ચીન ગરીબ દેશોને કરજદાર બનાવીને પોતાની જાળમાં ફસાવે છે? શ્રીલંકામાં ખરેખર શું થયું છે?
શ્રીલંકાની બદહાલ હાલત કોઈથી છૂપી નથી. શ્રીલંકા પર ચીનના કરજ પૈકી અડધાથી વધારે કરજની જાણકારી તો વિશ્વબૅન્ક અથવા ઇન્ટરનેશનલ મૉનેટરી ફંડ(આઈએમએફ)ને પણ નથી.
જાન્યુઆરીમાં શ્રીલંકાના વિપક્ષના અગ્રણી નેતા અને અર્થશાસ્ત્રી હર્ષા ડીસિલ્વાએ શ્રીલંકાની સંસદના સત્ર દરમિયાન પ્રવચન આપ્યું હતું.
સંસદમાં બોલતા ડીસિલ્વાએ સભ્યોને કહ્યું હતું કે વર્ષ 2022ના ફેબ્રુઆરી મહિનાથી ઑક્ટોબર સુધી ગમે તેટલી ચુકવણી કરવામાં આવે તો પણ શ્રીલંકા પર વધી રહેલું વિદેશી દેવું ઊતરી શકે એમ નથી.
શ્રીલંકાની ખરાબ આર્થિક સ્થિતિનું એક કારણ વધતું દેવું પણ છે.
શ્રીલંકાનું કુલ વિદેશી દેવું 51 અબજ ડૉલરનું છે. આ વર્ષે આ દેવા પેટે 7 અબજ ડૉલર ચૂકવવા પડશે, આગામી વર્ષોમાં પણ આટલી રકમ ચૂકવવી પડશે.
શ્રીલંકાના માથે એકલા ચીનનું 6.5 અબજ ડૉલરનું દેવું છે અને દેવાના 'રિ-સ્ટ્રક્ચર' અંગે વાતચીત ચાલી રહી છે.
ચીને અગાઉ યુઆન સામે શ્રીલંકન રૂપિયામાં લેવડદેવડ કરીને શ્રીલંકાના વિદેશી ચલણના ભંડારને મજબૂત કરવા સંમતિ આપી હતી પરંતુ આર્થિક મદદ માટે ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડનો સંપર્ક કરવા બદલ શ્રીલંકા સામે નારાજગી દર્શાવી છે.
અહીં મહત્ત્વપૂર્ણ છે કે દેવાના બોજ તળે દાબીને ગરીબ દેશોને પોતાની જાળમાં ફસાવતું હોવાનો આરોપ ચીન પર સતત લાગતો રહ્યો છે.
બીબીસી રિયાલિટી ચેક ટીમના કાઈ વાંગે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે ગરીબ દેશોને લોન આપવાની રીતભાતોને કારણે ચીનને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જોકે ચીને આ આરોપોને ફગાવી દેતાં કહ્યું છે કે દુનિયામાં એવો એક પણ દેશ નથી કે જે ચીન પાસેથી લોન લઈને "કથિત દેવાની જાળ" માં ફસાઈ ગયો હોય.
કાઈ વાંગ લખે છે કે, "બ્રિટનની જાસૂસી સંસ્થા MI6ના વડા રિચર્ડ મૂરે બીબીસીને એક સાક્ષાત્કારમાં જણાવ્યું હતું કે ચીન આ 'દેવાની જાળ'નો ઉપયોગ અન્ય દેશો પર પોતાનું આધિપત્ય વધારવા માટે કરે છે."
"ચીન પર આરોપ લાગતા રહે છે કે જ્યારે લોન લેનારા દેશો લોન ચૂકવી ના શકે ત્યારે ચીન તેમની સંપત્તિ પર કબજો જમાવી લે છે. જોકે ચીન આવા આરોપોને નકારી રહ્યું છે."
વાંગ આગળ લખે છે કે ચીનની આ નીતિના સમર્થનમાં ઘણી વખત શ્રીલંકાનું ઉદાહરણ આપવામાં આવે છે.
તેમણે થોડાં વર્ષો પહેલાં ચીનના રોકાણની મદદથી હંબનટોટામાં એક મોટો બંદર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. પરંતુ ચીનની લોન અને કૉન્ટ્રાક્ટર કંપનીઓની મદદથી શરૂ થયેલો આ અબજો ડૉલરનો પ્રોજેક્ટ વિવાદમાં ફસાઈ ગયો હતો.
પ્રોજેક્ટ પૂરો નહોતો થતો અને શ્રીલંકા ચીનના દેવા હેઠળ દબાઈ ગયું હતું.
સંબંધિત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આખરે વર્ષ 2017માં સમજૂતી થઈ. જે મુજબ ચીનની સરકારી કંપનીઓને આ બંદરમાં 70 ટકા હિસ્સો 99 વર્ષની લીઝ પર આપવામાં આવ્યો હતો. તે પછીથી ચીને ફરીથી તેમાં રોકાણ કરવાનું શરૂ કર્યું.
આ વીડિયો અહેવાલમાં જોઈએ કે શ્રીલંકા કેવી રીતે ચીનના બોજા તળે દબાઈ ગયું છે...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
