Coronavirus: ચીનના એક માર્કેટથી સમગ્ર વિશ્વમાં કેવી રીતે ફેલાયો?

વીડિયો કૅપ્શન, Coronavirus: ચીનના એક માર્કેટથી સમગ્ર વિશ્વમાં મહામારી બની ફેલાવા સુધી

ભારતથી માંડીને વિશ્વભરમાં કદાચ સૌથી વધુ એક જ શબ્દની ચર્ચા થઈ રહી છે, કોરોના વાઇરસ. કારણ કે ચીનથી ઉદ્ભવેલો આ વાઇરસ એટલો ખતરનાક કે જેના કારણે સેંકડોની સંખ્યામાં લોકોનાં મૃત્યુ થઈ રહ્યા છે. આ વાઇરસે હવે મહામારીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે.

કોરોના વાઇરસના સૌપ્રથમ દર્દીઓ ચીનના વુહાન શહેરમાં સામે આવ્યા હતા.

પ્રસિદ્ધ મેડિકલ જર્નલ ‘ધ લૅન્સેટ’ના અહેવાલ અનુસાર, આ વાઇરસ ચામાચિડીયાંમાં રહેલા અન્ય કોરોના વાઇરસ સાથે સમાનતા ધરાવે છે. એટલે કે આ વાઇરસ ચામાચીડિયાંમાંથી ફેલાયો હોવાની શક્યતા છે.

બીજી તરફ જર્નલ ઑફ મેડિકલ વાયરૉલૉજીના એક અભ્યાસ મુજબ, આ વાઇરસ ચામાચીડિયાંમાંથી સાપમાં પ્રવેશ્યો હોવાની વાત સામે આવી હતી.

હવે વૈજ્ઞાનિકો આ દિશામાં સંશોધન કરી રહ્યા છે કે ખરેખર આ વાઇરસની ઉત્પત્તિનું મૂળ શું છે?

બીબીસીના એક અહેવાલમાં જણાવ્યું હતું કે આ વાઇરસના ઉત્પત્તિક્ષેત્ર વુહાનમાં જોવા મળેલા કેટલાક શરૂઆતના કેસોમાં દર્દીઓએ વુહાન મીટ માર્કેટની મુલાકાત લીધી હોવાનું સામે આવ્યું હતું.

20 જાન્યુઆરીથી 2 માર્ચ 2020 સુધીના સમયગાળામાં ચીનમાં 2945 લોકોનાં મૃત્યુ થયાં હોવાની વાત છે. જો હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો આ વાઇરસને કારણે સમગ્ર વિશ્વમાં 3600 મૃત્યુ થયાં છે.

ભારત સહિત આ 70 દેશોમાં આ વાઇરસના 92 હજાર કેસ નોંધાયા છે. આના પરથી તમે અંદાજ લગાવી શકો કે આ વાઇરસ કેટલો ભયંકર છે.

તેથી કોરોના માટે સરહદ મર્યાદા નથી રહી એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

ભારતમાં જ 40થી વધુ કેસ સામે આવ્યા છે. આ કેસ દિલ્હી, તેલંગણા, જયપુર અને કેરળમાં નોંધાયા છે. આ લોકોને ઑબઝર્વેશન હેઠળ રખાયા છે.

વિશ્વમાં આ વાઇરસના દર્દીઓની વધતી જતી સંખ્યાને જોતાં જાન્યુઆરી, 2020માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા આ કોરોના વાઇરસને વૈશ્વિક કટોકટી જાહેર કરી દીધી હતી.

સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો