You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

યુક્રેન સાથે વાતચીત માટે રશિયા તૈયાર, મૂકી આ શરત

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના પ્રવક્તાએ કહ્યું કે રશિયા યુક્રેન સાથે વાત કરવા માટે પ્રતિનિધિમંડળ બેલારુસની રાજધાની મિન્સ્ક મોકલવા માટે તૈયાર છે.

લાઇવ કવરેજ

  1. રશિયાના છેલ્લા ઝારને જ્યારે ક્રાંતિકારીઓએ પરિવાર સહિત રહેંસી નાખ્યા

  2. બીબીસી ગુજરાતીના આજના લાઇવ પેજમાં બસ આટલું જ.

    શનિવાર સવારે ફરી બીબીસી ગુજરાતી સાથે જોડાઓ અને મેળવો દેશ , દુનિયાના લેટેસ્ટ અપડેટ્સ

  3. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનની સેનાને સરકાર પાસેથી સત્તા આંચકી લેવાનું આહ્વાન કર્યું

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનની સેનાને દેશની સત્તા પોતાના હાથમાં લેવા માટે કહ્યું છે.

    રશિયન સુરક્ષા પરિષદને સંબોધન કરતાં પરોક્ષ રીતે યુક્રેનની સેનાને પુતિને આ વાત કરી છે.

    તેમણે કહ્યું કે "બૅંડેરાઇટ્સ (બીજા વિશ્વયુદ્ધમાં સોવિયેટવિરોધી સ્ટેપાન બૅંડેરાનો સંદર્ભ) અને કથિત નિયો-નાઝીઓએ કિએવ અને ખારકિએવમાં પોતાનાં રૉકેટ લૉન્ચ સિસ્ટમ સમેત પોતાનાં ઘણાં હથિયારો હેઠાં મૂકી દીધાં છે."

    યુક્રેનની સરકાર પર પ્રહાર કરતા પુતિને નિયો-નાઝી શબ્દનો વારંવાર ઉલ્લેખ કરતા રહ્યા છે. જોકે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કી આ શબ્દને નકારી ચૂક્યા છે.

    તેમણે વધુમાં યુક્રેનની સેનાને કહ્યું કે "સત્તા પોતાના હાથમાં લે. મને લાગે છે કે કિએવના નશાખોર અને નિયો-નાઝીઓની તુલનામાં તમારી અને અમારી વચ્ચે કોઈ સમજૂતી પર પહોંચવું સરળ રહેશે."

  4. ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી બહાર કાઢવા માટે ભારતની સરકાર શું કરી રહી છે?

    યુક્રેન ખાતેના ભારતીય દૂતાવાસે વિદ્યાર્થીઓને સલામત બહાર કાઢવા માટે હંગેરી સાથેની યુક્રેનની સરહદ પર ચોપ-ઝાહોની ખાતે તથા રોમાનિયા સાથેની સરહદ પર પૉર્યુબન-સિરેત ચૅકપોસ્ટ ખાતે ખાસ ટીમો તહેનાત કરવામાં આવી છે. જેઓ રશિયન ભાષાના જાણકાર છે.

    વિદ્યાર્થીઓને 'મક્કમ, સલામત અને સતર્ક' રહેવા તાકિદ કરવામાં આવી છે.

    યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુવ્યવસ્થિત રીતે જમીનમાર્ગે સરહદ પર પહોંચવા તાકિદ કરવામાં આવી છે. તેમને સાથે પાસપૉર્ટ, આકસ્મિક જરૂરિયાત માટે યુએસ ડૉલર, (શક્યહોયતો) વૅક્સિનના બંને ડોઝના સર્ટિફિકેટ તથા પ્રવાસ સમયે વાહન પર સ્પષ્ટ રીતે દેખાય તેમ ભારતીય ઝંડો ચીપકાવવા સલાહ આપવામાં આવી છે.

    અંધાધૂંધીને કારણે વિદ્યાર્થીઓને સંયુક્ત રીતે સંકલન કરીને નીકળવા આહ્વાન કરવામાં આવ્યું છે.

    કેટલાક વિદ્યાર્થીઓ પગપાળા જ સરહદ તરફ જવા નીકળી ગયા છે, તો કેટલાકને સરહદ સુધી પહોંચવા માટે કૉલેજો દ્વારા બસની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

    બીજીબાજુ, યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓ અને માતા-પિતાએ નવી દિલ્હીમાં રશિયાના રાજદૂતાલય બહાર દેખાવો કર્યા હતા અને તેમને સલામત રીતે પરત લાવવા વ્યવસ્થા ઊભી કરવા માગ કરી હતી.

    કેટલાક વિદ્યાર્થી સરહદ સુધી પહોંચી શકે તેમ નથી, તેમની પાસે ભોજન છે, પરંતુ તે ખૂટી રહ્યું છે અને ખાદ્યપદાર્થોના ભાવ વધી ગયા છે.

    ભારતના વિદેશ મંત્રી તથા ગુજરાતમાંથી રાજ્યસભાના સંસદસભ્ય એસ. જયશંકરે રોમાનિયાના વિદેશ મંત્રી સાથે ફોન ઉપર વાત કરી હતી અને સંકટના સમયમાં મળેલા સહકાર બદલ આભાર માન્યો હતો.

    શુક્રવારે ભારતની બે ફ્લાઇટ રોમાનિયાના બુકારેસ્ટ પહોંચશે, જ્યારે એક ફ્લાઇટ શનિવારે હંગેરીના બુડાપેશ ખાતે ઉતરશે. આ સિવાય પોલૅન્ડ અને સ્લોવાક ગણરાજ્યના રસ્તે પણ ભારતીયોને બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

    ઍરઇન્ડિયાના ખાનગીકરણ બાદ ભારત સરકાર દ્વારા આ વિશિષ્ટ વિમાનોનું સંચાલન હાથ ધરવામાં આવ્યું છે. ભારતીય વાયુદળે જરૂર પડ્યે વિદેશમાં ફસાયેલા ભારતીયોને સલામત રીતે બહાર કાઢવા વિશિષ્ટ ઉડ્ડાણ હાથ ધરવાની તૈયારી દાખવી છે.

    ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માગ કરી છે કે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ ઊંચું વિમાન ભાડું ચૂકવી શકે તેમ ન હોવાથી તેમને સ્વદેશ પરત લાવવા માટે સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે.

    બીજીબાજુ, યુક્રેન ઇન્ટરનેશનલ ઍરલાઇન્સે સંકટના સમયમાં નફાખોરી કરવામાં આવતી હોવાના આરોપોને નકારી કાઢ્યા છે.

    પશ્ચિમબંગાળ, ઓડિશા, કર્ણાટક, પંજાબ, તામિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ જેવાં રાજ્યો દ્વારા યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ તથા નાગરિકોને સલામત રીતે બહાર કાઢવા માટે હેલ્પલાઇન નંબરો બહાર પાડવામાં આવ્યા છે તથા ઉચ્ચઅધિકારીઓની વિશિષ્ટ ટીમો તૈયાર કરી હોવાના અહેવાલ છે.

    શુક્રવારે રશિયાના સૈન્યદળોએ યુક્રેનના કિએવ નજીકના વ્યૂહાત્મક ઍરપૉર્ટ ઉપર કબજો કરીને તેને આંતરરાષ્ટ્રીય સમુદાયથી વિખૂટું પાડી દીધું હતું, જેના કારણે હવે વિદ્યાર્થીઓને જમીનમાર્ગે બહાર કાઢવાનો વિકલ્પ રહે છે.

  5. પુતિનના જીવનનો એ કિસ્સો, જ્યારે તેઓ નેટોના વિરોધી બની ગયા

    નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન એટલે કે નેટો બીજા વિશ્વયુદ્ધ બાદ 1949માં બની હતી. તેને બનાવનાર અમેરિકા, કૅનેડા અને અન્ય પશ્ચિમના દેશો હતા.

    આ સંસ્થા સોવિયેત યુનિયન સામે સુરક્ષાના હેતુસર બનાવવામાં આવી હતી. તે સમેય વિશ્વ બે ધુવોમાં ફંટાયેલું હતું. એક મહાશક્તિ અમેરિકા હતું અને બીજી સોવિયેત યુનિયન.

    શરૂઆતમાં નેટોના 12 સભ્યો દેશ હતા. નેટો બન્યા બાદ જાહેરાત કરી હતી કે અમેરિકાકા કે યુરોપના કોઈ પણ દેશ પર હુમલો થશે તો તેને સંગઠનમાં સામેલ તમામ દેશો પર હુમલો માનવામાં આવશે. નેટોમાં સામેલ દરેક દેશ એકબીજાની મદદ કરશે.

    પરંતુ ડિસેમ્બર 1991માં સોવિંયેત સંઘના પતન બાદ ઘણું બદલાયું. નેટો જે હેતુના કારણે બન્યું હતું, તેનું સૌથી મોટું કારણ સોવિયેત યુનિયન વિખેરાઈ ચૂક્યું હતું. વિશ્વ એક ધ્રુવી બની ગયું હતું.

    અમેરિકા એકમાત્ર મહાશક્તિ તરીકે જળવાઈ રહ્યું હતું. સોવિયેત યુનિયનના વિઘટન બાદ રશિયા બન્યું અને રશિયા આર્થિકપણે તૂટી ચૂક્યું હતું.

    રશિયા એક મહાશક્તિ તરીકે વિઘટનના દુ:ખ અને ગુસ્સાથી પોતાની જાતને સંભાળી રહ્યું હતું. કહેવાય છે કે અમેરિકા ઇચ્છ્યું હોત તો તે રશિયાને પણ પોતાના સમૂહમાં લઈ શક્યું હોત. પરંતુ તેઓ શીત યુદ્ધવાળી માનસિકતાથી મુક્ત નહોતું થયું અને રશિયાને પણ યુએસએસની જેમ જોતું રહ્યું.

    જ્યોર્જ રૉબર્ટસન બ્રિટનના ભૂતપૂર્વ સંરક્ષણમંત્રી છે અને તેઓ 1999થી 2003 વચ્ચે નેટોના મહાસચિવ હતા. તેમ ગત વર્ષ નવેમ્બર મહિનામાં કહ્યું હતું પુતિન રશિયાને શરૂઆતમાં નેટોમાં સામેલ કરવા માગતા હતા પરંતુ તેઓ તેમાં સામેલ થવાની સામાન્ય પ્રક્રિયા અપનાવવા નહોતા માગતા.

    જ્યોર્જ રૉબર્ટસને કહ્યું હતું કે, "પુતિન સમૃદ્ધ, સ્થિર અને સંપન્ન પશ્ચિમનો ભાગ બનવા માગતા હતા."

    પરંતુ તેમની આ ઇચ્છા અધૂરી રહી ગઈ અને પછી પુતિન કેવી રીતે નાટોના વિરોધી બની ગયા વાંચો આખો અહેવાલ

  6. રશિયા સામે લડાઈ માટે યુક્રેને કિએવમાં સ્વયંસેવીઓને 18,000 મશીન ગન્સ આપી

    રશિયાની સેના એક તરફ કિએવ પર ચડાઈ કરવા પહોંચી છે ત્યારે અધિકારીઓએ જનતાને રશિયાન સેનાને રોકવા માટે શક્ય હોય તે કરવા માટે વિનંતી કરી છે.

    સંરક્ષણમંત્રાલય અને આંતરિક બાબતોના મંત્રાલયે કિએવના રહેવાસીઓને "રશિયાની સેનાની મૂવમેન્ટ વિશે માહિતા આપવા, મૉલટોવ કૉકટેએલ અને દુશ્મનને નાથવામાં મદદ કરવાની" વિનંતી કરી છે.

    પેટ્રોલ બૉમ્બ કેવી રીતે બનાવવા તે અંગે આંતરિક બાબતોના મંત્રાલયે સોશિયલ મીડિયા પર દિશાનિર્દેશો પોસ્ટ કર્યા છે.

    આંતરિક મંત્રાલયના સલાહકાર વૅૅડિમ ડેનિસેંકોએ કહ્યું કે કિએવમાં સ્વયંસેવીઓ જે પોતાની રાજધાનીને રશિયાથી બચાવવા માગે છે તેમને 18,000 મશીન ગન્સ આપવામાં આવી છે".

    "યુક્રેનના સૈનિક ઉપકરણો રશિયા સામે બચાવ માટે કિએવમાં લાવવામાં આવી રહ્યા છે."

  7. યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા : 'રોટલી-ભાત મળતાં નથી, બિસ્કિટ-મેગીથી ચલાવીએ છીએ'

  8. બ્રેકિંગ, 'રશિયા યુક્રેન સાથે વાત કરવા માટે પ્રતિનિધિમંડળ મોકલવા તૈયાર' - ક્રેમલિન

    રશિયાના રાષ્ટ્રપતિના પ્રવક્તાએ કહ્યું છે કે રશિયા યુક્રેન સાથે વાત કરવા માટે પ્રતિનિધિમંડળને મિન્સ્ક મોકલવા તૈયાર છે.

    જેમ કે તમે જાણો છો કો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ યુક્રેનના ન્યૂટ્રલ સ્ટેટસ (તટસ્થતા) વિશે વાત કરવાની તૈયારી બતાવી હતી.

    "આ સંબંધમાં ઝૅલેન્સ્કીના પ્રસ્તાવના જવાબમાં વ્લાદિમીર પુતિન રક્ષા મંત્રાલય, વિદેશ મંત્રાલય અને રાષ્ટ્રપતિ પ્રશાસનના સ્તરે રશિયન પ્રતિનિધિમંડળને યુક્રેનના પ્રતિનિધિમંડળ સાથે વાત કરવા માટે મિન્સ્ક મોકલવા તૈયાર છે."

    આજે, વ્લાદિમીર ઝૅલેન્સ્કીએ વ્યક્તિગત રૂપે વ્લાદિમીર પુતિન સાથે વાત કરીને કહ્યું કે "આટલાં મૃત્યુ રોકવા માટે વાટાઘાટો માટે બેસીએ."

    ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકૉવે કહ્યું કે રશિયા બેલારુસની રાજધાની મિન્સ્કમાં યુક્રેન સાથે વાતચીત માટે તૈયાર છે.

    આ માહિતી રશિયાની સમાચાર એજન્સી આરઆઈએ નોવોત્સીએ આપી છે.

    પરંતુ તેમણે કહ્યું કે યુક્રેનની તટસ્થતા વિશે વાતચીત થશે- જેમાં "ડિમિલિટરાઇઝેશન" સામેલ છે. રશિયા ઇચ્છે છે કે યુક્રેન નેટોમાં જોડાવાનો ઇરાદો હંમેશાં માટે છોડી દે.

    યુક્રેનના રાષ્ટ્રપતિએ વ્લાદિમીર પુતિનને વાતચીત માટે વિનંતી કરી હતી પરંતુ એ સ્પષ્ટ નથી કે તેઓ આ શરતે વાત કરવા માટે તૈયાર છે.

    મિન્સ્ક કેમ મહત્ત્વનું છે?

    મિન્સ્ક એટલે મહત્ત્વનું છે કારણ કે યુક્રેનના પૂર્વમાં થયેલા 2014ના ઘર્ષણનો અંત પણ અહીં થયેલા કરારથી જ થયો હતો.

    યુક્રેન પર હુમલો કરીને રશિયાના રાષ્ટ્રપતિએ મિન્સ્ક કરારનો ભંગ કર્યો છે.

    રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોફે કહ્યું કે યુક્રેનની સેના જ્યાર સુધી હથિયાર હેઠાં નહીં મૂકે ત્યાર સુધી વાટાઘાટો નહીં થાય.

    પૂર્વીય યુક્રેનમાં રશિયા સમર્થક વિદ્રોહીઓ અને યુક્રેનની સેના વચ્ચે ખૂની સંઘર્ષ પછી પહેલાં 2014માં મિન્સ્ક-1 અને 2015માં મિન્સ્ક-2 કરાર થયા હતા.

    ફેબ્રુઆરી 2015માં બેલારુસની રાજધાની મિન્સ્કમાં રશિયા, યુક્રેન, જર્મની અને ફ્રાન્સના નેતાઓની હાજરીમાં આ કરાર થયા હતા.

    આની હેઠળ આ વિસ્તારમાં શાંતિ કેળવવા માટે પગલાં લેવાનાં હતાં જેની પર રશિયાના સમર્થક અલગતાવાદીઓનો કબજો હતો. અત્યારે રશિયાના હુમલાને મિન્સ્ક કરારના ઉલ્લંઘન તરીકે જોવામાં આવી રહ્યો છે.

  9. 40 જેટલા ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ પોલૅન્ડ તરફ પગપાળા જઈ રહ્યા છે - એએનઆઈ

    સમાચાર સંસ્થા એએનઆઈએ જણાવ્યું છે કે લ્વિવમાં ડેઇનલો હેલિત્સ્કી મેડિકલ યુનિવર્સિટીના 40 જેટલા ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ યુક્રેન-પોલૅન્ડની સરહદ તરફ પગપાળા જઈ રહ્યા છે.

    તેમને કૉલેજની બસમાં સરહદથી આઠ કિલોમિટર દૂર ઉતારી દેવામાં આવ્યા છે.

    આની બીજેથી ખરાઈ કરી શકાઈ નથી

  10. પાંચ નક્શામાં સમજો યુક્રેન સંકટ

    રશિયા અને યુક્રેનનો વિવાદ કેટલો જૂનો છે? તેનું મૂળ ક્યા છે? સમજો નકશાની મદદથી

  11. યુક્રેનના ખારકિવમાં ફૂટ્યા વગરનો એક શેલ રસ્તામાં ફસાયો

    યુક્રેનના અનેક શહેરો પર રશિયાએ હુમલો કર્યો છે. શેલિંગ અને બૉમ્બિંગ કરવામાં આવી રહી છે.

    બીબીસી યુક્રેનિયન સેવાને મળેલી આ તસવીરમાં જોઈ શકાય છે કે રસ્તાની વચ્ચે એક શેલ ફૂટ્યા વગરનો ફસાયેલો છે.

  12. બ્રેકિંગ, વ્લાદિમીર પુતિન યુક્રેન સાથે વાટાઘાટો માટે તૈયાર - ચીની મીડિયા

    બીબીસી યુક્રેનિયન સેવા અનુસાર રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને સંબોધતા કહ્યું કે: "આટલાં મૃત્યુને રોકવા માટે આપણે વાટાઘાટો માટે બેસીએ."

    રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોફે જવાબ આપતા કહ્યું કે, "ઝૅલેન્ક્સી પોતે સુરક્ષાની વાટાઘાટોનો અવસર ગુમાવી ચૂક્યા છે."

    ત્યાં જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે રશિયા યુક્રેન સાથે ઉચ્ચસ્તરીય વાટાઘાટો માટે તૈયાર છે.

    આ અંગે ચીનના સેન્ટ્રલ ટેલિવિઝન પર અહેવાલ આપવામાં આવ્યા હતા.

    પશ્ચિમી દેશો જ્યાં રશિયા સામે એકજૂથ થઈ રહ્યા છે ત્યાં પાડોશી દેશ ચીન યુક્રેન પર હુમલાને લઈને ટીકાત્મક નથી.

    શુક્રવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી જેમાં તેમણે કહ્યું કે ચીન યુક્રેન સંકટનું વાટાઘાટોથી ઉકેલ શોધવામાં રશિયાને ટેકો આપે છે.

    ચીનના સેન્ટ્રલ ટેલિવિઝને આ અંગે સમાચાર આપ્યા હતા.

    યુક્રેન-રશિયા સંકટને ચીન માટે પણ એક મુશ્કેલીના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.

    રશિયા અને ચીન વચ્ચે હાલના સમયમાં રાજદ્વારી સંબંધ ખૂબ મજબૂત થયા છે અને તેનું ઉદાહરણ વિંટર ઑલિમ્પિક્સમાં જોવા મળ્યું જ્યારે પુતિન બેઇજિંગ ગયા હતા.

    આની પહેલાં ચીનના વિદેશ મંત્રાલયે રશિયાની કાર્યવાહીને "હુમલો" માનવાનો ઇન્કાર કર્યો હતો.

  13. યુક્રેનના રાષ્ટ્રપતિએ યુરોપના નેતાઓ પર ભડક્યા, કહ્યું 'પૂરતાં પગલાં નથી લીધાં'

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી કિવમાં પોતાના ઑફિસથી નિવેદન આપી રહ્યા છે.

    તેમણે કહ્યું કે રશિયાના આક્રમણને રોકવા માટે યુરોપના નેતાઓ પૂરતાં પગલાં નથી લીધાં.

    તેમણે કહ્યું,"બીજા વિશ્વયુદ્ધની જેમ, તમે કહ્યું હતું કે હવે ક્યારેય આવું નહીં થાય, પરંતુ આજે પણ આવું જ થઈ રહ્યું છે અને તમે જવાબમાં અપૂરતાં પગલાં લઈ રહ્યા છો."

    ઝૅલેન્સ્કીએ કહ્યું કે જો યુરોપના નેતાઓ પગલાં લે તો રશિયાના આક્રમણને રોકવામાં હજી મોડું નથી થયું, અને યુરોપિયન સંઘના નાગરિકોને વિરોધ પ્રદર્શન કરીને તેમની સરકારોને નિર્ણાયક કાર્યવાહી લેવા માટે દબાણ લાવે.

    તેમણે વધુમાં કહ્યું:

  14. કિવની હૉસ્ટેલમાં ફસાયેલા વિદ્યાર્થીઓેએ જણાવી આપવીતી

    કિવમાં આવેલી બોગોમેલાટ્સ યુનિવર્સિટીમાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ રહે છે.

    યુક્રેનનું ઍરસ્પેસ અનિશ્ચિત સમય સુધી બંધ કરી દેવામાં આવતાં ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ હવે ક્યારે પાછા ફરશે, તેના પર શંકાના વાદળો ઘેરાયેલા છે.

    આયુષ વર્મા અને તેમની સાથે રહેતા વિદ્યાર્થીઓએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, "અહીં તેમના માટે જમવાની કે અન્ય કોઈ સુવિધા નથી."

    તેમના માટે સૌથી મોટી સમસ્યા એ છે કે, એમ્બેસી દ્વારા ઘણાબધા હૅલ્પલાઇન નંબરો જારી કરવામાં આવ્યા છે. જેથી કોણો સંપર્ક કરવો તેની અસમંજસ ઊભી થઈ છે.

    તેમણે સરકારને યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓઅને તેમાં પણ ખાસ કરીને તાજેતરમાં જ યુક્રેન ગયા હોય તેવા વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવાની અપીલ કરી હતી.

  15. 'સૈનિક કાર્યવાહીનો ઉદ્દેશ્ય યુક્રેનના લોકોને દમનમાંથી મુક્ત કરવાનો'

    રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોફે કહ્યુંં છે કે, "યુક્રેન પર સૈનિક કાર્યવાહીનો ઉદ્દેશ્ય યુક્રેનના લોકોને દમનમાંથી મુક્ત કરવાનો છે. એટલે યુક્રેનના લોકો પોતાનું ભવિષ્ય નક્કી કરી શકે."

    રાજધાની મૉક્સોમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં લાવરોફે કહ્યું કે "રશિયા આવી પરિસ્થિતિમાં મૌન ન રહી શકે."

    તેમણે કહ્યું, "આ યુક્રેનની સરકારને લોકતાંત્રિક સરકાર માનવાનો અત્યારે કોઈ અવસર નથી જોઈ શકતા." હાલમાં જ રશિયાએ યુક્રેનના અલગતાવાદીઓના નિયંત્રણવાળા બે વિસ્તારોને માન્યતા આપી હતી.

    લાવરોફે કહ્યું કે," મૉસ્કો, યુક્રેન પર કબજો નથી કરવા માગતું પરંતુ તેને 'ડિમિલિટરાઇઝ' કરવા માગે છે."

    જ્યારે પૂછવામાં આવ્યું કે શું રશિયા એક લોકશાહી ધરાવતા દેશને પાડવા માગે છે ત્યારે લાવરોફે કહ્યું કે દેશ(યુક્રેન) ને લોકશાહી ન કહી શકાય.

    લાવરોફે બીબીસીના સંવાદદાતા સ્ટીવ રોઝનબર્ગના એક સવાલને ટાળ્યો જેમાં પૂછવામાં આવ્યું હતું રશિયા પોતાના પાડોશી દેશ પર હુમલાને કેવી રીતે વાજબી ગણાય.

    લાવરોફે યુગોસ્લાવિયા, ઇરાક અને લિબિયા જેવા દેશોમાં પશ્ચિમ દેશોના દખલનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે લોકશાહીના નામ પર આ દેશોમાં હજારો લોકોને મારી નાખવામાં આવે છે.

  16. યુક્રેન પર રશિયાના હુમલાના બીજા દિવસે શું સ્થિતિ છે

    યુક્રેન પર રશિયાના હુમલાના બીજા દિવસે શું સ્થિતિ છે અને આ સ્થિતિ આગળ શું સ્વરૂપ ધારણ કરી શકે છે? જુઓ બીબીસી સંવાદદાતા સમીના શેખ, જય મકવાણા અને ઝુબૈર અહેમદની વાતચીત

  17. બ્રિટનના મંત્રીનો દાવો, રશિયાના 450 સૈનિકો માર્યા ગયા

    બ્રિટનના રક્ષામંત્રી બેન વૉલેસે દાવો કર્યો છે કે, "યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી દરમિયાન રશિયાના 450 જેટલા સૈનિકો માર્યા ગયા છે."

    બ્રિટનની ન્યૂઝ ચૅનલ સ્કાય ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે આ વાત કહી હતી.

    બેન વૉલેસે વધુમાં કહ્યું હતું કે, "બ્રિટનને લાગે છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સમગ્ર યુક્રેન પર આક્રમણ કરવા ઇચ્છે છે."

    તેમના પ્રમાણે, "રશિયા યુક્રેનના એક મહત્વપૂર્ણ ઍરપોર્ટને કબજામાં લેવા માગતું હતું, પરંતુ સત્ય એ છે કે રશિયા તેમ કરવામાં અસફળ રહ્યું હતું. તેમણે એમ પણ દાવો કર્યો છે કે, રશિયા પ્રથમ દિવસની સૈન્ય કાર્યવાહીમાં અસફળ રહ્યું હતું."

  18. રશિયાની યોજના પહેલા કિવ અને બાદમાં સમગ્ર યુક્રેન પર કબજો જમાવવાની છે: રિપોર્ટ

    યુક્રેનમાં કાઉન્ટર ઇન્ટેલિજન્સના એક સ્ત્રોતે યુક્રેનસ્કા પ્રાવદા વેબસાઇટને જણાવ્યું કે રશિયાની યોજના રાજધાની કિવ અને સમગ્ર દેશને નિયંત્રણમાં લેવાની છે.

    આ સ્ત્રોતે રશિયાની યોજના વિશે વિસ્તારમાં વાત કરી હતી. જોકે, તેની પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી.

    જોકે, વેબસાઇટે સ્ત્રોતને ટાંકીને જણાવ્યું કે રશિયાની યોજના છે કે,

    • રાજધાની કિવના મુખ્ય ઍરપોર્ટ અને ઍર ટ્રાફિક પર કબજો મેળવવો, સીમા પર હુમલો કરતાં યુક્રેનિયન સૈનિકોનું ધ્યાન ભટકાવવું અને 10 હજાર સૈનિકોને રાજધાની કિવમાં ઉતારવા.
    • યુક્રેનના સૈનિકો જ્યાં-ત્યાં જઈ ન શકે તે માટે શરણાર્થીઓને પલાયન કરવા ઉશ્કેરવા
    • સરકારી ઇમારતો, કૅબિનેટ અને સંસદ પર કબજો જમાવવો અને દેશના નેતૃત્વને રશિયાની શરત પર સમજૂતી પર સહી કરવા મજબૂક કરવા.
    • રશિયન સમર્થક નેતાઓને લાવવા અને યુક્રેનને પૂર્વ અને પશ્ચિમ જર્મનીની જેમ બે ભાગમાં વહેંચવા.

    જોકે, આ દાવાઓની પુષ્ટિ થઈ શકી નથી.

  19. બ્રેકિંગ, રશિયાની યોજના પહેલા કિવ અને બાદમાં સમગ્ર યુક્રેન પર કબજો જમાવવાની છે: રિપોર્ટ

    યુક્રેનમાં કાઉન્ટર ઇન્ટેલિજન્સનાં એક સ્ત્રોતે યુક્રેનસ્કા પ્રાવદા વેબસાઇટને જણાવ્યું કે રશિયાની યોજના રાજધાની કિવ અને સમગ્ર દેશને નિયંત્રણમાં લેવાની છે.

    આ સ્ત્રોતે રશિયાની યોજના વિશે વિસ્તારમાં વાત કરી હતી. જોકે, તેની પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી.

    જોકે, વેબસાઇટે સ્ત્રોતને ટાંકીને જણાવ્યું કે રશિયાની યોજના છે કે,

    • રાજધાની કિવના મુખ્ય ઍરપોર્ટ અને ઍર ટ્રાફિક પર કબજો મેળવવો, સીમા પર હુમલો કરતા યુક્રેનિયન સૈનિકોનું ધ્યાન ભટકાવવું અને 10 હજાર સૈનિકોને રાજધાની કિવમાં ઊતારવા.
    • યુક્રેનના સૈનિકો જ્યાં-ત્યાં જઈ ન શકે તે માટે શરણાર્થીઓને પલાયન કરવા ઉશ્કેરવા
    • સરકારી ઇમારતો, કૅબિનેટ અને સંસદ પર કબજો જમાવવો અને દેશના નેતૃત્વને રશિયાની શરત પર સમજૂતી પર સહીં કરવા મજબૂક કરવા.
    • રશિયન સમર્થક નેતાઓને લાવવા અને યુક્રેનને પૂર્વ અને પશ્ચિમ જર્મનીની જેમ બે ભાગમાં વહેંચવા.

    જોકે, આ દાવાઓની પુષ્ટિ થઈ શકી નથી.

  20. બ્રેકિંગ, 'રશિયન સેના યુક્રેનની રાજધાનીમાં પ્રવેશી ગઈ છે' - યુક્રેનિયન અધિકારીઓ

    રશિયાના સૈનિકો કિવમાં પ્રવેશી ગયા છે, યુક્રેનના અધિકારીઓએ ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે.

    યુક્રેનના રક્ષા મંત્રાલયે કહ્યું છે કે "દુશ્મન" કિવમાં સંસદથી નવ કિલોમિટર દૂર ઓબોલૉન જિલ્લામાં પહોંચી ગયા છે .

    રક્ષા મંત્રાલયે સ્થાનિક લોકોને મૉલોટોવ કૉકટેલ (પૅટ્રોલબૉમ્બ) બનાવીને વળતો પ્રહાર કરવા પ્રોત્સાહિત કર્યાં છે. આ સાથે લોકોને ઘરની બહારન નીકળવા સૂચના આપવામાં આવી છે.

    "શાંતપૂર્ણ રહેવાસીઓ- સાવચેત રહો. ઘરમાં જ રહો!"

    કિવમાં અમારા સંવાદદાતાઓએ કહ્યું હતું કે આની પહેલાં શહેરમાં ગોળીબાર સંભળાયો હતો જોકે તેમણે કહ્યું કે હજી આ બાબતે કંઈ સ્પષ્ટ કહી ન શકાય. હાલ કિવમાં મોટા ધડાકા થઈ રહ્યા છે.

    સોશિયલ મીડિયામાં ફરી રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રશિયન ટૅન્ક્સને ઓબોલોનમાં પ્રવેશતા જોઈ શકાય છે.

    છેલ્લા એક કલાકમાં યુક્રેનના રક્ષા મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે રશિયન સેના કિવમાં રહેણાક વિસ્તારમાં પ્રવેશ કરી લીધો છે.

    સોશિયલ મીડિયા વીડિયો સ્થાનિક લોકોએ લીધો હોય તેવું લાગે છે. બીબીસીએ આ વીડિયો ઓબોલોનનો હોય તેની ખરાઈ કરી છે.