You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

બિપરજોય વાવાઝોડું : ભુજ પાસે આખો પુલ ધોવાયો, વાવાઝોડું નબળું થયું પણ હજી ભારે વરસાદનું જોખમ

બિપરજોય વાવાઝોડું ગુજરાત પર ત્રાટક્યું એ બાદ શું થયું, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલી નુકસાની થઈ?

લાઇવ કવરેજ

  1. સૌરાષ્ટ્ર-કચ્છ પરથી વાવાઝોડું આગળ વધ્યું, હવે ઉત્તર ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદનું સંકટ?

  2. બિપરજોય: 'ઘરમાં 10 બાળકો છે, માથે છત નથી, ક્યાં જાવું, શું ખાવું?' બબ્બે વાવાઝોડાંનો ભોગ બનેલા લોકોની વ્યથા

  3. જ્યારે રાજાના ત્રાસથી પ્રજાને બચાવવા 72 'જખ્ખૌ' આવ્યાં - બિપરજોયમાં સૌથી વધુ અસર પામેલા જખૌ બંદરની કહાણી

  4. Biperjoy વાવાઝોડું ટકરાયું હજી પણ કયા જિલ્લામાં છે વરસાદનો ખતરો?

    જુઓ બિપરજોય વાવાઝોડા વિશેનું સ્પેશિયલ બુલેટિન દીપક ચુડાસમા અને સમીના શેખ સાથે

  5. બ્રેકિંગ, બિપરજોય વાવાઝોડાથી તબાહી, ભુજ પાસે પુલ ધોવાયો

    બિપરજોય વાવાઝોડું જખૌ બંદર પાસે ટકરાવાની શરૂઆત થઈ, એને હવે અંદાજે 24 કલાક થઈ ગયા છે. હવે વાવાઝોડાએ સર્જેલી તબાહીનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. ગુરુવારે સાંજે કચ્છના જખૌ બંદર પાસે વાવાઝોડું ટકરાવાની શરૂઆત થઈ એ પહેલાં જ કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ હતી અને પવન પણ ફૂંકાઈ રહ્યો હતો. કચ્છ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આખી રાત સુધી વરસાદ પડ્યો હતો અને પવન પણ ફૂંકાતો રહ્યો હતો. જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.

    શુક્રવારે સવારે પણ આખા જિલ્લામાં આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી. જોકે બપોર બાદ વરસાદ ઓછો થયો હતો અને પવનની ગતિમાં પણ ઘટાડો થયો હતો. જે બાદ વાવાઝોડા વખતે થયેલી નુકસાનીનો અંદાજ આવી રહ્યો છે અને તંત્ર દ્વારા પણ તેનો સરવે શરૂ કરી દેવાયો છે.

    ભુજના ભવાનીપુર પાસેનો આ પુલ ધોવાઈ ગયો હતો. આ પુલ ભુજ અને નલિયાને જોડતો હતો, જેના તૂટવાથી વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે.

  6. વાવાઝોડા વચ્ચે 707 મહિલાઓની પ્રસૂતિ થઈ

    બિપરજોય વાવાઝોડું જખૌ બંદર પાસે ગુરુવારે ટકરાયું અને હવે થોડું નબળું પડ્યું છે. જોકે આ વાવાઝોડું ત્રાટકવાનું હતું એ પહેલાં જ તંત્ર દ્વારા તકેદારીનાં પગલાં લેવાયાં હતાં. જેના ભાગરૂપે સગર્ભાઓને સલામત સ્થળે ખસેડવામાં આવી હતી.

    સરકારી તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે હજી સુધી ગુજરાતમાં વાવાઝોડા બાદ કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી. રાજ્ય સરકાર દ્વારા કરાયેલી પૂર્વતૈયારીના ભાગરૂપે વાવાઝોડા પહેલાં જ 1171 પૈકી 1152 ગર્ભવતીઓને સલામતસ્થળે ખસેડવામાં આવી હતી. આ પૈકી 707 ગર્ભવતીઓની પ્રસૂતિ પણ વાવાઝોડા વખતે થઈ હતી.

    707 પૈકી 348 પ્રસૂતિ કચ્છમાં થઈ હતી, જ્યારે રાજકોટમાં 100, દેવભૂમિ દ્વારકામાં 93, ગીર સોમનાથમાં 69, પોરબંદરમાં 30, જૂનાગઢમાં 25, જામનગરમાં 17, રાજકોટ મહાનગરપાલિકામાં 12, જૂનાગઢ મહાનગરપાલિકામાં 8, જામનગર મહાનગરપાલિકામાં 4 અને મોરબી જિલ્લામાં 1 પ્રસૂતિ થઈ હતી.

    તંત્રનું કહેવું છે કે આ અભિયાનને સફળ રીતે પાર પાડવા તબીબી સ્ટાફ સાથે 302 સરકારી અને 202 જેટલી 108 ઍમ્બ્યુલન્સને સ્ટૅન્ડબાય રાખવામાં આવી હતી.

  7. બ્રેકિંગ, વાવાઝોડાએ રસ્તો બદલ્યો, અહીં પડશે જોરદાર વરસાદ

    અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડું કચ્છનાજખૌ પાસે ટકરાઈ ગયું છે અને હવે તે નબળું પડી રહ્યું છે. અતિપ્રચંડ વાવાઝોડાના રૂપમાં તે ટકરાયું ત્યારે તેની ગતિ 115થી 125 કિલોમિટર પ્રતિ કલાકની હતી અને મહત્તમ ઝડપ 140 કિલોમિટર પ્રતિ કલાક સુધીની હતી.

    હવે તે નબળું થઈને આગળ વધી રહ્યું છે અને તેના ટ્રેકમાં પણ ફેરફાર થયો છે અને હવે તે ઉત્તર ગુજરાત તરફ આગળ વધ્યું છે. જેથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તેની અસર થશે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

    હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મોરબી જિલ્લાના ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે.

    દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

    આ જિલ્લામાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદ પડશે અને મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્મય વરસાદની શક્યતા છે. ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ રહેશે.

    કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, બનાસકાંઠા, પાટણ સહિતના જિલ્લામાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા છે. વાવાઝોડું સાંજ સુધીમાં સાવ નબળું પડી જશે પરંતુ આ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

  8. બ્રેકિંગ, વાવાઝોડું થોડું નબળું થયું પણ સૌરાષ્ટ્ર-કચ્છના માથે ભારે વરસાદનું જોખમ

    બિપરજોય વાવાઝોડું થોડું નબળું પડ્યું છે પણ સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના માથે ભારે વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે.

    બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ બંદર પાસે ગુરુવારે ત્રાટક્યું હતું, જે બાદ તે છેલ્લા છ કલાકથી 12 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. શુક્રવારે સાંજ સુધીમાં આ વાવાઝોડું નબળું પડી જાય એવી શક્યતા છે.

    હવામાનવિભાગે અંતિમ બુલેટિનમાં માહિતી આપી હતી કે શુક્રવારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

    સાથે જ શનિવારે ઉત્તર ગુજરાતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે.

    આ સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાશે. ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજગ મહાપાત્રએ ચેતવણી આપી છે કે હજી સુધી વાવાઝોડાના ખતરો ટળ્યો નથી અને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ તેમણે આપી છે.

  9. બ્રેકિંગ, વાવાઝોડામાં તબાહી, 600 કાચાં મકાન ધરાશાયી

    બિપરજોય વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં 600 કાચાં મકાનને નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે સવારે એનડીઆરએફ દ્વારા અપાયેલા વાવાઝોડાના રિપોર્ટ પ્રમાણે એક પણ પાકાં મકાનને નુકસાન થયું ન હતું.

    ગુજરાતના રિલીફ કમિશનર આલોક પાંડેએ એએનઆઈને માહિતી આપતા કહ્યું છે કે, "આપણે હજુ પણ સતર્ક રહેવું પડશે. અત્યાર સુધી 24-25 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને એક પણ મૃત્યુ થયું નથી."

    તેમણે કહ્યું હતું કે "લગભગ 600 કાચાં મકાનો પડી ગયાં છે. હાલ કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લામાં ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતના ક્ષેત્રોમાં અતિભારે વરસાદની સંભાવના છે અને પવનની ઝડપ પણ વધુ રહેશે."

  10. બિપરજોય વાવાઝોડું : 'રાત કાતિલ હતી', કચ્છના માંડવીમાં વાવાઝોડાએ એક જ રાતમાં કેવી હાલત કરી?

  11. પાકિસ્તાનનાં આશ્રયસ્થાનોમાં કેવી છે પરિસ્થિતિ?

    બિપરજોય વાવાઝોડાની અસર પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પણ જોવા મળી છે, ગુજરાતની સરહદ પાસે આવેલા પાકિસ્તાનના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો અને સાથે જ વરસાદ પણ વરસ્યો હતો.

    આ તસવીરો પાકિસ્તાનના સિટી બગાન શૅલ્ટરહોમની છે. બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને કારણે પાકિસ્તાનમાં પણ હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સરહદી પ્રાંતનાં ગામોમાં થનારી સંભવિત અસરને પગલે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આશ્રયસ્થાનોમાં આશરો લઈ રહેલા પાકિસ્તાનના આ લોકોની તસવીરો બીબીસી સંવાદદાતાએ લીધી હતી.

    આ વાવાઝોડાથી કરાચીમાં નુકસાન થવાની શક્યતા હતી પણ એ તરફ વધારે નુકસાન હજી સુધી થયું નથી. જોકે ભારત-પાકિસ્તાન સરહદ પર ગુજરાતને અડીને આવેલા સિંધના વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી હતી. વરસાદ અને પવન ફૂંકાવાના કારણે અહીંનાં ગામોમાં ઘણું નુકસાન થયું છે. જેના કારણે જનજીવનને પણ અસર થઈ છે.

  12. બ્રેકિંગ, હજી સુધી કોઈ જાનાહાનિ થઈ નથી: હર્ષ સંઘવી

    બિપરજોય વાવાઝોડાએ સર્જેલી તબાહી અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી હતી. તેમણે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું કે, “ગુરુવારે રાત્રે પડકારજનક સ્થિતિ સર્જાઈ હતી, જેની માટે સરકારે તૈયારી કરી હતી. શુક્રવારે સવારે 8 વાગ્યા સુધી કોઈ જાનહાનિ થયાના સમાચાર મળ્યા નથી.”

    “ગુજરાતમાં કેટલાક લોકો અને પોલીસજવાનો ઈજાગ્રસ્ત થયા છે, પરંતુ સરકાર દ્વારા તેમની સારવાર સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં કરાઈ રહી છે.તેજ પવન અને વરસાદને કારણે કેટલાંય સ્થળોએ વીજથાંભલા, વૃક્ષો, કાચાં મકાનો, છાપરાંવાળાં મકાનો પડી જવાના સમાચાર પણ મળ્યા છે.”

    તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “ગઈકાલે ભારે વરસાદ અને પવનના કારણે વૃક્ષો અને વીજથાંભલા પડી જવાના સમાચાર મળ્યા હતા, ત્યાં જઈને એનડીઆરએફ, કોસ્ટગાર્ડ અનેનેવીની ટીમે મળીને વૃક્ષો અને થાંભલા તાત્કાલિક હઠાવ્યાં હતાં.”

    તેમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી દરિયાકિનારાના વિસ્તારમાં રહેતા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ હતી.

  13. દ્વારકા: 'અમે આખી રાત વીજળી વગર કાઢી', વાવાઝોડાથી કેવી સ્થિતિ થઈ?

    બિપરજોય વાવાઝોડું ગુરુવારે કચ્છ જિલ્લાના જખૌ બંદર પાસે ટકરાયું પણ તેની અસર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જોવા મળી રહી છે. ગુરુવારથી જ તેની અસર દેખાવાની શરૂ થઈ ગઈ હતી, ત્યારે શુક્રવારે પણ ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે.

    બિપરજોય વાવાઝોડાથી દ્વારકામાં તબાહી સર્જાઈ છે. બિપરજોય વાવાઝોડાને કારણે દ્વારકા મંદિર બંધ રાખવામાં આવ્યું છે, હાલ ગામમાં બધું જ બંધ જોવા મળી રહ્યું છે.

    બીબીસી ગુજરાતી સાથે વાત કરતા દ્વારકાના સ્થાનિકે કહ્યું કે, "ભારે પવન અને વરસાદને કારણે દ્વારકામાં અનેક સ્થળોએ પતરાં અને વૃક્ષો પડી ગયાં છે, આવો પવન અને વરસાદ ક્યારેય જોવા મળ્યા નથી. આવું પહેલી વાર જોવા મળ્યું છે. આખી રાત વીજપુરવઠો બંધ હતો."

  14. બ્રેકિંગ, કચ્છના માંડવીમાં પાણી ભરાયાં, વાહનો આખાં ડૂબ્યાં

    કચ્છના જખૌ બંદર પાસે બિપરજોય વાવાઝોડું ટકરાવાની શરૂઆત થઈ, એને કલાકો વીતી ચૂક્યા છે. એમ છતાં કચ્છમાં હજી પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ વરસી રહ્યો છે. આખી રાત સતત વરસેલા વરસાદના કારણે કચ્છના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં અને હજી અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

    બીબીસી ગુજરાતીની ટીમ માંડવી પાસેના એવા એક રહેણાક વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં કૉલોનીમાં પાણી ભરાઈ ગયાં હતાં અને ઘરોમાં પાણી ઘૂસવાનાં શરૂ થઈ ગયાં હતાં.

    કૉલોનીમાં પાર્ક કરેલી ગાડીઓ આ પાણીમાં લગભગ અડધી ડૂબી ગયેલી ડોઈ શકાય છે તો મોટરસાઇકલ અને અન્ય વાહનો આખેઆખાં ડૂબી ગયાં હતાં.

    પાણી ભરાઈ જવાના કારણે કૉલોનીમાં પ્રવેશવાના રસ્તા બંધ થઈ ગયા હતા અને અવરજવર બંધ થઈ ગઈ હતી. આવી પરિસ્થિતિ માંડવીના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે.

    ઉલ્લેખનીય છે કે નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થાનિક તંત્ર લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.

  15. બ્રેકિંગ, બિપરજોય વાવાઝોડાના કારણે 100 ટ્રેન રદ કરાઈ

    પશ્ચિમ રેલવેના પબ્લિક રિલેશન ઑફિસર સુમિત ઠાકુરે કહ્યું છે કે, "બિપરજોય વાવાઝોડાની કારણે હવે વધુ બે ટ્રેન રદ થઈ છે અને એક ટ્રેનનો રૂટ ટૂંકાવામાં આવ્યો છે. જેની સાથે અત્યાર સુધીમાં કુલ 100 ટ્રેન રદ કરવામાં આવી છે અને 40 ટ્રેનનો રૂટ ટૂકાવી દેવામાં આવ્યો છે."

    ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલવે દ્વારા રદ કરાયેલા ટ્રેનોની યાદી ગુરુવારે સાંજે આપવામાં આવી હતી. જેમાં મોટાભાગની ટ્રેન કચ્છ અને સૌરાષ્ટ્રની હતી, કેટલીક ટ્રેન એવી હતી જે સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ટેશનથી મુંબઈ તરફના સ્ટેશન સુધી જતી હતી.

  16. શુક્રવારે વાવાઝોડાની સૌરાષ્ટ્ર-કચ્છમાં કેવી થશે અસર?

    બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ બંદર પાસે ત્રાટક્યું એને 15 કલાક કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે. કચ્છના માંડવીમાં પરિસ્થિતિ હજી ઘણી ખરાબ છે. છેલ્લા 12 કલાક કરતાં વધારે સમયથી અહીં સતત વરસાદ વરસી રહ્યો છે અને જોડે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે અને ઘણા લોકોનું કહેવું છે કે તેઓ આખી રાત ઊંઘી શક્યા નથી.

    માંડવી શહેરમાં મોટાભાગનાં મકાનો પાકાં છે, બિપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છમાં પૂર્વ અને ઉત્તરપૂર્વ તરફ છેલ્લા છ કલાકથી 10 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

    હવામાનવિભાગે આપેલા તાજા બુલેટિનમાં બિપરજોય વાવાઝોડા અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે શુક્રવાર સવાર સુધીની સ્થિતિ પ્રમાણે આ વાવાઝોડું ભુજથી 30 કિલોમિટર દૂર હતું.

    હવામાનવિભાગનો અંદાજ છે કે આ વાવાઝોડું શુક્રવાર સાંજ સુધીમાં નબળું પડી જાય એવી શક્યતા છે.

    આ સાથે જ હવામાનવિભાગે પવનની ગતિ અંગે પણ અંગાજ આપ્યો છે. જે પ્રમાણે અસરગ્રસ્ત વિસ્તારોમાં શુક્રવારે બપોરે 65થી 75 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

    જ્યારે શુક્રવાર સાંજથી પવનની ગતિ ઘટી શકે છે અને 50થી 50 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

    શુક્રવાર રાતથી વાવાઝોડું નબળું પડી શકે છે અને એ બાદ 40થી 50 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

    ભારે વરસાદની આગાહી

    રાજ્યના મોટાભાગના જિલ્લામાં ઓછાવત્તા પ્રમાણમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.

    હવામાનવિભાગે માહિતી આપી છે કે શુક્રવારે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં વરસાદ રહેશે, જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ વરસાદ રહેવાની શક્યતા છે.

    શનિવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર થોડું ઓછું રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના વિસ્તારોમાં વરસાદ વધે એવી શક્યતા છે.

    જોકે કેટલાંક કાચાં મકાનોમાં નુકસાની થઈ છે. જિલ્લા કલેક્ટરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે વરસાદના કારણે રાહતકામગીરીમાં અડચણો આવી રહી છે. જિલ્લા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

    તેમણે એવું પણ કહ્યું હતું કે વીજથાંભલા અને વૃક્ષો ઊખડી ગયાં હતાં. વરસાદ અટકે એ બાદ જ આ અંગે સરવે કરવાની પ્રક્રિયા હાથ ધરી શકાશે.

  17. કચ્છના માંડવીમાં લોકો આખી રાત ઊંઘ્યા નથી, વાવાઝોડું ટકરાયું પછી શું થયું?

    રૉક્સી ગાગડેકર છારા

    બીબીસી સંવાદદાતા, માંડવી કચ્છથી

    બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ બંદર પાસે ત્રાટક્યું એને 15 કલાક કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે. કચ્છના માંડવીમાં પરિસ્થિતિ હજી ઘણી ખરાબ છે. છેલ્લા 12 કલાક કરતાં વધારે સમયથી અહીં સતત વરસાદ વરસી રહ્યો છે અને જોડે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે અને ઘણા લોકોનું કહેવું છે કે તેઓ આખી રાત ઊંઘી શક્યા નથી.

    માંડવી શહેરમાં મોટાભાગનાં મકાનો પાકાં છે, જોકે કેટલાંક કાચાં મકાનોમાં નુકસાની થઈ છે. જિલ્લા કલેક્ટરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે વરસાદના કારણે રાહતકામગીરીમાં અડચણો આવી રહી છે. જિલ્લા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

    તેમણે એવું પણ કહ્યું હતું કે વીજથાંભલા અને વૃક્ષો ઊખડી ગયાં હતાં. વરસાદ અટકે એ બાદ જ આ અંગે સરવે કરવાની પ્રક્રિયા હાથ ધરી શકાશે.

  18. બિપરજોય વાવાઝોડાથી પાકિસ્તાનમાં કેવું થયું નુકસાન?

    બિપરજોય વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંત પાકિસ્તાનના સરહદના વિસ્તારોમાં પણ થવાની શક્યતા સેવાઈ રહી હતી. આ વાવાઝોડાથી કરાચીમાં નુકસાન થવાની શક્યતા હતી પણ એ તરફ વધારે નુકસાન હજી સુધી થયું નથી.

    ઉલ્લેખનીય છે કે ભારત-પાકિસ્તાન સરહદ પર ગુજરાતને અડીને આવેલા સિંધનાં વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી હતી.

    આ વાવાઝોડાના કારણે ત્યાં જોરદાર વરસાદ પડ્યો હતો, સાથે જ પવન પણ ફૂંકાયો હતો. વરસાદ અને પવન ફૂંકાવાના કારણે અહીંનાં ગામોમાં ઘણું નુકસાન થયું છે. જેના કારણે જનજીવનને પણ અસર થઈ છે.

  19. વાવાઝોડાના કારણે દ્વારકામાં કેવી હાલત થઈ?

    બિપરજોય વાવાઝોડું ગુરુવારે કચ્છ જિલ્લાના જખૌ બંદર પાસે ટકરાયું પણ તેની અસર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જોવા મળી રહી છે, ગુરુવારથી જ તેની અસર દેખાવાની શરૂ થઈ ગઈ હતી. શુક્રવારે પણ દ્વારકામાં ભારે વરસાદ પડી રહ્યો છે અને સાથે જ પવન પણ ફૂંકાઈ રહ્યો છે.

    બિપરજોય વાવાઝોડાએ એક રાતમાં કેવી તબાહી સર્જી અને શુક્રવાર સવારથી કેવી પરિસ્થિતિ છે. એ અંગે વાત કરી રહ્યા છે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય (કૅમેરા - સચીન પીઠવા)

  20. શુક્રવારે સવારે વાવાઝોડાની શું છે સ્થિતિ?

    બિપરજોય વાવાઝોડું ગુરુવારે સાંજે કચ્છના જખૌ બંદર પાસે ટકરાઈ ગયું હતું અને તે આગળ વધ્યું હતું, તેના લૅન્ડફોલની પ્રક્રિયા મોડી રાત સુધી ચાલુ રહી હતી.

    બિપરજોય વાવાઝોડાની શુક્રવાર સવાર સુધીની સ્થિતિ અંગે હવામાનવિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. તેમણે સવારે 8.30 વાગ્યા સુધીની સ્થિતિના આધારે વાવાઝોડાનો આ નકશો જાહેર કર્યો છે.

    આ પ્રમાણે વાવાઝોડું સવારે સાડા આઠ વાગ્યે ભુજથી 30 કિલોમિટર દૂર હતું અને આગળ વધી રહ્યું હતું. હવામાનવિભાગનો અંદાજ છે કે વાવાઝોડું શુક્રવાર સાંજ સુધીમાં નબળું પડશે.