પાકિસ્તાન : પૂરનાં પાણી તો ઓસર્યાં પણ આફત યથાવત્, પુનર્નિર્માણમાં વરસો લાગશે
પૂરથી પાકિસ્તાનના હાલ બેહાલ છે. ત્રણ કરોડ 30 લાખ લોકો અસરગ્રસ્ત છે. 1, 314 લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાં 458 બાળકો પણ સામેલ છે.
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા માંચર તળાવમાં પડેલું ગાબડું ત્યાનાં લોકો માટે સમસ્યારૂપ બન્યું છે.
અહીંથી સતત પાણી આવી રહ્યું છે, જેનાંથી આસપાસનાં ડઝન જેટલાં ગામોને અસર થઈ છે. પાણી રોકવા માટે આ તળાવમાં વધુ બે ગાબડાં પાડવામાં આવ્યાં છે.
પાકિસ્તાનમાં આવેલા વિનાશક પૂર માટે જળવાયુ પરિવર્તનને જવાબદાર ગણાવ્યું છે, પરંતુ આ સિવાય પણ અનેક કારણો છે જેના લીધે આટલી ભયંકર તબાહી સર્જાઈ છે.
બલૂચિસ્તાન અને સિંધ પર આ પૂરની ખૂબ ખરાબ અસર થઈ છે.
હવામાનપરિવર્તનમંત્રીએ જણાવ્યું હતું પાછલાં દસ વર્ષમાં ચાલુ વર્ષે સૌથી ભારે વરસાદ પડ્યો છે અને તેના લીધે દેશના એક તૃતિયાંશ કરતાં પણ વધુ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
સિંધ અને બલૂચિસ્તાનમાંથી થઈને વહેતી ઘણી નદીઓમાં હિમખંડના ઓગળ્યા છે અને ભારે વરસાદના કારણે આ વખત ખૂબ જ વધુ પાણી લઈને આવી છે.
યુએનના વર્લ્ડ મિટિરિયૉલૉજિકલ ઑર્ગેનાઇઝેશને કહ્યું કે પાકિસ્તાન અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં આ વખત ભારે વરસાદ પડ્યો છે - જે પૈકી સિંધની એક સાઇટમાં તો ઑગસ્ટ માસમાં જ 1,288 મિલિમિટર વરસાદ પડ્યો હતો, જ્યારે આ ક્ષેત્રની માસિક સરેરાશ 46 મિલિમિટર છે.
યુએનનું અનુમાન છે કે આ પૂરના કારણે 3.3 કરોડ પાકિસ્તાનીઓને સીધી અસર થઈ છે, એટલે કે દર સાતમાંથી એક પાકિસ્તાની. આ સિવાય પાંચ લાખ જેટલાં ઘર ક્ષતિગ્રસ્ત કે તબાહ થઈ ગયાં છે.
પૂરનાં પાણીમાં સાત લાખ જેટલાં પશુ પણ તણાઈ ગયાં હોવાનું જાણવા મળ્યું છે.
આ સિવાય કપાસ, ઘઉં, શાકભાજી અને ફળના વિવિધ પાકોના ધોવાઈ જવાના કારણે ખેડૂતોની 3.6 મિલિયન એકર જમીનને પણ ભારે અસર પડી છે.
યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસે મંગળવારે કહ્યું કે, "લાખો લોકો ઘરવિહોણા બન્યા છે. સ્કૂલો અને આરોગ્યકેન્દ્રો તબાહ થઈ ગયાં છે. લોકોની રોજગારી ધોવાઈ ગઈ છે. તેમજ પાયાની સુવિધાઓ પર પાણી ફરી વળ્યાં છે. આ સિવાય લોકોની આશાઓ અને સપનાં પણ પાણીમાં વહી ગયાં છે."
આ પૂરના કારણે ઘણા લોકો વર્ષ 2010માં આવેલા વિનાશકારી પૂરની ખરાબ યાદો ફરી તાજી થઈ હોવાનું જણાવી રહ્યા છે.
એ પૂર પાકિસ્તાનના ઇતિહાસનો સૌથી ભયાનક પૂર હોવાનું કહેવાય છે જેમાં 2,000 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
પૂરના વિનાશક પ્રભાવથી ખૈબર પખ્તુનખ્વાનો પહાડી વિસ્તાર પણ બાકાત રહી શક્યો નથી.
ખૈબર પખ્તુન્ખ્વા પ્રાંતમાં હાલ પાણી તો ઓસરી ગયાં છે પણ સ્થિતિ હજુ પણ કપરી છે. જુઓ, બીબીસી સંવાદદાતા શુમાયલા જાફરીનો આ વિસ્તૃત વીડિયો અહેવાલ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
