You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેનમાં યુદ્ધની વચ્ચે ઝેલેન્સ્કીને મળવા આ ત્રણ દેશના વડા પ્રધાનો કિએવ પહોંચશે
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધને રોકવા માટે વાટાઘાટો ચાલી રહી છે પરંતુ હજી સુધી કોઈ સમાધાન ન આવતા ફરી પાંચમા તબક્કાની વાતચીત પર સૌની નજર ટકેલી છે.
લાઇવ કવરેજ
મુસલમાન મહિલાઓના જીવનમાં બુરખો કઈ રીતે પ્રવેશ્યો?
બ્રેકિંગ, હિજાબ પ્રતિબંધ પર કર્ણાટક હાઈકોર્ટના ફેંસલાને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો
હિજાબ પ્રતિબંધ સામેની અરજીને કર્ણાટક હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવાયા બાદ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો છે.
મંગળવારે કર્ણાટક હાઈકોર્ટે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થિનીઓના હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય યથાવત્ રાખ્યો હતો અને તેને પડકારનારી અરજીને ફગાવી દીધી હતી.
અરજી ફગાવાયા બાદ અરજીકર્તા વિદ્યાર્થીઓએ પત્રકારપરિષદ ભરીને કહ્યું હતું કે તેઓ આના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે કે નહીં તેના પર જલદી નિર્ણય લેશે.
સાથે જ વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે તેઓ ત્યાં સુધી કૉલેજ નહીં જાય, જ્યાં સુધી તેમને હિજાબ પહેરવાનો અધિકાર ન મળે.
સમાચાર સંસ્થા એએનઆઈ પ્રમાણે હાઈકોર્ટે કહ્યું છે કે ઇસ્લામમાં હિજાબ અનિવાર્ય નથી.
બેંગલુરુથી બીબીસીના સહયોગી પત્રકાર ઇમરાન કુરૈશીએ જણાવે છે કે પોલીસ મહાનિદેશકે રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે રાજ્ય પોલીસને સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે.
મામલાની સંવેદનશીલતાને ધ્યાને રાખીને, સાવચેતીનાં પગલાંરૂપે બેંગલુરુ, મૈસુર અને બેલાગવીમાં આજથી એક અઠવાડિયા માટે પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે. ઉડુપીમાં કલમ 144 પહેલાંથી જ લાગુ છે.ઉડુપી, દક્ષિણ કન્નડ, શિવમોગ્ગા અને કલબુર્ગીમાં આજે શાળાઓ બંધ રાખવામાં આવી છે.
પૉલૅન્ડ, ચેક રિપબ્લિક અને સ્લોવેનિયાના વડા પ્રધાન ટ્રેનથી પહોંચી રહ્યા છે કિએવ
પૉલૅન્ડ, ચેક રિપબ્લિક અને સ્લોવેનિયાના વડા પ્રધાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી અને વડા પ્રધાન સાથે વાતચીત કરવા માટે યુક્રેનની રાજધાની કિએવ પહોંચી રહ્યા છે.
તેમની ટ્રેન પૉલૅન્ડ-યુક્રેનિયન સરહદ પાર કરીને કિએવ તરફ આગળ વધી રહી છે.
કિએવ ઉપર રશિયાનો બૉમ્બમારો હજુ પણ ચાલુ છે.ત્રણેય વડા પ્રધાનો યુરોપિયન યુનિયનના પ્રતિનિધિ બનીને આ વાતચીતમાં જોડાઈ રહ્યા છે.
પૉલૅન્ડ અને ચેક રિપબ્લિકની સરકારોએ નિવેદનો જારી કરીને કહ્યું છે કે આ બેઠક યુક્રેનની સ્વતંત્રતા અને સંપ્રભુતા માટે યુરોપિયન યુનિયનના સહકારને પ્રતિબિંબિત કરશે.
પૉલૅન્ડના વડા પ્રધાનકાર્યાલયના વડા મિખાઇલ દોવર્ચીકે કહ્યું છે કે આ અંગેનો નિર્ણય તાજેતરમાં યોજાયેલી યુરોપિયન યુનિયન કૉન્ફરન્સમાં લેવાયો હતો.
દોવર્ચીકે કહ્યું છે કે નાટો આ સૈન્યસંઘર્ષમાં ભાગ નહીં લે પરંતુ રશિયન આક્રમણ સામે યુક્રેનને મદદ કરવા માટે બધું જ કરશે.
રશિયાઃ યુદ્ધ વિરોધી ટીવી સમાચારનો દેખાવ 'ગુંડાગીરી' સમાન
રશિયન પ્રવક્તાએ જણાવ્યું હતું કે, યુક્રેન પર રશિયાના આક્રમણનો વિરોધ કરવા માટે ગઈકાલે રાત્રે રશિયાની સરકારી 'ટીવી ચેનલ વન' પરના લાઇવ ન્યૂઝ બુલેટિનમાં વિક્ષેપ પાડનાર સંપાદકની હરકત "ગુંડાગીરી" સમાન છે.
ચેનલનાં સંપાદક મરિના ઓવ્સ્યાનીકોવાએ સમાચારવાચકની પાછળ યુદ્ધવિરોધી સૂત્રો દેખાડ્યાં હતાં,જેમાં લખ્યું હતું: "યુદ્ધ નહીં, યુદ્ધ બંધ કરો, પ્રૉપેગૅન્ડા પર વિશ્વાસ ન કરો, તેઓ અહીં તમારી સામે જૂઠું બોલી રહ્યા છે."
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવને ટાંકીને રશિયન સમાચાર એજન્સી ઇન્ટરફેક્સ દ્વારા લખવામાં આવ્યું હતું:
"આ યુવતીની ગુંડાગીરી છે.ટીવી ચેનલ અને પદાધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. આ અમારા ઍજન્ડામાં નથી."
હિજાબ પર પ્રતિબંધ : ઉમર અબ્દુલ્લા બોલ્યા, 'હિજાબ માત્ર કપડાંનો મામલો નથી '
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાએ કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ પ્રતિબંધ ચાલુ રાખવાના નિર્ણય પર નિરાશા પ્રગટ કરી છે.
તેમણે ટ્વીટ કરીને જણાવ્યું,"હિજાબ અંગેનો તમારો મત ગમે તે હોય, પણ આ મામલો કપડાંનો નથી.આ એક મહિલાના અધિકારનો સવાલ છે કે તે પોતાની મરજી પ્રમાણે પોતાનો પોશાક નક્કી કરી શકે કે નહીં. કોર્ટે આ મૂળભૂત અધિકારનું રક્ષણ નથી કર્યું અને એક બહુ મોટી વિટંબણા છે. "
કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય પર ભાજપનાં સાંસદ અને અભિનેત્રી હેમા માલિનીએ કહ્યું છે કે અન્ય સંસ્થાઓ કે કામ કરવાની જગ્યાઓ પર હિજાબને પ્રતિબંધ કરવાની જરૂર નથી પણ શાળાઓમાં 'ડ્રેસ કૉડ'નું પાલન થવું જોઈએ.
તેલંગાણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવે વિધાનસભામાં સવાલ કર્યો છે કે સરકાર એ કઈ રીતે નક્કી કરી શકે છે કે કોણ શું પહેરશે? તેમણે એવું પણ પૂછ્યું કે હિજાબ પર વિવાદ જ કેમ છે અને આપણે માહોલમાં આટલી ઉશ્કેરણી કેમ પેદા કરી રહ્યા છીએ?
હિજાબ પર પ્રતિબંધ મુદ્દે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય પર ઓવૈસીએ શું કહ્યું?
અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કર્યું છે કે "હું હિજાબ અંગેના કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા સાથે સહમત નથી."
"ચુકાદા અંગે અસહમતી પ્રગટ કરવાનો મને અધિકાર છે અને હું ઇચ્છું છું કે અરજદારો સુપ્રીમમાં અપીલ કરે."
સાથે જ તેમણે લખ્યું છે કે, "હું ઇચ્છું છું કે માત્ર ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ જ નહીં, અન્ય ધર્મોનાં જૂથો પણ અપીલ કરે."
રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધના 20માં દિવસે કેવી સ્થિતિ છે?
- યુક્રેનની રાજધાની કિએવ પર રશિયાનો બૉમ્બમારો હજુ પણ ચાલુ છે.આ બૉમ્બમારામાં એક રહેણાક ઇમારતને પણ નિશાન બનાવવામાં આવી છે.યુક્રેનની ઇમર્જન્સી સર્વિસે કહ્યું છે કે ઇમારતમાં લાગેલી આગને હાલ ઓલવી દેવાઈ છે.
- કિએવનું મેટ્રો સ્ટેશન પણ આ હુમલાઓની ઝપેટમાં આવી ગયું છે.કિએવના મેટ્રો નેટવર્કે ટ્વીટ કરીને જણાવ્યું છે કે સવારે વિસ્ફોટમાં લુક્યાનિવ્સ્કા સ્ટેશન અને કાર્યાલયોના કેટલાક ભાગને ભારે નુકસાન પહોંચ્યું છે.લુક્યાનિવ્સ્કા સ્ટેશન કિએવના કેન્દ્રની નજીક છે અને નુકસાનને લીધે સ્ટેશનને હવે બંધ કરી દેવાયું છે.
- યુક્રેનના પ્રાદેશિક રાજ્યતંત્રનું કહેવું છે કે સ્થાનિક સમયાનુસાર સવારે 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી સુમીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં માનવીય કૉરિડોર બનાવવાની યોજના છે.
- યુક્રેનના રાષ્ટ્રપિત વોલોદિમીર ઝેલેન્સ્કી અનુસાર રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીત ચાલુ રહેશે.
- યુક્રેનની સરકારના એક સલાહકારે પહેલાં જણાવ્યું હતું કે યુદ્ધ મે મહિનાના આરંભમાં ખતમ થાય એવું તેમને લાગે છે.
કિએવની રહેણાક ઇમારતમાં આગ
યુક્રેનની રાજધાની કિએવની એક રહેણાક ઇમારત પર લાગેલી આગ ઓલવી દેવાઈ હોવાનું યુક્રેનની'સ્ટેટ ઇમરજન્સી સર્વિસિઝ' (SES )ની એક ફેસબુક પોસ્ટમાં જણાવાયું છે.
SESના જણાવ્યા અનુસાર 10 માળની આ ઇમારતના પ્રથમ પાંચ માળ સુધી આગ લાગી હતી.
જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ પણ એક વ્યક્તિને ઇજા પહોંચી હોવાનો અહેવાલ નોંધાયો છે.
રાજધાનિ કિએવમાં આજે સવારે ભારે ધડાકા સંભળાયા હતા.જોકે, અત્યાર સુધી કેટલું નુકસાન પહોંચ્યું એ જાણી શકાયું નથી.
બ્રેકિંગ, યુક્રેનની રાજધાની કિએવમાં એક પછી એક બ્લાસ્ટ
યુક્રેનની રાજધાની કિએવમાં સ્થાનિક સમય પ્રમાણે સવારના 5.30 વાગ્યા હતા, અને ત્યાં હાજર પત્રકારોએ માહિતી આપી કે રાજધાની અનેક ધડાકાઓથી ધણધણી ઊઠી. પત્રકારોનું કહેવું છે કે રશિયા તરફથી આ યુદ્ધમાં અનેક વખત મળસકે હુમલા થયા છે.
રશિયા અને યુક્રેન યુદ્ધથી અર્થતંત્રને કેવી અસર થશે?
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે વિશ્વભરમાં અર્થવ્યવસ્થાને લઈને ચિંતા જન્મી છે.
જોકે, જાણકારોનું માનવું છે કે યુદ્ધ હોવા છતાં આ વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થા વિકાસના રસ્તે હશે પરંતુ તેમનું એમ પણ કહેવું છે કે યુદ્ધની અસર દુનિયાના દરેક ખૂણે અનુભવ કરી શકાશે.
જોકે, અસર કેટલી ખરાબ હશે, તે એ વાત પર નિર્ભર કરે છે કે યુદ્ધ કેટલું લાંબુ ખેંચાય છે, વૈશ્વિક બજાર અત્યારે જે ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યું છે તે થોડા સમયની જ વાત છે કે તેની અસર લાંબાગાળાની છે.
એક મહત્વપૂર્ણ ફૅક્ટર છે તેલની કિંમતો, જે યુદ્ધના કારણે પહેલેથી વધી રહી છે.
યુદ્ધની અસર ખાદ્યપદાર્થોની કિંમત પર પણ પડી શકે છે, કારણ કે રશિયા અને યુક્રેન બન્ને કૃષિ ઉત્પાદનના મામલે આગળ છે.
ઈંધણ અને ખાદ્યપદાર્થોની વધતી કિંમતોના કારણે ઘણા વિકાસશીલ દેશોની અર્થવ્યવસ્થામાં મોંઘવારી ઓછામાં ઓછી એક ટકા સુધી વધશે.
આ અંગે વધુ વાંચો અહીં:
બીબીસી ન્યૂઝ ગુજરાતીના લાઇવ અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.અહીં દિવસ દરમિયાન યુક્રેન-રશિયા યુદ્ધ સહિતની દેશ અને દુનિયાની અપડેટ્સ તમને મળશે.
આ પહેલાંની અપડેટ્સ અહીં વાંચો.