ઈરાનમાં હિજાબના કાયદા સામે મહિલાઓની ચળવળ ઐતિહાસિક કેમ?
ઈરાનમાં 22 વર્ષીય મહસા અમિનીના મોત પછી હિજાબ મુદ્દે સરકાર સામે શરૂ થયેલાં વિરોધપ્રદર્શનોને ત્રણ સપ્તાહ થયા છતાં હજુ દેખાવ બંધ નથી થઈ રહ્યા.
સ્કૂલની વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ પણ દેશમાં હિજાબના કાયદાઓ સામે લડાઈ લડી રહ્યાં છે. ત્યારે આ ચળવળ ઈરાનમાં કેમ અન્ય ચળવળો કરતા જુદી પડી રહી છે.
કથિત રીતે હિજાબને યોગ્ય રીતે નહીં પહેરવા બાબતે ઈરાનની પોલીસના વિશેષ દળ ગશ્તે ઇરશાદે એક 22 વર્ષીય યુવતીની ધરપકડ કરી હતી. પરંતુ કસ્ટડીમાં જ તેમનું મૃત્યુ થઈ જતાં સમગ્ર દેશમાં ઉગ્ર પ્રદર્શન ફાટી નીકળતાં અનેક લોકોનાં મૃત્યુ થયાં છે.
અધિકારીઓનું કહેવું છે કે મહસા અમિનીનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું પરંતુ પરિવારનું કહેવું છે કે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
તેઓ ઈરાનના ઉત્તર પશ્ચિમમાં આવેલા સાકેઝ શહેરમાં ત્રણ દિવસ સુધી કોમામાં રહ્યાં બાદ મૃત્યુ પામ્યાં હતાં.
તેઓ પરિવાર સાથે 13 સપ્ટેમ્બરના દિવસે રાજધાનીમાં આવ્યાં હતાં ત્યારે નૈતિકતાના આધારે મોરાલિટી પોલીસ અધિકારીઓએ તેમની યોગ્ય રીતે હિજાબ પહેરવાના કાયદાનો ભંગ કરવા અંગે ધરપકડ કરી હતી. તેમને ડિટેન્શન સેન્ટરમાં લઈ જવાયાં હતાં.
રિપોર્ટ અનુસાર મહસાને માથામાં અધિકારીઓએ છડીથી માર માર્યો હતો અને તેમનું માથું પોલીસની એક ગાડી સાથે અથડાવ્યું હતું. પોલીસનું કહેવું છે કે આ આરોપના કોઈ પુરાવા નથી અને તેમનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું.
મહસાના મોત બાદ ઈરાનમાં વિરોધપ્રદર્શન થોભવાનું નામ નથી લઈ રહ્યાં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
