રશિયા-યુક્રેન સંકટ : પ્રતિબંધો વચ્ચે રશિયા પાસેથી ભારત સસ્તા દરે ક્રૂડઑઇલ ખરીદી શકે - રિપોર્ટ

સમાચાર સંસ્થા રૉયટર્સે ભારતના બે અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે ભારત રશિયાના એ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે, જેમાં તેણે ક્રૂડઑઇલ અને બીજી વસ્તુઓ વળતરદરે વેચવાનીવાત કરી છે.

લાઇવ કવરેજ

  1. એ રાત જ્યારે કાશ્મીરી પંડિતોએ વતન છોડી ભાગવું પડ્યું

  2. કોરોનાની રસી હવે 12થી 14 વર્ષના કિશોરોને અપાશે, 60થી મોટી ઉંમરના સૌને પ્રિકૉશન ડોઝ

  3. તાતા સન્સના અધ્યક્ષ એન. ચંદ્રશેખરન સંભાળશે ઍર ઇન્ડિયા

    ચંદ્રશેખરન

    ઇમેજ સ્રોત, Getty Images

    સોમવારે તાતા સમૂહની બૉર્ડ મિટિંગમાં નટરાજન ચંદ્રશેખરનને ઍર ઇન્ડિયાના ચૅરમૅન નિયુક્ત કરાયા છે.

    આ પહેલાં તાતા સમૂહે તુર્કીના ઇલ્કર આયસીને ઍર ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી જાહેર કર્યા હતા અને બાદમાં આ નિયુક્તિને ભારતમાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જેને પગલે ઇલ્કર આયસીએ આ પદ લેવાનો ઇન્કાર કરી દીધો હતો.

    એન. ચંદ્રશેખરન તાતા સન્સના અધ્યક્ષ છે. આ સન્સ 100થી વધુ તાતા ઑપરેટિંગ કંપનીઓની હૉલ્ડિંગ કમિટી અને પ્રમોટર છે.

    ચંદ્રશેખરન ઑક્ટોબર 2016માં તાતા સન્સ બૉર્ડમાં સામેલ થયા હતા.

    જાન્યુઆરી 2017માં તેમની અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ હતી. એમણે ત્યારે સાઇરસ મિસ્ત્રીની જગ્યા લીધી હતી, જેમણે ઑક્ટોબર 2016માં અધ્યક્ષપદેથી હટાવી દેવાયા હતા.

    ચંદ્રશેખરન તાતા સ્ટીલ, તાતા મોટર્સ, તાતા પાવર અને તાતા કન્સલ્ટન્સી સર્વિસિઝ જેવી કેટલીક સમૂહ સંચાલન કંપનીઓના બૉર્ડના અધ્યક્ષ પણ રહ્યા છે.આમાં તેઓ વર્ષ 2009થી 2017 સુધી મુખ્ય કાર્યકારી અધિકારી પણ હતા.

    ટીસીએસમાં 30 વર્ષની કારકિર્દી બાદ એન. ચંદ્રશેખરનની અધ્યક્ષના રૂપે નિમણૂક કરાઈ છે.

    કૉલેજ બાદ વર્ષ 1987માં ચંદ્રશેખરન તાતામાં જોડાયા હતા અને વર્ષ 2009માં ટીસીએસમના મુખ્ય કાર્યકારી બન્યા હતા. ચંદ્રશેખરન તાતા સમૂહના પ્રમુખ બનનારા પ્રથમ બિનપારસી છે.

  4. ભારત રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ પર ઑઇલ ખરીદી શકે છે - રિપોર્ટ

    ઑઇલ

    ઇમેજ સ્રોત, Getty Images

    સમાચાર સંસ્થા રૉયટર્સે ભારતના બે અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે ભારત રશિયાના એ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે, જેમાં તેણે ક્રૂડઑઇલ અને બીજી વસ્તુઓ વળતરદરે વેચવાનીવાત કરી છે.

    યુક્રેન પર હુમલો કર્યા બાદ રશિયા પર પશ્ચિમના દેશોએ આકરા પ્રતિબંધો લાદી દીધા છે. આ પ્રતિબંધોમાં 'સ્વિફ્ટ (SWIFT- ઇન્ટરનેશલ પેમેન્ટ સિસ્ટમ)'માં કેટલીય બૅન્કો પરના પ્રતિબંધો પણ સામેલ છે.

    સ્વિફ્ટ (SWIFT) એ 'સોસાયટી ફૉર વર્લ્ડવાઇડ ઇન્ટરબૅન્ક ફાઇનાન્સિયલ ટેલિકૉમ્યુનિકેશન'નું ટૂંકું નામ છે.

    સામાન્ય ભાષામાં સ્વિફ્ટ એ નાણાકીય સંસ્થાનોની મૅસેજિંગ ઍપ્લિકેશન છે, જેની શરૂઆત 1973માં 15 દેશો સાથે થઈ હતી.

    નાણાકીય વ્યવહારોમાં સ્વિફ્ટ સીધી રીતે ભાગ લેતી નથી, પરંતુ પૈસાની ચુકવણી, વેપાર અને ચલણ વિનિમય માટે તે પુષ્ટિકરણનું કાર્ય કરે છે.

    સ્વિફ્ટનું સંચાલન નેશનલ બૅન્ક ઑફ બેલ્જિયમ દ્વારા કરવામાં આવે છે. જોકે, યુ. એસ. ફૅડરલ રિઝર્વ સિસ્ટમ, બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ, યુરોપીયન સૅન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ જાપાન સહિત વિશ્વની મુખ્ય બૅન્કોના પ્રતિનિધિઓ તેના સંચાલનમાં સામેલ હોય છે.

    ભારત પોતાની જરૂરિયાતના 80 ટકા ઑઇલની આયાત કરે છે અને કુલ પુરવઠામાંથી 2થી 3 ટકા રશિયામાંથી ખરીદે છે.જોકે, ઑઇલની કિંમતોમાં વધારાને જોતાં ભારત સરકાર પોતાનો ઊર્જાખર્ચ ઘટાડવા માટે પ્રયાસ કરી રહી હોવાનું રૉયટર્સનું કહેવું છે.

    રૉયટર્સ સાથેની વાતચીતમાં એક અધિકારીએ એવું પણ કહ્યું કે ડિસ્કાઉન્ટના દરે સામાન ખરીદવા માટે તેઓ તૈયાર છે અને પ્રતિબંધોમાં ફસાઈ જવાની ભારતને ચિંતા નથી.

    તેમણે એવું પણ જણાવ્યું કે રૂપિયા-રુબલ (રશિયાનું ચલણ)માં વેપાર કરવા માટેનો માર્ગ પણ તૈયાર કરાઈ રહ્યો છે.

  5. પાંચ રાજ્યોમાં હાર બાદ કૉંગ્રેસની મહત્ત્વની બેઠક, સોનિયા અને રાહુલ ગાંધીની ભૂમિકા શું હશે?

  6. પાકિસ્તાન ઉપર ભારતની મિસાઇલ પડવા અંગે ઇમરાન ખાન શું બોલ્યા?

    ઇમરાન ખાન

    ઇમેજ સ્રોત, ANI

    ભારતની મિસાઇલ 'ભૂલ'થી પાકિસ્તાની વિસ્તારમાં પડતાં હવે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.ખાને એક રેલી દરમિયાન કહ્યું કે જો પાકિસ્તાને ઇચ્છ્યું હોત તો કંઈક કરી શક્યું હોત પણ તેણે આ કેસને સારી રીતે સંભાળ્યો.

    ઇમરાન ખાને પંજાબ પ્રાંતના હફીઝાબાદમાં એક રેલીને સંબોધિતાં કહ્યું, "અમને ધમકીઓ મળી રહી હતી. ભારતની એક મિસાઇલ પણ આવી પડી. પાકિસ્તાને બહુ સારી રીતે આનો જવાબ આપ્યો. જોકે, અમે કંઈક બીજું પણ કરી શક્યા હોત. "

    તેમણે કહ્યું, "આજે હું તમને કહી દઉં કે આપણો દેશે એ છે કે જે પોતાનું રક્ષણ કરી શકે છે.જે આ વખતે સાચા માર્ગ પર ચાલી નીકળ્યો છે. "

    સમગ્ર મામલો શું છે?

    ભારતે શુક્રવારે કહ્યું હતું કે ટેકનિકલ ખરાબીને પગલે 9 માર્ચે મિસાઇલ પાકિસ્તાનના વિસ્તારમાં જઈ પડી હતી. આ ઘટના પાકિસ્તાનના મિયાં ચન્નુમાં ઘટી હતી.

    પાકિસ્તાની સૈન્યના જનસંપર્ક વિભાગ (આઈએસપીઆર)ના મહાનિદેશક મેજર બાબર ઇખ્તિયારે 10 માર્ચે એક પત્રકારપરિષદ યોજીને કહ્યું,"મિયાં ચન્નુમાં જે તેજ ગતિથી ઊડતી વસ્તુ પડી એ કદાચ એક ભારતીય મિસાઇલ હતી."

    આગામી દિવસે, 11 માર્ચે ભારતીય સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં સ્વીકાર્યું હતું, "નિયમિત દેખરેખ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા મિસાઇલ ભૂલથી ફાયર થઈ ગઈ હતી." ભારતના સંરક્ષણ મંત્રાલયે આ મામલે એક ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ પણ આપ્યો હતો.

  7. કૅનેડામાં પાંચ ભારતીય વિદ્યાર્થીઓનાં મૃત્યુ, વિદેશમંત્રીએ શોક વ્યક્ત કર્યો

    કૅનેડાના ઑન્ટોરિયો પ્રાંતમાં પાંચ ભારતીય વિદ્યાર્થીઓનાં માર્ગ-અક્સમાતમાં મૃત્યુ થયાં છે. કૅનેડા પોલીસે આ અંગે જાણકારી આપી છે.

    સ્થાનિક મીડિયા અનુસાર ઑન્ટોરિયામાં ક્વિન્ટે વેસ્ટ સિટીમાં હાઈવે 401 પર શનિવારે એક વાન અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થઈ હતી.

    રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનામાં હરપ્રીતસિંહ, જસપિંદરસિંહ, મોહિત ચૌહાણ અને પવનકુમારનાં મૃત્યુ થયાં છે.

    મૃતકોની ઉંમર 21થી 24 વર્ષની વચ્ચે હોવાનું જણાવાઈ રહ્યું છે.પોલીસે જણાવ્યું કે પાંચેય વિદ્યાર્થીઓ ગ્રેટર ટૉરન્ટો અને મૉન્ટ્રિયલ વિસ્તારમાં રહેતા હતા.

    કૅનેડામાં ભારતના રાજદૂત અજય બિસારિયાએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે.

    તેમણે કહ્યું,"ક‌ૅનેડામાં દિલને દુખાવનારી ઘટના : ટૉરન્ટો પાસે શનિવારે એક ઑટો દુર્ઘટનામાં પાંચ ભારતીય વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં.ટૉરન્ટોમાં ભારતીય ટીમ પીડિતોની મદદ માટે એમના મિત્રોના સંપર્કમાં છે."

    ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે પણ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે.

  8. તસવીરોમાં : સ્લોવાકિયામાં યુક્રેનિયનોની હિજરત

    24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી લઈને અત્યાર સુધી 20 લાખથી વધુ લોકો યુક્રેનમાંથી હિજરત કરી ગયા છે.

    યુક્રેન પર કરેલા રશિયાના આક્રમણનો 19મો દિવસ છે અને કેટલાય લોકોએ સ્લોવેકિયામાં આશરો લીધો છે.

    ત્યારે સ્લોવેકિયામાં હિજરત કરી ગયેલા યુક્રેનિયનોની કેટલીક તસવીરો

    યુક્રેન

    ઇમેજ સ્રોત, Getty Images

    યુક્રેન

    ઇમેજ સ્રોત, Getty Images

    યુક્રેન

    ઇમેજ સ્રોત, Getty Images

  9. યુક્રેનનાં બાળકો મદદ માટે આજીજી કરી રહ્યાં છે, જાણો શું છે હાલત?

  10. નરેન્દ્ર મોદી અને અમિત શાહના ભાજપમાં હવે યોગી આદિત્યનાથનું કદ વધી જશે?

  11. ચીન પાસે રશિયાએ માગ્યાં હથિયાર

    રશિયા અને ચીન

    ઇમેજ સ્રોત, AFP

    ફાઇનાન્સિયલ ટાઇમ્સ અને ન્યૂ યૉર્ક ટાઇમ્સના રિપોર્ટ્સ પ્રમાણે રશિયાએ ચીન પાસે આર્થિક અને સૈન્યની મદદ માગી છે.

    રશિયા ઇચ્છે છે કે યુક્રેન સામેની લડાઈમાં ચીન સૈન્ય અને હથિયારો પૂરાં પાડે.

    ફાઇનાન્સિયલ ટાઇમ્સે અમેરિકાના એક અધિકારીને ટાંકીને લખ્યું છે કે આ લડાઈની શરૂ થઈ ત્યારથી જરશિયા ચીનને સાધનો પૂરાં પાડવા વિનંતી કરી રહ્યું છે.

    જોકે અધિકારીએ એ નથી જણાવ્યું કે કેવા પ્રકારનાં સાધનોની માગ કરાઈ રહી હતી.

    રિપોર્ટ્સ એવું પણ સૂચવે છે કે ચીન આ મામલે રશિયાની મદદ કરી શકે છે.

  12. બીબીસી ન્યૂઝ ગુજરાતીના લાઇવ અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.અહીં દિવસ દરમિયાન યુક્રેન-રશિયા યુદ્ધ સહિતની દેશ અને દુનિયાની અપડેટ્સ તમને મળશે.