You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

વિજય રૂપાણી અને નીતિન પટેલની ચૂંટણી નહીં લડવાની જાહેરાત

ભાજપના ઉમેદવારોની સૂચિ જાહેર થાય એ પહેલાં વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે તેઓ આ ચૂંટણી નહીં લડે.

લાઇવ કવરેજ

  1. નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ચૂંટણી નહીં લડે

    તો પૂર્વ નાયબ મુખ્ય મંત્રી અને મહેસાણાના ધારાસભ્ય નીતિન પટેલ પણ ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરાઈ છે.

    નીતિન પટેલે પાર્ટીના પ્રમુખ સીઆર પાટીલને એક પત્ર લખીને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી ન કરવા માટે જણાવ્યું છે.

    પત્રમાં લખ્યું કે "વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં હું મહેસાણા બેઠક પરથી ઉમેદવારી કરવા ઇચ્છતો નથી. તેથી પસંદગીમાં મારું નામ વિચારણામાં ન લેવામાં આવે."

    તો પૂર્વ શિક્ષણમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ કહ્યું છે કે તેઓ આ વખતની ચૂંટણી નહીં લડે.

    એએનઆઈને તેમણે જણાવ્યું કે "મેં અગાઉ જ અમિત શાહને કહી દીધું હતું કે હું 2022ની ચૂંટણી લડવાનો નથી."

    તેમણે કહ્યું કે પાર્ટી મને જે કોઈ કામ આપશે એ મન દઈને કરીશ.

    ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે પાર્ટીએ મને નવ વાર ટિકિટ આપી છે અને હું પાંચ વાર જીત્યો છે. અને પાંચ વાર મને પાર્ટીએ કૅબિનેટમંત્રી બનાવ્યો હતો.

  2. ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી ચૂંટણી નહીં લડે

    ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે તેઓ આ વખતે ચૂંટણી નહીં લડે.

    સમાચાર સંસ્થા એએનઆઈ સાથેની વાતચીતમાં વિજય રૂપાણીએ કહ્યું કે "ભાજપના એક વરિષ્ઠ નેતા તરીકે હું ચૂંટણી લડવા માગતો નથી."

    "મેં પોતે પણ ભાજપના આગેવાનોને અગાઉ જણાવેલું જ છે કે હું ચૂંટણી લડવા માગતો નથી."

    વિજય રૂપાણીએ કહ્યું કે મેં કોઈ જગ્યાએ દાવેદારી પણ નોંધાવી નથી.

    "નવા કાર્યકરોને તક મળે એ માટે મેં આ નિર્ણય લીધો છે અને ભાજપને જીતાડવા માટે મહેનત કરીશ."

  3. દિલ્હીમાં ભાજપની ચૂંટણીસમિતિની બેઠક મળી

    ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના પોતાના ઉમેદવારોની યાદીને આજે આખરી ઓપ આપી શકે એમ છે. નવી દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણીસમિતિની બેઠક મળી રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશઅધ્યક્ષ સી.આર. પાટીલ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી બી.એસ. યેદીયુરપ્પા પણ ભાગ લઈ રહ્યા છે.

    નોંધનીય છે કે ગુજરાતમાં ઉમેદવારીપત્રક ભરવાની છેલ્લી તારીક 14 નવેમ્બર છે. એવામાં ભાજપ આ વખતે રાજ્યમાં સતત સાતમી વખત ચૂંટણી જીતવાનું લક્ષ્ય સેવી રહ્યો છે.

  4. બાબરી મસ્જિદ ધ્વંસના કેસમાં ઇલાહાબાદ હાઈકોર્ટે સીબીઆઈ અદાલતના આરોપીઓને મુક્ત કરવાના નિર્ણયને પડકારતી અપીલને નામંજૂર કરીને રદ કરી દીધી છે.

    બીબીસીને આ આદેશની પુષ્ટિ કરતા આ કેસમાં ઉત્તર પ્રદેશ સરકારના અધિક સરકારી વકીલ અરુનેન્દ્ર સિંહે કહ્યું કે, "કોર્ટે અપીલ દાખલ કરનારા અરજદારોને પીડીત નથી માન્યા."

    તેમણે કહ્યું, "સરકારે દલીલ કરી હતી કે જે કેસમાં અરજદારો પીડીત હતા તે કેસમાં તેમણે અપીલ દાખલ નથી કરી. અને આ કેસમાં તેમનો કોઈ પક્ષ બનતો નથી. આ મેન્ટેનેબલ એટલે કે અરજીને વધુ સુનાવણી માટે લાયક ગણવામાં નથી આવી."

    ઉલ્લેખનીય છે કે હાજી મહેબૂબ અહમદ અને સઈદ અખલાક અહમદ નામના બે લોકોએ સીબીઆઈ કોર્ટે સપ્ટેમ્બર 2020માં આપેલા ચૂકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

    બાબરી મસ્જિદ વિદ્વંસ કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે તમામ 32 આરોપીઓને મુક્ત કરી દીધા હતા. આરોપીઓમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ અને ઉમા ભારતીના નામ સમાવિષ્ટ હતા. આ તમામ પર 6 ડિસેમ્બર 1992ના દિવસે બાબરી મસ્જિદના વિવાદસ્પદ માળખાના વિદ્વંસ માટે ગુનાઇત ષડ્યંત્ર રચવાનો આરોપ હતો.

    વિશેષ અદાલતે પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું હતું કે આ કેસમાં કોઈ મજબૂત પુરાવો નથી. ન્યાયાધીશે એમ પણ કહ્યું હતું કે, આ વિદ્વંસ સુનિયોજિત નહોતો.

  5. ટી20 વર્લ્ડકપ : પાકિસ્તાન ફાઇનલમાં, ન્યૂઝીલૅન્ડને સેમિફાઇનલમાં 7 વિકેટે હરાવ્યુ

    ટી20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઇનલમાં પાકિસ્તાને ન્યૂઝીલૅન્ડને સાત વિકેટે પરાજિત કર્યું છે. આ સાથે પાકિસ્તાન વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ગયું છે.

    ન્યૂઝીલૅન્ડે ટૉસ જીત્યો હતો અને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, તેની શરૂઆત ખરાબ રહી હતી. તેના ઓપનિંગ બૅટર ફિન એલેન માત્ર ચાર રન બનાવીને પહેલી ઓવરમાં જ આઉટ થઈ ગયા હતા.

    જવાબમાં પાકિસ્તાનની બેટિંગ ખૂબ જ સરસ રહી. મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમે 100 કરતાં વધુ રનોની ભાગીદારી નોંધાવી હતી.

  6. 'હવે મને કોઈ પાકિસ્તાની નહીં કહી શકે', પાકિસ્તાનથી આવેલા હિંદુઓ આ ચૂંટણીમાં મત આપશે

  7. દિનેશ કાર્તિક કે ઋષભ પંત સેમીફાઇનલમાં કોણ રમશે, રોહિત શર્માએ શું કહ્યું?

    ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે એડિલેડમાં ઇંગ્લેન્ડ સામે વર્લ્ડ કપની સેમીફાઇનલ મૅચ રમશે. આ પહેલાં સુપર 12 ગ્રૂપમાં ભારતીય ટીમે ખૂબ સારું પ્રદર્શન કર્યું અને ચાર મૅચ જીતીને પૉઇન્ટ ટેબલમાં ટોપ પર રહી હતી.

    પરંતુ હવે નૉક આઉટ મૅચ છે અને ગુરુવારે થનારા સેમીફાઇનલ પહેલાં રોહિત શર્માની ટીમનું કૉમ્બિનેશન શું હશે તેને લઈને ફેન્સની ઉત્સુકતા વધી રહી છે.

    દિનેશ કાર્તિક અને ઋષભ પંતમાંથી કયા વિકેટકીપર-બૅટરને મોકો આપવામાં આવશે તેના પર સૌની નજર છે. ઘણા લોકોનું કહેવું છે કે કાર્તિકની જગ્યાએ ટીમમાં પંતને જગ્યા આપવી જોઈએ કારણ કે ડે ડાબોડી બૅટર છે. બીજી તરફ ભારતીય ટીમમાં જમણેરી બૅટરની ભરમાર છે.

    જોકે, સુપર 12માં એક મૅચને છોડીને તમામમાં કાર્તિકને તક આપવામાં આવી હતી. પંતને ઝિમ્બાબ્વેની વિરુદ્ધ ચાન્સ આપવામાં આવ્યો હતો. પંત આ મૅચમાં જલ્દી આઉટ થઈ ગયા હતા અને ખાસ રન બનાવી શક્યતા ન હતા.

    સેમીફાઇનલ પહેલાં જ્યારે રોહિત શર્માને કાર્તિક કે પંત કોણ રમશે તેના પર સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું, "પંત એકમાત્ર ખેલાડી છે જેને આ વર્લ્ડકપમાં વધારે રમવાની તક મળી નથી. તેમને અમે પ્રેક્ટિસ ગેમમાં તક આપી હતી અને પછી ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટીમમાં સામેલ કર્યા હતા. અમે જોવા માગતા હતા કે ડાબોડી બૅટર કેવો દેખાવ કરે છે. જો અમે સેમીફાઇનલ કે ફાઇનલમાં પરિવર્તન કરવા માગીએ તો અમારે પાસે કોઈ વિકલ્પ હોય એટલા માટે અમે પંતને પણ રમાડવા માગતા હતા."

    "અમે ડાબોડી બૅટરને મિડલ ઑર્ડરમાં સ્પિનરોનો મુકાબલો કરવા માટે તક આપવા માગતા હતા. પરંતુ કાલે હવે શું થવાનું છે એ હું તમને નહીં જણાવી શકું. પરંતુ એટલું કહી શકું કે બંને વિકેટકીપર બૅટર અમારી યોજનાનો ભાગ છે."

    હવે એ જોવાનું રસપ્રદ હશે કે એડિલેડમાં ભારતીય ટીમ કોને મેદાનમાં ઉતારે છે. ફિનિશરની ભૂમિકા ભજવતા અનુભવી દિનેશ કાર્તિક કે પછી ડાબોડી આક્રમક વિકેટકીપર ઋષભ પંતને.

  8. તાલાલના ધારાસભ્ય ભગવાન બારડ કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા

    તાલાલાના કૉંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડ ભાજપમાં જોડાઈ ગયા છે કૉંગ્રેસમાંથી ધારાસભ્યોનું ભાજપમાં જોડાઈ જવાની ઘટનાઓમાં ગતિ આવી છે.

    ભગવાન બારડે વિધાનસભાનાં અધ્યક્ષ નીમાબહેન આચાર્યના નિવાસસ્થાને જઈને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.

    પત્રકારો સાથેની વાતચીતમાં ભગવાન બારડે ભાજપમાંથી ચૂંટણી લડવાના મુદ્દે જણાવ્યું હતું, "ભાજપ મને જે જવાબદારી આપશે તે હું સ્વીકારીશ."

    મંગળવારે કૉંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા અને 10 વખત ધારાસભ્ય રહી ચૂકેલા મોહનસિંહ રાઠવા બાદ બુધવાર 9 નવેમ્બરના દિવસે તાલાલાના કૉંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડ ભાજપમાં જોડાઈ ગયા છે.

    આ સાથે કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોની સંખ્યા વધીને 19 થઈ છે.

    અત્યાર સુધીમાં કૉંગ્રેસના 35થી વધુ નેતાઓ અને ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે.

    નોંધપાત્ર બાબત છે કે ભગવાન બારડ જેઓ ભગા બારડ તરીકે જાણીતા છે, તેમને 26 વર્ષ જુના ગેરકાયદેસર ખનનના કેસમાં વેરાવળની મૅજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા વર્ષ 2019માં બે વર્ષ અને નવ મહિનાની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી. જેના પગલે ગુજરાત વિધાનસભામાંથી તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.

    જોકે, વેરાવળ કોર્ટના ચૂકાદા સામે ભગવાન બારડે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરતાં હાઈકોર્ટે વેરાવળ કોર્ટનો ચૂકાદો રદ કરીને જેલની સજાના પર સ્ટે આપ્યો હતો.

  9. ગોપાલ ઈટાલિયા સુરતના કતારગામથી ચૂંટણી લડશે

    આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠકથી ચૂંટણી લડશે.

    દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને ગોપાલ ઇટાલિયા કતારગામથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી.

    કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું, "રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં અમારા પ્રદેશ અધ્યક્ષ અને લોકપ્રિય યુવાન શ્રી ગોપાલ ઇટાલિયાને સુરતની કતારગામ વિધાનસભા અને પ્રદેશ મહામંત્રી શ્રી મનોજ સોરઠિયા કરંજ વિધાનસભા પરથી ગુજરાતના લોકો ચૂંટણી લડાવશે. બંને યુવાનોને હું શુભકામના આપું છું."

    પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અને તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અલ્પેશ કથીરિયા પણ સુરતની વરાછા બેઠક પરથી ચૂંટણી લડશે. હવે ગોપાલ ઇટાલિયા પણ સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડશે. એટલે કે આપના મોટા નેતાઓ સુરતમાંથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે.

    ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સૌથી પહેલાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તેમના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું હતું. અત્યાર સુધીમાં આપ ગુજરાતમાં લગભગ 150થી વધારે ઉમેદવારોનાં નામ જાહેર કરી ચૂકી છે.

  10. ડી વાય ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદના શપથ લીધા

    જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ આજે ભારતીય સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પદ ગ્રહણ કર્યું.

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિભવનમાં આજે સવારે 10 વાગ્યે જસ્ટિસ ડી વાય ચંદ્રચુડને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે પદના શપથ લેવડાવ્યા.

    તેઓ ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ બનશે. તેમનો કાર્યકાળ 10 નવેમ્બર 2024 સુધીનો રહેશે.

    સુપ્રીમ કોર્ટના જજનો કાર્યકાળ 65 વર્ષની ઉંમર સુધીનો હોય છે.

    જસ્ટિસ ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટના બીજા સૌથી સિનિયર જજ છે. તેમના પિતા વાય વી ચંદ્રચુડ પણ ભારતના 16મા મુખ્ય ન્યાયમૂર્તિ હતા, જેમણે ફેબ્રુઆરી 1978થી જુલાઈ 1985 સુધી સેવાઓ આપી હતી.

    શપથ લીધા બાદ જસ્ટિસ ચંદ્રચુડે તેમના પરિવારના વડિલોના આશિર્વાદ લીધા હતા.

  11. દિલ્હી-એનસીઆર મોડી રાત્રે ભૂકંપથી ધ્રૂજ્યા, નેપાળમાં 6 લોકોના મોત

    દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં બુધવારે વહેલી સવારે 2 વાગ્યે તીવ્ર ભૂકંપનો અનુભવ થયો.

    ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 નોંધાઈ હતી.

    બીબીસી નેપાળી સેવા સાથે વાત કરતા નેપાળના ડોટી જિલ્લાના મુખ્ય જિલ્લા અધિકારી કલ્પના શ્રેષ્ઠાએ જણાવ્યું હતું કે ભૂકંપને કારણે એક મકાન પડી ગયું છે, આ ઘટનામાં 6 લોકોનાં મૃત્યુ થયાં છે અને પાંચ લોકો ઘાયલ થયા છે.

    દિલ્હી એનસીઆરમાં લગભગ 20 સેકન્ડ સુધી ધરતીકંપના તીવ્ર ઝાટકા અનુભવાયા.

    નેશનલ સૅન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર 8 નવેમ્બરની મોડી રાત્રે 1 વાગીને 57 મિનિટ અને 24 સેકન્ડ પર ભૂકંપ આવ્યો. તેનું કેન્દ્ર જમીનમાં 10 કિલોમીટર ઊંડે હતું.

    દિલ્હીમાં આ ભૂકંપને અનુભવાયેલા ઝાટકા તીવ્ર હતા. ઘણા વિસ્તારોમાં લોકો મોડી રાત્રે ઘરમાંથી બહાર નીકળી ગયા હતા.

  12. નમસ્કાર, બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં તમારું સ્વાગત છે

    બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમને આખો દિવસ પળેપળના મહત્ત્વના સમાચાર મળશે.

    તો આપ અમારા આ લાઇવ પેજ સાથે જોડાયેલા રહો.