ચીન તાઇવાન માટે અમેરિકા સહિત સમગ્ર વિશ્વ સામે લડવા કેમ તૈયાર છે?
નૅન્સી પેલોસીની તાઇવાન મુલાકાત બાદ ચીને ચેતાવણી આપતાં કહ્યું છે કે અમેરિકા અને તાઇવાન બંનેએ પરિણામ ભોગવવું પડશે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ શુઆંગે કહ્યું. "અમેરિકા અને તાઇવાનના અલગતાવાદીઓને પેલોસીની યાત્રાના કારણે થનારી ઘટનાઓની જવાબદારી સ્વીકારવી પડશે. ચીન પોતાની વાત પર ખરું ઊતરશે, અમારા પર ભરોસો રાખો અને શાંતિ જાળવો."
નૅન્સી પેલોસી મંગળવારે રાત્રે તાઇવાન પહોંચ્યાં હતાં અને બુધવારે રવાના થઈ ગયાં હતાં.
ચીન આ મુલાકાતનો વિરોધ કરી રહ્યું હતું અને અમેરિકાને સતત ઘમકીઓ પણ આપી રહ્યું હતું.
પેલોસીએ અમેરિકન કૉંગ્રેસના પાંચ સભ્યો સાથે તાઇવાનના રાષ્ટ્રપતિ સાઈ ઇંગ-વેનની મુલાકાત લીધી હતી અને વિવિધ મુદ્દાને લઇને ચર્ચા કરી હતી.
પેલોસીના તાઇવાન પહોંચ્યા બાદ ચીને કહ્યું કે અમેરિકા 'વન ચાઇના પૉલિસી'ને માનતું હોવા છતાં તેમણે તેનું ઉલ્લંઘન કર્યું છે. રાષ્ટ્રપતિ બાઇડનની જવાબદારી હતી કે તેઓ આ મુલાકાત રોકે.
ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું, "અમેરિકા તાઇવાનનો ઉપયોગ ચીનને ઘેરવાના ભાગરૂપે કરી રહ્યું છે. અમેરિકા સતત 'વન ચાઇના પૉલિસી'ને પડકાર આપી રહ્યું છે. તેઓ તાઇવાનમાં અલગતાવાદીઓની આઝાદીની ચળવળને હવા આપી રહ્યા છે. અમેરિકાનું આ વલણ આગ સાથે રમવા જેવું છે, જે અત્યંત ખતરનાક છે. જે લોકો આગથી રમશે, જાતે જ સળગી જશે."
નૅન્સી પેલોસી જેવાં તાઇવાન પહોંચ્યાં, તરત જ ચીને સૈન્ય અભ્યાસની જાહેરાત કરી હતી. ચીન આ સૈન્ય અભ્યાસ તાઇવાનની આસપાસ જ યોજશે. આ દરમિયાન તેઓ તાઇવાનના હવાઈ અને જળસીમામાં પણ પ્રવેશી શકે છે.
ચીનની ધમકી અને પ્રતિક્રિયા પર અમેરિકાએ પણ જવાબ આપ્યો હતો. વ્હાઇટ હાઉસે કહ્યું કે તાઇવાન પર અમેરિકાના વલણમાં કોઈ ફેરફાર આવ્યો નથી.
ચીને બીજિંગમાં અમેરિકન રાજદૂત નિકોલસ બર્ન્સને સમન્સ પાઠવ્યા છે. ચીનના ઉપ-વિદેશમંત્રી શી ફૅંગે કહ્યું કે પેલોસીની તાઇવાન મુલાકાતના ગંભીર પરિણામ આવશે.
આ ઉપરાંત ચીન દ્વારા તાઇવાનની ઘેરાબંધી પણ શરૂ કરી દીધી છે. ત્યારે બીબીસીની આ કવર સ્ટોરીમાં સમજીએ કે આખરે તાઇવાન ચીનની દુખતી નસ કેમ છે?

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
