે. EPIC અનુસાર એ સ્થળો વિશ્વમાં સૌથી પ્રદૂષિત ક્ષેત્રોમાં સામેલ છે. બાંગ્લાદેશ વિશ્વનો બીજો સૌથી વધુ પ્રદૂષિત દેશ છે. ઢાકામાં WHOની મર્યાદા કરતાં PM2.5નું સ્તર 15 ગણું વધુ નોંધાયું છે. IQAirના ડેટા પ્રમાણે, પાકિસ્તાનના લાહોરમાં આ લેવલ 20 ગણું નોંધાયું છે.
દિલ્હીનાં પાછલાં 11 વર્ષના દૈનિક સરેરાશ PM2.5 લેવલ પર આધારિત AQIના બીબીસીના વિશ્વલેષણ પ્રમાણે ઠંડીમાં તો હવાની ગુણવત્તા કથળે છે જ, પરંતુ એ સિવાય પણ સ્થિતિ અનિશ્ચિત હોય છે. કારણ કે ત્યાંના નિવાસીઓ લગભગ આખું વર્ષ બિનઆરોગ્યપ્રદ હવા લે છે.
અહીં દરેક લાઇન દિલ્હીમાં AQIની કૅટેગરી બતાવે છે. સારી હવાની રેન્જ 0થી 50 છે અને લીલા રંગમાં અંકિત છે, જ્યારે 150થી વધુની રેન્જ બિનઆરોગ્યપ્રદ ગણાય છે અને લાલ રંગના વિવિધ શેડમાં દેખાય છે.
પાછલા એક દાયકાથી, દિલ્હીમાં હવાની ગુણવત્તા સારી રહી હોય એવા અમુક જ દિવસો રહ્યા છે. (50થી નીચેનું AQI)
જોકે, સામેની બાજુએ વર્ષમાં લગભગ 200 દિવસ અથવા 60 ટકા દિવસો દરમિયાન દિલ્હીના રહેવાસીઓએ બિનઆરોગ્યપ્રદ કે ખરાબ હવાની ગુણવત્તાનો સામનો કર્યો હતો. ગત દાયકામાં 70 કરતાં વધુ દિવસો એવા રહ્યા છે જે દરમિયાન દિલ્હીમાં AQI આધિકારિક ઇન્ડેક્સના ઉચ્ચતમ સ્તર 500ને પાર કરી ગયું હતું.

દરિયાકાંઠાની બારીક રેતી
90 μm

માનવ વાળ
70 μm

મીઠાનો દાણો
60 μm

લાલ રક્ત કોષ
7-8 μm

PM 10
<10 μm

PM 2.5
<2.5 μm
દિલ્હીની માફક, ઢાકા અને લાહોરના રહેવાસીઓ પણ વર્ષમાં 200 દિવસ કરતાં વધુ સમય સુધી બિનઆરોગ્યપ્રદ હવા લે છે.
દક્ષિણ એશિયાનાં શહેરો દિલ્હી, ઢાકા, લાહોર, કોલંબો અને કાઠમાંડું તેમજ ચીનની 2014માં કરાયેલી સરખામણી વિભાજિત તારણો રજૂ કરે છે. આ સરખામણીને "માણસો માટે વસવાટ માટે અયોગ્ય" નામ અપાયું હતું.
કોલંબો અને બીજિંગ બંનેમાં દર વર્ષે 200 દિવસ એવા નોંધાય છે, જે દરમિયાન AQI સારું કે મધ્યમ હોય છે.
પાર્ટિક્યુલેટ મૅટર એ ઘન અને પ્રવાહી નાના કણોનું મિશ્રણ હોય છે, જેમાં હવામાં સામેલ કાળક, ધુમાડો અને ધૂળ સામેલ છે.
PM2.5 કે હજુ બારીક પાર્ટિક્યુલેટ મૅટર 2.5 માઇક્રોમીટર જેટલા પહોળા હોય છે. જે માનવ વાળ કરતાં 28 ગણા પાતળા હોય છે. અન્ય વસ્તુઓ સાથે તેના કદની સરખામણી આ પ્રમાણે છે.
પ્રદૂષણના સ્રોતો અને પ્રદૂષણમાં તેમના ભાગ અંગે જાણવા માટે ઘણા અભ્યાસો હાથ ધરાયા છે. ટ્રાન્સપૉર્ટ, ઉદ્યોગો, પાવર પ્લાન્ટ્સ, રસ્તાની ધૂળ અને બાંધકામ એ સૌથી મોટા પ્રદૂષકો છે.
સસ્ટેનેબિલિટી જર્નલના 2023ના એક પેપર અનુસાર દિલ્હી પર ઘણા અભ્યાસો થયા હોવા છતાં આ પ્રદૂષકોના પ્રદૂષણમાં ભાગ અંગે મર્યાદિત સર્વસંમતિ છે.
દિલ્હીસ્થિત થિંક ટૅન્ક કાઉન્સિલ ઑન ઍનર્જી, એન્વાયરન્મેન્ટ અને વૉટર (CEEW)ના 2018ના એક અભ્યાસમાં 2010થી 2018ના પાંચ અભ્યાસોનો રિવ્યૂ કરાયો હતો.

અભ્યાસ પ્રમાણે, ટ્રાન્સપૉર્ટ PM2.5નો સૌથી મોટો સ્રોત હતો, જેનું પ્રમાણ 17.9%થી 39.2 ટકા હતું.

ઉદ્યોગો એ મુખ્ય પ્રદૂષકોમાં બીજા ક્રમે છે, દિલ્હીના પ્રદૂષણમાં તેનું પ્રમાણ 2.3%થી 28% છે.

CEEW પ્રમાણે, દિલ્હીના PM2.5 પ્રદૂષણમાં બાંધકામ ક્ષેત્રનો ભાગ 2.2%થી 8.4% હતો.

સસ્ટેનેબિલિટી જર્નલના એક પેપર પ્રમાણે, વાર્ષિક ધોરણે જેની સામાન્યપણે સૌથી વધુ ચર્ચા રહે છે એવી ખેતીનો કચરો બાળવાની પ્રવૃત્તિ દિલ્હીના પ્રદૂષણમાં 3%નો ફાળો ધરાવે છે.

આ નાના કણોને ફેફસાંના કૅન્સર, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (સીપીઓડી), સ્ટ્રોક, ટાઇપ 2 ડાયાબિટીસ અને ન્યૂમોનિયા જેવા રોગો સાથે સાંકળવામાં આવે છે.

ન્યૂયૉર્ક ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ પ્રમાણે PM2.5ના કણો એટલા નાના હોય છે કે ફેફસાંમાં ઊંડે સુધી જઈ શકે છે, જેથી વાયુ કોષોની દીવાલને નુકસાન થાય છે અને ફેફસાંની ક્ષમતામાં ઘટાડો થાય છે.

એક વખત જો PM2.5 આપણા રક્તપ્રવાહમાં પ્રવેશી જાય તો, આપણું બ્લડ પ્રેશર વધારી શકે અને સમય સાથે હૃદય અને મગજ સુધી રક્તપ્રવાહને બાધિત કરતા અવરોધો પેદા કરી શકે. જે સ્ટ્રોકનું કારણ બને છે.

નૅશનલ સેન્ટર ફૉર બાયૉટૅક્નૉલૉજી ઇન્ફર્મેશન દ્વારા પ્રકાશિત એક પેપર પ્રમાણે PM2.5ના સંપર્કમાં હેવાથી મગજની વૃદ્ધ થવાની ગતિ વધે છે અને તેના વ્હાઇટ મૅટરને પણ નુકસાન પહોંચે છે.
સ્ટેટ ઑફ ગ્લોબલ ઍર 2024 પ્રમાણે બારીક પાર્ટિક્યુલેટ મૅટર (PM2.5) અને ઘરગથ્થુ સ્રોતોમાંથી થતું પ્રદૂષણ આખા વિશ્વમાં 78 લાખ મૃત્યુમાં ભાગ ભજવે છે.